Friday, September 13, 2024
More
    હોમપેજરાજકારણવન વિભાગના કર્મચારીઓને ધમકાવીને માર માર્યો, હવામાં ગોળીબાર કર્યો: FIR થયા બાદ...

    વન વિભાગના કર્મચારીઓને ધમકાવીને માર માર્યો, હવામાં ગોળીબાર કર્યો: FIR થયા બાદ ફરાર AAP ધારાસભ્ય ચૈતર વસાવા, પત્ની-PAની ધરપકડ

    ડેડિયાપાડાના એક ગામમાં અમુક ખેડૂતોએ વન વિભાગની જમીન પર દબાણ કરીને ખેતી કરી હતી, જેને વિભાગના કર્મચારીઓએ હટાવી દીધી હતી. જેને લઈને ખેડૂતોએ રજૂઆત કરતાં MLA વસાવાએ પોતાના નિવાસસ્થાને ચર્ચા કરવા બોલાવ્યા હતા, જ્યાં આ સમગ્ર ઘટના બની હતી. 

    - Advertisement -

    નર્મદાના ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) સામે વન વિભાગ દ્વારા દાખલ કરવામાં આવેલ ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો છે. MLA પર વન વિભાગના કર્મચારીને ઘરે બોલાવીને ધાકધમકી આપીને મારપીટ કરવાનો આરોપ છે. જેને લઈને FIR દાખલ કર્યા બાદ પોલીસે તેમની પત્ની, PA અને એક અન્ય વ્યક્તિની ધરપકડ કરી છે. જ્યારે ચૈતર વસાવા હાલ ફરાર છે. તેમનો ફોન પણ સ્વિચ ઑફ આવી રહ્યો છે.

    નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ આ મામલે વધુ વિગતો આપી છે. તેમના જણાવ્યા અનુસાર, ડેડિયાપાડાના એક ગામમાં અમુક ખેડૂતોએ વન વિભાગની જમીન પર દબાણ કરીને ખેતી કરી હતી, જેને વિભાગના કર્મચારીઓએ હટાવી દીધી હતી. જેને લઈને ખેડૂતોએ રજૂઆત કરતાં MLA વસાવાએ પોતાના નિવાસસ્થાને ચર્ચા કરવા બોલાવ્યા હતા, જ્યાં આ સમગ્ર ઘટના બની હતી. 

    કર્મચારીઓને ઘરે બોલાવીને મારા માર્યો, મારી નાખવાની ધમકી આપી

    વધુ વિગતો આપતાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અમુક ખેડૂતોએ વન વિભાગની જમીન પર દબાણ કરીને ખેતી કરી હતી, જેને ગત 29 ઓક્ટોબરે ફોરેસ્ટ વિભાગે હટાવી દીધી હતી. આ મામલે વાત કરવા માટે ડેડિયાપાડા વિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા. ત્યારબાદ 30 ઓક્ટોબરે સાંજે તેઓ ધારાસભ્યના ઘરે પહોંચ્યા હતા. 

    - Advertisement -

    પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ દરમિયાન MLAએ કર્મચારીઓ સાથે બોલાચાલી કરીને મારપીટ કરી હતી અને ધાકધમકી આપીને ખેડૂતોને પૈસા આપવા માટે કહ્યું હતું અને ન આપવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સિવાય, તેમણે હથિયાર સાથે હવામાં એક રાઉન્ડ ગોળીબાર પણ કર્યો હોવાનો ઘટસ્ફોટ પોલીસ અધિકારીએ કર્યો હતો. 

    આગળ જણાવવામાં આવ્યા મુજબ, બીજા દિવસે વસાવાના PAએ આ કર્મચારીઓનો ફરી સંપર્ક કર્યો અને ખેડૂતોને પૈસા આપવાની માંગ કરી હતી. ત્યારબાદ સાંજે કર્મચારીઓએ એક ખેડૂતને પૈસા પહોંચાડી પણ દીધા હતા. પરંતુ પછીથી તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ અધિકારીએ આગળ જણાવ્યું કે, આ મામલો અમારા ધ્યાને આવ્યા બાદ વન વિભાગની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, રાયોટિંગ, સરકારી કર્મચારી પર હુમલો, એક્સટોર્શન (ખંડણી) અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

    પત્ની-PA અને એક ખેડૂતની ધરપકડ, MLAને શોધી રહી છે પોલીસ

    આ કેસમાં ચૈતર વસાવા ઉપરાંત તેમની પત્ની, PA અને ખેડૂત સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાંથી MLA પત્ની શકુંતલા બેન, PA જીતેન્દ્રભાઈ અને ખેડૂત રમેશભાઈની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે MLA હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, જેમની શોધખોળ નર્મદા પોલીસ કરી રહી છે. પોલીસે કહ્યું છે કે તેઓ બહુ જલ્દી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરીને આગળ તપાસ ચલાવશે. 

    ઉલ્લેખનીય છે કે વન વિભાગની જમીન પર સરકારની પરવાનગી વગર કોઇ પણ પ્રકારની ખેતી કરી શકાતી નથી. જેને લઈને અગાઉ પણ સૂચના આપવામાં આવી હોવા છતાં અમુક ખેડૂતોએ પાક ઉગાડ્યા હતા. જેના કારણે વન વિભાગે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં