‘પત્રકાર’ અને તહેલકા મેગેઝિનના સ્થાપક સંપાદક તરુણ તેજપાલ (Tarun Tejpal) સામે વર્ષ 2013થી ચાલતા એક યૌન શોષણના કેસમાં બૉમ્બે હાઇકોર્ટની ગોવા બેન્ચે ટ્રાયલ કોર્ટનો ચુકાદો પલટાવીને તેજપાલને દોષી ઠેરવતાં 10 વર્ષની જેલની સજા ફટકારી છે.
મે 2021માં ટ્રાયલ કોર્ટે ચુકાદો આપ્યા બાદ ગોવા સરકારે આ ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. લગભગ પાંચ વર્ષ સુધી સુનાવણી ચાલ્યા બાદ કોર્ટે ગત સપ્તાહે ચુકાદો અનામત રાખ્યો હતો. ગુરુવારે (6 ઑગસ્ટ) ચુકાદો સંભળાવવામાં આવ્યો.
આ આખો કેસ શું છે, એ સમજીએ. એ પહેલાં થોડી પૃષ્ઠભૂમિ તરુણ તેજપાલ અને તહેલકા મેગેઝિન વિશે.
ભારતના જાણીતા લેફ્ટિસ્ટ પત્રકારોમાંનો એક તરુણ તેજપાલ ‘તહેલકા’ નામના મેગેઝિનનો સ્થાપક સંપાદક રહી ચૂક્યો છે. પોતે અમુક પુસ્તકો પણ લખ્યાં છે.
1963માં જન્મેલા તરુણ તેજપાલે 1980ના દાયકામાં ‘ધ ઇન્ડિયન એક્સપ્રસ’ અખબારથી કારકિર્દીની શરૂઆત કરી. 1988માં ઇન્ડિયા ટુડે મેગેઝિન સાથે કામ કર્યું. 1994માં ‘ધ ફાયનાન્શિયલ એક્સપ્રેસ’ સાથે પણ કામ કર્યું. 1994-1996 દરમ્યાન દૂરદર્શન માટે શો કર્યા. પછીથી ‘આઉટલુક’ મેગેઝિન ચાલુ કર્યું અને તંત્રીપદ સંભાળ્યું.
2000માં તેજપાલે ‘તહેલકા’ નામની એક વેબસાઈટ ચાલુ કરી. ધીમે-ધીમે આ વેબસાઈટ સ્ટિંગ ઑપરેશનો અને અહેવાલોને કારણે જાણીતી બની. 2004માં પ્રિન્ટ મીડિયામાં ઝંપલાવ્યું અને વિકલી ન્યુઝપેપર ચાલુ કર્યું. આખરે જાન્યુઆરી 2007માં તહેલકાને સાપ્તાહિકમાં તબદીલ કરવામાં આવ્યું.
2002ના ગોધરા હિંદુ હત્યાકાંડ પછી ગુજરાતમાં ફાટી નીકળેલાં રમખાણો માટે હિંદુઓ, હિંદુ સંગઠનો અને મોદી સરકાર પર માછલાં ધોનારા મીડિયામાં આ મેગેઝિન પણ સામેલ હતું. મેગેઝિને એક કથિત સ્ટિંગ ઑપરેશન પણ કર્યું હતું. જેનો આધાર પછીથી તત્કાલીન ગુજરાત સીએમ મોદીને SITએ આપેલી ક્લીનચિટને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં પણ લેવામાં આવ્યો, પણ કોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી ન હતી.
શું છે તરુણ તેજપાલ સામેનો કેસ?
જેમાં હાલ બૉમ્બે હાઇકોર્ટે ચુકાદો આપ્યો કેસની શરૂઆત નવેમ્બર 2013માં થઈ હતી.
7 નવેમ્બર 2013ના રોજ ગોવામાં ‘તહેલકા’ મેગેઝિને ‘થિંક ફેસ્ટ’નું આયોજન કર્યું હતું. સાહિત્ય અને વિચારમંચ તરીકેનો આ કાર્યક્રમ ગોવાની એક હોટેલમાં યોજાયો હતો અને તરુણ અને તહેલકાનો સ્ટાફ, અન્ય મહેમાનો હોટેલમાં જ રોકાયા હતા.
કાર્યક્રમ બાદ તહેલકામાં કામ કરતી એક જુનિયર મહિલા પત્રકારે આરોપ લગાવ્યો કે 7 નવેમ્બરની રાત્રે તરુણ તેજપાલે હોટેલની લિફ્ટમાં તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાના પ્રયાસ કર્યા હતા. મહિલાએ આરોપ લગાવતાં કહ્યું કે તેજપાલે પદનો દુરુપયોગ કરીને, પોતે સિનિયર હોવાનો લાભ ઉઠાવીને ઈચ્છાવિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટનાના બીજા દિવસે 8 નવેમ્બરે હોટેલની એ જ લિફ્ટમાં બીજી વખત તરુણ તેજપાલે મહિલા સાથે બળજબરી કરી હોવાનો આરોપ લાગ્યો. પીડિતાનું કહેવું હતું કે તેણે વિરોધ કર્યો પણ તેની કોઈ અસર ન થઈ.
ઘટનાના લગભગ દસેક દિવસ પછી મહિલા પત્રકારે તહેલકાનાં તત્કાલીન મૅનેજિંગ એડિટર શોમા ચૌધરીને એક મેઇલ લખીને ઘટનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. જેમાં બંને દિવસે પોતાની સાથે શું-શું બન્યું હતું તેનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ફરિયાદ વિશે જાણકારી સાર્વજનિક થઈ ગઈ અને દેશભરમાં ચર્ચા થવા માંડી. રાષ્ટ્રીય મહિલા આયોગે પણ મામલાનું સંજ્ઞાન લીધું.
ગોવા પોલીસે આ મામલે સ્વતઃ સંજ્ઞાન લઈને ફરિયાદ દાખલ કરી અને ત્યારબાદ ગુનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી હતી.
તરુણ તેજપાલનો મેઈલ
જેવા આરોપો સાર્વજનિક થયા કે તરુણ તેજપાલે પણ શોમા ચૌધરીને એક મેઇલ કર્યો હતો. આ મેઇલમાં તેજપાલે સ્વીકાર્યું હતું કે તેની ‘ભૂલ’ થઈ હતી અને અંગ્રેજીમાં ‘અ બેડ લેપ્સ ઑફ જજમેન્ટ’ અને ‘એન ઑફૂલ મિસરીડિંગ ઑફ ધ સિચ્યુએશન’ વગેરે જેવા શબ્દો વાપર્યા હતા. સાથે કહ્યું કે તેણે પહેલેથી જ પીડિતાની બિનશરતી માફી માગી લીધી છે. સાથે મેઇલમાં જ જણાવ્યું હતું કે પોતે છ મહિના માટે મેગેઝિનથી દૂર રહેશે. જે-તે સમયે તરુણ તેજપાલ તહેલકામાં એડિટર-ઇન-ચીફની ભૂમિકામાં હતો.
ટાઈમલાઈન
23 નવેમ્બર 2013ના રોજ ગોવા પોલીસે તરુણ તેજપાલ વિરુદ્ધ રેપ, યૌન ઉત્પીડન અને અન્ય ગુનાઓની કલમો હેઠળ FIR દાખલ કરી. મામલો ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો અને ક્રાઈમ બ્રાંચે હોટેલના સીસીટીવી ફૂટેજ, ડિજિટલ રેકર્ડ, મોબાઇલ રેકર્ડ વગેરેની તપાસ શરૂ કરી. અમુક સાક્ષીઓનાં નિવેદનો લેવામાં આવ્યાં.
કેસ દાખલ થયા બાદ તેજપાલે આગોતરા જામીન માટે અરજી કરી હતી પણ કોર્ટે એ ફગાવી દીધી.
આખરે 30 નવેમ્બર 2013ના રોજ ગોવા પોલીસે ધરપકડ કરી. રિમાન્ડ પર લઈને પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ જેલ મોકલી આપવામાં આવ્યો.

ફેબ્રુઆરી 2014માં ગોવા ક્રાઇમ બ્રાન્ચે કેસની તપાસ પૂર્ણ કરીને લગભગ 2800 પાનાંની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી, જેમાં 150 સાક્ષીઓનાં નિવેદનો, હોટેલના સીસીટીવી ફૂટેજ, ઇમેઇલ, ડિજિટલ રેકર્ડ વગેરેનો આધાર લેવામાં આવ્યો. ચાર્જશીટમાં પોલીસે જણાવ્યું કે તેજપાલે બે વખત યૌન હુમલો કર્યો હતો અને તેના પૂરતા પુરાવા ઉપલબ્ધ છે.
જુલાઈ 2014માં સુપ્રીમ કોર્ટે તરુણ તેજપાલને જામીન આપ્યા. તે પહેલાં નીચલી કોર્ટ જામીન રદ કરી ચૂકી હતી.
સપ્ટેમ્બર 2017માં ગોવા ટ્રાયલ કોર્ટે તરુણ તેજપાલ વિરુદ્ધ રેપ સહિતની કલમો હેઠળ ચાર્જ ફ્રેમ કર્યા. તરુણ તેજપાલે આરોપો માનવાનો ઇનકાર કરી દીધો અને ટ્રાયલ આગળ ચાલી. જે તરુણ તેજપાલે ઘટના પછી મેઇલમાં ભૂલ કરી હોવાનું સ્વીકાર્યું હતું તેણે હવે પોતે નિર્દોષ હોવાનું રટણ ચાલુ કર્યું અને કહ્યું કે ગોવાની ભાજપ સરકાર તેને રાજનીતિક બદલો લેવા માટે ફસાવી રહી છે.
દરમ્યાન તરુણ તેજપાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કેસ રદ કરવાની માંગ કરી હતી પણ એ અરજી ફગાવી દેવામાં આવી અને ટ્રાયલ ઝડપથી ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો.
ચાર વર્ષ ટ્રાયલ ચાલ્યા બાદ મે 2021માં ટ્રાયલ કોર્ટે ચુકાદો આપીને તરુણ તેજપાલને તમામ આરોપોમાંથી દોષમુક્ત ઠેરવ્યો.
ટ્રાયલ કોર્ટે ચુકાદામાં શું કહ્યું હતું?
તરુણ તેજપાલને દોષમુક્ત ઠેરવતી વખતે ટ્રાયલ કોર્ટે 527 પાનાંના ચુકાદામાં પીડિતાના વ્યવહાર પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને નોંધ્યું હતું કે, “આ કથિત ઘટના પછી તરત લેવામાં આવેલા ફોટોગ્રાફમાં મહિલા સ્વસ્થ જ દેખાય છે અને કોઈ રીતે વ્યથિત, ભયભીત લાગતી ન હતી. જ્યારે તેના કહેવા પ્રમાણે આ ઘટના ફોટોગ્રાફ લેવાયા તેની તરત પહેલાં થોડી ક્ષણો અગાઉ બની હતી.”
કોર્ટે એ પણ પ્રશ્ન કર્યો કે પીડિતાએ તેની મહિલા રૂમમેટને કેમ ઘટના વિશે જણાવ્યું ન હતું અને તેના બદલે તેના ત્રણ પુરુષ સહકર્મી સામે ફરિયાદ કરી હતી. સાથે કોર્ટે એ પ્રશ્ન પણ ઉઠાવ્યો કે મહિલા સાથે બળજબરી થઈ હોય અને ઈજા ન થઈ હોય એવું ન બની શકે.
ઘટના પછી તરુણ તેજપાલે મોકલેલા મેઇલ વિશે બચાવ પક્ષે દલીલ કરી હતી કે મેઇલમાં પણ ક્યાંય તેજપાલે પોતે યૌન સંબંધો બાંધવાના પ્રયાસ કર્યા હોય કે બળજબરી કરી હોય તેવું સ્વીકાર્યું નથી અને એ મેઇલમાં માત્ર અશ્લીલ ભાષામાં વાતચીત થયાની સ્વીકૃતિ છે. કોર્ટે આ દલીલ સ્વીકારીને તરુણ તેજપાલને મુક્ત કરતો આદેશ પસાર કર્યો હતો.
સરકારે હાઇકોર્ટમાં પડકાર્યો
આ આદેશ પછીથી ગોવાની સરકારે હાઇકોર્ટમાં પડકાર્યો હતો. સરકારે કોર્ટના આ આદેશને ભૂલભરેલો ગણાવીને દલીલ કરી કે ટ્રાયલ કોર્ટે ફરિયાદીનાં નિવેદનોમાં નાનકડી ખામીને બહુ મોટું સ્વરૂપ આપી દીધું હતું, જ્યારે કોર્ટનું મૂળ કામ એ ચકાસવાનું હતું કે જે મૂળ ઘટનાના આરોપ છે એ બની હતી કે કેમ. ઉપરાંત સરકારે પીડિતાના વ્યવહાર વિશે કોર્ટે કરેલા અવલોકન સામે પણ વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે આ બાબત દોષમુક્તિનો આધાર ન હોય શકે અને ક્યાંય રેપ પીડિતાએ ઘટના બાદ કેવું વર્તન કરવું જોઈએ તેની વ્યાખ્યા કરવામાં આવતી નથી.
બૉમ્બે હાઇકોર્ટે પાંચ વર્ષ સુધી કેસ સાંભળ્યા બાદ રાજ્ય સરકારની અરજી ગ્રાહ્ય રાખી અને ટ્રાયલ કોર્ટનો ચુકાદો પલટાવી દીધો છે. તરુણ તેજપાલ કેસમાં દોષી ઠેરવાયો છે.
સજાની સુનાવણી પહેલાં તેજપાલના વકીલે કોર્ટને વિનંતી કરી હતી કે આઠ સપ્તાહ માટે દોષસિદ્ધિ અને સજા પર રોક લગાવવામાં આવે જેથી આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય. સાથે તરુણ તેજપાલે પોતાની ઉંમરનો હવાલો આપીને અને આટલો સમય વીતી ગયો હોવાનું કહીને સજા આપવામાં નરમ વલણ દાખવવાની વિનંતી કરી. સરકારે બીજી તરફ કહ્યું કે આ નરમ વલણ દાખવી શકાય એવો કેસ નથી અને કોર્ટે એક દાખલો બેસે તેવી સજા આપવી જોઈએ.
કોર્ટે બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ તેજપાલને 10 વર્ષની જેલની સજા ફટકારી. કોર્ટે તેને સરેન્ડર કરવા માટે બે સપ્તાહનો સમય આપ્યો છે.


