જમ્મુ-કાશ્મીરમાં એક જ દિવસે 2 સ્પેશિયલ ઑફિસરોની હત્યા, 3 CRPF જવાનો પર ફાયરિંગ: આતંકીઓને શોધવા મેગા સર્ચ ઑપરેશન

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત ઇસ્લામી આતંકવાદીઓએ ફરી એકવાર હુમલા કરીને સુરક્ષાદળોને નિશાન બનાવ્યાં છે. 11 નવેમ્બર 2026ના રોજ દક્ષિણ કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ CRPFની સુરક્ષા ચોકી પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. બીજી તરફ કિશ્તવાડ જિલ્લામાં ફરજ પર જઈ રહેલા જમ્મુ-કાશ્મીર પોલીસના બે જવાનોની આતંકીઓએ ઘાત લગાવીને નિર્મમ હત્યા કરી દીધી છે.

કુલગામમાં થયેલ હુમલો

કુલગામ જિલ્લાના મીર બજાર નજીક 11 નવેમ્બરે બપોરે લગભગ 2:05થી 2:15 વાગ્યાની આસપાસ CRPFની સુરક્ષા ચોકી પર હુમલો થયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે, જંગલ તરફથી આવેલા બે હથિયારધારી શખ્સોએ સુરક્ષા જવાનો પર અચાનક ગોળીબાર શરૂ કર્યો હતો. આ હુમલામાં ત્રણ CRPF જવાન ઘાયલ થયા હતા. તેમાંથી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. હુમલાખોરો ગોળીબાર કર્યા બાદ નજીકના જંગલ વિસ્તારમાં ભાગી ગયા હતા. ઘાયલ જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સુરક્ષા એજન્સીઓને આ હુમલા પાછળ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી મોહમ્મદ લતીફનો હાથ હોવાની આશંકા છે. લતીફ બટ દક્ષિણ કાશ્મીરના કુલગામનો રહેવાસી છે અને કાશ્મીર રિવોલ્યુશનરી આર્મી (KRA) સાથે જોડાયેલો છે.

આ સંગઠનને પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાનું પ્રોક્સી આતંકી સંગઠન માનવામાં આવે છે. જમ્મુ-કાશ્મીર પોલીસે તાજેતરમાં જાહેર કરેલા મોસ્ટ વોન્ટેડ આતંકીઓના પોસ્ટરમાં પણ તેનું નામ સામેલ હતું. તેની ધરપકડ માટે ₹15 લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. જોકે, હાલના CRPF હુમલામાં તેની સંડોવણીની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આતંકવાદી મોહમ્મદ લતીફ બટ અગાઉ પણ નિર્દોષ નાગરિકો અને પોલીસકર્મીઓની હત્યામાં સામેલ રહ્યો હોવાની આશંકા છે. જુલાઈ 2026માં અનંતનાગમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન કુરૈશીની હત્યા અને ત્યારબાદ કુલગામમાં છત્તીસગઢના બે ગરીબ પરપ્રાંતીય મજૂરો દીપક અને ભૂપેન્દ્રની હત્યામાં પણ તેનું નામ સામે આવ્યું હતું. જુલાઈમાં શોપિયાંના એક એન્કાઉન્ટરમાં તેનો સાથી માર્યો ગયો હતો, પરંતુ લતીફ ભાગી જવામાં સફળ રહ્યો હતો.

કિશ્તવાડમાં ગુમ થયેલા બે પોલીસકર્મીઓના મૃતદેહ મળ્યા

કુલગામના હુમલાની સાથે જ કિશ્તવાડ જિલ્લામાંથી પણ એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. કિશ્તવાડના ડાચ્છન વિસ્તારના રહેવાસી અને સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ (SOG) સાથે જોડાયેલા બે સ્પેશિયલ પોલીસ ઑફિસર (SPO) રશપાલ કુમાર અને બાબી ચંદ 11 નવેમ્બરે પોતાની પોસ્ટ પરથી મારવાહના ધરના વિસ્તારમાં આવેલા આર્મી કેમ્પ તરફ ડ્યૂટી સંભાળવા જઈ રહ્યા હતા, પરંતુ તેઓ રસ્તામાં જ ગુમ થઈ ગયા હતા.

પોલીસ, CRPF અને ભારતીય સેના દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન બાદ 12 નવેમ્બરની સવારે ડાચ્છનના જંગલ વિસ્તારમાંથી બંને જવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. બંને જવાનોના શરીર પર ગોળીઓ વાગ્યાના નિશાન હતા, જેમાં એક જવાનને માથામાં અને બીજા જવાનને પીઠના ભાગે ગોળી મારવામાં આવી હતી.

સૌથી ગંભીર અને ચિંતાજનક બાબત એ છે કે આતંકીઓ બંને હુતાત્મા જવાનોની પાસે રહેલી INSAS અને 303 સર્વિસ રાઇફલો પણ લૂંટીને લઈ ગયા છે. ઘટના પહેલાં સ્થાનિક લોકોએ જંગલ વિસ્તારમાં ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો અને ત્યારબાદ બંને જવાનોના મોબાઇલ ફોન પણ બંધ થઈ ગયા હતા.

સુરક્ષા એજન્સીઓને પૂરી આશંકા છે કે જંગલમાં છુપાયેલા આતંકવાદીઓએ જ ઘાત લગાવીને બંને જવાનો પર હુમલો કરીને તેમની હત્યા કરી છે અને હથિયારો લૂંટી લીધાં છે. જોકે, તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ષડયંત્ર અને હુમલાખોરોની ચોક્કસ ઓળખ સ્પષ્ટ થઈ શકશે.

આ બંને આતંકી ઘટનાઓને પગલે સમગ્ર દક્ષિણ કાશ્મીર અને કિશ્તવાડના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે. ભારતીય સેના અને સુરક્ષાદળોએ જંગલ વિસ્તારોને ઘેરી લઈને આતંકીઓને શોધી કાઢવા અને તેમને ઠાર મારવા માટે મોટાપાયે સર્ચ ઑપરેશન તેજ કરી દીધું છે.