હોમપેજરાજકારણPM CARESમાં હજારો કરોડ, તો પાછલા વર્ષમાં ખર્ચ માત્ર ₹87 લાખ કેમ...

PM CARESમાં હજારો કરોડ, તો પાછલા વર્ષમાં ખર્ચ માત્ર ₹87 લાખ કેમ થયો?– સમજો

પીએમ કેર્સ નેશનલ ઇમરજન્સી માટે બનાવવામાં આવેલું સ્વયંસેવકોના દાનથી ચાલતું પબ્લિક ટ્રસ્ટ છે, જેનો ઑડિટ રિપોર્ટ તાજેતરમાં બહાર પાડવામાં આવ્યો હતો.

- Advertisement -

કોવિડ મહામારી સમયે તેની સામે લડવા માટે અને ભવિષ્યમાં પણ આવી કોઈ રાષ્ટ્રીય સ્તરની આપત્તિ આવી પડે ત્યારે પહોંચી વળવા માટે એક અલાયદું ભંડોળ હોવું જોઈએ એ ઇરાદે ‘પીએમ કેર્સ’ (Prime Minister’s Citizen Assistance and Relief in Emergency Situations Fund- PM CARES) સ્થાપવામાં આવ્યું હતું.

મોદી જે કંઈ કરે એમાં વાંક શોધતા કોંગ્રેસીઓ અને તેમની ઈકોસિસ્ટમે જે-તે સમયે પણ બહુ હોબાળો મચાવ્યો હતો અને આને ‘ભ્રષ્ટાચાર’માં ખપાવવા માટે બહુ મહેનત કરી હતી. ત્યારપછી પણ તેઓ વારે-તહેવારે ‘પીએમ કેર્સ’ને ટાર્ગેટ કરતા રહે છે. પણ લોકોએ આ ટોળકીને ગંભીરતાથી લીધા વગર ખોબલે-ખોબલે દાન આપ્યું અને એ જ પૈસાનો ઉપયોગ પછીથી મહામારી સમયે થઈ શક્યો.

તાજેતરમાં PM CARESનો નાણાકીય વર્ષ 2024-25નો ઑડિટ રિપોર્ટ બહાર આવ્યો ત્યારે ફરીથી ઇકોસિસ્ટમે હોબાળો મચાવવાનો શરૂ કરી દીધો.

- Advertisement -

‘પત્રકાર’ રાજદીપ સરદેસાઈ એક X પોસ્ટમાં કેપિટલમાં ‘ઇન્ટ્રેસ્ટિંગ’ લખીને કહે છે,

‘PM કેર્સ ફંડ, જેની સ્થાપના માર્ચ 2020માં કોરોના સમયે ઇમરજન્સી સમયે ઉપયોગમાં લેવા માટે કરવામાં આવી હતી, તેને નાણાકીય વર્ષ 2024-25 પૂરું થતાં સુધીમાં ₹8,452 કરોડ મળ્યા, પણ ખર્ચાયા માત્ર ₹87 લાખ. આવું સાર્વજનિક કરવામાં આવેલા ઑડિટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. ફંડના સોર્સ વિશે તો હજુ કોઈ માહિતી નથી. પીએમ કેર્સ દ્વારા RTI એક્ટ હેઠળ પણ કોઈ માહિતી આપવામાં આવતી નથી.’

આવી બીજી પણ અમુક પોસ્ટ જોવા મળશે.

કર્ણાટક સરકારના મંત્રી પ્રિયંક ખડગેને પણ વાંધો પડ્યો છે. ખડગેએ પણ એક પોસ્ટમાં કહ્યું કે પીએમ કેર્સને આટલા બધા રૂપિયા મળ્યા એમાંથી 0.01% જ વાપરવામાં આવ્યા. જો સરકારે પૈસા વાપરવા ન હોય તો ઉઘરાવી કેમ રહી છે એવો પ્રશ્ન પણ ખડગેએ કર્યો. રાજદીપની જેમ તેમણે પણ પીએમ કેર્સ પર બીજા સવાલો ઉઠાવ્યા છે. ખડગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર છે એ સુજ્ઞ વાચકની જાણ સારુ.

રાજદીપ, ખડગે અને તેમના જેવાઓની ઘણી સમસ્યા છે. વારાફરતી જોઈએ.

હકીકત શું છે?

પહેલો પ્રશ્ન એ છે કે પીએમ કેર્સમાં હજારો કરોડ આવ્યા હોવા છતાં માત્ર ₹87 લાખ જ કેમ ખર્ચાયા.

2024-25નો ઑડિટ રિપોર્ટ જોશો તો એ વાત સાચી છે કે એ વર્ષે પીએમ કેર્સનું ઓપનિંગ બેલેન્સ, ફિક્સ્ડ ડિપોઝિટ અને તેમાં આવેલા દાનનો ઉમેરો કરીએ તો ₹8452 કરોડ રકમ થાય છે. ઉપરાંત ખર્ચ ₹87 લાખ 84 હજારનો કરવામાં આવ્યો છે.

PM CARESનો 2024-25નો હિસાબ

આ ₹8452 કરોડ બેલેન્સ છે. અર્થ એ નથી કે એક વર્ષમાં પીએમ કેર્સને આટલું દાન મળ્યું છે. ઓપનિંગ બેલેન્સ, એફડી અને દાન મળીને આટલી રકમ થાય છે.

યાદ રહે, આ ₹87 લાખ ખર્ચ માત્ર નાણાકીય વર્ષ 2024-25માં કરવામાં આવેલી રકમનો છે. જે કોવિડ મહામારીમાં માતા-પિતા ગુમાવનારાં બાળકોની સહાય માટે કરવામાં આવ્યો હતો. પરંતુ વાંકદેખાઓ આને એ રીતે પણ રજૂ કરી રહ્યા છે કે પીએમ કેર્સની સ્થાપનાથી અત્યાર સુધી માત્ર ₹87 લાખ ખર્ચવામાં આવ્યા છે.

2024-25માં વધુ ખર્ચ કેમ ન થયો? કારણ કે મહામારી પણ ન હતી

હકીકત એ છે કે કોવિડ મહામારી હતી ત્યારે આ ખર્ચ પણ ઝાઝો હતો. 2024-25માં ખર્ચ ન થયો કારણ કે દેશ સામે એવી કોઈ નેશનલ ઈમરજન્સી પણ ન હતી.

2023-24માં ₹15 કરોડ ખર્ચ કરવામાં આવ્યો હતો. તે પહેલાં 2020-21માં કોવિડ સમયે આમાંથી ₹3976 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ત્યારે મહામારી હતી એટલે પીએમ કેર્સમાંથી આટલો ખર્ચ થયો હતો. પછીનાં વર્ષોમાં સ્થિતિ સુધરી, પૂર્વવત થઈ એટલે પીએમ કેર્સમાંથી થતો ખર્ચ પણ ઘટી ગયો.

વાસ્તવમાં આ તો જમા પાસું કહેવાય. પીએમ કેર્સની સ્થાપના નેશનલ ઈમરજન્સી માટે કરવામાં આવી હતી અને એનો ઉપયોગ આવી પરિસ્થિતિમાં જ થઈ રહ્યો છે. બાકી જે કોઈ રકમ આવે એ સંગ્રહવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં ન કરે નારાયણ આવી સ્થિતિ સર્જાય તો પૈસાનો ઉપયોગ થઈ શકે.

PM CARESનો 2020-21નો હિસાબ

એટલે એક ગેંગ મારી-મચડીને પીએમ કેર્સમાં ગેરરીતિ થઈ હોવાનું ચલાવી રહી છે પણ આંકડાઓ એ સ્પષ્ટ દર્શાવે છે કે પીએમ કેર્સનો ઉપયોગ નિશ્ચિત હેતુ માટે જ થાય છે અને બાકીની રકમનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે.

બીજી એક નોંધવા જેવી બાબત એ છે કે વર્ષ 2024-25માં દેશમાં લોકસભા ચૂંટણી હતી. જો પીએમ કેર્સમાંથી તગડી રકમનો ખર્ચ થયો હોત તો રાજદીપ અને ગેંગ એ હોબાળો મચાવતી હોત કે 2024-25માં એવી કોઈ નેશનલ હેલ્થ ઈમરજન્સી ન હતી તો પછી આટલી રકમ ક્યાં ગઈ? એ પણ ચૂંટણીના વર્ષમાં? પણ એવું થયું નથી, એટલે એક રીતે આ તો મોદીનું અને પીએમ કેર્સનું સબળું પાસું કહેવાય.

પ્રિયંક ખડગે પ્રશ્ન કરે છે કે 2024-25માં પણ વાવાઝોડાં, પૂર વગેરેની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે આ પૈસાનો કેમ ઉપયોગ કરવામાં ન આવ્યો. પણ તેઓ (અને આવી દલીલ આપનારાઓ) એ ભૂલી જાય છે કે આ પરિસ્થિતિઓ અમુક રાજ્યોમાં હતી અને તેના માટે સરકાર પાસે પીએમ રિલીફ ફંડ અને બીજી અનેક વ્યવસ્થાઓ છે. પીએમ કેર્સનો ઉદ્દેશ્ય નેશનલ ઇમરજન્સી માટે લડવાનો છે. તેનો ઉદ્દેશ્ય જ એ છે કે પૈસા એકઠા થતા રહે અને આવી કોઈ પરિસ્થિતિ સર્જાય ત્યારે તેનો ઉપયોગ થાય.

પીએમ કેર્સ સ્વયંસેવકોના દાનથી ચાલતું પબ્લિક ટ્રસ્ટ, સુપ્રીમ કોર્ટ પણ મહોર લગાવી ચૂકી છે

PM CARES લોકોના દાનથી ચાલતું એક પબ્લિક ટ્રસ્ટ છે, નોંધાયેલું છે. એ જ કારણ છે કે RTI હેઠળ પણ આવતું નથી, કારણ કે એ સરકારી સંસ્થા નથી. એટલે જ CAGના દાયરામાં પણ આવતું નથી. આ વાત પર દેશની સુપ્રીમ કોર્ટ મહોર લગાવી ચૂકી છે.

ઑગસ્ટ 2020માં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને PM CARES સામે સવાલો ઉઠાવવામાં આવ્યા અને તેમાં આવેલું ભંડોળ સરકારના NDRF ફંડમાં ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી હતી. આ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દઈને ઠરાવ્યું હતું કે પીએમ કેર્સ સ્વયંસેવકોના દાનથી ચાલતું એક પબ્લિક ટ્રસ્ટ છે. તેનો ચોક્કસ ઉદ્દેશ્ય છે અને સરકારી સંસ્થા ન હોવાના કારણે CAG હેઠળ ન આવી શકે. કારણ કે એ ટેક્સપેયરોના પૈસાથી થતાં કામોનું અને કરભારોનું ઑડિટ કરે છે. પબ્લિક ટ્રસ્ટનું ઑડિટ કેગ ન કરે, ખાનગી ઑડિટર પાસે તેનું ઑડિટ કરાવી શકાય.

સુપ્રીમ કોર્ટે તેની સ્થાપના પર મહોર મારતાં કહ્યું હતું કે મહામારી સમયે સરકારી ભંડોળ પૂરતું થઈ રહ્યું ન હોત અને NDRF પબ્લિક હેલ્થ ઇમરજન્સી માટે જ માત્ર ન હતું, આ સંજોગોમાં આવી વિશેષ વ્યવસ્થા કરવાનો સરકાર પાસે અધિકાર હતો અને તેમાં કશું ખોટું પણ થયું નથી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં