હોમપેજરાજકારણ‘E20થી ખાંડ મોંઘી થઈ, 25 લાખ ટન શેરડી ઇથેનોલમાં ગઈ’: AAP-કોંગ્રેસે હવે...

‘E20થી ખાંડ મોંઘી થઈ, 25 લાખ ટન શેરડી ઇથેનોલમાં ગઈ’: AAP-કોંગ્રેસે હવે શરૂ કર્યો નવો દુષ્પ્રચાર, પણ હકીકત જુદી

E20ની ચર્ચા થઈ શકે, તેની ટીકા પણ થઈ શકે. પરંતુ ટીકા અને રાજકીય બફાટ વચ્ચે એક પાતળી રેખા હોય છે. આ વખતે AAP-કોંગ્રેસે એ રેખા ઘણી આગળ જઈને પાર કરી છે.

- Advertisement -

E20 એટલે પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલનું મિશ્રણ. આ નીતિને લઈને છેલ્લા કેટલાક સમયથી રાજકીય વિરોધ ચાલી રહ્યો છે, પરંતુ હવે AAP અને કોંગ્રેસે તેના વિરોધમાં એક નવો મોરચો ખોલ્યો છે. અત્યાર સુધી વાત વાહનોના માઇલેજ અને એન્જિનની સુસંગતતા સુધી હતી, હવે તેમાં રસોડાની ખાંડ પણ ઉમેરી દેવામાં આવી છે. દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર શેરડીને ખાંડ બનાવવાને બદલે ઇથેનોલ બનાવવા તરફ વાળી રહી છે, જેના કારણે ખાંડની અછત ઊભી થઈ અને સામાન્ય માણસને મોંઘી ખાંડ ખરીદવાની સ્થિતિ આવી છે.

આ પ્રોપગેન્ડાને સૌથી તાજો અવાજ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપ્યો છે. કેજરીવાલે એક વિડીયો જાહેર કરીને મોદી સરકારને ‘અભણ લોકોની સરકાર’ ગણાવી અને એવો દાવો કર્યો કે સરકારે શેરડીની ખેતીને ઇથેનોલ તરફ વાળી દીધી, એટલે શેરડી અને ખાંડની અછત થઈ અને માત્ર 17 દિવસમાં ખાંડ ₹46થી વધીને ₹65 પ્રતિ કિલો થઈ ગઈ. કેજરીવાલની દલીલ આગળ એવી હતી કે પેટ્રોલ બચાવીને જે વિદેશી હૂંડિયામણ બચાવવાનું હતું, હવે એ જ વિદેશી હૂંડિયામણ ખાંડની આયાતમાં ખર્ચવું પડશે.

કોંગ્રેસ પણ પાછળ રહી નથી. કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ E20ને ખાદ્ય મોંઘવારી સાથે જોડીને દાવો કર્યો કે 25 લાખ ટન ખાંડલાયક શેરડી ઇથેનોલમાં વાળી દેવામાં આવી છે. તેમના કહેવા પ્રમાણે છેલ્લા ત્રણ મહિનામાં ખાંડ ₹48થી વધીને ₹67 થઈ ગઈ, ગોળ ₹50થી ₹65 થયો, ચોખા અને મકાઈના લોટના ભાવ પણ વધ્યા અને પશુઆહાર પણ મોંઘો થયો. એટલે તેમના નેરેટિવમાં E20 માત્ર પેટ્રોલનો મુદ્દો નથી રહ્યો. હવે તે રસોડું, પશુઆહાર અને સામાન્ય માણસની મોંઘવારી સુધી પહોંચાડી દેવામાં આવ્યો છે.

- Advertisement -

સવાલ એ છે કે આ વાત સાંભળવામાં જેટલી સીધી લાગે છે, હકીકતમાં પણ એટલી જ સીધી છે? જરા આંકડા સામે મૂકીએ.

કેજરીવાલનો ₹46થી ₹65નો દાવો

કેજરીવાલે કહ્યું કે 17 દિવસ પહેલાં ખાંડ ₹46 પ્રતિ કિલો હતી અને હવે ₹65 થઈ ગઈ છે. એટલે 17 દિવસમાં સીધા ₹19નો વધારો. આ વાત સાંભળતા જ સામાન્ય માણસને ખરેખર લાગે કે દેશમાં ખાંડનું કંઈક મોટું સંકટ ઊભું થઈ ગયું હશે.

પરંતુ 21 ઑગસ્ટે જાહેર કરાયેલી કેન્દ્ર સરકારની માહિતીમાં 20 જુલાઈના રોજ ખાંડનો ભાવ ₹48.18 પ્રતિ કિલો અને 20 ઑગસ્ટે ₹55.70 પ્રતિ કિલો દર્શાવવામાં આવ્યો છે. એટલે એક મહિના દરમિયાન વધારો થયો છે, પરંતુ કેજરીવાલે જે ₹46થી ₹65નો આંકડો રજૂ કર્યો છે તે સત્તાવાર રીતે રજૂ કરવામાં આવેલા ભાવથી અલગ છે.

અહીં એક નાની વાત બહુ મોટી બની જાય છે. ભાવવધારા પર રાજકીય દલીલ કરવી હોય તોપણ કયા બજારનો ભાવ છે, કઈ તારીખનો ભાવ છે અને કયા પ્રકારની ખાંડનો ભાવ છે તે સ્પષ્ટ કરવું પડે. નહીં તો ₹46થી ₹65 સુધીનો આંકડો સાંભળનારને એવું ચિત્ર આપે કે જાણે દેશભરમાં ખાંડનો ભાવ 17 દિવસમાં એક જ ઝાટકે ₹19 વધી ગયો.

સરકારના આંકડા પ્રમાણે હકીકત એટલી તીવ્ર નથી. હા, ખાંડ મોંઘી થઈ છે. સરકાર પોતે પણ આ વાત સ્વીકારે છે. પરંતુ તેના માટે આખો દોષ E20ના માથે નાખી દેવામાં આવ્યો નથી.

હવે આવે છે જયરામ રમેશનું ‘25 લાખ ટન’ ગણિત

કેજરીવાલના દાવા પછી કોંગ્રેસના જયરામ રમેશે પણ લગભગ એ જ નેરેટિવ આગળ વધાર્યો. તેમણે કહ્યું કે 25 લાખ ટન ખાંડલાયક શેરડી ઇથેનોલ બનાવવા માટે ડાયવર્ટ થઈ ગઈ અને તેના પરિણામે ખાંડના ભાવમાં વધારો થયો. અહીંથી આખી વાતનો સૌથી મહત્વનો ભાગ શરૂ થાય છે.

સરકારના જણાવ્યા અનુસાર ઇથેનોલ માટે ડાયવર્ટ થતી ખાંડનો હિસ્સો વધ્યો નથી, ઊલટો ઘટ્યો છે. 2022-23માં ખાંડમાંથી ઇથેનોલ તરફ ડાયવર્ઝનનો હિસ્સો આશરે 12 ટકા હતો, જે 2025-26માં ઘટીને આશરે 9 ટકા થયો છે. એટલે એક તરફ કોંગ્રેસ કહે છે કે ઇથેનોલ માટે ખાંડને મોટા પ્રમાણમાં વાળી દેવામાં આવી રહી છે, બીજી તરફ સત્તાવાર આંકડો કહે છે કે ખાંડનું ડાયવર્ઝન 12 ટકાથી 9 ટકા થયું છે.

એટલું જ નહીં, ભારતમાં હવે બનતા ઇથેનોલનો લગભગ ત્રીજો-ચોથો હિસ્સો અનાજમાંથી આવે છે, ખાસ કરીને મકાઈમાંથી. એટલે ‘શેરડી ખેંચી લીધી, એટલે ખાંડ ઘટી ગઈ’ એવું એક જ લાઇનનું ગણિત પણ આખી ઇથેનોલ વ્યવસ્થાને સમજાવતું નથી.

આંકડા કોઈ રાજકીય પક્ષના નથી. આંકડા સામે મૂક્યા પછી સવાલ પોતે ઊભો થાય છે કે જો ઇથેનોલ માટે ખાંડનું ડાયવર્ઝન ઘટ્યું છે તો તાજેતરની ખાંડની મોંઘવારીને સીધી E20 સાથે કેવી રીતે જોડી શકાય?

તો ખાંડ મોંઘી થઈ કેમ?

હવે અહીં કદાચ સૌથી રસપ્રદ ભાગ છે. ખાંડના ભાવમાં વધારો થયો છે, પણ તેની પાછળનું કારણ ઇથેનોલ નથી. સરકારના જણાવ્યા પ્રમાણે ચાલુ સિઝનમાં ખાંડનું ઉત્પાદન આશરે 306 લાખ મેટ્રિક ટન રહેવાની ધારણા છે, જ્યારે શરૂઆતમાં શેરડી ઉગાડતા રાજ્યોએ આશરે 343 લાખ મેટ્રિક ટન ઉત્પાદનનો અંદાજ આપ્યો હતો. એટલે ઉત્પાદન શરૂઆતના અંદાજ કરતાં નોંધપાત્ર ઓછું રહેવાનું છે.

શા માટે?

શેરડીના પાકમાં રેડ રોટ અને ટોપ બોરર જેવા રોગોની અસર થઈ છે. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. આના કારણે શેરડીનું ઉત્પાદન અને ત્યારબાદ ખાંડનું ઉત્પાદન અસરગ્રસ્ત થયું છે.

તેમાં તહેવારોની સિઝન પહેલાં ખાંડની માંગમાં વધારો થયો છે. એટલે એક તરફ ઉત્પાદન અપેક્ષા કરતાં ઓછું છે અને બીજી તરફ માંગ વધી રહી છે. બજારમાં ભાવ પર તેની અસર થવી સ્વાભાવિક છે. હજુ એક બાબત છે, જે કેજરીવાલ અને કોંગ્રેસના નેરેટિવમાં બહુ દેખાતી નથી, આ માત્ર ભારતની સમસ્યા નથી.

આખી દુનિયામાં ખાંડ મોંઘી થઈ રહી છે

2026-27 માટે વૈશ્વિક ખાંડની ખાધ આશરે 33 લાખ મેટ્રિક ટન રહેવાનો અંદાજ છે. હવામાનને લઈને ચિંતાઓએ વૈશ્વિક ઉત્પાદનના અંદાજ પર પણ અસર કરી છે. તેની સીધી અસર આંતરરાષ્ટ્રીય ભાવ પર પડી છે. 30 જૂને વૈશ્વિક ખાંડનો ભાવ પ્રતિ ટન આશરે 474 ડૉલર હતો, જે 20 ઑગસ્ટે વધીને 552 ડૉલર થયો. એટલે બે મહિનાથી પણ ઓછા સમયમાં 16 ટકાથી વધુનો વધારો.

હવે આ આખું ચિત્ર સામે રાખો. ભારતમાં ઉત્પાદન શરૂઆતના અંદાજ કરતાં ઓછું છે, શેરડીના પાકને રોગ અને વરસાદની અસર છે, તહેવારો પહેલાં માંગ વધી છે અને વૈશ્વિક બજારમાં પણ ખાંડ મોંઘી થઈ રહી છે. આ બધું છોડીને માત્ર E20ને પકડીને ‘ખાંડ મોંઘી થઈ કારણ કે મોદી સરકારે શેરડી ઇથેનોલમાં વાળી દીધી’ કહી દેવું કેટલું સરળ અને કેટલું અધૂરું છે, એ સમજવામાં બહુ મહેનત પડતી નથી.

ખાંડ આયાત કરવી પડશે?

કેજરીવાલે પોતાના વિડીયોમાં આ મુદ્દાને વધુ આગળ ધપાવ્યો. તેમની દલીલ હતી કે ઇથેનોલના કારણે ખાંડની અછત થઈ, હવે ભારતને ખાંડ આયાત કરવી પડશે અને એટલે પેટ્રોલ બચાવીને બચાવેલું વિદેશી હૂંડિયામણ પાછું ખાંડ માટે ખર્ચવું પડશે. પરંતુ અહીં પણ અડધી વાતને આખી હકીકત તરીકે રજૂ કરવામાં આવી છે.

સ્થાનિક બજારમાં ખાંડનો પુરવઠો વધારવા અને તહેવારોની સિઝનમાં ભાવને કાબૂમાં રાખવા સરકારે 10 લાખ મેટ્રિક ટન કાચી ખાંડની ડ્યુટી-ફ્રી આયાતને મંજૂરી આપી છે. આનો અર્થ એવો નથી કે દેશની ખાંડની દુકાનો ખાલી થઈ ગઈ છે અથવા ભારતમાં ખાંડનો જથ્થો જ નથી.

સરકારના જણાવ્યા પ્રમાણે ઑક્ટોબરમાં નવી પિલાણ સિઝન શરૂ થાય ત્યાં સુધી દેશની સ્થાનિક જરૂરિયાત પૂરી કરવા પૂરતો ખાંડનો સ્ટોક ઉપલબ્ધ છે. આયાતનો નિર્ણય પુરવઠો વધારવા માટે છે.

એટલું જ નહીં, સરકાર હવે સંગ્રહખોરી સામે પણ કાર્યવાહી કરી રહી છે. 1 ઑગસ્ટથી 30 નવેમ્બર સુધી ખાંડના વેપારીઓ માટે 400 ટનની સ્ટોક લિમિટ લાદવામાં આવી છે. મોટા જથ્થામાં ખાંડ વાપરતા ગ્રાહકો માટે પણ 1 સપ્ટેમ્બરથી 15 દિવસની જરૂરિયાત કરતાં વધુ સ્ટોક રાખવા પર મર્યાદા મૂકવામાં આવી છે. મિલોમાં પડેલા સ્ટોકની ભૌતિક ચકાસણી પણ કરવામાં આવી રહી છે.

અને 15 ઑક્ટોબરથી નવી પિલાણ સિઝન શરૂ કરવાની સલાહ આપવામાં આવી છે. સરકારના અંદાજ પ્રમાણે તેનાથી ઑક્ટોબરનું ખાંડ ઉત્પાદન સામાન્ય 3-4 લાખ મેટ્રિક ટન સામે 10 લાખ મેટ્રિક ટનથી વધુ થઈ શકે છે.

અર્થાત્ સરકારની નીતિનો એક ભાગ પુરવઠો વધારવાનો છે, બીજો સંગ્રહખોરી રોકવાનો અને ત્રીજો નવી પિલાણ સિઝન વહેલી શરૂ કરવાનો.

E20ના નામે વાહનોને લઈને પણ ભય ફેલાવવામાં આવી રહ્યો છે

આ નેરેટિવ માત્ર ખાંડ પૂરતો નથી. કોંગ્રેસે કહ્યું છે કે 20 ટકા ઇથેનોલ માટે તૈયાર ન હોય તેવા વાહનોમાં નુકસાનનું જોખમ છે અને માઇલેજ ઘટી શકે છે. AAP પણ લાંબા સમયથી આ મુદ્દાને લઈને અભિયાન ચલાવી રહી છે. કેજરીવાલે અગાઉ E20ના વિરોધમાં 2.3 લાખથી વધુ અરજીઓ લઈને વડા પ્રધાનના નિવાસ તરફ કૂચ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

અહીં પણ એકદમ સફેદ-કાળું ચિત્ર બનાવવું યોગ્ય નથી. E20થી કેટલાક વાહનોમાં માઇલેજ પર અસર થઈ શકે છે. સરકારના FAQમાં પણ કેટલાક વાહનો માટે 3થી 5 ટકા સુધી ફ્યુલ ઈકોનોમીમાં ઘટાડાનો ઉલ્લેખ છે. પરંતુ ‘માઇલેજ થોડું ઘટી શકે’ અને ‘E20ના કારણે ગાડીઓ ખરાબ થઈ રહી છે’ બંને એક વાત નથી.

સરકારના જણાવ્યા પ્રમાણે E20ના રોલઆઉટ પહેલાં એન્જિન ડ્યુરેબિલિટી, કોરોઝન રેઝિસ્ટન્સ, મટિરિયલ કમ્પેટિબિલિટી, ડ્રાઇવેબિલિટી અને ફ્યુઅલ એફિશિયન્સી સહિતના માપદંડો પર પરીક્ષણો કરવામાં આવ્યા હતા. એટલે આ નીતિ કોઈ એક સવારે બેસીને કાગળ પર બનાવી અને બીજા દિવસે દેશના વાહનોમાં ઠાંસી દેવામાં આવી હોય એવું ચિત્ર પણ સાચું નથી.

ઇથેનોલ નીતિનો બીજો ભાગ પણ છે

અહીં AAP-કોંગ્રેસના પ્રચારમાં જે વાત સુવિધાપૂર્વક ગાયબ થઈ જાય છે, તે છે ખાંડ ઉદ્યોગની સરપ્લસ સમસ્યા. ભારત સામાન્ય રીતે પોતાની જરૂરિયાત કરતાં વધુ ખાંડનું ઉત્પાદન કરે છે. ઉત્પાદન વધારે થાય ત્યારે મિલોમાં વધારાનો સ્ટોક અટવાય છે, મિલોના નાણાં ફસાય છે અને શેરડીના ખેડૂતોની ચૂકવણીમાં વિલંબ થઈ શકે છે. વધારાની ખાંડને ઇથેનોલ તરફ વાળવાથી આ સરપ્લસનો એક ભાગ ઉપયોગમાં આવે છે અને મિલોની નાણાકીય સ્થિતિ સુધારવામાં મદદ મળે છે.

સરકારના જણાવ્યા પ્રમાણે 20 ઑગસ્ટ સુધી 2025-26ની સિઝનના 97 ટકા શેરડીના લેણાં ખેડૂતોને ચૂકવાઈ ચૂક્યાં છે. આ પણ એ જ ઇથેનોલ નીતિનું એક પરિણામ છે, જેનો ઉલ્લેખ AAP-કોંગ્રેસના તાજેતરના પ્રચારમાં ભાગ્યે જ જોવા મળે છે.

એટલે આખી વાત શું છે?

E20 સામે રાજકીય વાંધો હોય તો રાખો. માઇલેજ વિશે સવાલ હોય તો પૂછો. જૂનાં વાહનો માટે સુસંગતતા અંગે ચિંતા હોય તો તેના પર ચર્ચા કરો. પરંતુ ખાંડ મોંઘી થઈ એટલે તરત કહી દેવું કે શેરડી ઇથેનોલમાં વાળી દીધી એટલે ખાંડ ખતમ થઈ ગઈ, આ દાવો આંકડાઓ સાથે ટકતો નથી.

કેજરીવાલે ₹46થી ₹65નો દાવો કર્યો. જયરામ રમેશે ₹48થી ₹67ની વાત કરી અને 25 લાખ ટન ખાંડલાયક શેરડી ઇથેનોલમાં જવાની વાત કરી. મીડિયા રિપોર્ટોમાં પણ આ દાવાઓને આગળ ધપાવવામાં આવ્યા. પરંતુ સામેના સત્તાવાર આંકડા કહે છે કે ઇથેનોલ માટે ડાયવર્ટ થતી ખાંડનો હિસ્સો 12 ટકાથી ઘટીને 9 ટકા થયો છે. ખાંડનું ઉત્પાદન શરૂઆતના અંદાજ કરતાં ઓછું છે, શેરડીના પાકને રોગ અને વરસાદની અસર થઈ છે, તહેવારો પહેલાં માંગ વધી છે અને વૈશ્વિક ખાંડ બજારમાં પણ પુરવઠાની તંગી છે.

તો પછી E20ને જ ખાંડની મોંઘવારીનું કારણ બનાવીને આખું ગણિત સમજાવવાનો પ્રયાસ શું છે? તેને રાજકીય પ્રચાર સિવાય બીજું શું કહી શકાય? ખાસ કરીને ત્યારે જ્યારે જે નીતિને ‘ખાંડ ખતમ કરનારી; ગણાવવામાં આવી રહી છે, તેમાં જ ખાંડનું ઇથેનોલ તરફ ડાયવર્ઝન છેલ્લા કેટલાક વર્ષોમાં વધ્યું નહીં પરંતુ ઘટ્યું છે.

આખરે સામાન્ય માણસ માટે વાત બહુ સીધી છે. ખાંડ મોંઘી થઈ છે તો સરકાર તેની સામે પગલાં લે, સ્ટોક લિમિટ લગાવે, સંગ્રહખોરી તપાસે, જરૂર પડે તો આયાત કરે અને નવી પિલાણ સિઝન વહેલી શરૂ કરાવે. આ બધું થઈ રહ્યું છે. પરંતુ ખાંડના ભાવવધારાને લઈને અધૂરા આંકડા ઉછાળીને E20ને ગાળો આપવાથી ન તો ખાંડ સસ્તી થવાની છે, ન તો સમસ્યાનું સાચું કારણ સમજાશે.

E20ની ચર્ચા થઈ શકે, તેની ટીકા પણ થઈ શકે. પરંતુ ટીકા અને રાજકીય બફાટ વચ્ચે એક પાતળી રેખા હોય છે. આ વખતે AAP-કોંગ્રેસે એ રેખા ઘણી આગળ જઈને પાર કરી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં