હોમપેજરાજકારણદિલ્હી જળ બોર્ડના જે કૌભાંડમાં AAPના સત્યેન્દ્ર જૈનની ધરપકડ થઈ, એ કેસ...

દિલ્હી જળ બોર્ડના જે કૌભાંડમાં AAPના સત્યેન્દ્ર જૈનની ધરપકડ થઈ, એ કેસ શું છે: ટેન્ડર સેટ કરવાથી લઈને કરોડોની લાંચ સુધીના આરોપ

આટલા ગંભીર આરોપો અને પુરાવાઓ હોવા છતાં આમ આદમી પાર્ટી (AAP) દર વખતની જેમ આ વખતે પણ 'વિક્ટિમ કાર્ડ' રમવાનો પ્રયાસ કરી રહી છે. જૈનની ધરપકડ થતાં જ અરવિંદ કેજરીવાલે આ કાર્યવાહીને રાજકીય દ્વેષથી પ્રેરિત ગણાવીને પોતાની સરકારના ભ્રષ્ટાચાર પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો છે.

- Advertisement -

દિલ્હીની આમ આદમી પાર્ટીનો (AAP) ‘કટ્ટર ઈમાનદાર’ હોવાનો દાવો વધુ એક વખત ધ્વસ્ત થઈ રહ્યો છે. દિલ્હી એન્ટી-કરપ્શન બ્રાન્ચે (ACB) આકરાં પગલાં લઈને AAP સરકાર દરમિયાન દિલ્હી જળ બોર્ડમાં (DJB) થયેલું મોટું કૌભાંડ ખુલ્લું પાડ્યું છે. ACBએ આ મામલે 18 ઑગસ્ટ 2026ના રોજ દિલ્હીના પૂર્વ મંત્રી અને AAP નેતા સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી છે.

આ સમગ્ર મામલો દિલ્હી જળ બોર્ડ હેઠળ આવતા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના (STP) અપગ્રેડેશન અને ક્ષમતા વધારવા માટે બહાર પાડવામાં આવેલા કરોડો રૂપિયાના ટેન્ડરો સાથે જોડાયેલો છે. સરકારી નાણાંની ખુલ્લેઆમ ઉચાપત અને પોતાના મળતિયાઓને ફાયદો કરાવવા માટે નિયમોને નેવે મૂકીને જે રીતે ટેન્ડરની શરતોમાં હેરફેર કરવામાં આવી તેણે પૂર્વ દિલ્હી સરકારના પારદર્શકતાના તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે.

શું છે સમગ્ર મામલો?

11 મે 2024ના રોજ દિલ્હી સરકારના ડિરેક્ટોરેટ ઑફ વિજિલન્સની ફરિયાદ બાદ FIR નોંધવામાં આવી હતી. આ FIRમાં સ્પષ્ટ આક્ષેપ હતો કે STPના ટેન્ડરોમાં વ્યાપક અનિયમિતતાઓ, ટેન્ડર શરતોમાં ગુનાહિત કારસા અને કાયદાકીય જોગવાઈઓને નેવે મૂકીને ચોક્કસ ખાનગી કંપનીઓને આર્થિક લાભ પહોંચાડવામાં આવ્યો હતો.

- Advertisement -

આ કૌભાંડમાં સૌથી મોટો ખેલ ટેન્ડરની રકમમાં કરવામાં આવેલો આંકડાકીય ઉછાળો છે. શરૂઆતમાં ચાર STP ટેન્ડરોનું અંદાજિત મૂલ્ય આશરે ₹1,546 કરોડ નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ યોગ્ય ટેકનિકલ પ્રક્રિયા, યોગ્ય પ્રોજેક્ટ રિપોર્ટ કે કાયદાકીય માન્યતા વગર જ આ રકમને રાતોરાત વધારીને ₹1,943 કરોડ કરી દેવામાં આવી હતી. એટલે કે સીધા કરોડો રૂપિયાનો વધારો કરીને સરકારી તિજોરી પર બોજ નાખવામાં આવ્યો હતો.

ACBની તપાસ મુજબ ટેન્ડર પ્રક્રિયામાં ‘ઓપન કમ્પિટિશન’ કે સમાન તકની વાત માત્ર કાગળ પર જ રહી ગઈ હતી. એવી કડક અને મર્યાદિત ટેકનિકલ શરતો (Restrictive Technical Specifications) ઘડી કાઢવામાં આવી હતી, જેથી અન્ય અનુભવી અને યોગ્ય કંપનીઓ આ ટેન્ડર પ્રક્રિયામાંથી આપોઆપ બહાર થઈ જાય. આ શરતો માત્ર ને માત્ર ‘યુરોટેક એન્વાયરનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ’ (Euroteck Environment Pvt Ltd) નામની એક જ ખાનગી કંપનીને ટેન્ડર ફાળવવા માટે બનાવાઈ હતી.

સરકારી નીતિ-નિયમોનું ઉલ્લંઘન

સરકારી નાણાંના આ મનસ્વી વપરાશમાં જરૂરી નીતિ-નિયમોનું પણ મોટાપાયે ઉલ્લંઘન થયું હોવાનો આરોપ છે. પ્રોજેક્ટ લાગુ કરતા પહેલાં જે પાયલોટ સ્ટડી કરવી ફરજિયાત હતી, તે કરવામાં આવી નહોતી. આ ઉપરાંત, પ્રોજેક્ટમાં વપરાનારી સામગ્રી અને શુદ્ધ કરેલા પાણીના ધોરણો (Treated Wastewater parameters) જેવા અત્યંત મહત્વના ગુણવત્તાના માપદંડોને જાણીજોઈને ટેન્ડરમાંથી બાદ કરી દેવાયા હતા, જે સીધો ભ્રષ્ટાચાર દર્શાવે છે.

એજન્સીઓ અનુસાર આ કૌભાંડ માત્ર વહીવટી બેદરકારી નહીં પરંતુ પૂર્વઆયોજિત કાવતરું હતું, જેના પુરાવા ઇલેક્ટ્રોનિક સંચાર અને ઈ-મેઈલ તપાસમાં સામે આવ્યા છે. સરકારી અધિકારીઓ, ખાનગી કંપનીના માલિકો અને વચેટિયાઓ વચ્ચે ટેન્ડર બહાર પડતાં પહેલાં જ તેની શરતો અને સુધારા (Corrigendum) ગુપ્ત રીતે શેર કરવામાં આવતા હતા. સરકારી દસ્તાવેજો ખાનગી પક્ષકારો સાથે અગાઉથી લીક કરીને આખી પ્રક્રિયા ચોક્કસ કંપનીના પક્ષમાં સેટ કરી દેવાઈ હતી.

આ કૌભાંડ માટે લેવાયેલી લાંચ અને કમિશનના નાણાં છુપાવવા માટે મની ટ્રેલ (Money Trail) પણ ઊભી કરવામાં આવી હતી. યુરોટેક કંપની પાસેથી વચેટિયા સંસ્થાઓ જેવી કે ‘એએન એન્ટરપ્રાઇસીસ’ (AN Enterprises) અને ‘શ્રીજનહાર’ના (Srijanhar) નામે નાણાં ટ્રાન્સફર થયાં હતાં. આ શેલ અને મધ્યસ્થી કંપનીઓ મારફતે નાણાકીય વ્યવહારો કરીને સરકારી અધિકારીઓ અને તેમના સગાં-સંબંધીઓના ખાતા સુધી લાંચની રકમ પહોંચાડવામાં આવતી હતી.

સત્યેન્દ્ર જૈન સિવાય અન્ય મોટા માથાઓ વિરુદ્ધ પણ પગલાં

આ મામલામાં તત્કાલીન દિલ્હી જલ બોર્ડના CEO અને IAS અધિકારી ઉદિત પ્રકાશ રાયની ભૂમિકા પણ શંકાસ્પદ રહી છે. ACB મુજબ, રાય અને તેમના સંબંધીઓનાં બેન્ક ખાતાઓમાં AN Enterprises મારફતે આશરે ₹1.52 કરોડની લાંચની રકમ જમા થઈ હતી. આ રકમનો ઉપયોગ બાદમાં બેનામી સ્થાવર મિલકતો ખરીદવા માટે કરવામાં આવ્યો હોવાનો ખુલાસો પણ થયો છે.

આ કૌભાંડમાં ACBએ માત્ર નાની માછલીઓ જ નહીં પરંતુ કૌભાંડના મુખ્ય સૂત્રધારો સામે પણ પગલાં લીધાં છે. તત્કાલીન દિલ્હી સરકારના જળ વિભાગના કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈન ઉપરાંત IAS અધિકારી ઉદિત પ્રકાશ રાય, પૂર્વ કન્સલ્ટન્ટ અંકિત શ્રીવાસ્તવ અને ખાનગી કંપનીઓ સાથે જોડાયેલા નાગેન્દ્ર યાદવ, રાજા કુમાર કુર્રા તથા પંકજ વર્મા સહિત છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ જ દિલ્હી જળ બોર્ડના STP ટેન્ડર કેસમાં EDની તપાસ પણ થઈ છે. EDએ ડિસેમ્બર 2025માં જ આ કેસમાં સત્યેન્દ્ર જૈન સહિત 14 લોકો સામે ચાર્જશીટ (Prosecution Complaint) દાખલ કરી હતી. EDના અહેવાલ મુજબ આ કૌભાંડમાં આશરે ₹6.73 કરોડની લાંચ લેવાઈ હતી અને ₹17.70 કરોડ જેટલી ગુનાખોરીની આવક હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

સત્યેન્દ્ર માટે જેલના સળિયા ગણવા જૂની આદત

સત્યેન્દ્ર જૈન અને તેમના સાથીઓ માટે જેલના સળિયા કોઈ નવા નથી. આ પહેલાં પણ EDએ 30 મે 2022ના રોજ જૈનની કલકત્તાની શેલ કંપનીઓ મારફતે કરોડો રૂપિયાના મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરી હતી. CBIના 2017માં નોંધાયેલા ₹1.47 કરોડની અપ્રમાણસર મિલકત (Disproportionate Assets) કેસ મામલે જૈન આશરે 872 દિવસ સુધી તિહાડ જેલમાં રહ્યા હતા અને ઑક્ટોબર 2024માં જામીન પર મુક્ત થયા હતા.

જેલમાંથી બહાર આવ્યા બાદ પણ સત્યેન્દ્ર જૈન અને તેમના મંત્રીમંડળના સાથીઓ સામેના કેસોનો સિલસિલો અટક્યો નથી. માર્ચ 2025માં ₹571 કરોડના દિલ્હી CCTV કેમેરા પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર બદલ ACBએ કેસ નોંધ્યો હતો. આ સિવાય, દિલ્હીની સરકારી શાળાઓમાં ક્લાસરૂમ નિર્માણમાં થયેલા કરોડોના કૌભાંડમાં પણ જૈન અને મનીષ સિસોદિયા આરોપી છે. સપ્ટેમ્બર 2025માં EDએ જૈન સાથે જોડાયેલી ₹7.44 કરોડની મિલકતો જપ્ત કરી લીધી હતી.

AAPનું વિક્ટિમ કાર્ડ શરૂ

આટલા ગંભીર આરોપો અને પુરાવાઓ હોવા છતાં આમ આદમી પાર્ટી (AAP) દર વખતની જેમ આ વખતે પણ ‘વિક્ટિમ કાર્ડ’ રમવાનો પ્રયાસ કરી રહી છે. જૈનની ધરપકડ થતાં જ અરવિંદ કેજરીવાલે આ કાર્યવાહીને રાજકીય દ્વેષથી પ્રેરિત ગણાવીને પોતાની સરકારના ભ્રષ્ટાચાર પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો છે. પોતાની નિષ્ફળતાઓ અને કૌભાંડો છુપાવવા માટે ભાજપ અને કેન્દ્રીય એજન્સીઓ પર દોષારોપણ કરવું એ આપની જૂની વ્યૂહરચના રહી છે.

આમ આદમી પાર્ટીના નેતાઓ દાવો કરે છે કે પંજાબની ચૂંટણીઓ નજીક હોવાથી જૈનને ટાર્ગેટ કરાયા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે 2025થી વિજિલન્સ અને ACB આ કેસના પુરાવાઓ એકઠા કરી રહી હતી. ચૂંટણી કે રાજકારણથી પર જઈને કાયદાકીય તપાસ એજન્સીઓ દસ્તાવેજો, બેન્ક ટ્રાન્સફર અને ડિજિટલ પુરાવાઓના આધારે કાર્યવાહી કરી રહી છે.

જે પક્ષ ‘ઈમાનદારી’ અને ‘રાજકારણ બદલવા’ના નામે સત્તા પર આવ્યો હતો, તેના એક પછી એક કૌભાંડો, ચાહે તે દારૂ નીતિ હોય, ક્લાસરૂમ કૌભાંડ હોય, જલ બોર્ડ કૌભાંડ હોય કે સીસીટીવી સ્કેમ હોય, જનતા સામે ખુલ્લા પડી રહ્યા છે. જલ બોર્ડ જેવા સામાન્ય જનતા સાથે સીધા જોડાયેલા વિભાગમાં કરાયેલો આ ભ્રષ્ટાચાર દર્શાવે છે કે સત્તાના મોહમાં જનતાના નાણાંનો કેવો દુરુપયોગ કરવામાં આવ્યો છે.

હાલમાં ACB અને અન્ય તપાસ એજન્સીઓ આ સમગ્ર કૌભાંડની મની ટ્રેલના અંતિમ છેડા સુધી પહોંચવા માટે તપાસ કરી રહી છે. સત્યેન્દ્ર જૈન અને તેમના સહ-આરોપીઓની કસ્ટોડિયલ પૂછપરછમાં નવાં નામો અને વધુ ખુલાસાઓ બહાર આવવાની શક્યતા છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં