‘હર્ષ સંઘવી સીએમ બનશે, ભૂપેન્દ્ર પટેલ UPના રાજ્યપાલ’: X પર અફવા ફેલાવવા બદલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દાખલ કરી FIR

‘હર્ષ સંઘવી ગુજરાતના મુખ્યમંત્રી બનશે અને ભૂપેન્દ્ર પટેલને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવશે’ તેવા દાવા સાથે સોશિયલ મીડિયા અને ખાસ કરીને X પર ચાલી રહેલી સોશિયલ મીડિયા પોસ્ટ વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે FIR દાખલ કરી છે.

FIRમાં પવન ત્યાગી નામના પત્રકારને આરોપી બનાવવામાં આવ્યા છે. X બાયો અનુસાર ત્યાગી ‘પ્યારા હિન્દુસ્તાન ન્યૂઝ નેટવર્ક’ના એક્ઝિક્યુટિવ એડિટર છે.

ત્યાગીએ X પર 22 ઑગસ્ટની એક પોસ્ટમાં લખ્યું હતું, ‘મોટા બ્રેકિંગ ન્યૂઝ: ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને ગુજરાતના CM બનાવવામાં આવશે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને રાજ્યપાલ બનાવવામાં આવશે.’

આ પોસ્ટ વિરુદ્ધ પોલીસે પોતે ફરિયાદી બનીને FIR દાખલ કરી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીની પ્રતિષ્ઠા અને બંધારણીય હોદ્દાને હાનિ પહોંચે તે રીતે ગુનાહિત કાવતરું રચીને ખોટું લખાણ લખીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ કરવામાં આવ્યું હતું. જેનાથી ગુજરાતની જનતામાં ભય અને ગભરાટ પેદા થવાની સંભાવના છે.

પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 336(4), 353(1), 61(2) અને આઇટી એક્ટની કલમ 66-D હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે હાલ મુખ્યમંત્રી અમેરિકાના પ્રવાસે છે અને નાયબ મુખ્યપ્રધાન ભાજપના કામ માટે દિલ્હીના પ્રવાસે છે. દરમ્યાન બંને વિશે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થતાં ક્રાઈમ બ્રાન્ચે FIR દાખલ કરીને તપાસ શરૂ કરી છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.