
કર્ણાટક હાઇકોર્ટે ભાજપની એક રેલી દરમિયાન કથિત રીતે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવવાના આરોપસર નોંધાયેલા એક કેસમાં ફોજદારી કાર્યવાહી રદ કરી દીધી છે. 28 ઑક્ટોબરના ચુકાદામાં ન્યાયાલયે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પ્રદર્શનમાં કાર્યકરો પાકિસ્તાનના નારા લગાવે એ માનવું કઠિન છે.
આ સમગ્ર મામલો કર્ણાટકના માંડ્યા વિસ્તારનો છે. 18 ડિસેમ્બર 2022ના રોજ ભાજપના સમર્થકો દ્વારા એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હોવાનો આરોપ લાગ્યો હતો. કન્નમ્બાડી કુમાર નામના એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો જોયા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ દાવો કર્યો હતો કે આ પ્રકારના નારા સાંભળીને તેમને માનસિક આઘાત લાગ્યો હતો.
આ ફરિયાદના પગલે માંડ્યા વેસ્ટ પોલીસે વર્ષ 2024માં ડી.એસ. રવિ કુમાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ 153B અને 505(1)(b) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જેની સામે આરોપીએ હાઇકોર્ટમાં અરજી કરીને કાયદાકીય કાર્યવાહી રદ કરવાની માંગણી કરી હતી.
આરોપીના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે વિરોધ પ્રદર્શન દરમિયાન ઉત્સાહમાં નારા લગાવતી વખતે ભૂલ થઈ હતી. ખરેખર તો ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના નારા લગાવવાના હતા, પરંતુ ‘સ્લીપ ઑફ ટંગ’ થવાથી ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ બોલાઈ ગયું હતું. આરોપીનો આવો કોઈ ઇરાદો નહોતો કે જેના કારણે સમાજમાં અશાંતિ ફેલાય અથવા કોઈ ચોક્કસ સમુદાયની લાગણીને ઠેસ પહોંચે. તેથી તેમની સામે ફોજદારી કાર્યવાહી ચાલુ રાખવી યોગ્ય નથી.
બીજી તરફ, રાજ્ય સરકારના વકીલે વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીના વિડીયોમાં નારા સ્પષ્ટ સંભળાય છે અને આરોપીએ જાણીજોઈને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેની સામે કાયદાકીય તપાસ અને કાર્યવાહી ચાલુ રાખવી આવશ્યક છે.
હાઇકોર્ટનું અવલોકન
હાઈકોર્ટે સમગ્ર મામલાની તપાસ કરતાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો નોંધી હતી. કોર્ટે કહ્યું કે ઘટનાનાં લગભગ બે વર્ષ બાદ યુટ્યુબ પરનો વિડીયો જોઈને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ઉપરાંત તપાસ એજન્સી પ્રદર્શનમાં સામેલ અન્ય લોકોની ઓળખ પણ કરી શકી નથી.
કોર્ટે નોંધ્યું કે કથિત નારા લગાવવાથી સમાજમાં કે કોઈ ચોક્કસ સમુદાયમાં અશાંતિ ફેલાઈ હોય અથવા જાહેર વ્યવસ્થા ખોરવાઈ હોય તેવા કોઈ પુરાવા પણ તપાસમાં સામે આવ્યા નથી. કોર્ટે એમ પણ નોંધ્યું હતું કે કલમ 153B માટેના આવશ્યક તથ્યો તેમજ કલમ 505 મુજબ કાર્યવાહી માટે જરૂરી સરકારી પૂર્વ મંજૂરી પણ લેવામાં આવી નહોતી.
ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું કે, “ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત પ્રદર્શનમાં પ્રદર્શનકારીઓ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવે એ બહુ અકલ્પનીય બાબત છે. આ સંદર્ભમાં અરજદારની દલીલો પણ ધ્યાને લેવી જરૂરી છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે નારા લગાવતી વખતે ભૂલથી ‘મુર્દાબાદ’ને સ્થાને ‘ઝિંદાબાદ’ બોલાઈ ગયું હતું અને તેમનો કોઈ ઇરાદો પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવવાનો ન હતો.”
આ તમામ બાબતો અને પ્રક્રિયાગત ખામીઓને ધ્યાનમાં રાખીને કોર્ટે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ ગણાવ્યો હતો અને ડી.એસ. રવિ કુમાર સામેની ફોજદારી કાર્યવાહી રદ કરી હતી.

