Thursday, May 2, 2024
More
    હોમપેજરાજકારણ‘ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોના જેવો છે સનાતન, તેનો નાશ કરવાની જરૂર’: તમિલનાડુ...

    ‘ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોના જેવો છે સનાતન, તેનો નાશ કરવાની જરૂર’: તમિલનાડુ CMના પુત્રે ઝેર ઓક્યું, ‘સનાતનનો નાશ કરવા’ માટે યોજાયો હતો કાર્યક્રમ

    સ્ટાલિનપુત્રના આ વિવાદિત બયાન બાદ લીગલ એક્ટિવિસ્ટ ગ્રુપે કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી છે. સંગઠને એક ટ્વિટમાં કહ્યું કે, તેઓ સનાતનનું અપમાન કરનારા સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે વિકલ્પો જોઈ રહ્યા છે.

    - Advertisement -

    તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને દ્રવિડ મુનેત્ર કઝગામ (DMK)ના નેતા ઉદયનિધિ સ્ટાલિન વિવાદમાં આવ્યા છે. તાજેતરમાં એક વિવાદિત કાર્યક્રમમાં બોલતી વખતે તેમણે સનાતન ધર્મ વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હતી અને તેને મેલેરિયા અને ડેન્ગ્યુ સાથે સરખાવીને કહ્યું કે, તેને ખતમ કરવામાં આવવો જોઈએ. 

    શનિવારે (2 સપ્ટેમ્બર, 2023) તમિલનાડુના તથાકથિત સુધારાવાદી લેખકો અને કલાકારોના એક એસોશિએશને ચેન્નાઇમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેનું નામ હતું- ‘સનાતન ઉન્મૂલન કોન્ફરન્સ.’ સનાતનને જડમાંથી ઉખાડી ફેંકવાના આ કાર્યક્રમમાં DMK નેતા અને તમિલનાડુ સરકારમાં મંત્રી ઉદયનિધિ સ્ટાલિને પણ ભાગ લીધો હતો. અહીં તેમણે ધર્મ વિશે ઝેર ઓક્યું. 

    કાર્યક્રમમાં બોલતી વખતે ઉદયે કહ્યું કે, “આ કાર્યક્રમનું નામ એકદમ બરાબર રાખવામાં આવ્યું છે. તમે તેને ‘અબોલિશ (સંપૂર્ણ નાશ કરવો) સનાતન કોન્ફરન્સ’ નામ આપ્યું છે, નહીં કે ‘અપોઝ (વિરોધ કરવો) સનાતન કોન્ફરન્સ.’ મારી શુભેચ્છાઓ તમારી સાથે છે.” આગળ કહ્યું કે, ઘણી એવી બાબતો હોય છે જેનો માત્ર વિરોધ જ ન થવો જોઈએ પરંતુ તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવવો જોઈએ, આવું જ સનાતન ધર્મ સાથે પણ થવું જોઈએ. 

    - Advertisement -

    ઉદયનિધિએ કહ્યું, “મેલેરિયા, ડેન્ગ્યુ, ફ્લુ, કોરોના, આ બધાનો આપણે માત્ર વિરોધ જ ન કરવો જોઈએ પરંતુ તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવવો જોઈએ. સનાતન સાથે પણ આવું જ કંઈક છે. આપણું પહેલું કામ સનાતનમનો વિરોધ કરવાની જગ્યાએ તેને ખતમ કરવાનું હોવું જોઈએ. એટલે આ કાર્યક્રમને યોગ્ય નામ આપવા બદલ તમને શુભેચ્છાઓ.”

    સનાતન અને હિંદુ ધર્મ વિશે ટિપ્પણી કરતાં આગળ કહ્યું કે, “સનાતનમ શું છે? સનાતનમ નામ સંસ્કૃત પરથી આવ્યું છે. તે સમાનતા અને સામાજિક ન્યાયનો વિરોધ કરે છે. સનાતનમનો અર્થ શું છે? જે અનાદિ કે અનંત છે અને ક્યારેય બદલાઈ શકતું નથી, જેને પ્રશ્ન થઇ શકતો નથી, એ સનાતન છે.” ઉલ્લેખનીય છે કે અગાઉ ઉદયનિધિએ કહ્યું હતું કે પોતે નાસ્તિક છે પરંતુ તાજેતરમાં તેમણે પોતાને ખ્રિસ્તી તરીકે ઓળખાવ્યા હતા. 

    ઉદયનિધિ સ્ટાલિન તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર છે. રાજ્ય સરકારમાં મંત્રી પણ છે. આ સિવાય તેઓ તમિલ સિનેમામાં અભિનેતા અને પ્રોડ્યુસર પણ છે. તેમની પાર્ટી DMK પણ વિપક્ષી પાર્ટીઓના I.N.D.I.A ગઠબંધનમાં સામેલ છે અને રાજ્યમાં કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડતી રહી છે.

    સ્ટાલિનપુત્રના આ વિવાદિત બયાન બાદ લીગલ એક્ટિવિસ્ટ ગ્રુપે કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી છે. સંગઠને એક ટ્વિટમાં કહ્યું કે, તેઓ સનાતનનું અપમાન કરનારા સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે વિકલ્પો જોઈ રહ્યા છે અને ઉદયનિધિ સ્ટાલિનને સજા અપાવ્યા વગર રહેશે નહીં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં