હોમપેજગુજરાતગુજરાત અને દારુબંધી: એ સમસ્યા જેનું સમાધાન કોઈની પાસે નથી

ગુજરાત અને દારુબંધી: એ સમસ્યા જેનું સમાધાન કોઈની પાસે નથી

ગુજરાતની અને ખાસ કરીને સરકારની સમસ્યા એ છે કે તેઓ આટલાં વર્ષે પણ, કોઈ પણ સરકાર આવી હોય, કોઈ પણ પાર્ટી હોય, દારૂબંધી વ્યવસ્થિત રીતે લાગુ કરી શકાઈ નથી. પણ બીજી તરફ દારૂબંધી હટાવી શકાય એમ પણ નથી.

- Advertisement -

સ્થાપનાના છ દાયકા પછી પણ ગુજરાત એક પ્રશ્નનો જવાબ હજુ શોધી રહ્યું છે– દારૂબંધી હોવી જોઈએ કે નહીં?

કાગળ પર, સરકારી અને સત્તાવાર જવાબ છે કે હોવી જોઈએ અને છે જ. ઇન ફેક્ટ હમણાં જ ગુજરાત સરકાર વતી પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ફરી એક વખત કહ્યું કે સરકારનો દારૂબંધી હટાવવાનો કોઈ ઇરાદો નથી અને એ યથાવત રહેશે.

પરંતુ અહીં મૂળ શબ્દ ‘કાગળ પર’ છે. સ્થિતિ કાગળ પર જુદી છે, વાસ્તવિકતા જુદી છે.

- Advertisement -

ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે. બનાવવા પર, સંગ્રહ કરવા પર, વેચાણ કરવા પર અને પીવા પર પ્રતિબંધ છે. છતાં ગુજરાતમાં દારૂ મળે છે. દારૂ ગેરકાયદેસર છે છતાં આખા ગુજરાતમાં, દરેક જિલ્લા સુધી, દરેક તાલુકા સુધી એક આખી સિસ્ટમ વિકસી ગઈ છે. દારૂનું ભરપૂર વેચાણ થાય છે.

આ ઓપન સિક્રેટ છે. રૂટ સામાન્ય માણસ પણ જાણે છે, તેનાથી વધુ સરકાર અને પોલીસ જાણે છે. નેટવર્ક પણ ઘણુંખરું કઈ રીતે કામ કરે છે એ બધાને ખબર છે. આ જાણ પોલીસ અને એજન્સીઓને પણ છે. તેઓ દરોડા પાડે છે, ધરપકડો કરે છે, દારૂ પકડે છે, કેસો નોંધાય છે અને આ ચક્ર આમ જ ચાલતું રહે છે.

ગુજરાતની અને ખાસ કરીને સરકારની સમસ્યા એ છે કે તેઓ આટલાં વર્ષે પણ, કોઈ પણ સરકાર આવી હોય, કોઈ પણ પાર્ટી હોય, દારૂબંધી વ્યવસ્થિત રીતે લાગુ કરી શક્યા નથી. પણ બીજી તરફ દારૂબંધી હટાવી શકાય એમ પણ નથી.

આમ તો કોઈ કાયદો હોય તેને લાગુ કરાવવો એ સરકારનું, તેના પોલીસતંત્રનું, સુરક્ષા એજન્સીઓનું કામ છે. દારૂબંધી હોય તો જરૂરી છે કે દારૂને રાજ્યમાં આવતો જ રોકવામાં આવે, તેની સપ્લાય ચેઇન સંપૂર્ણપણે તોડી નાખવામાં આવે, ફાયનાન્સિયરો અને સપ્લાયરોને પકડવામાં આવે.

પુસ્તકોમાં કાગળ પર આ જ લખ્યું છે. કાગળ પર આ પરફેક્ટ સમાધાન લાગે છે, પણ વાસ્તવિકતા જુદી છે. વ્યવહારિક રીતે જોઈએ તો સ્થિતિ વિપરીત છે.

વર્ષોના પ્રોહિબિશનના કારણે એક ઇકોસિસ્ટમ તૈયાર થઈ ગઈ છે. દારૂની ડિમાન્ડ હોય એટલે ગેરકાયદેસર માર્કેટ તૈયાર થાય છે. ડિમાન્ડના કારણે પૈસા પણ આવે છે. પૈસાના કારણે નેટવર્ક બને છે. નેટવર્કના કારણે સંરક્ષણ તૈયાર થાય છે. તેના કારણે ભ્રષ્ટાચાર કરવો પડે છે. વર્ષો સુધી જ્યારે આ પ્રક્રિયાઓ સિસ્ટમની બહાર ચાલતી રહે અને સિસ્ટમ તેને કાબૂમાં લેવામાં નિષ્ફળ જાય ત્યારે સિસ્ટમ પણ સમસ્યાનો ભાગ બની જાય છે. ગુજરાતમાં એ જ થયું છે.

કહેવાનો અર્થ એ નથી કે દરેક પોલીસકર્મી કરપ્ટ છે કે દરેક અધિકારી આ સિસ્ટમનો ભાગ બની ગયો છે. પરંતુ જ્યારે કોઈ ગેરકાયદેસર માર્કેટ બહુ મોટા સ્તરે, રાજ્યવ્યાપી સ્તરે દાયકાઓ સુધી ચાલતું રહે ત્યારે કાનૂન લાગુ કરનારાઓ અને નેટવર્ક વચ્ચેનું અંતર પણ ધીમેધીમે ઘટવા માંડે છે. એટલે આપણે એમ કહી દઈએ કે પોલીસે દારૂબંધી લાગુ કરાવવી જોઈએ, તો એ વાત સાચી તો છે પણ વાત ત્યાં પૂરી થઈ જતી નથી.

આમાં એક પ્રશ્ન નૈતિકતા અને નીતિઓનો પણ આવીને ઊભો રહે છે. લોકોએ શું પીવું જોઈએ, તેમના સ્વાસ્થ્ય માટે શું સારું છે અને શું ખરાબ છે એ નક્કી કરવાનું કામ સરકારનું છે કે નહીં એ પ્રશ્ન પણ પૂછાય છે.

જાહેર સ્વાસ્થ્યનું કારણ આપવામાં આવે છે. દારૂના કારણે સ્વાસ્થ્ય પર અસર થાય છે, પરિવારો બરબાદ થાય છે, હિંસા વગેરેને પ્રોત્સાહન મળે છે, લાંબાગાળે સમાજ પર વિપરીત અસર થાય છે– બધી વાતો સાચી પણ એ હેતુઓ ત્યારે સર થાય જ્યારે કાયદાનું યોગ્ય અમલીકરણ કરાવવામાં આવે.

દારૂબંધીનું સમર્થન કરનારાઓ કાયમ આર્થિક પાસું પણ લઈ આવે છે. બીજાં રાજ્યો દારૂના વેચાણથી, ટેક્સેશન, લાયસન્સિંગ વગેરેથી તગડી આવક મેળવે છે. દલીલ એવી હોય છે કે આમ પણ ગેરકાયદેસર રીતે દારૂ વેચાતો જ રહે છે તો લીગલ થઈ જવાથી સરકાર તેનું નિયમન કરી શકશે અને આવક પણ મેળવી શકશે.

પણ આ પણ સમાધાન નથી, રાધર સરળ સમાધાન નથી.

વર્ષો પછી આ કે બીજી કોઈ પણ ગુજરાત સરકાર સરળતાથી દારૂબંધી હટાવી શકે એમ નથી. તેનાં આર્થિક, સરકારી, સામાજિક, રાજકીય– બધાં જ કારણો છે. બધાં જ કારણો અગત્યનાં છે અને કોઈ અવગણી શકાય એમ નથી.

કાલે ઉઠીને સરકાર જાહેર કરી દે કે આપણો આ છ દાયકાનો પ્રયોગ નિષ્ફળ ગયો અને દારૂબંધી હટાવી લેવામાં આવે છે તોપણ સમસ્યાઓ ઓછી નહીં થાય. ત્યારપછી દારૂનું વેચાણ કઈ રીતે થશે, કેટલું થશે, કઈ પદ્ધતિથી થશે એ પ્રશ્ન આવીને ઊભો રહે. સરકાર માટે જોકે એ કપરું કામ નથી, પણ સમાજ પર થતી અસરો રોકવાનું કામ કપરું છે. બીજું એક કપરું કામ છે બ્લેક માર્કેટને કાબૂ કરવાનું.

આટલા દાયકાઓથી બ્લેક માર્કેટ ચાલી રહ્યું છે, રાતોરાત બંધ નહીં થાય. એટલે સમાનાંતરે સસ્તો દારૂ વેચાતો રહે, ટેક્સ ભર્યા વગર વેચાણ ચાલતું રહે અને રેગ્યુલેટેડ ચેનલની બહાર પણ એક માર્કેટ ધમધમતું રહે તેની શક્યતાઓ અનેકગણી વધારે છે.

તેનાથી મોટી સમસ્યા એ છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર એક પ્રશાસનિક કાયદો કે વ્યવસ્થા નથી. તેની પોતાની નૈતિક અને ઐતિહાસિક ઓળખ છે. મહિલાઓ માટે આ મુદ્દો સંવેદનશીલ છે. કઈ સરકાર, કઈ પાર્ટી આ એક મોટી વૉટ બેન્કને નારાજ કરશે? ગુજરાતમાં ધાર્મિક સંસ્થાઓ પણ ઓછી નથી, અનેક સામાજિક સંસ્થાઓ પણ છે– આ બધાનો વિરોધ આડે આવે એટલે કામ વધુ કઠિન બને છે.

એટલે હવે દારૂબંધી કારગર નીવડી છે એવો દેખાડો લાંબો સમય કરવો શક્ય નથી કારણ કે વાસ્તવિકતા નજર સામે છે, પણ એટલે હવે દારૂબંધી હટાવી દેવી જોઈએ એ સ્વીકારવું પણ જોખમી કામ છે.

દારૂબંધીના સમર્થકો કાયદાને કડકાઈથી લાગુ કરવાના પક્ષમાં છે, પણ વર્ષોની બની ગયેલી સિસ્ટમના કારણે લાગુ થઈ શકતી નથી. સરકાર દારૂબંધી હટાવી શકે એમ પણ નથી કારણ કે ત્યારબાદ શું થશે, તેનાં સામાજિક-રાજકીય પરિણામો શું આવશે તેનો જવાબ પણ કોઈની પાસે નથી. સરકાર દારૂને પૂરેપૂરી રીતે બજાર પર પણ છોડી શકે એમ નથી કારણ કે હવે આ એક સામાજિક વિષય બની ગયો છે.

બંધારણ રાજ્યને દારૂબંધી લાગુ કરવા માટેની સલાહ આપે છે. વિધાનસભા કાયદો બનાવી શકે છે. અદાલતો તેની વ્યાખ્યા અને અર્થઘટન કરી શકે છે. સરકાર નિયમો કડક બનાવી શકે છે, પણ આમાંથી કોઈની પાસે ગુજરાતની આ સમસ્યાનું ચોક્કસ સમાધાન નથી. ઉકેલ નથી એવું નથી, પણ દરેક ઉકેલની એક કિંમત ચૂકવવી પડશે. કિંમત ચૂકવવાની કોઈને ઉતાવળ નથી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં