અમેરિકામાં શુક્રવારે (13 નવેમ્બર) એર ટ્રાફિક કંટ્રોલની સંચાર વ્યવસ્થામાં સર્જાયેલી ટેકનિકલ ખામીએ દેશભરની હવાઈ મુસાફરી ખોરવી નાખી હતી. વિમાનોની અવરજવર પર નજર રાખતાં અને સુરક્ષિત હવાઈ માર્ગ પૂરો પાડતાં એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) સેન્ટરો વચ્ચે કમ્યુનિકેશનમાં ખામી સર્જાતાં આખરે અમેરિકન ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને દેશભરનાં એરપોર્ટ પર ગ્રાઉન્ડ સ્ટોપના આદેશ જાહેર કરી દીધા. જેના કારણે હજારો ફ્લાઇટ અટકી પડી અને લાખો મુસાફરોને અસર પહોંચી. 9/11ના આતંકવાદી હુમલા પછી સૌથી લાંબો સમય સુધી ગ્રાઉન્ડ સ્ટોપની સ્થિતિ રહી હોય તેવી સ્થિતિ અમેરિકામાં પહેલી વખત સર્જાઈ.
ગ્રાઉન્ડ સ્ટોપનો આદેશ અપાય ત્યારે જે એરપોર્ટ માટે આદેશ હોય ત્યાંથી કોઈ પણ નવી ફ્લાઈટને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવતી નથી. હવામાં હોય એ વિમાન સુરક્ષિત લેન્ડ કરાવવામાં આવે છે. આ આદેશ અમુક એરપોર્ટ કે અમુક શહેરો માટે આપવામાં આવી શકે, પણ આ વખતે આખા અમેરિકામાં લાગુ કરવામાં આવ્યો હતો.
આ આદેશને કારણે અમેરિકામાં મોટાભાગની ફ્લાઇટોને ઊડાન ભરતાં અટકાવી દેવામાં આવી. પરિણામે હજારો ફ્લાઇટો રદ થઈ હતી, અનેક ફ્લાઇટો મોડી પડી, અને લાખો મુસાફરો અટવાયા. લગભગ પાંચ કલાક સુધી ચાલેલા આ વિક્ષેપને કારણે અમેરિકાની હવાઈ પરિવહન વ્યવસ્થા આખી ખોરવાઈ ગઈ.
અમેરિકામાં આટલા વ્યાપક સ્તરે ફ્લાઇટો રોકવાની ઘટના ભાગ્યે જ જોવા મળે છે. 11 સપ્ટેમ્બર, 2001ના આતંકવાદી હુમલા બાદ જાન્યુઆરી 2023માં એફએએની એક મહત્ત્વપૂર્ણ કમ્પ્યુટર સિસ્ટમ ખોરવાતાં દેશની તમામ સ્થાનિક ફ્લાઇટોના પ્રસ્થાન પર રોક લગાવી દેવામાં આવી હતી. નવેમ્બર 2026ની ઘટના એ પછીની બીજી દેશવ્યાપી ગ્રાઉન્ડ સ્ટોપની ઘટના હતી. આ વખતે સમસ્યા એર ટ્રાફિક કંટ્રોલના સંચાર નેટવર્કમાં સર્જાઈ હતી, જેના કારણે દેશનાં વિવિધ સેન્ટરો વચ્ચે વિમાનોની અવરજવર સંબંધિત માહિતીની આપ-લે ખોરવાઈ હતી.
સંચાર વ્યવસ્થામાં ખામીથી ઊભી થઈ મુશ્કેલી
એ સર્વવિદિત છે કે વિમાનોની સુરક્ષિત અવરજવર માટે પાયલટ અને એર ટ્રાફિક કંટ્રોલ વચ્ચે સતત સંપર્ક જળવાઈ રહેવો જરૂરી છે. એક જ સમયે હજારો વિમાનો હવામાં હોય ત્યારે કયા વિમાનને કયો માર્ગ આપવો, બે વિમાનો વચ્ચે કેટલું અંતર રાખવું અને કયા વિમાનને ક્યારે ઊડાન કે ઉતરાણની મંજૂરી આપવી, તેનો નિર્ણય એર ટ્રાફિક કંટ્રોલ કરે છે. આ કામગીરી માટે દેશનાં વિવિધ ATC વચ્ચે સતત સંચાર અને માહિતીની આપ-લે થતી રહે છે.
શુક્રવારે આ જ વ્યવસ્થામાં મુશ્કેલી સર્જાઈ હતી. અમેરિકાના પરિવહન મંત્રી સીન ડફીએ જણાવ્યું હતું કે બપોરે 3.36 વાગ્યે દેશભરના એર ટ્રાફિક કંટ્રોલ સેન્ટરો અને ટર્મિનલ રડાર કન્ટ્રોલ સેન્ટરોમાં રડાર અને સંચાર વ્યવસ્થાની સ્થિરતા ખોરવાઈ હોવાની જાણ થઈ હતી. એફએએએ પણ ટેલિકોમ્યુનિકેશનમાં કામચલાઉ ખામી સર્જાઈ હોવાનું જણાવ્યું હતું. પરિસ્થિતિમાં વિમાનોની અવરજવર ચાલુ રાખવી સલામત ન હોવાથી દેશભરમાં ગ્રાઉન્ડ સ્ટોપનો આદેશ આપવામાં આવ્યો.
અગાઉ કહ્યું એમ ગ્રાઉન્ડ સ્ટોપનો અર્થ તમામ વિમાનોને હવામાંથી તાત્કાલિક નીચે ઉતારવાનો હોતો નથી. આ આદેશ હેઠળ એરપોર્ટ પરથી નવી ફ્લાઇટોને ઊડાન ભરવાની મંજૂરી અટકાવી દેવામાં આવે છે. જ્યારે હવામાં રહેલાં વિમાનોને સલામતીપૂર્વક ગંતવ્ય સ્થાને પહોંચાડવામાં આવે છે. આ ઘટનામાં પણ ત્રણ હજારથી વધુ વિમાનોને સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં આવ્યાં હતાં. જોકે કેટલીક ફ્લાઇટોને તેમના મૂળ ગંતવ્યને બદલે અન્ય એરપોર્ટ પર ઉતારવી પડી હતી.
જૂનાં રાઉટર્સ પર નવાં ઉપકરણોનો ભાર?
આટલી મોટી સમસ્યા પાછળનું કારણ જૂની એર ટ્રાફિક કંટ્રોલ વ્યવસ્થા હોવાનું અમેરિકન વહીવટીતંત્રે જણાવ્યું હતું. પરિવહન મંત્રી સીન ડફીના જણાવ્યા પ્રમાણે, એર ટ્રાફિક કંટ્રોલના જૂના સ્વિચ અને રાઉટર્સ પર ડેટાનો ભાર વધી જતાં તેમની કામગીરી ખોરવાઈ હતી. તેના કારણે રાઉટર્સમાંથી મળતી માહિતીમાં અસંગતતા સર્જાઈ હતી અને સંચાર વ્યવસ્થાની ક્રેડિબિલિટી પર અસર પડી હતી.
ડફીએ અમેરિકાની એર ટ્રાફિક કંટ્રોલ વ્યવસ્થામાં વપરાતી જૂની ટેક્નોલોજીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે તેમાં 1980ના દાયકાની તાંબાની વાયરલાઇનનો પણ ઉપયોગ થાય છે. બીજી તરફ, નવી ટેક્નોલોજી અને ઉપકરણો ઉમેરવાની કામગીરી ચાલી રહી છે. ગૃહ સુરક્ષા મંત્રી માર્કવેન મુલિનના જણાવ્યા પ્રમાણે, નવી ટેક્નોલોજીનો ડેટા જૂની વ્યવસ્થા પર ભારરૂપ બન્યો હોઈ શકે છે. આમ, નવી અને જૂની ટેક્નોલોજી વચ્ચેના તાલમેલની સમસ્યાએ સંચાર વ્યવસ્થાને ખોરવી હોવાની પ્રાથમિક શક્યતા સામે આવી છે.
જોકે, અધિકારીઓએ આને અંતિમ કારણ ગણાવ્યું નહોતું. ટેકનિકલ ખામી કઈ રીતે સર્જાઈ અને નવી વ્યવસ્થાના અમલીકરણમાં ક્યાં મુશ્કેલી રહી તેની તપાસ ચાલી રહી હોવાનું કહેવાયું છે.
અમેરિકાના આટલા વિશાળ હવાઈ નેટવર્કનું સંચાલન કરતી વ્યવસ્થામાં જૂની ટેક્નોલોજીનો ઉપયોગ થતો હોવાની ચિંતા અગાઉ પણ વ્યક્ત થઈ ચૂકી છે. એફએએએ ગયા વર્ષે શરૂ કરેલી આધુનિકીકરણની કામગીરી હેઠળ હજારો કિલોમીટરની જૂની તાંબાની વાયરલાઇનને ફાઇબર ઓપ્ટિક લાઇનથી બદલવા અને રેડિયો સિસ્ટમને અપગ્રેડ કરવાનું કામ હાથ ધર્યું છે. આ કામગીરી માટે અમેરિકાની કોંગ્રેસે અગાઉ 12.5 અબજ ડોલરનું ભંડોળ મંજૂર કર્યું હતું. હવે પરિવહન મંત્રી સીન ડફીએ આ કામ ઝડપથી પૂરું કરવા વધુ 30 અબજ ડોલરની માગણી કરી છે.
સાયબર હુમલાની શક્યતા નકારી, પરંતુ તપાસ ચાલુ
દેશભરની હવાઈ અવરજવર એકસાથે ખોરવાઈ જતાં શરૂઆતમાં સાયબર હુમલાની આશંકા પણ વ્યક્ત થઈ હતી. જોકે, અમેરિકાના ગૃહ સુરક્ષા મંત્રી માર્કવેન મુલિને વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીની તપાસમાં કોઈ સાયબર હુમલાના પુરાવા મળ્યા નથી. પ્રાથમિક રીતે આ ઘટના ટેકનિકલ અને યાંત્રિક ખામીને કારણે સર્જાઈ હોવાનું જણાય છે. જોકે, તપાસ ચાલુ હોવાથી કોઈ શક્યતાને સંપૂર્ણપણે નકારી શકાય તેમ નથી તેમ પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું.
પરિવહન મંત્રી ડફીએ પણ જણાવ્યું હતું કે ખોરવાયેલી સિસ્ટમને ફરી શરૂ કરવામાં આવી છે, પરંતુ ભવિષ્યમાં આવી સમસ્યા ફરી નહીં સર્જાય તેની ખાતરી આપી શકાય તેમ નથી. તેમણે કોંગ્રેસને એર ટ્રાફિક કંટ્રોલ વ્યવસ્થાના આધુનિકીકરણ માટે તાત્કાલિક ભંડોળ ફાળવવા અપીલ કરી હતી. તેમના મતે, જૂની સિસ્ટમને બદલવામાં વિલંબ કરવાથી આવી સમસ્યાઓનું જોખમ યથાવત્ રહેશે.
15 લાખથી વધુ મુસાફરો અટવાયા
ગ્રાઉન્ડ સ્ટોપની અસરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે શુક્રવારે સાંજે ચાર વાગ્યા પછીના સમયગાળામાં અમેરિકાનાં એરપોર્ટ પરથી લગભગ 11 હજાર ફ્લાઇટો મારફતે 15 લાખથી વધુ મુસાફરો પ્રવાસ કરવાના હતા. આમાંથી મોટી સંખ્યામાં મુસાફરોની મુસાફરી ખોરવાઈ હતી. ફ્લાઇટ ટ્રેકિંગ કંપની સિરિયમના આંકડા પ્રમાણે, ઓછામાં ઓછી 827 ફ્લાઇટોને ડાયવર્ટ કરવી પડી હતી. તેમાં 670 વિમાનોને તેમના મૂળ પ્રસ્થાન એરપોર્ટ પર પાછાં મોકલવામાં આવ્યાં હતાં, જ્યારે 157 વિમાનોને અન્ય એરપોર્ટ પર ઉતારવામાં આવ્યાં હતાં.
ફ્લાઇટો રદ થવાની સાથે એરપોર્ટ પર મુસાફરોની ભીડ વધી હતી. કેટલાક મુસાફરો કલાકો સુધી ટર્મિનલમાં રાહ જોતા રહ્યા હતા, તો કેટલાકને વિમાનમાં બેઠા પછી પણ લાંબો સમય સુધી ગંતવ્ય સ્થાને પહોંચવામાં વિલંબ થયો હતો. ન્યૂયોર્ક, લોસ એન્જલસ, શિકાગો અને અન્ય મોટા શહેરોનાં એરપોર્ટ પર તેની અસર જોવા મળી હતી. યુનાઇટેડ એરલાઇન્સ અને જેટબ્લુ સહિતની કંપનીઓએ તેમની અનેક ફ્લાઇટો રદ કરી હતી. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો અને કાર્ગો પરિવહનને પણ અસર પહોંચી હતી. વિવિધ રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લેવા જઈ રહેલી કેટલીક ટીમોની મુસાફરી પણ ખોરવાઈ હતી.
ફ્લાઇટો રદ થવાની અસર માત્ર શુક્રવાર પૂરતી મર્યાદિત રહેવાની નહોતી. એક વિમાન નિર્ધારિત એરપોર્ટ પર ન પહોંચે તો ત્યાંથી તેની આગામી ફ્લાઇટ પણ મોડી પડી શકે છે. એ જ રીતે પાઇલટ અને અન્ય ક્રૂ મેમ્બર્સ પણ નિર્ધારિત સ્થળે ન પહોંચે તો આગળની ફ્લાઇટનું સંચાલન મુશ્કેલ બને છે. પરિણામે ગ્રાઉન્ડ સ્ટોપ હટ્યા પછી પણ સમગ્ર હવાઈ પરિવહન વ્યવસ્થાને ફરી સામાન્ય સ્થિતિમાં લાવવામાં થોડા દિવસ લાગી શકે છે.
પાંચ કલાક બાદ હવાઈ અવરજવર ફરી શરૂ
લગભગ પાંચ કલાક સુધી ચાલેલા વિક્ષેપ બાદ (અમેરિકાના સમય પ્રમાણે) શુક્રવારે રાત્રે 8.15 વાગ્યે અમેરિકાના પૂર્વીય સમય પ્રમાણે એફએએએ ગ્રાઉન્ડ સ્ટોપ હટાવી લીધો હતો. સિસ્ટમને ફરી શરૂ કરીને તેની કામગીરીની ચકાસણી કર્યા બાદ ફ્લાઇટોને ઊડાન ભરવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે પરિવહન મંત્રી ડફીએ સ્પષ્ટ કર્યું હતું કે ફ્લાઇટોનું સમયપત્રક ફરી સામાન્ય થવામાં થોડો સમય લાગશે. શુક્રવારની ખામીને કારણે વિમાનો અને ક્રૂ મેમ્બર્સની ગોઠવણ ખોરવાઈ હોવાથી શનિવારે પણ વિલંબ અને રદ થયેલી ફ્લાઇટોની અસર રહેવાની શક્યતા હતી.


