‘સંસદ લોકશાહીનું મંદિર છે’ જેવી ઘસાઈ ગયેલી વાતોમાં ન પડીએ તોય એ હકીકત છે કે સંસદનું પોતાનું મહત્ત્વ છે. જેમ દેશની બીજી બંધારણીય સંસ્થાઓનું મહત્ત્વ છે. પણ એ જમાનો ગયો જ્યારે સંસદમાં ખરેખર સંસદીય કામો થતાં હતાં. હવે સંસદ રાજકીય સર્કસ માટેનો મંચ બનાવી દેવાઈ છે. વિપક્ષ-સત્તાપક્ષ બંને દોષી છે. વિપક્ષ એટલા માટે કારણ કે ચૂંટણીમાં સત્તાપક્ષને હરાવી ન શકવાના કારણે ફ્રસ્ટ્રેશન બહાર કાઢવા સંસદને સ્ટેજ બનાવે છે અને સતત અવરોધ પેદા કરતો રહે છે. સત્તાપક્ષ એટલા માટે કારણ કે આ વિપક્ષી જોકરો પર નરમ વલણ દાખવતો રહે છે.
20મી જુલાઈએ શરૂ થયેલું સંસદ સત્ર આજે 13મી ઑગસ્ટે સમાપ્ત થયું. આખા સત્રમાં માત્ર એક જ બિલ પર વ્યવસ્થિત ચર્ચા થઈ– પરીક્ષા સંબંધિત બિલ હતું, જે મોદી સરકાર 2024ના એક્ઝામિનેશન એક્ટમાં સુધારો કરવા માટે લાવી હતી. એ પણ એટલા માટે ચર્ચા થઈ કારણ કે મુદ્દો સંવેદનશીલ હતો અને તાજું-તાજું જ જંતર-મંતર પર આંદોલન થયું હતું. ચર્ચામાં સહકાર ન આપ્યો હોત તો વિપક્ષને ઝાઝું નુકસાન થયું હોત.
વિપક્ષને આમ પણ નુકસાન છે, પણ તેઓ સમજતા નથી.
કોંગ્રેસમાં થોડા સમજુ એવા શશિ થરૂરે હમણાં કહ્યું કે સંસદ ચાલે એ સરકાર કરતાં વધુ જરૂરી વિપક્ષ માટે છે કારણ કે સત્તાપક્ષ તો આમ પણ સરકારમાં છે. વિપક્ષ પાસે તક હોય છે મહત્ત્વના મુદ્દાઓ પર સરકારને ઘેરવાની, મંત્રીઓને સવાલો પૂછવાની અને જવાબદારી નક્કી કરવાની. વિપક્ષે આખા સત્ર દરમ્યાન આ તક ગુમાવી દીધી. એક પણ દિવસ પ્રશ્નકાળ વ્યવસ્થિત ચાલ્યો નહીં, જ્યારે સાંસદો કોઈ પણ મુદ્દે મંત્રીઓને પ્રશ્નો પૂછી શકે છે.
કારણ એ છે કે વિપક્ષમાં જેઓ બેઠા છે તેમના માટે પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ છે. તેમને સમસ્યાઓના સમાધાન કરતાં માત્ર હંગામો મચાવવામાં, હોહા કરવામાં, ઉત્પાત મચાવવામાં વધારે રસ છે. સંસદની અંદર-બહાર થોડીઘણી ધમાલ કરી નાખે અને મીડિયાના કેમેરામાં આવી જાય એટલો જ તેમનો આશય હોય છે.
વિપક્ષ દલીલ આપે છે કે સરકાર ચર્ચા કરતી નથી એટલે તેમણે હોબાળો મચાવવો પડે છે. પણ હોબાળો મચાવે તો ચર્ચા ક્યાંથી થાય અને સરકાર એક તરફ કહેતી હોય કે તે કોઈ પણ મુદ્દે ચર્ચા માટે તૈયાર છે પછી આ બધાં નાટકો કરવાની વાત ક્યાં આવી? પણ વાસ્તવમાં સંસદમાં પહોંચેલા મોટેભાગના વિપક્ષી સાંસદોનો એકમાત્ર ગોલ તેમના પોલિટિકલ આકાઓને વ્હાલા થવાનો જ રહી ગયો છે.
દર વખતે સત્ર પહેલાં નવું નાટક કેમ આવે છે?
20 જુલાઈએ સંસદનું સત્ર શરૂ થયું અને 20મી જુલાઈએ જ જંતર-મંતર પર આંદોલન કરવા બેઠેલા કોકરોચોએ ભવન તરફ કૂચની ઘોષણા કરી હતી. આ પણ વર્ષોથી એક પેટર્ન બની ગઈ છે. જ્યારે-જ્યારે સંસદ સત્ર શરૂ થાય ત્યારે કશુંક આવું ગતકડું શોધી કઢાય છે જેથી આખું સત્ર સરકારને એમાં વ્યસ્ત રાખી શકાય અને મૂળ કામ બાજુ પર રહે. ભૂતકાળ આનો સાક્ષી છે. વર્તમાન પણ સાક્ષી છે.
જંતર-મંતર પરથી કોકરોચો સંસદ ભવન તરફ ગયા એટલે સુરક્ષા કારણોસર પોલીસે અટકાવ્યા. પ્રદર્શનકારીઓ ઉશ્કેરાઈ ગયા તો પોલીસ અને સુરક્ષાબળોએ બળપ્રયોગ કરવો પડ્યો. વિપક્ષે મુદ્દો પકડી લીધો અને સંસદમાં વિક્ષેપ પાડવાનો શરૂ કરી દેવાયો. એ છેક સુધી ચાલતું રહ્યું.
શરૂઆતમાં કોંગ્રેસી યુવરાજ રાહુલ ગાંધીએ કહ્યું કે અમિત શાહે વિદ્યાર્થીઓ પર ગોળી ચલાવવાના આદેશ આપ્યા હતા. એને કોઈએ સમજ પાડી કે ગોળી ચલાવવાના આદેશ અપાય તોપણ એ મંત્રી કક્ષાએથી નથી અપાતા, એ સ્થાનિક પ્રશાસન સ્તરેથી અપાય છે. બીજું, દિલ્હી પોલીસ કહી ચૂકી છે કે ગોળીઓ તો ચાલી જ નથી. ટીયર ગેસના સેલ છોડ્યા હોય કે પેલેટ ગન ફાયર કરી હોય એને ‘ગોળી ચાલી’ ન કહેવાય.
છતાં રાહુલ ગાંધી અને તેમની ગેંગ સતત માંગ કરતી રહી કે અમિત શાહ સંસદમાં આવીને જવાબો આપે. સરકાર સતત કહેતી રહી કે તેઓ ચર્ચા માટે તૈયાર છે. અમિત શાહ સંસદમાં આવી ન શક્યા હોવાનું તૂત કોંગ્રેસીઓ અને રાહુલ ગાંધી ચલાવતા રહે છે પણ હકીકત એ છે કે શાહ રોજ સંસદમાં જતા હતા. લોકસભા કે રાજ્યસભામાં કેમ ન આવ્યા? એવા વિપક્ષી સવાલનો તેમણે જવાબ આપતાં કહ્યું કે ભલા માણસો તમે ગૃહ ચાલવા દો તો અમે આવીને જવાબ આપીશું! ગૃહની કાર્યવાહી જ ન ચાલતી હોય તો મંત્રીઓ આવીને શું જવાબો આપે?
મૂળ ઇરાદો કામકાજ અટકાવવાનો હતો, દુર્ભાગ્યે વિપક્ષી ગેંગ સફળ પણ રહી
રાહુલ ગાંધી અને ગેંગ જાણતી હતી કે જો સંસદ બરાબર ચાલશે તો સરકાર પાસે અમુક અગત્યનાં બિલ છે એ વારાફરતી આવતાં જશે. મૂળ આશય આ બિલો અને કામકાજ અટકાવવાનો હતો. FCRA સુધારા બિલ માર્ચ મહિનામાં આવી ગયું હતું. આ સત્રમાં ચર્ચામાં લેવામાં આવનાર હતું, એ ન થયું. ડિલિમિટેશન બિલની પણ ચર્ચા હતી અને કહેવાય છે કે વચ્ચે સરકારે વિપક્ષી પાર્ટીઓ સાથે વાતચીત પણ ચાલુ કરી હતી.
આ બધાં બિલ ન આવે તે માટેનાં બહાનાં હતાં. બાકી અમિત શાહે સામે આવીને કહ્યું કે તેઓ તમામ પ્રશ્નોના જવાબો આપવા માટે તૈયાર છે અને વિપક્ષ સ્પીકરને પત્ર લખીને સમય નક્કી કરે, ત્યારે રાહુલ ગાંધીએ ફેરવી તોળ્યું અને કહ્યું કે અમને શાહનાં લેક્ચરો સાંભળવામાં રસ નથી! આવી બાલિશ હરકતો કરનારો વિપક્ષ નેતાના પદ પર બેઠો હોય એ આપણા સૌનું સામૂહિક દુર્ભાગ્ય છે.
એક મિનિટનો ખર્ચ લાખોમાં, વાસ્તવિક નુકસાન એનાથી પણ વધુ
કહેવાય છે કે સંસદ ચલાવવાનો એક મિનિટનો ખર્ચ લાખોમાં હોય છે. 2012માં આ આંકડો ₹2.5 લાખ હતો. આજની સ્થિતિએ જોઈએ તો અનેકગણો થાય. એક સત્રમાં કરોડો રૂપિયા ખર્ચાય છે. સંસદ સત્ર વર્ષમાં ત્રણ વખત અમુક દિવસો માટે આવે છે. એ દરમ્યાન સરકારે અનેક અગત્યનાં કામો પાર પાડવાનાં હોય છે. અનેક બીજાં સંસદીય કામકાજ ચાલે છે. વિપક્ષ પાસે તક હોય છે સરકારને સવાલો કરવાની, પણ આ વખતે આ બધું જ ઠપ રહ્યું કારણ કે એક ગેંગે સંસદ ચાલવા દેવી ન હતી.
જનતાના ટેક્સના પૈસા વેડફાય છે અને એનાથી અગત્યનું એ કે સંસદીય કામકાજ આગળ વધી શકતાં નથી. અગત્યના કાયદાઓ, નીતિઓ પર ચર્ચા થઈ શકતી નથી. FCRA જેવાં રિફોર્મ અટકી પડે છે.
વિપક્ષી વિદૂષકો સુધરવાના નથી. જેમ-જેમ સરકાર રિફોર્મ તરફ આગળ વધતી જશે તેમ સત્રો અટકાવવા માટે એક પછી એક ગતકડાં થતાં રહેશે. સરકારે એ જોવાનું છે કે માત્ર ‘સહિષ્ણુ’ દેખાવા માટે આ સર્કસ ચાલુ રાખવા દેવાય કે ઉત્પાત મચાવનારાઓને લાત મારીને તગેડીને નિરાંતે ચર્ચાઓ થાય.


