મુંબઈના 26/11 આતંકી હુમલાને લગભગ 18 વર્ષ થવા આવ્યા છે, છતાં તેના મુખ્ય પાકિસ્તાની કાવતરાખોરો અને હેન્ડલર્સ હજુ સુધી ભારતીય અદાલત સમક્ષ હાજર થયા નથી. આ સ્થિતિમાં ન્યાયિક પ્રક્રિયાને આગળ ધપાવવા માટે મુંબઈ પોલીસે એક મોટું કાયદાકીય પગલું ભર્યું છે. લશ્કર-એ-તૈયબાના આતંકી હાફિઝ સઈદ અને ઝકી-ઉર-રહેમાન લકવી સહિત છ પાકિસ્તાની આરોપીઓ સામે ‘ટ્રાયલ ઇન એબ્સેન્શિયા’ એટલે કે આરોપીઓની ગેરહાજરીમાં જ કેસ ચલાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ માટે વિશેષ સરકારી વકીલ ઉજ્જવલ નિકમને પત્ર લખવામાં આવ્યો છે અને કોર્ટે આરોપીઓ સામે જાહેરનામું (પ્રોક્લેમેશન) પણ બહાર પાડ્યું છે.
26થી 29 નવેમ્બર 2008 દરમિયાન મુંબઈમાં દરિયાઈ માર્ગે ઘૂસેલા 10 આતંકવાદીઓએ તાજ હોટેલ, CSMT સ્ટેશન અને નરીમાન હાઉસ જેવા સ્થળો પર અંધાધૂંધ હુમલા કરીને 166 લોકોનો ભોગ લીધો હતો. સુરક્ષાદળોએ 9 આતંકીઓને ઠાર કર્યા હતા, જ્યારે જીવતો પકડાયેલો એકમાત્ર આતંકી અજમલ કસાબ 2012માં ફાંસીએ ચડી ચૂક્યો છે. જોકે કસાબની ફાંસી પછી પણ તપાસ અટકી નહોતી અને ભારતીય એજન્સીઓએ સીમાપાર બેઠેલા મુખ્ય કાવતરાખોરોની ઓળખ કરી હતી.
પાકિસ્તાનના અસહકાર અને અડિયલ વલણને કારણે આ મુખ્ય આરોપીઓને ભારત લાવવા માટે કરાયેલા આંતરરાષ્ટ્રીય પ્રયાસો અને રેડ કોર્નર નોટિસ સફળ રહ્યા નહોતા, જેના લીધે ન્યાય મળવામાં વિલંબ થઈ રહ્યો હતો. તેથી, અનિશ્ચિત સમય સુધી કેસને અટકાવી રાખવાને બદલે ભારતે હવે નવા કાયદાનો ઉપયોગ કરવાનો રસ્તો પસંદ કર્યો છે. આ નવી જોગવાઈ હેઠળ આરોપીઓ દેશ બહાર હોવા છતાં તેમની ગેરહાજરીમાં જ અદાલતી કાર્યવાહી આગળ વધારી શકાશે.
‘ટ્રાયલ ઇન એબ્સેન્શિયા’ એટલે શું?
‘ટ્રાયલ ઇન એબ્સેન્શિયા’ એટલે કે આરોપી કોર્ટમાં ફિઝિકલી હાજર ન હોય તોપણ ચોક્કસ કાયદાકીય જોગવાઈઓ પૂરી કર્યા બાદ તેની સામે કેસ ચલાવવો અને ચુકાદો આપવો. સામાન્ય રીતે ફોજદારી કાયદાનો નિયમ છે કે આરોપી સામે પુરાવા તેની હાજરીમાં રજૂ થાય અને તેને પોતાનો બચાવ કરવાની પૂરી તક મળે. પરંતુ જ્યારે કોઈ ગંભીર ગુનાનો આરોપી જાણીજોઈને દેશ છોડીને ભાગી જાય, ધરપકડથી બચતો રહે કે વિદેશમાં બેસીને ભારતીય અદાલત સમક્ષ આવવાનો ઇનકાર કરે, ત્યારે આખી ન્યાયિક પ્રક્રિયા અનંતકાળ સુધી અટકેલી ન રહે તે માટે કાયદામાં આ વિશેષ રસ્તો આપવામાં આવ્યો છે.
જોકે, આ પ્રક્રિયામાં આરોપીની ગેરહાજરીનો અર્થ એવો બિલકુલ નથી કે કોર્ટ તેને સીધો જ દોષિત ઠેરવીને સજા સંભળાવી દેશે. આ કાર્યવાહી શરૂ કરતા પહેલાં કોર્ટે એ બાબતે પૂરી રીતે સંતોષ વ્યક્ત કરવો પડે છે કે આરોપીને સમન્સ અને વોરંટ મોકલવા છતાં તે જાણીજોઈને ભાગતો રહ્યો છે અને નજીકના ભવિષ્યમાં તેની ધરપકડ શક્ય નથી. ત્યારબાદ જ તેને કાયદાકીય રીતે ‘ભાગેડુ’ (પ્રોક્લેઇમ્ડ ઓફેન્ડર) જાહેર કરીને તેની ગેરહાજરીમાં નિષ્પક્ષ સુનાવણી, પુરાવાની ચકાસણી અને વકીલોની દલીલો સાંભળ્યા પછી જ અદાલત અંતિમ નિર્ણય પર પહોંચે છે.
આ પ્રક્રિયા કયા કાયદા હેઠળ શક્ય બની?
મહત્વની વાત એ છે કે મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા આ ક્રાંતિકારી કાયદાકીય સુધારાઓ બાદ જ આતંકીઓ વિરુદ્ધની આવી સખત કાર્યવાહી શક્ય બની શકી છે. અગાઉના જૂના કાયદાઓમાં આરોપીઓની ગેરહાજરીને કારણે કેસો દાયકાઓ સુધી અટકી પડતા હતા. પરંતુ નરેન્દ્ર મોદી સરકારના આ નવો કાયદો લાવવાના નિર્ણયને કારણે હવે દેશ બહાર છુપાયેલા આતંકવાદીઓ પણ ભારતીય કાયદાકીય પ્રક્રિયાથી બચી શકશે નહીં અને તેમની ગેરહાજરીમાં પણ તેમને દોષિત ઠેરવીને ન્યાયિક કાર્યવાહી પૂર્ણ કરી શકાશે.
આ કાર્યવાહી ‘BNSS’ (ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023) હેઠળ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે BNS મુખ્યત્વે કયા ગુના માટે કઈ સજા થશે તે નક્કી કરે છે, જ્યારે BNSS એ ફોજદારી કેસની સમગ્ર અદાલતી પ્રક્રિયા અને કાર્યવાહીનું સંચાલન કરે છે. BNSS એ દેશના જૂના ફોજદારી કાયદા CrPCનું (કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર) સ્થાન લીધું છે, જેનાથી દેશની ન્યાયપ્રણાલી વધુ આધુનિક અને સક્ષમ બની છે.
આ નવા કાયદા BNSSની કલમ 356માં ખાસ જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ ભાગેડુ કે આતંકી આરોપી કોર્ટ સમક્ષ હાજર ન થાય અને તેને જાહેર કરાયેલો અપરાધી (Proclaimed Offender) માનવામાં આવે તોપણ તેની ગેરહાજરીમાં તપાસ, સુનાવણી (Trial) કે ચુકાદો આપી શકાય છે. મુંબઈના 26/11 આતંકી હુમલાના પાકિસ્તાની આતંકીઓ સામે ‘ટ્રાયલ ઇન એબ્સેન્શિયા’ શરૂ કરવાનો મુખ્ય કાયદાકીય આધાર જ આ કલમ 356 બની છે.
કલમ 356 દરેક ગેરહાજર આરોપી માટે લાગુ પડતી નથી
‘ટ્રાયલ ઇન એબ્સેન્શિયા’નો ઉપયોગ સામાન્ય કે નાની કાયદાકીય બાબતોમાં કે માત્ર હાજર ન રહેતા કોઈ પણ આરોપી સામે કરી શકાતો નથી. આ પ્રક્રિયા માટે કાયદામાં અત્યંત કડક શરતો મૂકવામાં આવી છે. પ્રથમ તો આરોપી પર 10 વર્ષ કે તેથી વધુની સજા, આજીવન કેદ અથવા મૃત્યુદંડ જેવા ગંભીર ગુનાનો આરોપ હોવો જરૂરી છે. આ ઉપરાંત કોર્ટને એ બાબતની ખાતરી થવી જોઈએ કે આરોપીને કાયદા મુજબ ભાગેડુ (Proclaimed Offender) જાહેર કરાયો છે, તે ઇરાદાપૂર્વક ટ્રાયલથી બચી રહ્યો છે અને હાલમાં તેની ધરપકડની કોઈ શક્યતા નથી.

ટ્રાયલ શરૂ કરતાં પહેલાં બે વોરંટ અને નોટિસની પ્રક્રિયા
આ કાર્યવાહી શરૂ કરતા પહેલાં આરોપીને કોર્ટ સમક્ષ હાજર થવાની પૂરતી તક આપવામાં આવે છે. કલમ 356 હેઠળ કોર્ટે ઓછામાં ઓછા 30 દિવસના અંતરે સળંગ બે ધરપકડ વોરંટ જારી કરવા પડે છે. જો આરોપી છતાંય ન આવે તો તેની સામે જાહેરનામું (પ્રોક્લેમેશન) બહાર પાડવામાં આવે છે, જે અખબારોમાં છાપવામાં આવે છે અને તેના છેલ્લા જાણીતાં સરનામે પણ મોકલવામાં આવે છે.
90 દિવસની રાહ જોવી પડે છે
આરોપીના બચાવ માટે કાયદામાં વધુ એક મહત્વપૂર્ણ સુરક્ષાત્મક જોગવાઈ છે. આરોપી સામે કોર્ટમાં આરોપો (ચાર્જ) નક્કી થઈ ગયા પછી પણ તરત જ ટ્રાયલ શરૂ કરી શકાતી નથી, પરંતુ 90 દિવસનો વધારાનો સમયગાળો આપવામાં આવે છે જેથી તે હાજર થઈ શકે. વધુમાં જો આરોપી ગેરહાજર હોય અને તેની તરફથી કોઈ વકીલ ન હોય તોપણ ન્યાયના સિદ્ધાંત મુજબ કોર્ટે સરકારી ખર્ચે તેના બચાવ માટે વકીલ (લીગલ રિપ્રેઝન્ટેટિવ) રોકવો પડે છે.
પુરાવા વગર માત્ર આરોપના આધારે સજા નહીં થઈ શકે
છેલ્લે, આરોપીની ગેરહાજરી માત્રથી સરકારી પક્ષ કે પ્રોસિક્યુશન આપમેળે કેસ જીતી જતું નથી. સરકારી પક્ષે તમામ સાક્ષીઓની તપાસ કરવી પડે છે, તેમના નિવેદનો નોંધવા પડે છે અને તમામ પુરાવાઓ કાયદાકીય રીતે કોર્ટ સમક્ષ સાબિત કરવા પડે છે. BNSS હેઠળ સાક્ષીઓની આ તપાસ અને ડિપોઝિશન શક્ય હોય ત્યાં સુધી ઓડિયો-વિઝ્યુઅલ (વિડીયો રેકોર્ડિંગ) માધ્યમથી રજૂ કરવાની જોગવાઈ છે, જેથી ભવિષ્યમાં પણ કેસની નિષ્પક્ષતા જળવાઈ રહે.
26/11 કેસમાં પ્રક્રિયા ક્યાં સુધી પહોંચી છે?
26/11નો મુંબઈ આતંકી હુમલાની ઘટના માત્ર મુંબઈમાં ઘૂસેલા 10 આતંકવાદીઓની હિંસક કાર્યવાહી નહોતી, પરંતુ તેની પાછળ સરહદ પારથી ચાલી રહેલું એક મોટું આતંકી નેટવર્ક હતું. આ આતંકવાદીઓ પાકિસ્તાનથી કરાચી મારફતે દરિયાઈ માર્ગે મુંબઈની સીમામાં ઘૂસ્યા હતા અને તેમણે તાજ મહેલ પેલેસ, ઓબેરોય-ટ્રાઈડેન્ટ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જેવા અત્યંત વ્યસ્ત સ્થળો પર અંધાધૂંધ ગોળીબાર તથા વિસ્ફોટ કર્યા હતા. ભારતીય સુરક્ષાદળોએ ત્વરિત કાર્યવાહી કરીને 9 આતંકીઓને ઠાર કર્યા હતા, જ્યારે અજમલ આમિર કસાબ નામનો આતંકી જીવતો પકડાયો હતો.
મુંબઈ પોલીસે જે 6 પાકિસ્તાની કાવતરાખોરો સામે ‘ટ્રાયલ ઇન એબ્સેન્શિયા’ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે તેમાં લશ્કર-એ-તૈયબાના મુખ્ય આતંકી સભ્યોનો સમાવેશ થાય છે. આ યાદીમાં લશ્કરનો સ્થાપક હાફિઝ સઈદ, વરિષ્ઠ કમાન્ડર ઝકી-ઉર-રહેમાન લકવી, સાજિદ મીર, મઝહર ઇકબાલ ઉર્ફે અબુ અલકામા, આસિમ ઉર્ફે અબુ કાહફા અને મેજર અબ્દુર રહેમાન પાશા સામેલ છે. ભારતીય તપાસ અને પ્રોસિક્યુશન મુજબ આ તમામ લોકો પર હુમલાનું કાવતરું ઘડવા, હુમલાખોરોને તાલીમ આપવા અને તેમને નિયંત્રિત કરવાના ગંભીર આરોપો છે.
હાફિઝ-લકવીની ભૂમિકા
હાફિઝ સઈદ લશ્કર-એ-તૈયબાનો મુખ્ય સ્થાપક છે અને તે આ આતંકી સંગઠનની તમામ પ્રવૃત્તિઓનું સંચાલન કરતો હતો. 26/11ની ભારતીય તપાસ અનુસાર સમગ્ર હુમલાનું કાવતરું ઘડવામાં અને આતંકવાદીઓને માનસિક તેમજ આર્થિક રીતે તૈયાર કરવામાં સઈદની મુખ્ય ભૂમિકા હતી. ભારત સહિત અનેક આંતરરાષ્ટ્રીય દેશો તેને આતંકવાદી જાહેર કરી ચૂક્યા છે. જોકે તેની સામેના આ આરોપો અંગેનો અંતિમ ન્યાયિક નિર્ણય ભારતીય કોર્ટ સમક્ષ પડતર છે, જેને હવે આ નવી પ્રક્રિયા દ્વારા આગળ ધપાવવામાં આવી રહ્યો છે.

ઝકી-ઉર-રહેમાન લકવી લશ્કર-એ-તૈયબાનો વરિષ્ઠ ઑપરેશનલ કમાન્ડર હતો અને હુમલાની કામગીરી સાથે તેનું નામ શરૂઆતથી જ જોડાયેલું છે. તપાસ એજન્સીઓ મુજબ, હુમલા દરમિયાન કરાચી ખાતે બનાવેલા એક વિશેષ કંટ્રોલ રૂમમાંથી લકવી સહિતના હેન્ડલરો મુંબઈમાં ઘૂસેલા આતંકીઓને સતત સૂચનાઓ અને માર્ગદર્શન આપી રહ્યા હતા. જોકે પાકિસ્તાનમાં પણ લકવી સામે કેસ ચલાવવાનું નાટક થયું હતું, પરંતુ ભારતે તે કાર્યવાહીને હંમેશાં ધીમી, અપૂરતી અને માત્ર દેખાડા પૂરતી ગણાવી છે.
કસાબનું નિવેદન
આ સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરવામાં જીવતો પકડાયેલો આતંકી અજમલ કસાબ સૌથી મહત્વની કડી સાબિત થયો હતો. પૂછપરછ દરમિયાન કસાબે પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાઓ અને વોન્ટેડ આરોપીઓની ભૂમિકા અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. વિશેષ સરકારી વકીલ ઉજ્જવલ નિકમના જણાવ્યા મુજબ, કસાબના નિવેદનથી જ આ 6 મુખ્ય કાવતરાખોરો સુધી પહોંચવું શક્ય બન્યું હતું. કસાબ સામે ભારતમાં સંપૂર્ણ ન્યાયિક પ્રક્રિયા ચલાવવામાં આવી હતી અને 2012માં તેને ફાંસી આપવામાં આવી હતી.
માત્ર કસાબના નિવેદનથી જ કોઈને દોષિત ઠેરવી શકાતો નથી, તેથી અદાલતમાં સમગ્ર પુરાવા, સાક્ષીઓ અને તપાસના દસ્તાવેજોની કાયદા મુજબ કડક ચકાસણી કરવી જરૂરી બને છે. જો આ ‘ટ્રાયલ ઇન એબ્સેન્શિયા’ આગળ વધશે તો અદાલત તમામ પુરાવાઓનું ન્યાયિક મૂલ્યાંકન કરશે. આ ઉપરાંત BNSS કાયદા હેઠળ સાક્ષીઓની તપાસ શક્ય હોય ત્યાં સુધી ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી રેકોર્ડ કરવામાં આવશે, જેથી વિદેશમાં છુપાયેલા આ આતંકીઓ સામે એક ભરોસાપાત્ર અને મજબૂત ન્યાયિક રેકોર્ડ તૈયાર કરી શકાય.
જૂના કાયદા અને નવા કાયદામાં શું બદલાયું?
જૂના CrPC કાયદામાં ભાગેડુ આરોપીઓને માત્ર પ્રોક્લેઇમ્ડ ઓફેન્ડર જાહેર કરવા કે તેમની ગેરહાજરીમાં પુરાવા નોંધવાની જ મર્યાદિત જોગવાઈ હતી, જ્યારે સંપૂર્ણ ટ્રાયલ ચલાવીને ચુકાદો સંભળાવવાનું સ્પષ્ટ માળખું નહોતું. પરંતુ નવા BNSS કાયદાની કલમ 356એ ચોક્કસ કડક શરતો હેઠળ ભાગેડુ આરોપીની ગેરહાજરીમાં પણ તપાસ, સુનાવણી અને ચુકાદો આપવાની ક્રાંતિકારી સ્પષ્ટતા આપી છે.
26/11 કેસના મુખ્ય પાકિસ્તાની કાવતરાખોરો વર્ષોથી કાયદાકીય પકડથી દૂર હોવાથી આ જોગવાઈનો ઉપયોગ અત્યંત મહત્વપૂર્ણ બને છે, જે માત્ર 26/11ના કેસને આગળ ધપાવવાનો પ્રયાસ નથી પરંતુ સરહદપારના આતંકવાદ સામે નવા ભારતીય ફોજદારી કાયદા BNSSની સક્ષમતા અને વ્યવહારિક અમલ માટેની પણ એક બહુ મોટી કસોટી છે.
હવે આગળ શું થઈ શકે?
સૌથી પહેલાં આરોપીઓ સામે પ્રોક્લેમેશનની (અદાલતી જાહેરનામું) કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. ત્યારબાદ કોર્ટ કલમ 356 હેઠળ નક્કી કરાયેલી તમામ કાયદાકીય શરતોનું પાલન થયું છે કે નહીં તેની ચકાસણી કરશે. જો આ શરતો પૂરી થાય તો જ આરોપીઓની ગેરહાજરીમાં આગળની કાર્યવાહી હાથ ધરી શકાશે. ચાર્જ ફ્રેમ કરવા, સાક્ષીઓની તપાસ અને બચાવ પક્ષના અધિકારોની પ્રક્રિયા કોર્ટના નિર્દેશ મુજબ જ ચાલી શકે. તેથી ‘ટ્રાયલ ઇન એબ્સેન્શિયા શરૂ થશે’ તેનો અર્થ એ નથી કે તરત જ સજા કે ચુકાદો આવી જશે, આ એક સમય માંગતી અને જટિલ ન્યાયિક પ્રક્રિયા છે.
આ કેસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઇન્ટરપોલની ભૂમિકા પણ મહત્વની બની રહેશે. વિશેષ સરકારી વકીલ ઉજ્જવલ નિકમે પ્રોક્લેમેશનને ઇન્ટરપોલ મારફતે પણ જારી કરવાની માંગ કરી છે, જેથી ગૃહ મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય પોલીસ સહકારથી તેનો વૈશ્વિક પ્રસાર થઈ શકે. જોકે, ભૂતકાળમાં પણ 26/11ના આરોપીઓ સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી, પરંતુ પાકિસ્તાનના અસહકારના કારણે તેમને ભારત લાવવામાં સફળતા મળી નહોતી.
આ કાયદામાં આરોપીના ન્યાયિક અધિકારોનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. જો ભવિષ્યમાં કોઈ પણ સમયે આ ભાગેડુ આરોપીઓ પકડાય છે અથવા કોર્ટ સમક્ષ હાજર થાય છે તો તેમની સામે અગાઉ રેકોર્ડ કરાયેલા સાક્ષીઓના નિવેદનો અને પુરાવાઓ અંગે BNSSમાં ખાસ કાયદાકીય સુરક્ષા આપવામાં આવી છે. આનાથી આરોપીને કાયદા મુજબ પોતાનો બચાવ કરવાની તક જળવાઈ રહે છે અને માત્ર ગેરહાજરીના કારણે તેને ન્યાયિક અધિકારોથી વંચિત રાખવામાં આવતો નથી.
26/11ના મુંબઈ હુમલા જેવા ગંભીર કેસ માટે ભારત સરકારે લીધેલું આ પગલું અત્યંત ઐતિહાસિક સાબિત થઈ શકે છે. હુમલો કરનારા ગ્રાઉન્ડ લેવલના આતંકીઓ સામે તો કાર્યવાહી થઈ ગઈ, પરંતુ સરહદ પાર બેસીને દોરીસંચાર કરનારા કાવતરાખોરો વર્ષોથી ભારતની ભૌતિક પહોંચથી દૂર રહ્યા છે. આ કાર્યવાહીથી ભારતે એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આરોપીઓ દેશ બહાર હોવાના બહાને કોઈ પણ ગંભીર આતંકવાદી કેસ અનંતકાળ સુધી અટકેલો રહેશે નહીં અને ન્યાયિક પ્રક્રિયા આગળ વધતી રહેશે.
હવે સમગ્ર વિશ્વની નજર મુંબઈ કોર્ટની આ કાયદાકીય પ્રક્રિયા પર ટકેલી રહેશે. વિશેષ સરકારી વકીલ ઉજ્જવલ નિકમ અને મુંબઈ પોલીસ તમામ કાયદાકીય મંજૂરીઓ સાથે આગળ વધી રહ્યા છે. જો આ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થાય છે તો ભારત માટે સરહદ પારથી થતા આતંકવાદ અને ગંભીર ગુનાઓમાં દેશની અદાલતો મારફતે ન્યાય મેળવવાનો એક નવો કાયદાકીય માર્ગ ખુલ્લો થશે અને ભવિષ્યના કેસો માટે આ એક મોટો દાખલો પણ બનશે.


