
હિમાલયી વિસ્તારમાં ગ્લેશિયર અને પહાડનો એક મોટો ભાગ ધસી પડવાના કારણે નેપાળ અને તિબેટ સરહદી વિસ્તારમાં 26 ઑગસ્ટે ભારે જળપ્રલય સર્જાયો હતો. આ પ્રકોપના કારણે ત્રિશૂલી અને ભોટે કોશી નદીઓમાં અચાનક પૂર આવી ગયું હતું. જેના લીધે નદી કિનારે આવેલા અનેક ગામડાં, ઘર, પુલ, રસ્તાઓ અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ પાણી અને કાટમાળમાં વહી ગયાં છે. આ ઉપરાંત મૃત્યુઆંક પણ ઝડપથી વધી રહ્યો છે.
નેપાળ પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં 450થી વધુ લોકોનાં મોત થયાં છે. આ સિવાય 1,500થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે અથવા તો તેમને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા છે. જોકે હજુ પણ 1,400થી વધુ લોકો ગાયબ હોવાનું કહેવાઈ રહ્યું છે.
ગાયબ લોકોમાં સેંકડો વિદેશી પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર નેપાળમાં મુસાફરી કરી રહેલા અને કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા આશરે 290 ભારતીય નાગરિકો સંપર્ક વિહોણા થયા છે. તદુપરાંત, ત્રિશૂલ-I હાઇડ્રોપાવર પ્રોજેક્ટના 63 કર્મચારીઓ અને તમિલનાડુના 21 નાગરિકો સહિત 84 જેટલા ભારતીયોને સલામત રીતે ઉગારી લેવામાં આવ્યા છે. અમેરિકા અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોના નાગરિકો પણ આ વિસ્તારમાં ગુમ હોવાના અહેવાલ છે.
યુદ્ધના ધોરણે ચાલી રહી છે બચાવ કામગીરી
ઘટનાની જાણ થતાં જ નેપાળ સેના, સશસ્ત્ર પોલીસ બળ અને નેપાળ પોલીસના 8,300થી વધુ જવાનોને રાહત અને બચાવ કામગીરીમાં તહેનાત કરવામાં આવ્યા છે. 14 જેટલા હેલિકોપ્ટરોની મદદથી દુર્ગમ વિસ્તારોમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે. ત્રિશૂલ 3A હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં ફસાયેલા 100 જેટલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ટીમ સતત કામ કરી રહી છે, જ્યારે ત્યાંથી 350 જેટલા કર્મચારીઓને પહેલાં જ સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે.
આ હોનારત પાછળનું મુખ્ય કારણ શોધવા અર્થે જ્યારે વૈજ્ઞાનિકોએ સેટેલાઇટ ઇમેજરી તપાસ્યા ત્યારે જાણવા મળ્યું કે લેંગટાંગ લિસાંગ ચોટી નજીક ગ્લેશિયરની નીચે રહેલો પહાડી ખડક (બ્રેડરોક) અચાનક ધસી પડ્યો હતો. આ કારણે હજારો ટન બરફ અને પથ્થરો એકસાથે વેગથી નીચે આવ્યા અને નદીના પ્રવાહને રોકીને આ વિનાશ નોતર્યો. ચાઇના તરફ આવેલા ગ્યોરોંગ પોર્ટ (ચીન-નેપાળ વેપાર માર્ગ) પર પણ આ મડસ્લાઇડ અને પૂરે ભારે તારાજી સર્જી છે, જેના કારણે ભારત અને ચીન તરફના સરહદી વેપાર સંબંધો ઠપ થઈ ગયા છે.
બેકવોટર લેકના કારણે જોખમ યથાવત
કુદરતી આફતનો ખતરો હજુ પણ ટળ્યો નથી. ચીન અને નેપાળના અધિકારીઓએ ચેતવણી આપી છે કે ભૂસ્ખલન અને કાટમાળના કારણે નદીના ઉપરી ક્ષેત્રમાં એક કૃત્રિમ સરોવર (બેકવોટર લેક) બની ગયું છે. સતત થઈ રહેલા વરસાદના કારણે આ લેક ફાટવાનું ભારે જોખમ છે, જે વહી જશે તો નીચલા વિસ્તારોમાં ફરી એકવાર વિનાશક પૂર આવી શકે છે. જેથી નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા અને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.
નેપાળ સરકારે હાલ પૂરતી વિદેશી રેસ્ક્યૂ ટીમો લાવવાની ના પાડી છે, પરંતુ તેમણે વૈશ્વિક સમુદાય પાસે આર્થિક મદદની અપીલ કરી છે. ભારતે પણ પોતાના પાડોશી દેશ સાથે ઊભા રહેવાની ખાતરી આપી છે. ભારતીય નાગરિકો અને યાત્રાળુઓની સહાયતા માટે વિદેશ મંત્રાલય (MEA) અને કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે 24 કલાક કાર્યરત હેલ્પલાઇન નંબરો (+977 9851316807, +977 9709107500, +91 11 2308 8718) જાહેર કર્યા છે.

