
રાજકોટમાં 6 વર્ષની માસૂમ બાળકી સાથે બનેલી દુષ્કર્મની ઘટના બાદ પીડિતાની ઓળખ છતી કરવા મામલે કોંગ્રેસનાં મહિલા નેતા પ્રગતિ આહીર સામે દાખલ કરવામાં આવેલી FIR હાઇકોર્ટે રદ કરવાનો ઇનકાર કરાઈ દીધો છે. કોર્ટે કહ્યું કે પોક્સો કેસમાં પીડિત બાળકની ઓળખ જાહેર કરવી કે ગોપનીયતાને નુકસાન પહોંચે તેવું કોઈ પણ કૃત્ય કરવું એ સજાપાત્ર ગુનો બને છે અને FIRમાં મેરિટ છે જેથી હાલના તબક્કે રદ ન કરી શકાય અને આરોપીઓએ તપાસનો અને કાર્યવાહીનો સામનો કરવો પડશે.
ઘટનાની વિગતો અનુસાર, રાજકોટના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 6 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મનો કેસ સામે આવ્યા બાદ પ્રગતિ આહીર અને કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓ કાયદાકીય માર્ગદર્શન આપવાના નામે પીડિતાના ઘરે પહોંચ્યા હતા. આ મુલાકાત બાદ તેમણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લખાણ સાથે કેટલાક ફોટોગ્રાફ્સ અને શોર્ટ વિડીયો ક્લિપ્સ અપલોડ કર્યાં હતાં.
આ મામલે આટકોટ પોલીસે પ્રગતિ આહીર અને અન્યો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપ અનુસાર સોશિયલ મીડિયા પર મૂકેલા વિડિયોમાં બાળકીનો ચહેરો બ્લર કરવામાં આવ્યો હોવા છતાં બેકગ્રાઉન્ડનાં દૃશ્યો રહેણાંક વિસ્તારની આસપાસનો ચોક્કસ નજારો અને પરિવારજનોની તસવીરો સ્પષ્ટ દેખાતી હતી. પરિવાર અને ઘરનાં દૃશ્યો જાહેર થવાથી બાળકી અને તેના સંબંધીઓની ઓળખ પણ છાતી થાય, જે પીડિતા સામે બદલાની કાર્યવાહીનું જોખમ ઊભું કરે છે અને તેની ગોપનીયતા તથા સુરક્ષાના અધિકારનું પણ ગંભીર ઉલ્લંઘન છે.
કોર્ટમાં દલીલ
સામે પક્ષે કોંગ્રેસ નેતા પ્રગતિ આહીરે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે તેમણે પોસ્ટમાં બાળકીનું નામ, શાળા કે સરનામું જાહેર કર્યું નહોતું અને ચહેરો પણ બ્લર કર્યો હતો. તેમણે બંધારણીય સ્વતંત્રતાનો હવાલો આપીને દલીલ કરી હતી કે માત્ર આસપાસનો વિસ્તાર દેખાવાથી સીધી કે આડકતરી રીતે ઓળખ છતી થતી નથી, તેથી FIR રદ થવી જોઈએ. પરંતુ હાઇકોર્ટે તેમની આ દલીલોને ગ્રાહ્ય રાખી નહોતી.
બંને પક્ષોની રજૂઆતો બાદ ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું કે, કાયદો પીડિત બાળકની ઓળખ કે ગોપનીયતાને નુકસાન પહોંચાડે તેવા કોઈપણ ફોટા, વિડિયો કે રિપોર્ટના પ્રકાશન પર કડક પ્રતિબંધ મૂકે છે. મીડિયા કે કોઈપણ રાજકીય વ્યક્તિ બાળકની પ્રાઈવસી સાથે રમત રમી શકે નહીં. અરજદાર સામે પ્રથમ દર્શનીય ગુનો બનતો હોવાનું નોંધીને હાઇકોર્ટે મૂળ FIRમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

