હોમપેજગુજરાતAAP ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા થઈ એ કેસ શું છે...

AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા થઈ એ કેસ શું છે અને કોર્ટે ચુકાદામાં શું કહ્યું–સમજો

કોર્ટમાં દલીલો ચાલી ત્યારે પ્રોસિક્યુશને કોર્ટને કહ્યું કે ચૈતર વસાવા સામે આ એક જ ગુનો હોય એમ નથી અને વર્ષોથી અનેક કેસ નોંધાયા છે, ઉપરાંત આ માણસ ધારાસભ્ય હોવા છતાં પોતે બાહુબલીની છાપ ધરાવે છે, ગુંડાગિરી અને દાદાગીરી કરતો આવ્યો છે.

- Advertisement -

કાયમ વિવાદોમાં રહેતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને (Chaitar Vasava) રાજપીપળા સેશન્સ કોર્ટે 2023ના એક કેસમાં 7 વર્ષની જેલની સજા ફટકારી છે. વસાવા પર વન વિભાગના કર્મચારીઓને ઘરે બોલાવીને તેમની સાથે ગાળાગાળી કરીને, ધાકધમકી આપીને માર મારવાનો અને કર્મચારીઓને ગભરાવવા માટે ગેરકાયદેસર પિસ્તોલમાંથી હવામાં ગોળીબાર કરવાનો તેમજ તેમની પાસેથી પૈસા પડાવી લેવાનો આરોપ લાગ્યો હતો, જે પોણા ત્રણ વર્ષની ટ્રાયલ બાદ સાચો પુરવાર થયો છે. કેસમાં ચૈતર વસાવા ઉપરાંત તેની પત્ની શકુંતલા વસાવા, પીએ જીતેન્દ્ર વસાવા સહિત કુલ 9 આરોપીઓ હતા. તમામને દોષી ઠેરવીને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે.

આ સમગ્ર કેસ શું હતો અને કોર્ટમાં શું કાર્યવાહી થઈ, એ વિગતે જોઈએ.

મામલો ઑક્ટોબર-નવેમ્બર 2023નો છે. ડેડિયાપાડાના બોગજ અને ઝાડોલી ગામની સીમમાં અમુક સ્થાનિકોએ લગભગ બે એકર જેટલી સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે કપાસના પાકનું વાવેતર કર્યું હતું. વન વિભાગના કર્મચારીઓના ધ્યાનમાં આવતાં લગભગ પાંચેક મહિના પહેલાં તેમણે દબાણ કરનારાઓને સરકારી જમીનમાંથી પાક દૂર કરવા માટે મૌખિક સૂચના આપી હતી. ત્યારબાદ ત્રણ મહિના પહેલાં પેટ્રોલિંગ દરમ્યાન ફરીથી વનકર્મીઓએ સૂચના આપી હતી અને સમજાવ્યું હતું કે સરકારી જમીન પર આ રીતે વાવેતર કરી શકાય નહીં.

- Advertisement -

વારંવારની મૌખિક સૂચના પછી પણ સરકારી જમીનમાંથી દબાણ ન હટાવાતાં આખરે 30 ઑક્ટોબર, 2023ની વહેલી સવારે વન વિભાગના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા અને સરકારી જમીનમાં ઉગાડવામાં આવેલા કપાસનું વાવેતર કાપીને જમીન ખાલી કરી દીધી હતી. જમીન પર દબાણ કરનારાઓમાં કુલ ચાર વ્યક્તિઓનાં નામ છે. રમેશ વસાવા, તેની પત્ની મોગરાબેન વસાવા, મરિયમ વસાવા અને શકુંતલા વસાવા. મરિયમ અને શકુંતલા બંને બહેનો છે.

વન વિભાગની કાર્યવાહીની જાણ થતાં આ તમામે ધારાસભ્ય ચૈતર વસાવાને ફરિયાદ કરી હતી, જેમનું વતન પણ બોગજ ગામ છે. જે સ્થળે કાર્યવાહી થઈ એ ચૈતરના ઘરેથી લગભગ 200 મીટર અંતરે આવેલું છે.

ચૈતર વસાવાએ બીજા દિવસે 31 ઑક્ટોબરે વન વિભાગના કર્મચારીઓને ફોન કરીને તેમને મળવા માટે બોલાવ્યા હતા. પણ ત્યાં સુધીમાં ફોરેસ્ટ કર્મચારીઓ રાઉન્ડ માટે જંગલમાં નીકળી ગયા હતા. ત્યારબાદ ચૈતરે આર.એફ.ઓને ફોન કર્યો અને વનકર્મીઓને મળવા માટે મોકલવા માટે કહ્યું. આર.એફ.ઓની સૂચનાથી વન વિભાગના ચાર કર્મચારીઓ 31 ઑક્ટોબરની સાંજે ચૈતર વસાવાને મળવા માટે બોગજ ગામના તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

કોર્ટ સમક્ષ ફરિયાદી વનકર્મીએ જણાવ્યું કે તેઓ જ્યારે ચૈતર વસાવાના ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં રમેશ વસાવા, તેની પત્ની, મરિયમ વસાવા અને શકુંતલા વસાવા પહેલેથી હાજર હતાં. ઉપરાંત ત્યાં ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવા અને અન્ય બે અજાણ્યા છોકરાઓ પણ હતાં.

ફરિયાદ અનુસાર, લગભગ અડધો કલાક બાદ ચૈતર વસાવા ઘરની બહાર આવ્યા અને વનકર્મીઓને ધમકાવવાના શરૂ કરી દીધા. MLAએ વનકર્મીઓને કહ્યું કે તેમણે ખેડૂતોનો પાક કાપી નાખીને નુકસાન કર્યું છે અને હવે તેનું વળતર ચૂકવી આપવામાં આવે. અધિકારીઓએ તેમને સમજાવ્યા કે, તેમના માણસો સરકારી જમીન પર આ રીતે દબાણ કરશે તો બીજા પણ એવું જ કરશે. આટલું કહેતાં ચૈતર વસાવા ઉશ્કેરાઈ ગયો અને તેણે વનકર્મીને મા-બેન સમાણી ગાળો ભાંડવાની શરૂ કરી દીધી હતી.

ગાળાગાળી કરીને ચૈતર વસાવાએ સરકારી વનકર્મીઓને ધમકી આપીને કહ્યું, ‘તમારે અહીં નોકરી કરવી હોય તો અમે જેમ કહીએ એમ જ કરવું પડશે. ખેડૂતોને તેમના પૈસા આપવા જ પડશે અને ન આપ્યા તો હાથ-પગ તોડી નાખીશું અને જીવવા નહીં દઈએ.’ ત્યારબાદ ચૈતરની પત્ની શકુંતલા વસાવા અને અન્ય હાજર લોકોએ પણ કર્મચારીઓને ગાળો ભાંડવાની શરૂ કરી દીધી હતી.

દરમ્યાન ચૈતરે ઉશ્કેરાઈ જઈને ત્યાં ઉભેલા એક છોકરા પાસેથી પિસ્તોલ મગાવી. છોકરો ઘરમાં જઈને પિસ્તોલ લઈ આવ્યો અને ચૈતરને આપી. ચૈતરે પિસ્તોલ હાથમાં લઈને એક રાઉન્ડ હવામાં ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ એક કર્મચારીના યુનિફોર્મનો કૉલર પકડીને બંને ગાલ પર લાફા મારી દીધા હતા. ગભરાઈ ગયેલા કર્મચારીઓ ત્યારબાદ પરત ફર્યા હતા.

બીજા દિવસે ચૈતરના પી.એએ ₹60,000 પડાવી લીધા

બીજા દિવસે બપોરે ફરિયાદી વનકર્મીના ફોન પર એક કોલ આવ્યો હતો, જે ચૈતર વસાવાના પી.એ જીતેન્દ્ર વસાવાનો હતો. જીતેન્દ્રએ વનકર્મીને કહ્યું કે તેઓ ડેડિયાપાડા પહોંચીને કપાસના વળતરના પૈસા ચૂકવી જાય. ત્યારબાદ બે કર્મચારીઓ બાઇક લઈને ડેડિયાપાડા પહોંચ્યા, જ્યાં રમેશ, તેની પત્ની અને શકુંતલા અને મરિયમ પણ હતાં. તમામે અહીં વનકર્મીઓ પાસેથી વળતર પેટે ₹60,000ની માંગણી કરી.

આગલા દિવસની ઘટનાથી ગભરાઇ ગયેલા બે કર્મચારીઓ ત્યાંથી એ.ટી.એમ ગયા પરંતુ તેમના ખાતામાં આટલી રકમ ન હતી, જેથી તેમણે આર.એફ.ઓને કોલ કરીને તાત્કાલિક ઓનલાઇન ₹60,000 ટ્રાન્સફર કરવા માટે જણાવ્યું અને બંનેના ખાતામાંથી ₹40,000 અને ₹20,000 એમ ₹60,000 એકઠા કરી ચૈતર વસાવાના પી.એ સાથે વાત થયા પ્રમાણે પૈસા આપી દીધા.

કર્મચારીઓ ગભરાયેલા હતા એટલે કોઈ કાર્યવાહી ન કરી, પણ એ જ સાંજે આ સમગ્ર પ્રકરણની જાણ ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓને થતાં તેમણે કાયદેસર કાર્યવાહી કરવા માટે કહ્યું. વનકર્મીઓ ત્યારબાદ પોલીસ મથકે પહોંચ્યા અને ચૈતર વસાવા અને અન્ય વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

ગુનો દાખલ થયા બાદ ચૈતર વસાવા ફરાર થઈ ગયો હતો, જે છેક ડિસેમ્બરમાં પકડાયો. દરમ્યાન તેની પત્ની અને અન્ય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ કેસ ચાલ્યો, જેનો હવે ચુકાદો આવ્યો છે.

કેસમાં કુલ નવ આરોપીઓ છે: ચૈતર વસાવા, તેની પત્ની શકુંતલા, પી.એ જીતેન્દ્ર વસાવા, રમેશ વસાવા, મોગરા વસાવા (રમેશની પત્ની), મરિયમ વસાવા, શકુંતલા વસાવા, બલિરામ વસાવા (શકુંતલાનો પતિ) અને રિંકેશ વસાવા.

‘ચૈતર વસાવા ગુંડાગિરી અને દાદાગીરી કરે છે’

કોર્ટમાં દલીલો ચાલી ત્યારે પ્રોસિક્યુશને કોર્ટને કહ્યું કે ચૈતર વસાવા સામે આ એક જ ગુનો હોય એમ નથી અને વર્ષોથી અનેક કેસ નોંધાયા છે, ઉપરાંત આ માણસ ધારાસભ્ય હોવા છતાં પોતે બાહુબલીની છાપ ધરાવે છે, ગુંડાગિરી અને દાદાગીરી કરતો આવ્યો છે.

 “…ધારાસભ્ય ચૈતર વસાવા વર્ષોથી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે અને તેમની વિરુદ્ધ આજકાલથી નહીં પરંતુ વર્ષોથી ગુનાઓ દાખલ થતા આવ્યા છે અને પોતે બાહુબલી તરીકેની છાપ ધરાવે છે. એ જ પ્રકારે ગુંડાગિરી અને દાદાગીરી કરતા આવ્યા છે.” ઉપરાંત કોર્ટમાં તાજેતરમાં ઝઘડિયા GIDCમાં ચૈતર વસાવાએ એક યુવક સાથે મારામારી કરી હતી એ ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો, જે મામલે પણ અલગથી FIR દાખલ કરવામાં આવી છે.

પ્રોસિક્યુશન તરફથી વારાફરતી દરેક આરોપો સાબિત કરવામાં આવ્યા. તેના માટે વન વિભાગના કર્મચારીઓનાં, પંચોનાં નિવેદનો લેવાયાં. સાક્ષીઓની તપાસ-ઉલટતપાસ થઈ. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની પણ જુબાની લેવામાં આવી. તમામે એક જ સૂરે, વધારે વિસંગતતા વગર ઉપર જે ઘટનાનો ઉલ્લેખ છે એ કહી સંભળાવી.

બીજી તરફ, ચૈતર વસાવા પક્ષની દલીલ એ હતી કે આવી કોઈ ઘટના બની જ નથી અને ચૈતર ધારાસભ્ય હોવાના કારણે અને કથિત રીતે જનતાના પ્રશ્નો ઉઠાવતો હોવાના કારણે સત્તાધારી પક્ષ ભાજપને ‘આંખમાં કણાની જેમ ખૂંચતો’ હોવાના કારણે સત્તાધારી પક્ષના ઈશારે પોલીસે તદ્દન ખોટી ફરિયાદ દાખલ કરી છે. હકીકતે મારામારી, ગાળાગાળી કે હવામાં ગોળીબારનો કોઈ બનાવ બન્યો જ ન હતો, ન ચૈતર વસાવાએ કોઈને માર માર્યો કે ન તેની પાસે કોઈ પિસ્તોલ છે.

બીજી એક દલીલ એ થઈ કે જે જમીનને લઈને વિવાદ ચાલે છે એ જમીન જંગલ ખાતા તરફથી જ જે-તે વ્યક્તિઓના બાપ-દાદાઓને ફાળવવામાં આવી હતી અને મહેસૂલ પણ વસૂલ કરવામાં આવતું હતું, એટલે પહેલાં વન વિભાગના કર્મચારીઓએ જ ખોટી અને ગેરકાયદેસર રીતે પાક હટાવી દીધો હતો.

આ બધી દલીલો તો થઈ પણ પુરાવા રજૂ કરવાની વાત આવી ત્યારે એ કામ ન થયું. ન કોઈ નક્કર દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા કે ન કોઈ સાક્ષીઓ આવ્યા. વન વિભાગે કોર્ટમાં પુરવાર કરી આપ્યું કે જમીન સરકારની જ હતી અને તેમાં દબાણ કરવામાં આવ્યું હોવાના કારણે કર્મચારીઓએ પોતાની ફરજના ભાગરૂપે પાક હટાવ્યો હતો.

ચૈતર વસાવાની પિસ્તોલ કબજે થઈ શકી નથી. પ્રોસિક્યુશને જણાવ્યું છે કે પોતે ફરાર હતો એ દિવસોમાં તેણે હથિયારનો નાશ કરી દીધો છે. પોલીસે જ્યારે મૅજિસ્ટ્રેટ કચેરીએ તપાસ કરી તો જાણવા મળ્યું કે ચૈતર વસાવાને કોઈ હથિયારનું કોઈ લાયસન્સ આપવામાં આવ્યું નથી. ત્યારબાદ અન્ય સંબંધિત કચેરીઓએ પણ તપાસ કરવામાં આવી પણ ત્યાંથી પણ વસાવા પાસે સત્તાવાર રીતે આવું કોઈ હથિયાર હોવાનું જાણવા ન મળ્યું. જેથી એ નોંધવામાં આવ્યું કે ચૈતર વસાવા પાસે અનધિકૃત હથિયાર હતું, જેમાંથી ફાયરિંગ થયું હતું અને જેને પછીથી નષ્ટ કરી દેવાયું.

કઈ કલમો હેઠળ સજા થઈ?

તમામ દલીલોને અંતે, રેકર્ડ પર ઉપલબ્ધ સામગ્રી, સાક્ષીઓનાં નિવેદનો, જુબાની વગેરેને ધ્યાને લેતાં કોર્ટે તમામ 9 આરોપીઓને IPC કલમ 143 (ગેરકાયદેસર મંડળી), 147 (રાયોટિંગ), 148 (હથિયાર સાથે રાયોટિંગ), 189 (જાહેર સેવકને હાનિ પહોંચાડવાની ધમકી), 332 (જાહેર સેવકને ફરજ બજાવતા અટકાવવા ઈજા પહોંચાડવી), 352 (હુમલો), 386 (ધાકધમકીથી વસૂલી), 294(b) (સાર્વજનિક સ્થળે અશ્લીલ ભાષાનો પ્રયોગ), 506(2) (ગુનાહિત ધમકી) અને 34 (સમાન ઇરાદે ગુનાહિત કૃત્ય કરવું) હેઠળ તેમજ ચૈતર વસાવાને અલગથી આર્મ્સ એક્ટની કલમ અને IPC 201 (ગુનાનો સબૂત હટાવવો) હેઠળ દોષી ઠેરવ્યા.

‘ગુનો ગંભીર, ચૈતરનાં વાણી-વર્તન સમાજના બંધારણને અનુરૂપ હોવાં જોઈતાં હતાં’

કોર્ટે સજાની સુનાવણી કરતાં કહ્યું કે, “આરોપીઓ વિરુદ્ધનો ગુનો ગંભીર અને સમાજવિરોધી છે. ચૈતર વસાવા ચૂંટાયેલા ધારાસભ્ય છે અને તેમનું વાણી-વર્તન સમાજમાં બંધારણને અનુરૂપ હોવાં જોઈએ, તેમ છતાં તેમણે જાણીજોઈને ગુનો આચર્યો છે. જેથી તેઓ ધારાસભ્ય પદ ગુમાવે નહીં તે માટે બે વર્ષથી ઓછી કેદની સજા કરવાની માંગણી વ્યાજબી નથી.”

ઉપરાંત એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે ચૈતર વસાવા સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને હજુ પણ પોતે ગુનાઓમાં સંડોવાતો રહે છે. તાજેતરમાં ઝઘડિયા GIDC ખાતે એક યુવક સાથે તેણે કરેલી મારામારી અને ત્યારબાદ નોંધાયેલી FIRનો પણ ઉલ્લેખ કોર્ટના આદેશમાં કરવામાં આવ્યો છે.

કોર્ટે સજા સંભળાવતી વખતે કહ્યું કે આરોપીઓની સામાજિક સ્થિતિ, ગુનામાં તેમણે ભજવેલી ભૂમિકા અને તેના કારણે વન વિભાગના કર્મચારીઓએ ભોગવવી પડેલી યાતના, તેમના પરિવારોએ જે પીડા ભોગવવી પડી– આ તમામ બાબતોને ધ્યાનમાં લેતાં તમામ આરોપીઓને સપ્રમાણ સજા કરવામાં આવશે.  

ત્યારબાદ કોર્ટે તમામને 7 વર્ષની સજા ફટકારી અને દરેકને ₹25,000નો દંડ પણ ફટકારાયો. ચૈતરને આર્મ્સ એક્ટના ગુનામાં પણ 7 વર્ષની સજા અને ₹50,000નો દંડ થયા છે, પરંતુ તમામ સજા સાથે ભોગવવાની હોય એટલે કુલ સજા 7 વર્ષ ગણાશે. આ સિવાય કોર્ટે વનકર્મીઓને વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.

નિયમો અનુસાર કોઈ ધારાસભ્ય કે સાંસદ 2 વર્ષ કે તેથી વધુની સજા પામે તો તેનું સભ્યપદ રદ થાય છે. એટલે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ પણ હવે જોખમમાં છે. કોર્ટે એક નકલ વિધાનસભા અધ્યક્ષને પણ મોકલવા માટે સૂચના આપી છે. ચૈતર જો હાઇકોર્ટ જઈને સજા પર સ્ટે લઈ આવે તો સભ્યપદ બચી શકે એમ છે, જો કોર્ટ સ્ટે નહીં આપે તો સભ્યપદ તો જશે જ પરંતુ જેલ પણ જવાનો વારો આવી શકે.  

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં