ભારતમાં સેક્યુલરિઝમ કે પંથનિરપેક્ષતાનો ઘણોખરો ભાર બહુમતી હિંદુ સમુદાય પર જ રહે છે. બીજી તરફ આ જ પંથનિરપેક્ષતાના નામે દ્વિતીય બહુમતી સમુદાય મુસ્લિમોનું તુષ્ટિકરણ થતું રહે છે. ભારતમાં સેક્યુલરિઝમની આ જ વ્યાખ્યા છે. જે કંઈ હિંદુ આસ્થા, પરંપરાને લગતું હોય તેમાં કાપ મૂકી દેવાનો પણ આ જ સિદ્ધાંત ઇસ્લામ કે અન્ય પંથ-સંપ્રદાયો માટે લાગુ પડતો હોતો નથી. રાજકારણીઓથી માંડીને ઇતિહાસકારો, લેખકો, પત્રકારો અને વૈચારિક વર્તુળોના તમામ બુદ્ધિજીવીઓ આ વિચાર આસપાસ જ ફરતા રહે છે. જેઓ મારગ ભટકે તેમને સમયે-સમયે પરચા મળતા રહે છે.
હમણાં ગુજરાતના એક સેક્યુલર, રૅશનલ અધ્યાપક સાથે આવું જ કશુંક બન્યું છે.
હેમંતકુમાર શાહની ફેસબુક પ્રોફાઇલ કહે છે કે તેઓ અમદાવાદની એચ. કે આર્ટ્સ કોલેજના એક્ટિંગ પ્રિન્સિપાલ અને એસોશિએટ પ્રોફેસર રહી ચૂક્યા છે. હાલ નિવૃત્ત છે. સોશિયલ મીડિયા પર સારા એવા સક્રિય રહે છે. આ લખાયાની ક્ષણે ફેસબુક પર તેમના 22 હજાર ફોલોઅર્સ છે.
સોશિયલ મીડિયા જોતાં હેમંત શાહનો વૈચારિક ઝુકાવ સ્પષ્ટ જણાય છે. મોદી, સંઘ અને ભાજપ પ્રત્યેનો દ્વેષ પણ આ પોસ્ટ, લખાણો અને વિડીયોમાંથી છુપાતો નથી. સેક્યુલરોને આ સંઘ-મોદી પ્રત્યેનો દ્વેષ હિંદુત્વ પ્રત્યેના દ્વેષમાં ક્યારે પલટાઈ જાય એની ખબર પડતી નથી. પ્રોફેસર શાહ પણ સમયાંતરે સંઘને, હિંદુત્વવાદીઓને પોતાની ફેસબુક દીવાલે ફટકારતા રહે છે. સેક્યુલર-લિબરલ પ્રકારનું જ્ઞાન પીરસતા રહે છે.
વિડીયોમાં મોદીનો, સરકારનો કે ભાજપનો વિરોધ કરવા માટે હિંદુ પરંપરાઓને ઘસડી લાવવાની પ્રોફેસર શાહને આદત છે. 15 ઑગસ્ટે મોદીએ લાલ કિલ્લા પરથી ભાષણ કરતી વખતે ‘દિમાગી નક્સલ’ શબ્દપ્રયોગ કર્યો તેનાથી ઈકોસિસ્ટમ આકુળ-વ્યાકુળ થઈ ગઈ છે. પ્રોફેસર શાહે પણ એક વિડીયો બનાવ્યો હતો અને એમાં ભગવાન શંકર, તેમના પુત્ર કાર્તિકેયને વચ્ચે લઈ આવ્યા હતા.

આ વિડીયોનું શીર્ષક છે– ‘ભગવાન શંકરના પુત્ર કાર્તિકેય ‘નક્સલ’ હતા? વિડિયોમાં લખ્યું છે– ‘જય નક્સલેશ્વર મહાદેવ!’
જુલાઈના અન્ય એક વિડીયોનું શીર્ષક છે– ‘શું અર્જુન હસ્તિનાપુરનો દેશદ્રોહી હતો?’ વિડીયોમાં તેઓ ગીતા અને ભગવાન શ્રીકૃષ્ણનો ઉલ્લેખ કરીને સરકારની ટીકા કરવા જાય છે.
આવી બધી અવળચંડાઈઓ છતાં સહિષ્ણુ હિંદુઓએ બહુ-બહુ તો કૉમેન્ટ બોક્સમાં ટીકા કરી હશે અથવા સાચી હકીકત જણાવી હશે. પણ હમણાં હેમંત શાહે સ્વભાવથી વિરુદ્ધ જઈને બીજું એક સાહસ ખેડી નાખ્યું– કુરાન પર વિડીયો બનાવવાનું.
આમ તો આ પ્રવૃત્તિ ગુજરાતના સેક્યુલર, લિબરલ અને રૅશ્નલોના સ્વભાવથી વિપરીત છે, કારણ કે આ આખી ટોળકી ક્યારેય આવા વિષયો પકડતી નથી. કેમ નથી પકડતી એનો જવાબ હેમંત શાહની પોસ્ટના કૉમેન્ટ બૉક્સમાં છે, પરંતુ પહેલાં તેમણે વિડીયોમાં શું કહ્યું હતું એ જોઈએ.
‘શું કુરાન આકાશી ગ્રંથ છે’ નામના વિડીયોમાં હેમંત શાહ કહે છે, “આજે આપણે ઇસ્લામ ધર્મના સૌથી પવિત્ર ગ્રંથ એવા કુરાન વિશે વાત કરીએ.” ત્યારબાદ તેઓ પોતાની પાસે રહેલું એક પુસ્તક બતાવીને કહે છે કે તે મૂળ અરબી ભાષામાં લખાયેલા પુસ્તકનો ઉર્દૂ અને ત્યારબાદ ગુજરાતી ભાષામાં અનુવાદ છે.
આગળ તેઓ કહે છે, “આ અનુવાદમાં એક પ્રસ્તાવના લખવામાં આવી છે. 27 પાનાંની પ્રસ્તાવના છે. આ પ્રસ્તાવના પહેલાં ‘બે શબ્દો’ એમ કરીને ત્રણ પાનાં લખવામાં આવેલાં છે. તેમાં આરંભમાં આવું લખવામાં આવ્યું છે. શબ્દો આવા છે: ‘કુરાન આકાશી ગ્રંથ છે અને તેનું અવતરણ અંતિમ પયગંબર હઝરત મોહમ્મદ પર સમગ્ર માનવજાતના માર્ગદર્શન માટે થયું છે. એનો અર્થ એ થાય છે કે કુરાન આકાશમાંથી આવ્યું છે.’
આગળ, “હવે સવાલ એ છે કે આકાશમાંથી તો કેવી રીતે આવી શકે? જગતના બધા મુસ્લિમો એવું માને છે કે અલ્લાહે મહમંદ પયગંબરને કુરાન લખાવ્યું છે. એટલે કુરાનના જે શબ્દો છે, જે કંઈ લખાણ છે એ બધું જ અલ્લાહે લખાવેલું છે.”
હેમંત શાહ કહે છે, “મૂળ મુદ્દો એ છે કે કશું આકાશી હોય શકે નહીં. જેટલું પણ લખાણ આ દુનિયામાં છે એ બધું કોઈકને કોઈ મન્યુષ્યે જ લખેલું છે. કશું આકાશી, દૈવી, ઈશ્વરે કે અલ્લાહે કે ગોડે કે બધા ભગવાનોએ લખેલું કે લખાવેલું હોય શકે નહીં. એનું કારણ એ છે કે ઈશ્વર, અલ્લાહ, ગોડ કે બધા ભગવાનોનું ભૌતિક અસ્તિત્વ મારી-તમારી જેમ હોય તેનો કોઈ પુરાવો આજ સુધી મળ્યો નથી. એટલે એ બધા ભગવાનો એ મન્યુષ્યોએ કરેલી ધારણા છે. માન્યતા છે. જુદા-જુદા સમયે જુદા જ-દા પ્રદેશોના લોકોએ જુદા-જુદા ભગવાનોના નામથી ધારણા કરેલી છે, એ સિવાય બીજું કશું નથી.”
ત્યારબાદ તેઓ મોહનદાસ ગાંધીના સાથી કિશોરલાલ મશરૂવાળાએ લખેલા ‘સમૂળી ક્રાંતિ’ પુસ્તકને ટાંકીને કહે છે કે પુસ્તકમાં વૈચારિક ક્રાંતિ માટેના પાંચ સિદ્ધાંતો છે. આ સિદ્ધાંતોને ‘પ્રતિપાદન’ નામ આપવામાં આવ્યું છે. જેમાં બીજું પ્રતિપાદન કહે છે કે દુનિયાનું કોઈ શસ્ત્ર, એટલે કે કોઈ પણ ધર્મપુસ્તક ઈશ્વર, અલ્લાહ કે ગોડનું વક્તવ્ય હોય શકે નહીં, છે નહીં. એટલે એ મનુષ્યની વિવેકબુદ્ધિની એરણ પર ચડી ન શકે એવું ન હોય શકે. અભિપ્રાય આપનાર અથવા ઉદ્ગાર કાઢનાર ગમે તેવી વ્યક્તિ હોય તેનું વચન વિવેકની કસોટી વાપર્યા વિના શ્રદ્ધાથી સ્વીકારી લેવા જેવું ગણાય નહીં. બધાં વચનો મનુષ્યની બુદ્ધિમાંથી નીકળેલાં કે ભાવનાવશતામાંથી જ નીકળેલાં સમજવાં જોઈએ અને જેટલે અંશે તે અનુભવ તથા વિવેકની કસોટીમાંથી ખરા ઉતરે એટલે જ અંશે ગ્રાહ્ય સમજવાં જોઈએ.”
આગળ હેમંત શાહ કહે છે, “આમ કુરાન હોય કે બીજો કોઈ પણ ધર્મગ્રંથ હોય, એક પણ પુસ્તક ઈશ્વરે, અલ્લાહે કે ગોડે લખેલું, કહેલું કે લખાવેલું હોય શકે નહીં. બધા જ ધર્મગ્રંથો મનુષ્યોએ લખેલા કે લખાવેલા જ છે. એટલે જ્યારે લખાયા હશે, જે સમયે લખાયેલા હોય તે સમયે તે સાચા અને સારા હોય શકે, આજે કદાચ સારા ન પણ હોય, સાચા ન પણ હોય.”
પ્રોફેસર શાહની વાતો તાર્કિક રીતે કેટલી સાચી છે અને કેટલી ખોટી એ અલગ ચર્ચાનો વિષય છે. એક અલાયદો લેખ પણ થઈ શકે. અત્યારે ચર્ચાનો વિષય એ નથી. એટલી વાત નોંધીને આગળ વધી જઈએ કે સામાન્ય રીતે હિંદુઓને જ્ઞાન આપતી વખતે, તેમની પરંપરાઓ અને સંસ્કૃતિની ટીકા કરતી વખતે કે ઘણી વખત ઉપહાસ કરતી વખતે ક્યારેય સેક્યુલરો તેમાં અન્ય પંથ, મજહબ કે તેની પરંપરાઓને ઘસડી લાવતા નથી. પણ અન્ય પંથો વિશે જ્યારે વાત કરવાની હોય ત્યારે તેમાં બેલેન્સ કરવા માટે હિંદુ આવી જાય છે. અહીં પણ એ જ થયું છે. અલ્લાહની વાત કરતી વખતે આપમેળે ‘ઈશ્વર’ અને ‘ભગવાન’ આવી ગયા છે. આ પણ સેક્યુલરિઝમની પાઠશાળાનો જ એક અગત્યનો પાઠ છે.
સામાન્ય રીતે તેમની બીજી પોસ્ટ પર જે સેક્યુલરો આવીને વાહવાહી કરતા હતા તેમાંના મોટાભાગના આ પોસ્ટમાં દેખાયા જ નહીં અને ઉપરથી મજહબી બાબતો પર ટિપ્પણી કરવા બદલ ટીકા-ટિપ્પણીઓ શરૂ થઈ જે આખરે અપશબ્દો અને ‘ભારે પડશે’ની ધમકીઓ સુધી પહોંચી ગઈ.

કૉમેન્ટ્સમાંથી તાર્કિક રીતે વાતનો વિરોધ થયો હોય એવી કૉમેન્ટ્સ સાવ ઓછી છે, બાકીનીમાં એક જ સલાહ આપવામાં આવી છે કે પ્રોફેસરે આ વિષય પર બોલવું ન જોઈએ. કોઈએ કહ્યું છે કે તેમણે પોતાના ધર્મમાં જ ધ્યાન આપવું જોઈએ અને મુસ્લિમો શું માને છે અને શું નહીં તેની સાથે તેમને ઝાઝી નિસ્બત ન હોવી જોઈએ.
વળી ગાળો પણ ભાંડવામાં આવી. કોઈએ કહ્યું કે પ્રોફેસર પર FIR કરવી જોઈએ. કોઈ કહી રહ્યું હતું કે તેમણે આ ચાલુ જ રાખ્યું તો ભવિષ્યમાં ભારે પડી શકે છે.
નોંધવા જેવી વાત એ છે કે હિંદુ પરંપરાઓને સીધી ઘસડી લાવીને તેનો ઉપયોગ રાજકીય વિરોધ માટે કરતા અનેક વિડીયો બનાવ્યા ત્યાં સુધી વાહવાહી થઈ, રૅશનલિઝ્મ અને સેક્યુલરિઝમના ઝંડા બુલંદ થયા. અહીં સુધી કે ભગવાન શંકર સાથે ‘નક્સલવાદ’ શબ્દ જોડ્યો, પણ તેમણે આવા તીવ્ર વિરોધ કે ગાળાગાળીનો સામનો કરવો પડ્યો ન હતો. હવે એક જ વિડીયો કુરાન પર બનાવ્યો અને કૉમેન્ટ બૉક્સની સ્થિતિ પલટાઈ ગઈ. ભારતમાં ધાર્મિક-મજહબી સહિષ્ણુતા વિશે આ સેક્યુલર-લિબરલો હિંદુઓને જ્ઞાન પીરસતા રહે છે પણ સાચી વાસ્તવિક સ્થિતિ શું છે તેનું સચોટ ઉદાહરણ આ કૉમેન્ટ બોક્સ જ છે. તેમ છતાં કાલે ઉઠીને આ સેક્યુલરોને પૂછશો તો કહેશે કે હિંદુઓ દહાડે-દહાડે અસહિષ્ણુ થઈ રહ્યા છે!
આ પરચો મળ્યા પછી હેમંત શાહ હવે ઇસ્લામ પર જ્ઞાન આપવાનું ચાલુ રાખે છે કે પછી આ તેમનો અંતિમ વિડીયો હશે એ પ્રશ્ન છે, જેનો જવાબ તેઓ પોતે જ આપી શકે એમ છે.


