બનાસકાંઠામાં ગર્ભવતી હિંદુ મહિલા પર વારંવાર દુષ્કર્મ, નિકાહ કરાવી ‘ફિઝા’ નામ પાડ્યું: મુખ્ય આરોપી અખ્તરશાહ ઝડપાયો, 3ની શોધખોળ

બનાસકાંઠાના ધાનેરા તાલુકાના પેંગિયા ગામમાંથી ગર્ભવતી હિંદુ મહિલા સાથે વારંવાર દુષ્કર્મ, મારપીટ, બ્લેકમેલિંગ અને બળજબરીથી ઇસ્લામમાં ધર્મ પરિવર્તન કરાવવાના આરોપોનો ગંભીર મામલો સામે આવ્યો છે. 30 વર્ષીય પાંચ મહિનાની ગર્ભવતી મહિલાની ફરિયાદના આધારે પોલીસે અખ્તર રાજબશાહ ફકીર, તેના ભાઈઓ આરિફ રાજબશાહ ફકીર અને ઇલ્યાસ રાજબશાહ ફકીર તથા તેમના કાકા સલીમશાહ જુમાશાહ ફકીર સામે ગુનો નોંધ્યો હતો. જોકે, હવે આ કેસમાં કાર્યવાહી આગળ વધી છે અને મુખ્ય આરોપી અખ્તરશાહ ફકીરની ધરપકડ કરવામાં આવી છે. બાકીના ત્રણ આરોપીઓને ઝડપી પાડવા પોલીસ પ્રયાસ કરી રહી છે.

મહિલાએ 20 ઑગસ્ટે ધાનેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. શરૂઆતના પોલીસ નિવેદન મુજબ કેસ નોંધાયા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી અને તે સમયે કોઈની ધરપકડ થઈ નહોતી. ત્યારબાદ 24 ઑગસ્ટે ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ સીએલ સોલંકીએ મુખ્ય આરોપી અખ્તરશાહની ધરપકડની પુષ્ટિ કરી હતી.

ફરિયાદ અને FIRમાં જણાવ્યા મુજબ, મહિલા પાંચ મહિનાની ગર્ભવતી હતી ત્યારે તેના પર વારંવાર જાતીય અને શારીરિક હુમલા કરવામાં આવ્યા હોવાનો આરોપ છે. મહિલાના જણાવ્યા મુજબ, અખ્તર તેના વિખૂટા પડી ગયેલા પતિને ઓળખતો હતો. શરૂઆતમાં તેણે મહિલાનો સંપર્ક એમ કહીને કર્યો હતો કે તેના દાદા તેની તબિયતની સમસ્યાઓ માટે ‘રુહાની’ ઉપાય કરી શકે છે. ત્યારબાદ તે મહિલાની નજીક આવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. 

આ કેસનો એક મહત્વનો પહેલાનો ઘટનાક્રમ પણ છે. મહિલાએ એપ્રિલમાં પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં અખ્તર અને તેના સંબંધીઓ સામે જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. તે કેસમાં અખ્તર સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ થઈ હતી. મહિલાનો આરોપ છે કે તે સમયે ફરાર રહેલા આરિફ અને ઇલ્યાસે તેને મારી નાખવાની અને તેની દીકરીઓનું અપહરણ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ તેના પર દબાણ કરીને ગુજરાત હાઇકોર્ટમાં સમાધાન માટે સોગંદનામું કરાવવામાં આવ્યું હોવાનો દાવો FIRમાં કરવામાં આવ્યો છે

16 જૂને આરોપીઓ જેલમાંથી બહાર આવ્યા બાદ મહિલા અને અખ્તર ધાનેરા તાલુકાના પેંગિયા ગામમાં રહેવા ગયા હતા. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે સ્થિતિ સુધરશે અને બંને શાંતિથી રહી શકશે તેવી આશાએ તે તેની સાથે ગઈ હતી. જોકે, તેના આરોપ મુજબ ત્યારબાદ પણ અખ્તરે તેની ગર્ભાવસ્થાની જાણ હોવા છતાં તેની સાથે વારંવાર દુષ્કર્મ અને મારપીટ કરી હતી. એટલું જ નહીં, તેને અન્ય પુરુષો સાથે ફોન પર વાત કરવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું. 

મહિલાએ આ વાતનો વિરોધ કરતાં ખાનગી રીતે રેકોર્ડ કરવામાં આવેલા વિડીયોનો ઉપયોગ કરીને તેને બ્લેકમેલ કરવામાં આવી હતી. આરોપીઓએ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હોવાનો મહિલાનો દાવો છે. ત્યારબાદ તેણે ત્રણેય ભાઈઓ અને તેમના કાકા પર પણ અલગ-અલગ સમયે વારંવાર દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો છે.

નિકાહ માટે મૌલવી બોલાવ્યો, નામ બદલીને ‘ફિઝા’ રાખ્યું

આ સમગ્ર કેસમાં બળજબરીથી ધર્મ પરિવર્તનનો આરોપ સૌથી ગંભીર મુદ્દાઓ પૈકીનો એક છે. મહિલાના જણાવ્યા મુજબ, ચારેય આરોપીઓએ તેના પર ઇસ્લામ સ્વીકારવા માટે દબાણ કર્યું હતું. એક સ્થાનિક મૌલવીને બોલાવી તેના ‘નિકાહ’ કરાવવામાં આવ્યા હોવાનો પણ તેણે આરોપ લગાવ્યો છે.

FIR મુજબ, નિકાહ દરમિયાન મહિલાને નશીલો પદાર્થ ભેળવેલું પીણું પીવડાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેનું નામ બદલીને ‘ફિઝા’ રાખવામાં આવ્યું હોવાનો મહિલાનો દાવો છે. સાથે જ તેની દીકરીઓને પણ બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાની ધમકી આપવામાં આવી હતી. મહિલાની બંને દીકરીઓ તે સમયે તેમના નાના-નાની સાથે રહેતી હતી.

21 જુલાઈએ ઘરમાંથી કાઢી મૂકી, 181 મહિલા હેલ્પલાઇનની મદદ લીધી

FIR અનુસાર, 21 જુલાઈના રોજ ચારેય આરોપીઓએ મહિલાને માર માર્યો અને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. મહિલાનો આરોપ છે કે આરોપીઓએ તેના અથવા તેના અજાત બાળકની જવાબદારી લેવાનો પણ ઇનકાર કર્યો હતો. ત્યારબાદ તેણે એક દુકાનદારની મદદ લીધી અને 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. બાદમાં માતાની મદદથી તે લખાણી ગઈ હતી.

ચારેય સામે BNS અને ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ હેઠળ ગુનો

ધાનેરા પોલીસે મહિલાની ફરિયાદના આધારે 20 ઑગસ્ટે ચારેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ દુષ્કર્મ, હુમલો અને ગુનાહિત ધાકધમકી સહિતની જોગવાઈઓ તથા ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે.

હાલ મુખ્ય આરોપી અખ્તરશાહ ફકીરની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે તેના ભાઈઓ આરિફ અને ઇલ્યાસ તથા કાકા સલીમશાહ ફકીર પોલીસની પકડથી બહાર છે અને તેમને ઝડપી પાડવા પ્રયાસો ચાલી રહ્યા છે. પોલીસ તપાસમાં ફરિયાદમાં કરાયેલા આરોપોની હકીકત અને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.

આ કેસમાં એક ખાસ બાબત એ પણ છે કે મહિલાએ અગાઉ પણ જાતીય સતામણી અંગે ફરિયાદ કરી હતી અને તે કેસ બાદ થયેલા દબાણ, હાઇકોર્ટમાં સોગંદનામું, આરોપીઓનું જેલમાંથી બહાર આવવું અને ત્યારબાદ ફરી સામે આવેલા ગંભીર આરોપોનો આખો ઘટનાક્રમ એકબીજા સાથે જોડાયેલો છે. હાલ પોલીસે આ તમામ કડીઓની તપાસ હાથ ધરી છે.