ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે તેમજ આસપાસના વિસ્તારોમાં નકલી અને ઝેરી દારૂ પીવાના કારણે સર્જાયેલી ગંભીર હોનારતમાં અત્યાર સુધીમાં સત્તાવાર સાત લોકોનાં મોત થયાં છે, જ્યારે 19થી વધુ લોકોની હાલત અત્યંત નાજુક હોવાથી તેઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. આ સમગ્ર ઘટના બાદ ભાવનગરમાં ચાલી રહેલા આ લઠ્ઠાકાંડ અને ઝેરી દારૂના ધંધાનો ઘટસ્ફોટ થયો છે.
શું હતો સમગ્ર મામલો?
વિગતો અનુસાર 16 ઑગસ્ટના રોજ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે સીમમાં અર્જુનસિંહ ઉર્ફે ઉપેન્દ્રસિંહ અને તેના મિત્રોએ દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતું. પોલીસ ભરતીમાં સિલેક્ટ થવાની ઉજવણી તથા મિત્રોના સંગાથમાં ‘રોયલ સ્ટેગ’ બ્રાન્ડની બોટલમાંથી દારૂ પીધા બાદ આ યુવાનોની તબિયત અચાનક લથડી હતી. ઉલટીઓ શરૂ થતાં જ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 18 ઑગસ્ટે સારવાર દરમિયાન ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત થતાં સમગ્ર ઘટના સામે આવી હતી.
ત્યારબાદ પોલીસ તપાસ શરૂ થઈ હતી. ‘રોયલ સ્ટેગ’ની બોટલોની FSL તપાસ દરમિયાન જપ્ત કરાયેલા લિક્વિડમાં 38.59% ઝેરી મિથેનોલ અને માત્ર 0.94% ઇથેનોલ મળી આવ્યું હતું. નોંધનીય છે કે મિથેનોલ શરીરમાં જવાથી ફોર્મિક એસિડ બને છે, જે મગજ, સી-એન-એસ અને આંખોને નુકસાન પહોંચાડી મૃત્યુનું કારણ બને છે. મૃતકો અને ICUમાં સારવાર લઈ રહેલા દર્દીઓના બ્લડ સેમ્પલમાં પણ મિથેનોલની હાજરીની પુષ્ટિ થઈ છે.

મૃતકોની વિગત
આ ઝેરી દારૂ પીવાના કારણે અત્યાર સુધીમાં 7 લોકોનાં મોત થયાનું સામે આવ્યું છે, જેમાં ખરકડીના ઉપેન્દ્રસિંહ ગોહિલ, કનકસિંહ ગોહિલ, તળાજા રોડના કાર્તિક મકવાણા, કાળિયાબીડના ઘનશ્યામસિંહ જાડેજા અને જયેશ ભટ્ટી, તેમજ ઇન્દોરના નરેન્દ્ર સિંઘ યાદવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગાંધી કોલોની સામે ગિલ્બર્ટ એપાર્ટમેન્ટમાંથી સિહોરના સોનગઢ ગામની સરકારી શાળાના શિક્ષક હિતેશ પરમારનો મૃતદેહ રસોડામાંથી રોયલ સ્ટેગની અડધી બોટલ સાથે કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો.
હાલમાં ભાવનગરની સર.ટી. હોસ્પિટલ, અર્હમ, વેદ, BIMS અને આરોગ્યમ હોસ્પિટલમાં 19થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. તેમાંથી હિતેશ જોશી અને ભાવિન પરમાર વેન્ટિલેટર પર છે, જ્યારે અબ્દુલસમીન ખાન, કપિલ દેવમુરાડી, અજય દિહોરા અને ધનેશભાઈ ગમારા સહિતના દર્દીઓ ICU વોર્ડમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ઘોઘા સર્કલ પાસેના 54 વર્ષીય અવિનાશ ડાંગરની પણ તબિયત અચાનક લથડતાં તેમને ICUમાં ખસેડાયા છે.
ક્યાં હતો આ નકલી દારૂનો મુખ્ય અડ્ડો
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ સમગ્ર કૌભાંડનો મુખ્ય અડ્ડો વરતેજના આંબલીવાડી વિસ્તારમાં આવેલા મુખ્ય આરોપી ગૌતમ સોલંકીના ઘરે ચાલી રહ્યો હતો. ગૌતમના ઘરે મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી આવેલા રઈશ નરેન્દ્ર સિંઘ યાદવ ઉર્ફે ‘ડૉક્ટર’ અને ઝુબૈર નામના શખ્સો ભેગા મળીને કેમિકલ મિશ્રિત નકલી વિદેશી દારૂ તૈયાર કરતા હતા. ગૌતમે આ અગાઉ પણ 51 પેટી જેટલો ડુપ્લિકેટ દારૂ બનાવીને બજારમાં વેચી માર્યો હતો.
આ ઝેરી દારૂ બનાવવાનું રો-મટીરિયલ અમદાવાદથી સપ્લાય કરવામાં આવતું હતું. અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી મિથેનોલ (વ્હાઇટ લિક્વિડ), બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલો, ઢાંકણા અને ‘રોયલ સ્ટેગ’ના બનાવટી સ્ટીકરો ટ્રાન્સપોર્ટ મારફતે ભાવનગર મંગાવવામાં આવતા હતા. મિશ્રણ તૈયાર કરી બોટલો પર બોગસ સ્ટીકર ચોંટાડી તેને અસલી બોટલ તરીકે વેચવામાં આવતી હતી.
આ ઘટનામાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે સામે આવ્યું કે આ ઝેરી ફોર્મ્યુલા તૈયાર કરનાર ઈન્દોરનો મુખ્ય કેમિકલ કારીગર નરેન્દ્ર યાદવ ઉર્ફે ‘ડૉક્ટર’ પોતે જ આ દારૂનો ભોગ બન્યો હતો. 17 ઑગસ્ટે તેણે પોતે બનાવેલા દારૂનું સેવન કર્યું હતું, જેનાથી તેની તબિયત બગડી હતી અને 18 ઑગસ્ટે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
કેવી રીતે ચાલતું હતું સપ્લાય નેટવર્ક?
તપાસ મુજબ, દારૂનો જથ્થો સોડવદરનો પારસ ઉર્ફે પપ્પુ ચૌહાણ વરતેજના ગૌતમ સોલંકી પાસેથી લાવ્યો હતો. પારસ પાસેથી ખરકડીનો મનદિપસિંહ અને તેની પાસેથી નાના ખોખરાનો અર્જુનસિંહ દારૂ લાવ્યો હતો. અર્જુનસિંહ પાસેથી ધર્મેન્દ્રસિંહ ગોહિલ દારૂ લાવ્યો અને આખરે ખરકડી ગામની સીમમાં યોજાયેલી પાર્ટીમાં પહોંચ્યો હતો. આ રીતે સ્થાનિક બુટલેગરોની ચેઇન મારફતે ઝેરી જથ્થો ગામડાઓ સુધી પહોંચાડાયો હતો.
નકલી દારૂના તાર અમદાવાદ ગ્રામ્ય અને ધોલેરા સાથે જોડાયેલા હોવાની આશંકા જતાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડાની સૂચનાથી આખી રાત સર્ચ ઑપરેશન ચલાવાયું હતું. 800 પોલીસ જવાનોની ટીમોએ 500 જેટલા ગામડાઓમાં સઘન ચેકિંગ હાથ ધરી 177થી 200 જેટલા પ્રોહિબિશનના કેસો નોંધ્યા હતા. ધોલેરાના એક બુટલેગર પાસેથી 2 પેટી દારૂ પણ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય અને ભાવનગર પોલીસે 500 ગામડાઓના સરપંચો સાથે તાકીદની બેઠકો યોજી હતી. જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલે જાહેરમાં અપીલ કરી છે કે છેલ્લા 2-4 દિવસમાં જેણે પણ ‘રોયલ સ્ટેગ’ બ્રાન્ડના દારૂનું સેવન કર્યું હોય, તેને લક્ષણો હોય કે ન હોય, તેણે તાત્કાલિક હોસ્પિટલમાં આવીને તપાસ કરાવી લેવી.
21 બુટલેગરો સામે FIR
આ સમગ્ર રેકેટ સામે વરતેજ પોલીસે કડક વલણ અપનાવીને મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી, રઈશ (ઉજ્જૈન), જતીન કાંબડ, સારસ સોલંકી, ઝુબૈર, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, મનદિપસિંહ, પારસ ઉર્ફે પપ્પુ, અર્જુનસિંહ, સંજય ચાવડા, જયદિપ મકવાણા, ભાર્ગવ ભટ્ટ, વિવેક ભરવાડ સહિત 21 બુટલેગરો સામે BNS અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સ્થાનિક પોલીસની ગંભીર બેદરકારી સામે આવતાં ભાવનગર જિલ્લા પોલીસ વડા (SP) નિતેશ પાંડેએ તાત્કાલિક ધોરણે વરતેજ પોલીસ મથકના બીટ જમાદાર અને ડી-સ્ટાફના 3 પોલીસ કર્મચારીઓ મળી કુલ 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
ઘટનાની ગંભીરતાને પગલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ એરપોર્ટ પર રાત્રે મિટિંગ યોજી હતી. ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા ભાવનગર SP પાસે સમયસર માહિતી ન આપવા બાબતે લેખિત ખુલાસો માગવામાં આવ્યો હતો, કારણ કે બનાવ અંગે રાજ્યના DGP કે રેન્જ IGને અંધારામાં રાખવામાં આવ્યા હતા.
ગૃહ વિભાગના આદેશથી સ્ટેટ મોનિટરિંગ સેલના (SMC) SP મયુરસિંહ ચાવડા તાબડતોબ ભાવનગર પહોંચ્યા હતા અને તપાસનો દોર સંભાળ્યો હતો. આ ઉપરાંત દર્દીઓની સારવાર માટે ગાંધીનગર અને અમદાવાદથી નેફ્રોલોજિસ્ટ અને ક્રિટિકલ કેર નિષ્ણાતોની વિશેષ મેડિકલ ટીમ ભાવનગર સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવી છે.
હાલમાં ભાવનગર રેન્જ IG રાજેન્દ્ર અસારી, SP નિતેશ પાંડે અને SMC SP મયુરસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ LCB અને SOGની ટીમો દરોડા પાડી રહી છે. નકલી દારૂનો બાકીનો જથ્થો કબજે કરવા અને આ ઝેરી બોટલો કોણે કોણે ખરીદી છે તેને ટ્રેસ કરવા માટે પોલીસનું કડક ચેકિંગ ચાલુ છે.


