હોમપેજગુજરાત'ચૈતર વસાવાનું વર્તન ધારાસભ્યને શોભે તેવું નથી, વારંવાર સૂચના આપ્યા છતાં કોર્ટનો...

‘ચૈતર વસાવાનું વર્તન ધારાસભ્યને શોભે તેવું નથી, વારંવાર સૂચના આપ્યા છતાં કોર્ટનો અનાદર કર્યો’: હાઇકોર્ટે કેમ ફગાવ્યા AAP MLAના જામીન

જૂન 2026માં સેશન્સ કોર્ટે દોષી ઠેરવ્યા બાદ ચૈતર વસાવાએ હાઇકોર્ટમાં અપીલ કરીને સજા મોકૂફ રાખીને જામીન આપવાની માંગ કરી હતી, કોર્ટે ફગાવી દીધી.

- Advertisement -

‘ચૈતર વસાવાનું વર્તન જોઈને પ્રથમ દૃષ્ટ્યા લાગે છે કે તેમને આ દેશની અદાલતો અને કાયદાઓ પ્રત્યે કોઈ આદર નથી અને વિરોધ અને ટીકાઓનો જવાબ હિંસા અને શારીરિક હુમલાઓથી આપવા માટે ટેવાયેલા છે. ધારાસભા જેવી કાયદા ઘડતી સંસ્થાના એક સભ્ય માટે આ વર્તન બિલકુલ યોગ્ય નથી.’

વન વિભાગના કર્મચારીઓ પર હુમલા અને ખંડણીના કેસમાં સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ફટકારેલી 7 વર્ષની સજા પર રોક લગાવીને જામીન આપવાની માંગ કરતી અરજી ફગાવતી વખતે ગુજરાત હાઇકોર્ટે આ ટિપ્પણીઓ કરી હતી.

ચૈતર વસાવા અને તેમના પી. એ જીતેન્દ્ર વસાવાની અરજીઓ ફગાવતાં હાઇકોર્ટે કહ્યું છે કે પ્રથમ દૃષ્ટિએ ટ્રાયલ કોર્ટનો આદેશ યોગ્ય જણાય છે અને તેમાં હાલ હાઇકોર્ટના હસ્તક્ષેપની જરૂર જણાતી નથી. હાલ ચૈતર વસાવા જેલમાં જ રહેશે.

- Advertisement -

શું છે કેસ?

ટૂંકમાં મામલો એવો છે કે ડેડિયાપાડાના બોગજ ગામની સીમમાં અમુક ખેડૂતોએ 2 હૅક્ટર સરકારી જમીનમાં પાકનું વાવેતર કર્યું હતું, જે હટાવવા માટે વન વિભાગના કર્મચારીઓએ વારંવાર સૂચના આપ્યા છતાં પણ પાક ન હટાવતાં 30 ઑક્ટોબર, 2023ના રોજ અધિકારીઓએ પોતે પાક દૂર કરી દીધો હતો.

આની ફરિયાદ ખેડૂતે ધારાસભ્ય ચૈતર વસાવાને કરી દીધી હતી, જેમનું પૈતૃક ગામ પણ બોગજ છે. વસાવાએ ત્યારબાદ વન વિભાગના કર્મચારીઓને ઘરે બોલાવીને ધાકધમકી આપી હતી અને એક અધિકારીને લાફા મારી દીધા હતા. ત્યારબાદ ઘરમાંથી પિસ્તોલ મગાવીને હવામાં ગોળીબાર કર્યો હતો.

બીજા દિવસે ચૈતર વસાવાના પી.એ જીતેન્દ્ર વસાવાએ ખેડૂતોને સાથે રાખીને અધિકારીઓ પાસેથી પાક નુકસાનના વળતર પેટે ₹60,000 પડાવી લીધા હતા. પછીથી અધિકારીઓએ મામલાની પોલીસ ફરિયાદ કરતાં FIR નોંધાઈ હતી. ચૈતર લગભગ એક મહિના સુધી ફરાર રહ્યા બાદ ડિસેમ્બરમાં તેમની ધરપકડ થઈ હતી.

આ કેસમાં જૂન 2026માં સેશન્સ કોર્ટે ચુકાદો આપીને ચૈતર વસાવા સહિતના આરોપીઓને દોષી ઠેરવ્યા હતા અને તમામને 7 વર્ષની સાજા ફટકારી હતી. આરોપીઓમાં એક ચૈતરની પત્ની શકુંતલા વસાવા પણ છે. અન્ય આરોપીઓમાં ખેડૂતો, ચૈતરના સાથીઓ વગેરેનો સમાવેશ થાય છે. હાઇકોર્ટ ચૈતર અને તેમના પી.એ અને એક અન્ય વ્યક્તિ રિંકેશ વસાવા સિવાય બાકીના ગુનેગારોને જામીન આપી ચૂકી છે. આ કેસમાં હાઇકોર્ટે રિંકેશ વસાવાને પણ જામીન પર મુક્ત કર્યો હતો.

(સમગ્ર કેસ વિશે અને ટ્રાયલ કોર્ટના ચુકાદા વિશે અહીંથી વાંચી શકાશે)

રાજકીય બદલો લેવા માટે કેસ ઉપજાવી કાઢવામાં આવ્યો હોવાની ચૈતર વસાવાની દલીલ

ચૈતર વસાવાએ હાઇકોર્ટમાં જામીન અરજી રજૂ કરીને દલીલ કરી હતી કે આ કેસ ખોટો અને ઉપજાવી કાઢેલો છે અને રાજકીય રીતે બદલો લેવા માટે દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત પ્રોસિક્યુશને રજૂ કરેલા પુરાવાઓ પણ શંકાસ્પદ અને અવિશ્વસનીય છે. ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતાં માંગ કરી હતી કે તેમાં અનેક ભૂલો છે અને હાઇકોર્ટ વિચાર કરે ત્યાં સુધીમાં સજા પર રોક લગાવી દેવામાં આવે.

સરકારે પુરાવા રજૂ કરીને સમગ્ર ઘટનાક્રમ કહ્યો

બીજી તરફ સરકાર તરફથી હાજર રહેલા પબ્લિક પ્રોસિક્યુટરોએ કોર્ટ સમક્ષ સમગ્ર ઘટનાક્રમ રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે વન વિભાગના અધિકારીઓ માત્ર ફરજના ભાગરૂપે કાર્યવાહી કરી હતી તેમ છતાં ખેડૂતોએ વિસ્તારમાં વગ અને ધાક ધરાવતા ધારાસભ્યને ફરિયાદ કરીને કર્મચારીઓ વિરુદ્ધ ઉશ્કેરણી કરી હતી અને ધારસભ્યએ કાયદાકીય માર્ગ અપનાવવાની સલાહ આપવાને સ્થાને કર્મચારીઓને જ ઘરે બોલાવીને ધાકધમકી આપીને માર માર્યો હતો અને ખંડણી માંગી હતી.

સરકારી વકીલોએ આ તમામ ઘટનાક્રમો રજૂ કરાતા દસ્તાવેજી પુરાવાઓ પણ રજૂ કર્યા, અધિકારીઓ વચ્ચે થયેલી વાતચીત (પૈસાની સગવડ માટે) અને કોલ ડિટેલ રેકર્ડ વગેરે પણ સામેલ છે. સાથે બેન્ક અકાઉન્ટની વિગતો પણ પૂરી પાડવામાં આવી, જેમાંથી પૈસા ઉપાડવામાં આવ્યા હતા, જે પછીથી ખેડૂતોને આપવામાં આવ્યા. ઉપરાંત એ હકીકત પણ જણાવવામાં આવી કે પછીથી તપાસ દરમ્યાન આ પૈસા મળી આવ્યા હતા.

ધારાસભ્યનું વર્તન પણ જોવું જોઈએ: સરકાર

સરકારે કોર્ટને કહ્યું કે ચૈતર વસાવા ધારાસભ્ય હોઈ જાહેરમાં તેમનું વર્તન કેવું હોય એ પણ જોવું જોઈએ અને આવા પદ પર રહેલી વ્યક્તિનાં વાણી-વ્યવહાર-વર્તન પણ સંયમિત હોવાં જોઈએ. પરંતુ ચૈતર વસાવા સામે ભૂતકાળમાં પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને આ તમામ કેસોમાં જામીન આપતી વખતે કોર્ટે જે-જે શરતો મૂકી હતી તેનું પણ તેઓ સરેઆમ ઉલ્લંઘન કરીને એક પછી એક ગુનાઓમાં સંડોવાતા રહ્યા છે. સરકારી વકીલે જણાવ્યું કે એક કેસમાં વસાવા દોષિત ઠર્યા બાદ તેમને પ્રોબેશન પર મુક્ત કરવામાં આવ્યા હતા, તેમ છતાં તેમણે ગુનાઓ આચરવાનું ચાલુ રાખ્યું.

સરકારી વકીલે કોર્ટ સમક્ષ ચૈતર વસાવા સામે દાખલ થયેલા કુલ 22 ગુનાઓની યાદી પણ રજૂ કરી હતી. આમાંથી 16 ગુનાઓ એવા છે જ્યારે કોર્ટ અન્ય ગુનામાં જામીન આપતી વખતે ચૈતર વસાવાને આવી કોઈ પણ પ્રવૃત્તિમાં સંલિપ્ત ન થવા માટે ચેતવણી આપી ચૂકી હતી અને આ વાત જામીનની શરતોમાં પણ સામેલ હતી.

અન્ય આરોપીઓ સાથેની સરખામણી પર સરકારે જણાવ્યું કે મામલામાં ચૈતર વસાવાનો કેસ બાકીના કરતા જુદો છે એટલે ભલે અગાઉ હાઇકોર્ટ બાકીનાને જામીન આપી ચૂકી હોય પણ ચૈતરના કેસમાં પેરિટી (સમાનતા) સિદ્ધાંત લાગુ પડતો નથી.

હાઇકોર્ટે શું કહ્યું?

હાઇકોર્ટે રેકર્ડ પર ઉપલબ્ધ સામગ્રીનું પરીક્ષણ કરતાં કહ્યું કે એ વાત નિર્વિવાદ સત્ય છે કે જ્યાંથી પાક હટાવવામાં આવ્યો હતો એ જમીન સરકારી હતી અને શૂલપાણેશ્વર વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરીની હદમાં આવતી હતી. એટલે ત્યાં પાકનું વાવેતર પણ ગેરકાયદેસર હતું. સુનાવણી દરમ્યાન આ જમીન પર ખેડૂતોનો કોઈ અધિકાર છે એ દાવો સાબિત કરવા માટે હાઇકોર્ટે આરોપીઓના વકીલોને પૂરતી તક આપી હતી પણ તેઓ એક પણ પુરાવો રજૂ કરી શક્યા ન હતા.

કોર્ટે કહ્યું કે જો જમીન ખેડૂતોની ન હોય અને સરકારની હોય તો ત્યાં ગેરકાયદેસર રીતે વાવી દેવાયેલો પાક જો અધિકારીઓ હટાવી દે તો એ પ્રક્રિયા કાયદેસર કહેવાય અને તેનાથી કોઈ પણ વ્યક્તિનો અધિકાર બાધિત થતો નથી. અધિકારીઓ માત્ર ફરજ નિભાવી રહ્યા હતા.

તેમ છતાં ચૈતર વસાવાએ અધિકારીઓને ઘરે બોલાવીને ધાકધમકી આપીને માર માર્યો હોવાનો ઘટનાક્રમ દસ્તાવેજી પુરાવાઓ અને સાક્ષીઓનાં નિવેદનો સાથે મેળ ખાય છે. ઉપરાંત ડિટેલ્સ અને અન્ય પુરાવાઓ જોતાં ખંડણી માગી હોવાનું પણ જણાય છે. કોર્ટે કહ્યું કે અધિકારીઓએ ફરજના ભાગરૂપે પાક હટાવ્યો હોવા છતાં તેમને ધાકધમકી આપીને વળતરના નામે પૈસા ઉઘરાવવા એ ખંડણીની વ્યાખ્યામાં આવે છે.

જોકે કોર્ટે કહ્યું છે કે પોલીસ પિસ્તોલ રિકવર કરી શકી નથી તેથી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો થયો છે તેવું પ્રથમ દૃષ્ટિએ પુરવાર કરવા માટે પૂરતા પુરાવા ઉપલબ્ધ નથી પરંતુ તેનો અર્થ એ નથી કે પ્રોસિક્યુશનના કેસના બાકીના આરોપો આપોઆપ નબળા થઈ જાય. તેમાં કર્મચારીઓને મારવામાં આવ્યા હોવાના, ધાકધમકી આપ્યાના, ખંડણી ઉઘરાવ્યાના પૂરતા પુરાવા ઉપલબ્ધ છે. માત્ર એક હથિયાર ન મળ્યું હોવાના કારણે કેસના બાકીના આરોપો પણ ખોટા છે એવું ન માની શકાય.

‘ચૈતર વસાવાનું વર્તન પદને શોભે એ પ્રકારનું નથી’

કોર્ટે કહ્યું કે ચૈતર વસાવાએ ગુનો આચર્યો ત્યારે તેઓ પ્રોબેશન પર હતા. ઉપરાંત આ કેસમાં જામીન આપતી વખતે હાઇકોર્ટે તેમને સૂચના આપી હતી તેમ છતાં તેઓ ગુનાઓ આચરતા રહ્યા. દસ ગુનાઓમાં FIR ધારાસભ્ય રહેતાં થઈ છે. વનકર્મીઓવાળા કેસની ટ્રાયલ કોર્ટમાં ચાલી રહી હતી તે દરમ્યાન ચૈતર વિરુદ્ધ ત્રણ ગુના નોંધાયા હતા.

આ ત્રણ કેસ ઝઘડિયા GIDCની એક કંપની બહાર એક યુવકને માર મારવા અને પોલીસ અધિકારીઓના કામમાં અવરોધ પેદા કરવા બદલ નોંધવામાં આવ્યો હતો. ચૈતરે જાહેરમાં એક આદિવાસી યુવકને લાફો મારી દીધો હતો, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ ચૈતર સામે ત્રણ FIR નોંધવામાં આવી હતી.

કોર્ટે કહ્યું કે ચૈતર વસાવાનું આ વર્તન જોઈને લાગે છે કે તેમને કાયદા પ્રત્યે આદર નથી અને કાયમ વિરોધ કે ટીકાનો પ્રતિકાર હિંસા અને હુમલાઓથી કરે છે. એક ધારાસભ્ય માટે આ યોગ્ય નથી.

કોઈ પદ હોય તેનાથી કાયદામાંથી છટકબારી મળતી નથી. ચૈતર વસાવા ધારાસભ્ય છે અને અગાઉ સ્વતંત્રતા મળ્યા છતાં તેઓ સતત અંદર કરતાં રહ્યા છે. આ વર્તન તેમના પદ અનુસાર યોગ્ય નથી.

કોર્ટે કહ્યું, “આ સંજોગોમાં જો સજા રદ કરવામાં આવે અને આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો સમાજમાં સંદેશ જશે કે વગદાર માણસો કોઈ પણ કાયદાકીય પરિણામ ભોગવ્યા વગર ગુનો આચરી શકે છે. કોર્ટ આ પરવાનગી આપી શકે નહીં. ધારાસભ્ય રહેતાં ચૈતર વસાવાએ અન્ય લોકોને કાયદાનો માર્ગ અપનાવવા માટે પ્રેરિત કરવા જોઈએ પણ ઉપરથી તેઓ જ કમરચરીઓને ધાકધમકી આપીને ખંડણી ઉઘરાવતા હતા.”

કોર્ટે એ પણ કહ્યું કે આમાં ફરિયાદીથી માંડીને વિક્ટિમ બધા જ જનજાતીય સમુદાયમાંથી આવે છે એટલે આરોપીઓ એવું પણ કહી શકે તેમ નથી ચૈતર વસાવાએ આદિવાસીઓના હિતમાં આ પગલું ઉઠાવવું પડ્યું હતું. ગુનો આખરે ગુનો છે.

આખરે કોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશમાં કોઈ ભૂલ ન હોવાનું ઠરાવીને ચૈતર વસાવા અને તેમના પી. એ જીતેન્દ્ર વસાવાની સજા મોકૂફ રાખીને જામીન આપવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં