‘અભિજીત દીપકે ગો બેક’: શિવાજી પાર્કમાં CJPના પ્રદર્શન સામે સ્થાનિકોનો વિરોધ, પોલીસની મંજૂરી ન હોવા છતાં ‘જેલ ભરો’નું કર્યું હતું નાટક

મુંબઈના શિવાજી પાર્કમાં 2 ઑક્ટોબરે ‘કોકરોચ જનતા પાર્ટી’એ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનાં રાજીનામાંની માંગ સાથે એક વિરોધ પ્રદર્શન કર્યું હતું. મુંબઈ પોલીસે શિવાજી પાર્કમાં આ કાર્યક્રમ માટે મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હોવા છતાં CJPના વડા કોકરોચ અભિજીત દીપકેએ ‘જેલ ભરો આંદોલન’ના નામે રાજકીય નાટક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ચૂંટણી પંચ અને મતદાર યાદીઓની નીતિઓ પર સવાલો ઉઠાવીને સંસ્થાઓને બદનામ કરવાનો આ ઇરાદો મુંબઈની જનતા સામે જ ફ્લોપ સાબિત થયો હતો.

‘અભિજીત દીપકે ગો બેક’ના નારા  

ચૂંટણી પંચ વિરુદ્ધ વાતાવરણ ઊભું કરવા નીકળેલા અભિજીત દીપકે અને તેની કોકરોચ ગેંગને શિવાજી પાર્ક ખાતે નાગરિકોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. એક તરફ CJP નાટક કરી રહી હતી તો બીજી તરફ ત્યાં એકઠા થયેલા સ્થાનિક નાગરિકોએ અભિજીત દીપકે સામે આક્રોશ વ્યક્ત કરતા ‘અભિજીત દીપકે ગો બેક’ના નારા લગાવ્યા હતા.

વિરોધ કરી રહેલા લોકોએ બાબાસાહેબ આંબેડકર અને દેશના બંધારણનું નામ લઈને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ બંધારણીય સંસ્થાઓના રક્ષણ માટે આવ્યા છે અને અરાજકતા ફેલાવતા CJPના આવા વર્તનને ક્યારેય નહીં સાંખી લેવામાં આવે.

નોંધનીય છે કે દેશવિરોધી નેરેટિવમાં સક્રિય રહેતી બોલિવૂડની ‘લેફ્ટ-લિબરલ’ મંડળી પણ તરત જ આ પ્રદર્શનમાં પહોંચી ગઈ હતી. હિંદુવિરોધી નિવેદનો માટે જાણીતા નસીરુદ્દીન શાહ, શબાના આઝમી અને વિશાલ દદલાની જેવા ચહેરાઓ શિવાજી પાર્કમાં CJPના સમર્થનમાં દેખાયા હતા.

વિશાલ દદલાનીએ તો અગાઉથી જ ‘ગો જ્ઞાનુ ગો’ નામે ચૂંટણી પંચ વિરુદ્ધ સોશિયલ મીડિયા એજન્ડા ચલાવવાની ઘોષણા કરી હતી, જેને સાઉથના વિવાદિત અભિનેતા પ્રકાશ રાજે પણ સમર્થન આપ્યું હતું. આ તમામ ચહેરાઓની હાજરીથી સાબિત થઈ ગયું કે આ પ્રદર્શન જનતાનું નહીં પરંતુ લેફ્ટ ગેંગનું છે.

આ સમગ્ર વિવાદ પાછળ ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલનો સહારો લેવામાં આવી રહ્યો છે, જેમાં મતદાર યાદીની SIR પ્રક્રિયામાં ચૂંટણી કમિશનરોની સહમતી ન હોવાનો દાવો થયો હતો. જોકે ચૂંટણી પંચે પહેલેથી જ સ્પષ્ટતા કરી દીધી છે કે SIR સહિતના તમામ નિર્ણયો ત્રણ સભ્યોની કમિશને સંપૂર્ણ સર્વસંમતિથી જ લીધા છે.

કાયદાકીય રીતે સ્પષ્ટતા થઈ ચૂકી હોવા છતાં, ચૂંટણી પ્રક્રિયા પર અવિશ્વાસ ઊભો કરવાના હેતુથી જ CJP અને તેના આકાઓ આ મુદ્દાને ચગાવી રહ્યા છે. પોતાને કોઈ રાજકીય પક્ષ સાથે લેવાદેવા ન હોવાનો દાવો કરનાર દીપકે આ પ્રદર્શનને દેશવ્યાપી બનાવવાની વાતો કરી રહ્યો છે.

બીજી તરફ, INDI ગઠબંધન પણ 6 ઑક્ટોબરે ચૂંટણી પંચ સામે વિરોધ કરવાની તૈયારી કરી રહ્યું છે. CJP પોતાને ‘સ્વતંત્ર’ ગણાવી રહી છે, પરંતુ તેની ભાષા અને INDI ગઠબંધનની ટૂલકિટ એકસરખી જ દેખાઈ રહી છે, જે દર્શાવે છે કે આ પડદા પાછળથી સંચાલિત એક સુઆયોજિત એજન્ડા છે.