હોમપેજમંતવ્યકુંભ, શાળાઓ અને જજ સાહેબની સેક્યુલર સરખામણી

કુંભ, શાળાઓ અને જજ સાહેબની સેક્યુલર સરખામણી

શાળાઓનું મહત્ત્વ છે, હોસ્પિટલોનું મહત્ત્વ છે. સમસ્યા ત્યાં છે કે માત્ર મંદિરોને નીચાં દેખાડવા માટે કે ધાર્મિક આયોજનોની ટીકા માટે શાળા-હોસ્પિટલોની દલીલોની મદદ લેવામાં આવે છે.

- Advertisement -

ન્યાયાલયોમાં બેઠેલા માનનીય ન્યાયમૂર્તિઓ ચુકાદા આપે છે. સાથે-સાથે ક્યારેક જ્ઞાન પણ આપી દેતા હોય છે. એમાંથી અમુક કામનું નીકળી આવે. ઘણી વખત નકામી બાબતો પણ હોય છે. પછીથી ઉપલી અદાલતે અમુક વખત હસ્તક્ષેપ પણ કરવો પડે છે. ખુરશી પર બેઠાં ઘણી વખત મર્યાદા નડતી હોય છે, પણ કાર્યક્રમોમાં બોલતી વખતે મર્યાદાની રેખા થોડી આગળથી ખેંચી શકાય છે. ખરું જ્ઞાન ન્યાયમૂર્તિઓનાં આવાં ભાષણોમાંથી મળી આવતું હોય છે.

હમણાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પ્રસન્ના ભાલચંદ્ર વરાલે (પી. બી વરાલે) મહારાષ્ટ્રના ધુલેમાં જે શાળામાં પોતે ભણ્યા ત્યાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેમણે એક વાત કહી જે હેડલાઈન બની ગઈ છે.

જજ સાહેબે મહારાષ્ટ્રની મરાઠી માધ્યમની શાળાઓ અને તેની સ્થિતિ વિશે ચિંતા જાહેર કરતાં કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર નાશિક કુંભ માટે હજારો કરોડ રૂપિયા ખર્ચી રહી છે, તેનો 0.1 ટકા ભાગ પણ જો શાળાઓ પર ખર્ચ કરવામાં આવ્યો હોત તો 100થી 150 શાળાઓ બંધ ન થઈ ગઈ હોત.

- Advertisement -

ધુલેની એક શાળાના કાર્યક્રમમાં બોલતી વખતે જજ વરાલે કહે છે, “એક વાત મેં નોંધી છે કે એક તરફ આપણી સરકાર દાવો કરે છે કે તેઓ વિવિધ કામો માટે તગડું ફંડ પૂરું પાડશે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કુંભ મેળા માટે ₹34,000 કરોડ ફાળવવાની વાત કરી રહ્યા છે. મેં સમાચારમાં વાંચ્યું કે કોરિડોર પર 11,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. સરકાર બીજા અનેક પ્રોજેક્ટ પર હજારો કરોડ ખર્ચી રહી છે.”

આગળ તેઓ કહે છે, “મને આની સામે કોઈ વાંધો નથી. પણ જો આ હજારો કરોડના માત્ર 0.1 ટકા, લગભગ 32 કરોડ પણ શાળાઓ પર ખર્ચ કરવામાં આવ્યા હોત તો જે 100-150 મરાઠી માધ્યમની શાળાઓ બંધ થઈ ગઈ છે એ હજુ ચાલુ હોત.”

કુંભ અને શાળાઓ: સરખામણીની શું જરૂર છે?

પહેલી નજરે આ તથ્યાત્મક અને તર્કસંગત લાગે એવી વાત છે. શાળાઓ બંધ થવાનો મુદ્દો પણ સંવેદનશીલ છે. એક તરફ સરકાર યોજનાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચતી હોય અને બીજી તરફ શાળાઓ બંધ થતી હોય, ખાસ કરીને ભંડોળની અછતના કારણે બંધ થતી હોય તો એ ચિંતાજનક વાત કહેવાય. સમસ્યા પણ છે અને તેનું સમાધાન પણ લાવવું જોઈએ.

પ્રશ્ન એ છે કે આમાં કુંભ ક્યાંથી આવ્યો? કુંભ અને શાળાઓની સરખામણી ક્યાંથી આવી?

શું પરિસ્થિતિ એવી છે કે સરકાર પાસે માત્ર ₹32,000 કરોડ બચ્યા હતા એ તમામ રકમ કુંભ પાછળ ખર્ચી નાખવામાં આવી અને હવે શાળાઓ માટે કશું વધ્યું નથી? શું સરકાર કુંભ પાછળ પણ ખર્ચ કરે અને શાળાઓ માટે પણ ન ખર્ચી શકે?

મહારાષ્ટ્ર દેશનું સૌથી ધનિક રાજ્ય છે. GDPમાં ટોચ પર છે. દર વર્ષે સરકાર હજારો કરોડ રૂપિયાનું બજેટ ફાળવે છે. છતાં જો શાળાઓ માટે વધુ ભંડોળની જરૂર હોય તો તે શોધવા માટે કુંભ સુધી કેમ દોડી જવું જોઈએ?

એવો આગ્રહ કેમ રાખવો જોઈએ કે કુંભના બજેટમાં કાપ મૂકીને અમુક ભાગ શાળાઓ માટે ફાળવવો જોઈએ. આ જ કાપ બીજે ક્યાંક કેમ ન મૂકી શકાય અને કુંભ માત્ર શા માટે?

આવો જ તર્ક આપવો હોય તો કોઈ પણ બાબત માટે આપી શકાય. એમ પણ કહી શકાય કે ન્યાયાધીશોએ ફાલતુ ખર્ચા ઓછા કરીને, અમુક સુખ-સુવિધાઓ છોડી દઈને કે પગારમાં થોડો ઘટાડો કરીને એટલી રકમ શાળાઓના વિકાસ માટે આપવી જોઈએ. ત્યારે પ્રશ્ન એ આવે કે શું શાળાઓનો વિકાસ કરવા માટે જજોનાં પગાર-ભથ્થાં અટકાવવાં જરૂરી છે? તો પ્રશ્ન એ પણ છે કે શું શાળાઓ પાછળ ભંડોળ ફાળવવા માટે કુંભના જ બજેટમાં કાપ મૂકવો જરૂરી છે?

શાળાઓનું પોતાનું મહત્ત્વ છે, કુંભનું કશું નથી?

દલીલો પાછળ મૂળ એ માનસિકતા કામ કરે છે કે શાળાઓ, શિક્ષણ અત્યાવશ્યક છે જ્યારે કુંભ કે એ પ્રકારનાં ધાર્મિક આયોજનોનું મહત્ત્વ કશું જ નથી.

કુંભ હોય કે મહાકુંભ હોય, તેની પાછળ થતો ખર્ચ વેડફાટ હોતો નથી. સરકારો કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે કારણ કે આ આયોજનોમાં લાખો લોકો આવે છે. આવા કાર્યક્રમો પૂર્ણ થાય ત્યારે તે સામે લાખો-કરોડ અર્થતંત્રમાં ઉમેરી આપે છે.

એ શક્ય નથી પણ દલીલ ખાતર માની લઈએ કે આવાં ધાર્મિક આયોજનોથી એક પણ રૂપિયાની આવક ન થતી હોય, તોય શું? દેશના સૌથી મોટા સમુદાયે એપોલોજેટિક શા માટે બની જવું જોઈએ? આ દેશ હિંદુઓનો છે, અહીં હિંદુઓના તહેવારો આવે છે, ધાર્મિક આયોજનો થાય છે. લાખોની સંખ્યામાં હિંદુઓ એકઠા થાય છે. ધાર્મિક કારણોસર એકઠા થાય છે. તેમના માટે આયોજન કરવું એ સરકારોની ફરજ છે. પૈસા ખર્ચવા એ પણ ફરજ છે કારણ કે આ જ નાગરિકો ટેક્સ પણ ચૂકવે છે.

કુંભ હિંદુઓની અને ભારતની સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક છે. 2025માં પ્રયાગરાજમાં મહાકુંભ થયો એ દુનિયાએ જોયો. દુનિયાના 193 દેશની વસ્તી નથી એટલા હિંદુઓ કુંભમાં આવ્યા અને પવિત્ર સ્નાન કર્યું. દેશ-દુનિયામાંથી સાધુ-સંતો આવ્યા. કુંભ સૈકાઓથી થતો આવ્યો છે. એ આપણી પરંપરા છે. પરંપરા ચાલુ રાખવી, સાંસ્કૃતિક ઓળખ ટકાવી રાખવી એ પણ ધર્મનો ભાગ છે.

વાત માત્ર એટલી છે કે શાળાઓ કે બીજી કોઈ પણ સમસ્યા હોય, તેની ઉપર ચર્ચા થઈ શકે છે, કરવી જોઈએ પણ તેમાં કુંભના ઉલ્લેખની કોઈ જરૂર ન હતી. કારણ કે બીજાં મજહબી કે અન્ય પંથનાં આયોજનો થાય છે ત્યારે આવું જ્ઞાન પીરસવામાં આવતું નથી. જ્યારે આ વાત માત્ર એક ધાર્મિક આયોજન પૂરતી સીમિત નથી, કુંભ રાષ્ટ્રની સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક છે.

સેક્યુલર શિખામણનો ભાર કાયમ હિંદુએ સહન કરવો પડે છે

પરંતુ શિખામણ કાયમ હિંદુઓને અપાતી રહી છે. સરખામણી કાયમ હિંદુ તહેવારો અને હિંદુ ધાર્મિક સ્થળો સાથે થાય છે. હિંદુઓ જ્યારે પ્રભુ શ્રીરામની જન્મભૂમિ માટે લડી રહ્યા હતા ત્યારે પણ આવી જ બેશરમીભરી સલાહો આપવામાં આવતી હતી: મંદિર દેશમાં આટલાં છે, તેના સ્થાને શાળાઓ કે હોસ્પિટલો બાંધવી જોઈએ. એક વધુ મંદિર બનશે એનાથી શું થશે?

આવી દલીલ આપનારા હોંશિયારો ક્યારેય એવું કહેતા નથી કે દેશમાં આટલી બધી મસ્જિદો છે, આટલાં ચર્ચ છે, વધુ એક મસ્જિદ કે ચર્ચના સ્થાને શાળા કે હોસ્પિટલ બાંધવી જોઈએ. 2019ના રામ મંદિર કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એક મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીન ફાળવી આપી પછી આમાંનો એક પણ એવું ન બોલ્યો કે મસ્જિદવાળું માંડી વાળીને એક નવી શાળા બાંધવી જોઈએ. જ્યારે હકીકત એ પણ હતી કે મુસ્લિમો માટે કે ઇસ્લામ માટે બાબરી એ એકમાત્ર મસ્જિદ હતી, જેમ દેશમાં હજારો બીજી મસ્જિદ છે. હિંદુઓ માટે આ પોતાના આરાધ્યનું જન્મસ્થાન હતું! છતાં સલાહ હિંદુઓને જ અપાઈ. જેવી મસ્જિદ બનાવવાની વાત આવી એટલે ગાયબ થઈ ગઈ!

વાસ્તવિકતા બીજી એક એ છે કે આ દેશનાં તમામ મંદિરો સરકારોના નિયંત્રણ હેઠળ છે. તેની સાથે અનેક મંદિરો શાળાઓ અને હોસ્પિટલો અને અનેક સામાજિક સંસ્થાઓ ચલાવે છે. વર્ષે કરોડો રૂપિયાનાં કામો કરતાં રહે છે. પણ તેનો અર્થ એ નથી કે મંદિરો બંધ કરીને આ કામો ચાલુ કરી દેવાય. મંદિરો પણ ચાલતાં રહે છે, સામાજિક અને સેવાકાર્યો પણ થાય છે. ઇન ફેક્ટ મંદિરો છે એટલે જ આ સેવાકાર્યો થતાં રહે છે. સેવાકાર્યો થતાં રહે એના માટે મંદિરોનું હોવું જરૂરી છે.

શાળાઓનું મહત્ત્વ છે, હોસ્પિટલોનું મહત્ત્વ છે. સમસ્યા ત્યાં છે કે માત્ર મંદિરોને નીચાં દેખાડવા માટે કે ધાર્મિક આયોજનોની ટીકા માટે શાળા-હોસ્પિટલોની દલીલોની મદદ લેવામાં આવે છે. હિંદુઓને અપરાધભાવ હેઠળ ધકેલી દેવામાં આવે છે. જાણે તેમનાં મંદિરોના કારણે, તેમનાં કુંભ જેવાં ધાર્મિક આયોજનોના કારણે આ દેશનાં બાળકો શાળાથી વંચિત રહી ગયાં છે.

બાળકો શાળાથી વંચિત રહેતાં હોય તો શાળાઓ પાછળ ખર્ચ કરવો જોઈએ, પણ એ ખર્ચ કુંભમાં શોધવા જવાની જરૂર નથી. ક્યાંય શોધવા જવાની જરૂર નથી. સરકારો બંને કામ કરી શકે છે. સરકાર એ પૈસો ક્યાંથી લાવશે એ સરકારે જોવાનું છે. જજ સાહેબને ચિંતા હોય તો એ ચિંતા તેઓ ભલે કરે, પણ તેના માટે પૈસા કુંભના આયોજનમાં શોધવા જવાનો હક ન સરકારને છે, ન જજને.  

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં