‘UGC નિયમો પર પુનર્વિચાર કરી રહ્યા છીએ’: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર

UGC સુપ્રીમ કોર્ટ
UGC નિયમો બાબતે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું– પુનર્વિચાર કરી રહ્યા છીએ

જાન્યુઆરી 2026માં બહાર પાડવામાં આવેલા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના નવા નિયમો મામલે ચાલતા કેસમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે સરકાર આ નિયમો પર પુનર્વિચાર કરી રહી છે.

ગુરુવારે (20 ઑગસ્ટ) એક સુનાવણી દરમ્યાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આ બાબતે ગંભીરતાથી વિચાર કરી રહી છે.

એસજી મહેતાએ કહ્યું, “હજુ એ ન કહી શકાય કે નિર્ણય શું આવશે પણ અમે પુનર્વિચાર કરી રહ્યા છીએ.” તેઓ કેન્દ્ર અને UGC તરફથી કોર્ટમાં હાજર રહ્યા હતા.

સુપ્રીમ કોર્ટે UGCને પોતાનો જવાબ દાખલ કરવા માટે ચાર અઠવાડિયાંનો સમય આપ્યો છે. સાથે તમામ અરજદારો દ્વારા જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે તેનો જવાબ આપતું એક વિસ્તૃત કાઉન્ટર એફિડેવિટ પણ દાખલ કરવા માટે જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ અરજદારોને જવાબ દાખલ કરવા માટે બે સપ્તાહનો સમય આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે UGC નિયમો અટકાવી દીધા હતા અને હાલ મામલો સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે.

સમગ્ર મામલો શું છે?

UGC માન્યતાપ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસમાં સમાનતા સુનિશ્ચિત કરવા માટેના આ નિયમો જાન્યુઆરી 2026માં અધિસૂચિત કરવામાં આવ્યા હતા. તે પહેલાં 2012ના નિયમો અસ્તિત્વમાં હતા. પરંતુ રોહિત વેમુલા અને પાયલ તડવી જેવા કેસો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા બાદ કોર્ટે UGCને આ નિયમો વધુ કડક બનાવવા માટે જણાવ્યું હતું. એ વાત અલગ છે કે રોહિત વેમુલા કેસમાં પછીથી કોઈ જાતિનો એન્ગલ બહાર નહતો આવ્યો.

2025માં UGCએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેઓ નિયમોમાં સુધારા કરી રહ્યા છે. ત્યારબાદ એક ડ્રાફ્ટ પણ બહાર પાડવામાં આવ્યો હતો. આખરે જાન્યુઆરીમાં નિયમોને મંજૂરી આપી દેવામાં આવી, પરંતુ તેને લઈને વિવાદ સર્જાયો.

નિયમોમાં જાતિગત ભેદભાવોની વ્યાખ્યામાંથી માત્ર જનરલ કેટેગરીને બાકાત રાખવાના નિર્ણયનો સોશિયલ મીડિયા પર ભરપૂર વિરોધ થયો અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પછીથી આવી અરજીઓ પર સુનાવણી હાથ ધરીને નિયમો અટકાવી દીધા હતા અને તે પહેલાં લાગુ હતા એ 2012ના નિયમો લાગુ કરી દીધા હતા.

સમગ્ર મામલે વિગતવાર અહીંથી વાંચી શકાશે.