
ઑક્ટોબર 2024માં નવરાત્રિ દરમ્યાન હિંદુ સગીરાના ગેંગરેપ મામલે વડોદરાની સ્પેશિયલ પોક્સો કોર્ટે પાંચ આરોપીઓને દોષી ઠેરવ્યા છે.
ઘટના 4 ઑક્ટોબર, 2024ના રોજ વડોદરાના ભાયલી વિસ્તારમાં બની હતી. 16 વર્ષીય પીડિતા રાત્રે લગભગ 11:30 વાગ્યે તેના મિત્રને મળવા માટે ગઈ હતી. ત્યાંથી બંને એક સોસાયટી નજીક ઊભાં હતાં ત્યારે રાત્રે લગભગ 12ના અરસામાં બે બાઇક પર પાંચ શખ્સોએ આવીને પહેલાં બંને સાથે અભદ્ર વર્તન કર્યું અને ત્યારબાદ દુષ્કર્મને અંજામ આપ્યો હતો.
દોષી ઠેરવવામાં આવેલા ગુનેગારોની ઓળખ મુન્ના અબ્બાસ બનજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ બનજારા, શાહરૂખ બનજારા, અજમલ સત્તાર અને સૈફ અલી મહેંદીહસન તરીકે થઈ છે.
તમામની સજા પર 25 ઑગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
ઘટના બાદ વડોદરા પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરીને પાંચેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને 17 દિવસમાં 6000 પાનાંની ચાર્જશીટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. આશરે બે વર્ષની ટ્રાયલ બાદ કોર્ટે ચુકાદો આપીને આરોપીઓને દોષી ઠેરવ્યા છે.
સરકાર વતી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નયન સુખડવાલા અને સિનિયર એડવોકેટ શૈલેશ પટેલે કોર્ટમાં દલીલો કરી હતી. પ્રોસિક્યુશન ગુનો સાબિત કરવામાં સફળ રહેતાં કોર્ટે તમામ દલીલો ગ્રાહ્ય રાખીને ચુકાદો આપ્યો.
વકીલોનું કહેવું છે કે પોલીસ માટે પણ ગુનાની તપાસ સરળ ન હતી કારણ કે જે સ્થળે ઘટના બની ત્યાં કોઈ સીસીટીવી કવર પણ ન હતું અને અવાવરુ જગ્યા હતી. પણ જિલ્લા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે મળીને ગણતરીના દિવસોમાં આરોપીઓને પણ પકડી પાડ્યા હતા અને 315 ડોક્યુમેન્ટ્રી અને મટીરીયલ એવિડન્સ એકઠા કરીને કેસ મજબૂત બનાવ્યો હતો.
આરોપીઓએ પીડિતાનો મોબાઇલ પણ લઈ લીધો હતો અને ત્યારબાદ વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હતો. જોકે પછીથી પોલીસે ફાયર ટીમની મદદ લઈને શોધવાનો પ્રયાસ કર્યો હતો. કોર્ટે ફાયરના કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ, સગીરાનું પરીક્ષણ કરનારા ડૉક્ટરોની જુબાનીઓ અને મેડિકલ પુરાવા બધું જ માન્ય રાખ્યું હતું.
કોર્ટમાં ટ્રાયલ દરમ્યાન પ્રોસિક્યુશને કોર્ટને જણાવ્યું હતું કે તમામ આરોપીઓ તે રાત્રે ગુનો આચરવા માટે જ નીકળ્યા હતા, કારણ કે તેમનો દાવો એવો છે કે તેઓ માત્ર ગરબા જોવા માટે નીકળ્યા હતા પણ એ રૂટ પર ક્યાંય કોઈ ગરબા ગ્રાઉન્ડ નથી.
આ તમામ દલીલો, પુરાવાઓ અને રેકર્ડ પર ઉપલબ્ધ સામગ્રીના આધારે કોર્ટે આરોપીઓને દોષી ઠેરવ્યા છે. હવે તમામની સજા પર સુનાવણી આગામી 25 ઑગસ્ટના રોજ થશે.

