થોડા દિવસ પહેલાં એક સમાચાર આવ્યા કે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી એક પુસ્તક લખી રહ્યાં છે અને નવેમ્બરમાં પ્રકાશિત થશે. ‘બિલોંગિંગ: અ જર્ની ઑફ લવ’ નામના આ પુસ્તકનું કવર પેજ પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. સમાચાર આવ્યા એવા આખી કોંગ્રેસ ઇકોસિસ્ટમે વધાવી લીધા અને કોઈ ધર્મગ્રંથ બહાર પડવાનો હોય એ રીતે તેને ફેલાવ્યા. તેના થોડા દિવસ પછી 28 ઑગસ્ટે અખબાર ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં એક રિપોર્ટ પ્રકાશિત થયો જેમાં દાવો કરવામાં આવ્યો કે ભારતમાં પેંગ્વિન રેન્ડમ હાઉસે પુસ્તક પ્રકાશિત કરવાની ના પાડી દીધી છે. કારણ એ કહેવામાં આવ્યું કે પ્રકાશન સંસ્થાએ પુસ્તકમાં અમુક સુધારા સૂચવ્યા હતા જેના માટે સોનિયા ગાંધીએ ના પાડી દીધી. હવે આ સમાચાર માથે લઈને એ જ ઇકોસિસ્ટમ ફરી રહી છે.
સોનિયા ગાંધીનું આ પુસ્તક અમેરિકન સંસ્થા આલ્ફ્રેડ એ નોફ પ્રકાશિત કરી રહી છે. આ સંસ્થા પેંગ્વિન રેન્ડમહાઉસની જ સબસિડરી છે. એટલે ભારતમાં પેંગ્વિન ઇન્ડિયાને કામ સોંપાયું હતું. એક્સપ્રેસના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે પ્રકાશન સંસ્થાએ મેન્યુસ્ક્રિપ્ટમાં અમુક સુધારા સૂચવ્યા હતા પરંતુ એ સોનિયા ગાંધીએ નકારી દીધા. એટલે હવે પેંગ્વિને પ્રોજેક્ટ પડતો મૂક્યો છે અને સંભવતઃ હાર્પર કોલિન્સ પુસ્તક પ્રકાશિત કરશે.
આ સમાચાર પર વિવાદ શરૂ થયો એટલે પેંગ્વિન ઇન્ડિયાએ એક સ્ટેટમેન્ટ બહાર પાડ્યું.
Penguin Random House India official statement. pic.twitter.com/2g8y3F1p7m
— Penguin India (@PenguinIndia) August 28, 2026
પ્રકાશન સંસ્થા પોતાના નિવેદનમાં કહે છે, ‘પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા ભારતમાં ‘બિલોંગિંગ’ (પુસ્તકનું નામ) પ્રકાશિત કરી રહ્યું નથી. લેખિકાએ (સોનિયા) અમુક સુધારા નકારી દીધા હોવાના આકારને પ્રકાશન સંસ્થાએ પુસ્તક પ્રકાશિત ન કરવાનો નિર્ણય લીધો હોવાની વાતો સંપૂર્ણપણે સાચી નથી કે ન તેનાથી સ્થિતિ સ્પષ્ટ થાય છે.’
આગળ સંસ્થાએ કહ્યું, ‘પ્રકાશક તરીકે તથ્યો ચકાસવાં અને પુસ્તકના હિતમાં અમુક સુધારાઓ સૂચવવા એ પ્રકાશકનો વિશેષાધિકાર પણ છે અને એક રીતે જવાબદારી પણ છે. પ્રકાશન પ્રક્રિયાની આ નિયમિત પ્રક્રિયા છે. જેટલી પણ ચર્ચા ચાલી એ દરમ્યાન પેંગ્વિન ઈન્ડિયાનું વલણ સ્પષ્ટ હતું કે અમે પુસ્તક પ્રકાશિત કરવા માટે તૈયાર છીએ. લેખિકા સાથે જે કંઈ ચર્ચા થઈ એની ઉપર હવે વધુ ટિપ્પણી કરવી આવશ્યક નથી.’
સમાચાર પછી ફરીથી ‘લોકશાહી’ અને ‘ફ્રીડમ ઑફ એક્સપ્રેશન’વાળી ટોળકી ફરી સોશિયલ મીડિયા પર ભાગદોડ કરવા માંડી છે.
Penguin Worldwide is ready to publish Smt. Sonia Gandhi ji's upcoming book worldwide in its original form, but Penguin Random House India wants changes made to launch it in India. After all, what is the reason or what pressure is there that what is being published across the…
— Ashok Gehlot (@ashokgehlot51) August 28, 2026
તાજા સમાચાર એવા ફરતા કરવામાં આવ્યા છે કે પુસ્તકમાં સંઘ, ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશેના અમુક ઉલ્લેખો હટાવવા માટે કહેવામાં આવ્યું હતું અને સોનિયા ગાંધીએ ઇનકાર કરી દેતાં આ વિવાદ ઉભો થયો છે. મજાની વાત એ છે કે આમાંથી કોઈએ પુસ્તકનું લખાણ કે મેન્યુસ્ક્રિપ્ટ વાંચ્યાં નથી. મીડિયામાં પણ ‘સૂત્રો’ના આધારે જ સમાચાર છપાઈ રહ્યા છે.
પુસ્તકમાં ચીન સાથેના સરહદ વિવાદનો ઉલ્લેખ હોવાનું કહેવાય છે. ચીનના મુદ્દામાં સોનિયાપુત્ર રાહુલને પહેલેથી રસ છે. પણ રસ મુદ્દાને તોડીમરોડીને રજૂ કરવામાં વધારે રહ્યો છે. રાહુલે કાયમ ચીન ભારતમાં ઘૂસી આવ્યું હોવાનો પ્રોપગેન્ડા ચલાવ્યો છે અને બીજી તરફ સરકાર સતત સ્પષ્ટતા કરતી રહી. મીડિયા અહેવાલોનું માનીએ તો પુસ્તકમાં આ વિષય પર પણ ચર્ચા કરવામાં આવી છે.
ગાંધી પરિવારનો એક સભ્ય સતત ચીન સાથેના વિવાદ મુદ્દે પ્રોપગેન્ડા ચલાવતો હોય અને બીજા સભ્યનું એક પુસ્તક આવે એમાં પણ આ વિષયની વાત હોય તો સ્વાભાવિક છે કે તેનો ટોન શું હશે. રાહુલ ગાંધી જે વાતો કરે છે તેના તથ્યાત્મક આધાર તેમની પાસે નથી. જ્યારે પૂછવામાં આવે છે ત્યારે તેઓ સંસદમાં પ્રોપગેન્ડાબાજ પત્રકારોએ પ્રોપગેન્ડા મેગેઝિનોમાં લખેલા લેખો લઈને દોડી આવે છે, જેનું ફેક્ટચેક પહેલાં જ થઈ ચૂક્યું હોય છે. સેના અને સરકાર પર તેમને વિશ્વાસ હોતો નથી. એટલે પુસ્તકમાં પણ આ જ પ્રોપગેન્ડાને સંસ્મરણકથામાં ભેળવીને રજૂ કરવામાં આવ્યો હોવાની શક્યતાઓ નકારી શકાય નહીં.
પેંગ્વિને જે સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે એ આમ તો ગૂંચવાડાભર્યું છે, પણ એમાં કહેવામાં આવ્યું છે કે તથ્યો ચકાસવાં એ પ્રકાશકનો વિશેષાધિકાર પણ છે અને જવાબદારી પણ. પ્રશ્ન એ છે કે કોઈ પુસ્તકમાં પ્રકાશકે ફેક્ટચેક કરવું પડે તો એ પુસ્તકની સામગ્રી અને ગુણવત્તા પર પ્રશ્નો ઊભા કરે છે. ચીન મુદ્દે પ્રકાશક સાચાં તથ્યો, જે સેનાએ જણાવ્યાં છે એ જણાવે અને લેખિકા એ નકારી દે તો બીજો પ્રશ્ન એ આવે છે કે આ પુસ્તક સ્મરણકથા છે કે પ્રોપગેન્ડા?
એ વાત સાચી કે જે વ્યક્તિનું જીવન રાજકારણમાં રહ્યું હોય, ઊંચા હોદ્દાઓ પર જેઓ રહ્યા હોય તેઓ સ્મરણકથા લખે ત્યારે રાજકારણને છૂટું પાડી શકાય નહીં. પરંતુ એ અલગ વાત છે અને ચોક્કસ પોલિટિકલ એજન્ડા સાધવા માટે પુસ્તકનો ઉપયોગ કરવો, સ્મરણકથાના આવરણમાં ચડાવીને ખોટાં તથ્યો રજૂ કરવાં એ બીજી વાત છે.
આ આખા વિવાદની ક્રોનોલોજી પણ સમજાય એવી છે. પહેલાં પુસ્તકની જાહેરાત થાય છે, જેનું ઠીકઠાક પ્રસારણ થાય છે. ત્યારબાદ પ્રકાશકે ના પાડ્યાના અહેવાલો આવે છે અને પછી સંઘ-મોદી-ભાજપને વચ્ચે લઈ અવાય છે. ચીનનો મુદ્દો વચ્ચે આવે છે. સ્મરણકથા કે પુસ્તક બાજુ પર રહી જાય છે અને રાજકારણ હાવી થઈ જાય છે.
આશય જો ખરેખર એક પુસ્તક લખવાનો, જીવનકથા કહેવાનો, સ્મરણો વાગોળવાનો હોય તો આ બધું ન આવવું જોઈએ. આ બધું આવતું હોય તો પ્રશ્ન એ છે કે મૂળ આશય જ સ્મરણકથાના ઓઠા હેઠળ રાજકીય હેતુઓ સાધવાનો છે? એ તો હવે પુસ્તક આવશે ત્યારે જણાશે, પણ પુસ્તકનો ઠીકઠાક પ્રચાર થાય એ માટે પણ આ બધાં ગતકડાં થતાં હોય એવી પણ એક શક્યતા છે.


