
સુપ્રીમ કોર્ટે આધ્યાત્મિક સંસ્થા આર્ટ ઑફ લિવિંગની એક અરજી સ્વીકારીને 2016ના એક કાર્યક્રમ માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ફટકારેલા દંડની પાંચ કરોડ રકમ સંસ્થાને પરત આપવા માટેનો આદેશ કર્યો છે. શનિવારે (22 ઑગસ્ટ) જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ એન. કે સિંઘની બેન્ચે આ આદેશ પસાર કર્યો.
કોર્ટે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીને આદેશ આપ્યો છે કે આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશને ચૂકવેલી ₹5 કરોડ રકમ તેને પરત આપી દેવામાં આવે.
અરજી વ્યક્તિ વિકાસ કેન્દ્ર ઇન્ડિયા (VVKI) દ્વારા દાખલ કરવામાં આવી હતી, જે આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશનની ભારતની શાખા છે. આર્ટ ઑફ લિવિંગની સ્થાપના આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકરે કરી હતી.
આખો મામલો શું છે?
સંસ્થાએ વર્ષ 2016માં દિલ્હીમાં ‘વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલ’ નામનો એક કાર્યક્રમ કર્યો હતો, જેનું આયોજન યમુના કિનારે થયું હતું. ત્યારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કાર્યક્રમને પરવાનગી તો આપી પરંતુ સાથે પર્યાવરણને થનારા નુકસાનના વળતર પેટે ₹5 કરોડ રૂપિયા ડિપોઝિટ પેટે જમા કરાવવા માટેનો આદેશ આપ્યો હતો. સાથે જણાવ્યું હતું કે કાર્યક્રમ બાદ પર્યાવરણને થતા નુકસાનની સમીક્ષા કરવામાં આવશે અને તે હિસાબે બાકીની રકમ પરત થશે.
કાર્યક્રમ 11થી 13 માર્ચ 2016 દરમ્યાન દિલ્હીમાં યોજાયો હતો. પહેલા દિવસે સંસ્થાના આયોજકોએ NGTને અપીલ કરી હતી કે તે સમયે ₹25 લાખ ચૂકવી દેવાય અને બાકીના ₹4 કરોડ 75 લાખ ચૂકવવા માટે ત્રણ સપ્તાહનો સમય આપવામાં આવે. ત્યારબાદ પહેલાં ₹25 લાખ અને પછીથી ₹4.75 કરોડ ચૂકવવામાં આવ્યા હતા.
પછીથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની એક પેનલે તપાસ કરી અને ડિસેમ્બર 2017માં ચુકાદો આપીને આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશનને યમુનાના કાંઠાના વિસ્તારમાં નુકસાન કરવા માટે જવાબદાર ઠેરવ્યું હતું. સાથે ચુકાદામાં જણાવ્યું કે સંસ્થાને વધારાનો દંડ ચૂકવવામાં નહીં આવે પરંતુ ડિપોઝીટના ₹5 કરોડ પણ પરત નહીં અપાય અને દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી આ રકમનો ઉપયોગ યમુનાની આસપાસ સ્થિતિ પૂર્વવત્ કરવા માટે કરશે.
આર્ટ ઑફ લિવિંગે પછીથી NGTનો આ આદેશ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
સંસ્થાએ કોર્ટને જણાવ્યું હતું કે જે સ્થળે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેને ક્યારેય યમુના ‘ફ્લડપ્લેન’ તરીકે ઘોષિત કરવામાં આવ્યું ન હતું અને કાર્યક્રમના કારણે પર્યાવરણને શું અને કેટલું નુકસાન થયું તેનું કોઈ વૈજ્ઞાનિક પરીક્ષણ ક્યારેય થયું નથી.
કોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખીને પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે યમુનાની ઈકોસિસ્ટમને આર્ટ ઑફ લિવિંગના કાર્યક્રમના કારણે જ નુકસાન થયું હોય તેવા કોઈ સ્પષ્ટ પુરાવા મળ્યા નથી. ત્યારબાદ કોર્ટે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીને આદેશ કર્યો હતો કે આર્ટ ઑફ લિવિંગને ₹5 કરોડની રકમ પરત આપી દેવામાં આવે.

