
મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે તાજેતરમાં મદુરાઈમાં ‘ઇરેડિકેટ સનાતન ધર્મ’ (સનાતન ધર્મ નાબૂદ કરો) નામની પરિષદ સામે વિરોધ પ્રદર્શન કરનારા આઠ વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા ફોજદારી કેસો રદ કરી દીધા હતા. જસ્ટિસ આર. વિજયકુમારની બેન્ચે FIR રદ કરતાં નોંધ્યું કે વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ અને લોકતાંત્રિક રીતે પરિષદનો વિરોધ કર્યો હતો અને કોઈ મિલકતને નુકસાન પહોંચાડ્યું નહોતું.
કોર્ટે કહ્યું, “અરજદાર અને અન્ય લોકો એક વિદ્યાર્થી સંગઠન સાથે જોડાયેલા છે. તેમણે સનાતન ધર્મની નાબૂદી માટે યોજાયેલી બેઠકના સ્થળે શાંતિપૂર્ણ અને લોકતાંત્રિક રીતે વિરોધ કર્યો હતો. વધુમાં, કોઈ પણ જાહેર મિલકતને નુકસાન પહોંચાડ્યાનો કોઈ આરોપ નથી.”
કોર્ટે વધુમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓ સામે ફોજદારી કાર્યવાહી ચાલુ રાખવી એ કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ ગણાશે.
આ ચુકાદો અરજદાર એમ. સેન્થૂરવેલન અને અન્ય સાત લોકો સામે સપ્ટેમ્બર 2023માં થલ્લાકુલમ પોલીસે નોંધેલી FIRને પડકારતી અરજી પર આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 143 (ગેરકાયદેસર મંડળી), 341 (ગેરકાયદેસર રીતે રૂકાવટ પેદા કરવી) અને 290 (જાહેર ઉપદ્રવ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
આરોપ હતો કે વિદ્યાર્થીઓ પરિષદ યોજાઈ રહી હતી તે કોન્ફરન્સ હોલની બહાર એકત્ર થયા હતા. પોલીસે ચેતવણી આપી હોવા છતાં તેમણે વિરોધ ચાલુ રાખ્યો હતો અને કથિત રીતે રસ્તો રોકી દીધો હતો, જેના કારણે સામાન્ય લોકોને અસુવિધા થઈ હતી. FIRમાં અરજદારને આરોપી નંબર 5 બનાવવામાં આવ્યો હતો.
વકીલે કોર્ટને જણાવ્યું હતું કે અરજદાર કાયદાનો વિદ્યાર્થી છે અને તેણે જે વિરોધમાં ભાગ લીધો હતો તે શાંતિપૂર્ણ હતો. તેમણે કોર્ટનું ધ્યાન એ તરફ પણ દોર્યું કે FIR નોંધાયાના લગભગ ત્રણ વર્ષ બાદ પણ પોલીસે કેસમાં ચાર્જશીટ દાખલ કરી નહોતી. પ્રોસિક્યુશન તરફથી કહેવામાં આવ્યું હતું કે ચાર્જશીટ તૈયાર થઈ ગઈ છે, પરંતુ તેને દાખલ કરવામાં આવી નથી. જોકે, આ વિલંબનું કોઈ કારણ તેઓ જણાવી શક્યા નહોતા.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે નિષ્કર્ષ આપ્યો કે ફોજદારી કાર્યવાહી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે તો તે અરજદાર તથા અન્ય આરોપીઓ સામે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ ગણાશે. તેથી કોર્ટે તમામ આરોપીઓ સામે ચાલી રહેલી ફોજદારી કાર્યવાહી રદ કરી દીધી. કોર્ટે નોંધ્યું કે તમામ આઠ આરોપીઓની સ્થિતિ એકસમાન છે જેથી સૌને ચુકાદો લાગુ પડશે.
આ જ કૉન્ફરન્સમાં ઉદયનિધિએ સનાતન વિરુદ્ધ કર્યો હતો બફાટ
આ કૉન્ફરન્સનું આયોજન તમિલનાડુ પ્રોગ્રેસિવ રાઇટર્સ એન્ડ આર્ટિસ્ટ્સ એસોસિએશન દ્વારા 2 સપ્ટેમ્બર, 2023ના રોજ ચેન્નાઈમાં એક સ્થળે કરવામાં આવ્યું હતું.
પરિષદ દરમિયાન તમિલનાડુના તત્કાલીન મુખ્યમંત્રી સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિને હિંદુ ધર્મ અંગે અપમાનજનક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે સનાતનનો માત્ર વિરોધ જ પૂરતો નથી, પરંતુ તેને નાબૂદ કરવો પડશે. ઉદયનિધિએ સનાતનની સરખામણી મચ્છર અને કોરોના વાયરસ સાથે પણ કરી હતી.
સાથે ઉદયનિધિએ આયોજકોને અભિનંદન આપતાં કહ્યું હતું કે કૉન્ફરન્સનું નામ ‘સનાતનના વિરોધ’ વિશે નહીં પરંતુ નાબૂદ કરવા વિશે છે એ યોગ્ય નિર્ણય છે કારણ કે સનાતનને નાબૂદ જ કરવો જોઈએ.
ઉદયનિધિના આ બફાટનો પછીથી દેશભરમાં વિરોધ થયો હતો.

