હોમપેજમંતવ્યવિરોધ માટે અભદ્ર મજાકનો સહારો લેતો વિપક્ષ અને રાજકારણનું ઘટતું સ્તર

વિરોધ માટે અભદ્ર મજાકનો સહારો લેતો વિપક્ષ અને રાજકારણનું ઘટતું સ્તર

આ સંવાદો સાંભળીને મંચ પર અને સભામાં બેઠેલા નેતાઓ પણ હસી પડ્યા. આ દૃશ્ય એટલું તો દેખાડે જ છે કે રાજકીય રોટલા શેકવા અને વિરોધીની મજાક ઉડાવવા કોંગ્રેસનું રાજકારણનું સ્તર હવે ચરિત્ર હનન અને નીચ કક્ષાના જોક્સ સુધી પહોંચી ગયું છે.

- Advertisement -

રાજકારણ ક્યારેક વિચારધારાની લડાઈ હોય છે, તો ક્યારેક આંકડાઓ અને નીતિઓની. પરંતુ જ્યારે આ લડાઈ મુદ્દાઓ પરથી ઉતરીને વ્યક્તિગત અને ચરિત્ર હનન સુધી પહોંચી જાય, ત્યારે દેશે વિચારવું પડે કે આપણું રાજકારણ કઈ દિશામાં જઈ રહ્યું છે. તાજેતરમાં કોંગ્રેસના ‘રચનાત્મક કોંગ્રેસ’ (Rachnatmak Congress) રાષ્ટ્રીય અધિવેશનમાં જે દૃશ્યો સર્જાયાં તેણે રાજકીય શિષ્ટાચાર અને ગરિમાના ધજાગરા ઉડાવી દીધા છે. રચનાત્મકતાના નામે યોજાયેલા આ કાર્યક્રમમાં જે ‘રચના’ થઈ, તે માત્ર ને માત્ર હલકી કક્ષાની મજાક અને ટ્રોલ સંસ્કૃતિનું પ્રદર્શન હતું.

કાર્યક્રમમાં બન્યું એવું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશી નેતાઓ સાથે ગળે મળવાની શૈલી– જેને મીડિયામાં વારંવાર ‘હગ ડિપ્લોમસી’ કહેવામાં આવે છે– તેની મજાક ઉડાવી રહ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું, “મને ખબર નથી કે તેમને (વડા પ્રધાન મોદીને) આ વિચાર ક્યાંથી આવ્યો. લોકોના મગજમાં વિચિત્ર વિચારો ઘૂસી જાય છે. તેઓ વિચારે છે કે આ જ વિદેશ નીતિ છે.” આમ કહીને તેમણે મંચ પર ઉપસ્થિત કોંગ્રેસના જ નેતા સંદીપ દીક્ષિતને હગ કરી લીધું એટલે કે ભેટી પડ્યા.

અહીં સુધી તો કદાચ રાજકીય કટાક્ષ માની શકાય, પરંતુ આ પછી જે થયું તે અત્યંત શરમજનક હતું.

- Advertisement -

રાહુલ ગાંધીના આલિંગન બાદ તરત જ સંદીપ દીક્ષિતે મજાક કરતાં કહ્યું, “તમે મને મેલોની નથી સમજી લીધો ને?” આ ટિપ્પણી સીધી રીતે ઇટલીનાં વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોની તરફ ઈશારો કરતી હતી. આનાથી પણ વધુ આઘાતજનક બાબત એ હતી કે નેતા વિપક્ષ (LoP) જેવો ગરિમાપૂર્ણ હોદ્દો ધરાવતા રાહુલ ગાંધીએ આ ટિપ્પણીને વખોડવાના બદલે, તેમાં સૂર પુરાવતાં જવાબ આપ્યો, “હું હજુ એ તબક્કે નથી પહોંચ્યો.”

વિદેશી રાષ્ટ્રાધ્યક્ષ વિશે જાહેર મંચ પરથી આવી ટિપ્પણી કોંગ્રેસનું વૈચારિક સ્તર દર્શાવે છે

પણ અહીં પ્રશ્ન એ પણ છે કે આખી દુનિયાના નેતાઓમાં માત્ર મેલોનીનું જ નામ કેમ લેવામાં આવ્યું? વડા પ્રધાન મોદી તો વિદેશ નીતિના ભાગરૂપે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ કે ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બેનિઝ સહિત તમામ દેશના વડાઓને ઉષ્માભેર મળે છે. તેઓ ઈચ્છત તો પુતિન કે અલ્બેનિઝનું નામ પણ લઈ શકતા હતા. પણ તેમણે મેલોનીનું જ નામ કેમ લીધું? કારણ કે સોશિયલ મીડિયા પર જે મીમ-કલ્ચર ચાલે છે તેને જ આ નેતાઓ પોતાના મગજમાં લઈને બેઠા છે.

કોઈ પુરુષ રાષ્ટ્રાધ્યક્ષનું નામ લેવાથી જે ‘ચટપટો મસાલો’ કે ડબલ-મિનિંગ જોક નથી બનતો, તે એક મહિલા નેતાનું નામ વચ્ચેમાં લાવવાથી બને છે. સોશિયલ મીડિયા પર ટ્રોલ્સ જે બાબતોએ જોક-મીમ્સ બનાવે છે તેને રાષ્ટ્રીય પાર્ટીના નેતાઓ પોતાના ભાષણનો ભાગ બનાવે અને તેના પર ઠહાકા લગાવે, એ બતાવે છે કે વિપક્ષનું વૈચારિક સ્તર કેટલું નીચું ઊતરી ગયું છે. એક દેશનાં મહિલા વડા પ્રધાનને માત્ર તેઓ સ્ત્રી છે અને સોશિયલ મીડિયામાં તેમના નામના મીમ્સ બને છે એ કારણે રાજકીય હાસ્યનું સાધન બનાવવું એ વિકૃત માનસિકતા છે.

આ સંવાદો સાંભળીને મંચ પર અને સભામાં બેઠેલા નેતાઓ પણ હસી પડ્યા. આ દૃશ્ય એટલું તો દેખાડે જ છે કે રાજકીય રોટલા શેકવા અને વિરોધીની મજાક ઉડાવવા કોંગ્રેસનું રાજકારણનું સ્તર હવે ચરિત્ર હનન અને નીચ કક્ષાના જોક્સ સુધી પહોંચી ગયું છે. એક મહિલા વડા પ્રધાન અંગે સંદીપ દીક્ષિત આવી ટિપ્પણીઓ કરે અને LoPની ગરિમા ભૂલીને રાહુલ ગાંધી તેમાં સૂર પૂરાવે, આનાથી વધુ દુર્ભાગ્યપૂર્ણ બીજું શું હોઈ શકે?

વર્તમાન વિદેશ નીતિની મજાક ઉડાવીને વિપક્ષ પોતે જ હાસ્યાસ્પદ ઠરે છે

આમાં દ્રશ્યમાં ભારતની વિદેશ નીતિ અને તેના પરિણામોની જે રીતે મજાક ઉડાવવામાં આવી તે પણ નીંધનીય જ છે. રાહુલ ગાંધી અને તેમના સમર્થકો ‘પપ્પુ’ કક્ષાની સમજ સાથે વડા પ્રધાન મોદીની વિદેશ નીતિની મજાક ઉડાવી રહ્યા છે. કદાચ કોંગ્રેસ એ ભૂલી ગઈ છે દાયકાઓ સુધી તેમના પરિવારના નેતૃત્વ હેઠળ આપણે માત્ર પૂર્વ તરફ જોવાની જ નીતિ અપનાવતા હતા હવે આપણે ‘એક્ટ ઈસ્ટ પોલિસી’ અપનાવી રહ્યા છીએ. તેઓ કદાચ એ નથી સમજી શકતા કે વડા પ્રધાનની વિદેશ નીતિ માત્ર મુલાકાતો દરમિયાન કેમેરા પર દેખાતાં દૃશ્યો પૂરતી સીમિત નથી હોતી. તેની પાછળ બંધબારણે થતી ગંભીર વ્યૂહાત્મક ચર્ચાઓ અને રાષ્ટ્રહિતના સોદાઓ હોય છે.

આજે જે દેશો સાથે મોદી હસીને અને ગળે મળીને તસવીરો લે છે, તે જ દેશો સાથે ભારતે મજબૂત આર્થિક અને સુરક્ષા કરારો કર્યા છે. ઓસ્ટ્રેલિયા, યુરોપિયન યુનિયન (EU), ઇટલી, ન્યૂઝીલેન્ડ જેવા દેશો સાથેના ભારતના વધતા વેપાર અને વ્યૂહાત્મક સંબંધો આ ‘હગ ડિપ્લોમસી’ અને અંગત સંબંધો બાંધવાની કુનેહનું જ પરિણામ છે. પણ વિપક્ષને પરિણામોમાં રસ નથી, તેમને માત્ર તસવીરોમાં અને તેમાંથી બનતાં મીમ્સમાં જ રસ છે.

ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને હંમેશાં પૂજનીય અને આદરણીય સ્થાન મળ્યું છે. આપણો દેશ ‘અતિથિ દેવો ભવ:’ અને નારી સન્માનની વાતો કરે છે. પરંતુ કોંગ્રેસીઓ અને કથિત લેફ્ટ-લિબરલો આ ભારતીય મૂલ્યોને સમજી શકવા સક્ષમ નથી. જે લોકો દિવસ-રાત સ્ત્રી સશક્તિકરણ, નારીવાદ અને ફેમિનિઝમની વાતો કરે છે, તેઓ પણ આજે ચૂપ છે.

આ ઘટનાની સૌથી મોટી વિડંબના તો એ હતી કે સ્ત્રી સશક્તિકરણની વાતો કરતા અને ભાજપ પર વારંવાર મહિલા વિરોધી હોવાના આરોપો લગાવતાં સુપ્રિયા શ્રીનેત સહિતનાં મહિલા કોંગી નેતાઓ પણ આ હલકી ટિપ્પણીઓ સાંભળીને ઠહાકા લગાડીને હસી રહ્યાં હતાં. એક મહિલા નેતાનું અન્ય મહિલા નેતાના અપમાન પર આ રીતે હસવું એ સહેજ પણ યોગ્ય નથી અને તેમના દંભને ખુલ્લો પાડે છે.

રાહુલની હરકતો દર્શાવે છે કે મુદ્દાની શોધમાં વિપક્ષ હતાશ થતો જાય છે

નેતા વિપક્ષ (LoP) એ કોઈ સામાન્ય પદ નથી, તે એક બંધારણીય પદ છે. આટલા મોટા મંચ પરથી સંદીપ દીક્ષિતની આવી બાલિશ અને છીછરી ટિપ્પણીમાં સૂર પુરાવવા એ અત્યંત બેજવાબદારીભર્યું વર્તન છે. રાહુલ ગાંધી સામાન્ય રીતે વિદેશમાં જઈને ભારત અને મોદી વિશે જેમ-તેમ બોલતા હોય છે, જેનાથી દેશની છબી ખરડાય છે. પણ આ વખતે તો તેમણે દેશમાં રહીને જ એક આંતરરાષ્ટ્રીય મહિલા નેતા અંગે આવી ટિપ્પણી કરી છે, જે રાજદ્વારી સંબંધોમાં ખટાશ લાવી શકે તેવી હરકત છે.

ભારત 140 કરોડ લોકોનો દેશ છે, વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને વૈશ્વિક મંચ પર એક ઉભરતી આર્થિક મહાસત્તા છે. આવા દેશના વિપક્ષના નેતા સોશિયલ મીડિયાની આ ‘બાકાજીકી’ અને સસ્તા જોક્સને નેશનલ ટેલિવિઝન પર અને રાષ્ટ્રીય મંચ પર લઈ આવે અને બફાટ કરે, તો તે બુદ્ધિનું પ્રદર્શન જ કહી શકાય. આ બતાવે છે કે વિપક્ષ પાસે સરકારને ઘેરવા માટે ગંભીર મુદ્દાઓ જ બચ્યા નથી. એક રીતે આ તેમની હતાશા પણ દર્શાવે છે.

લોકશાહીમાં વિપક્ષનું કામ સરકારની નીતિઓની ટીકા કરવાનું છે. તમે અર્થતંત્ર, રોજગારી, કે વિદેશ નીતિના આંકડાઓ પર સરકારનો ઘેરાવો કરો તો તે આવકાર્ય છે. પરંતુ જ્યારે તમે રાજકીય વિરોધના નામે એક વિદેશી મહિલા વડાપ્રધાન પર આવી ડબલ-મિનિંગ ટિપ્પણીઓ કરો છો, ત્યારે તમે મોદીનું નહીં, પરંતુ ભારતનું, ભારતના સંસ્કારોનું અને એક મહિલાનું અપમાન કરો છો.

આ ઘટના પછી કોંગ્રેસે ભલે બચાવ કરતા કહ્યું હોય કે તેમાં સીધું કોઈનું નામ લેવાયું નહોતું, પણ ઈશારો સ્પષ્ટ હતો. જનતા બધું જ સમજે છે. વિપક્ષે આ ‘ટ્રોલ’ માનસિકતામાંથી બહાર આવીને ગંભીર અને વાસ્તવિક રાજનીતિ તરફ વળવાની જરૂર છે, નહીંતર આવા ‘રચનાત્મક’ કાર્યક્રમો કોઈ નવી ‘રચના’ સુધી ક્યારેય નહીં પહોંચી શકે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં