બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસક વિરોધ પ્રદર્શનો શરૂ થયાં છે. આ વખતે આંદોલનનું કેન્દ્ર દેશનો સૌથી મોટો ઉદ્યોગ એટલે કે ગારમેન્ટ ઉદ્યોગ છે. ઢાકાના મીરપુરથી લઈને ગાઝીપુર અને અશુલિયા સુધી હજારો કામદારો રસ્તા પર ઉતરી આવ્યા છે. છેલ્લા 4 દિવસથી ચાલી રહેલ આ વિરોધનાં કારણે લગભગ 100થી વધુ ફેક્ટરીઓ બંધ પડી છે.
આ આંદોલન પાછળનું મુખ્ય કારણ પગાર વધારાની માંગ છે. ગારમેન્ટ કામદારો માંગ કરી રહ્યા છે કે તેમનો લઘુતમ માસિક પગાર હાલના 12,500 ટકાથી વધારીને 30,000 ટકા કરવામાં આવે. કારણ કે મોંઘવારી, મકાન ભાડું, ગેસ અને ખાવા-પીવાની વસ્તુઓના ભાવ સતત વધતા હોવાથી કામદારો માટે પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ બની ગયું છે.
બીજી તરફ, બાંગ્લાદેશ સરકારે કામદારોના પગાર અંગે વિચારણા કરવા માટે છ સભ્યોનું એક ‘વેજ બોર્ડ’ બનાવ્યું છે. આ બોર્ડે ડિસેમ્બર મહિનાથી નવું વેતન માળખું લાગુ કરવા સહમતી તો દર્શાવી છે, પરંતુ પગારમાં કેટલો વધારો થશે તે હજુ સ્પષ્ટ કર્યું નથી. સરકારની આ ધીમી પ્રક્રિયા અને કામદારોની તાત્કાલિક માંગ વચ્ચે અંતર હોવાને કારણે કામદારોનો રોષ શાંત નથી થઈ રહ્યો.
જોકે આ પરિસ્થિતિ માત્ર પગાર વધારા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેની પાછળ દેશની રાજકીય અસ્થિરતા અને 2024માં થયેલું સત્તા પરિવર્તન પણ જવાબદાર છે. જે કાપડ ઉદ્યોગે બાંગ્લાદેશને વૈશ્વિક બજારમાં એક વિશેષ ઓળખ અપાવી હતી, આજે એ જ ઉદ્યોગના કામદારોએ પોતાની રોજીરોટી માટે રસ્તા પર ઉતરવું પડ્યું છે. આ સ્થિતિ કેવી રીતે ઊભી થઈ અને શેખ હસીનાની સત્તા ગયા પછી બાંગ્લાદેશના ઔદ્યોગિક ક્ષેત્રમાં શું બદલાયું તે સમજવા માટે ઇતિહાસમાં નજર કરવી પડશે.
શણમાંથી કપડાં સુધી: કેવી રીતે ઊભો થયો બાંગ્લાદેશનો સૌથી મોટો ઉદ્યોગ?
1971માં પાકિસ્તાનથી અલગ થઈને જ્યારે બાંગ્લાદેશ એક સ્વતંત્ર દેશ બન્યો, ત્યારે તેની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. યુદ્ધના કારણે દેશનું ઉદ્યોગ જગત ભાંગી પડ્યું હતું, વિદેશી હૂંડિયામણની ભારે અછત હતી અને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવા માટે શણ સિવાય બીજી કોઈ વસ્તુ ઉપલબ્ધ નહોતી. આવી પરિસ્થિતિમાં દેશે પોતાના ભવિષ્ય માટે કાપડ ઉદ્યોગ તરફ નજર દોડાવી.
વર્ષ 1977માં નૂરુલ કાદિર ખાને ‘દેશ ગારમેન્ટ્સ’ નામની કંપનીની શરૂઆત કરી અને 1978માં દક્ષિણ કોરિયાની ‘ડેબૂ’ કંપની સાથે ટેકનિકલ કરાર કર્યા. આ ભાગીદારી હેઠળ અંદાજે 130 બાંગ્લાદેશી કર્મચારીઓને કોરિયા મોકલીને આધુનિક મશીનો ચલાવતા, કપડાં બનાવતા, માર્કેટિંગ કરતા અને ફેક્ટરી ચલાવતા શીખવવામાં આવ્યું. વર્ષ 1979માં આ ફેક્ટરીમાં ઉત્પાદન શરૂ થયું અને આ રીતે બાંગ્લાદેશમાં આધુનિક ગારમેન્ટ ઉદ્યોગનો પાયો નંખાયો.
1980ના દાયકામાં બાંગ્લાદેશી કાપડ ઉદ્યોગ માટે વૈશ્વિક બજારમાં મોટી તકો ઊભી થઈ. અમેરિકા અને યુરોપના દેશોએ કપડાંની આયાત માટે વિશેષ વેપાર છૂટ આપી અને યુરોપિયન યુનિયનની ‘એવરીથિંગ બટ આર્મ્સ’ (EBA) યોજના હેઠળ વિકાસશીલ દેશોને ડ્યૂટી-ફ્રી નિકાસનો મોટો લાભ મળ્યો. આ ઉપરાંત દેશમાં સસ્તા શ્રમની ઉપલબ્ધતા, યુવા વસ્તીની વિશાળ તાકાત અને સરકારની નિકાસલક્ષી નીતિઓએ આ ઉદ્યોગને ઝડપથી આગળ વધારવામાં મોટી મદદ કરી.
આજના સમયમાં બાંગ્લાદેશ ચીન પછી દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો રેડીમેડ ગારમેન્ટ નિકાસ કરનાર દેશ બની ગયો છે. દુનિયાની મોટી બ્રાન્ડ્સ જેવી કે એચ એન્ડ એમ, ઝારા અને વોલમાર્ટ માટે આજે પણ ત્યાં કપડાં તૈયાર થાય છે. આ ઉદ્યોગ સાથે આશરે 40 લાખ લોકો સીધી રીતે જોડાયેલા છે અને દેશની કુલ નિકાસ આવકમાં તેનો હિસ્સો 80 ટકાથી પણ વધુ છે, જ્યારે જીડીપીમાં તેનો ફાળો આશરે 10 ટકા જેટલો છે.
પરંતુ આ સફળતાની પાછળ કામદારોની સુરક્ષાની ગંભીર સમસ્યાઓ પણ જોડાયેલી રહી છે. 24 એપ્રિલ 2013ના રોજ ઢાકા નજીક ‘રાણા પ્લાઝા’ નામની આઠ માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ, જેમાં અનેક ગારમેન્ટ ફેક્ટરીઓ ચાલતી હતી. આ ભયાનક દુર્ઘટનામાં 1,100થી વધુ કામદારોનાં મૃત્યુ થયાં અને 2,000થી વધુ ઘાયલ થયા. આ ઘટના બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ફેક્ટરીઓની બિલ્ડિંગ સેફ્ટી અને ફાયર સેફ્ટીના નિયમો ખૂબ કડક કરવામાં આવ્યા, જેના કારણે ઉદ્યોગમાં મોટા ફેરફારો આવ્યા.
પગાર વધતો રહ્યો, પરંતુ કામદારોની સ્થિતિ કેમ ન સુધરી?
હવે કરીએ પગારની વાત. તો બાંગ્લાદેશમાં ગારમેન્ટ કામદારોના પગારમાં સમયાંતરે વધારો થતો રહ્યો છે. વર્ષ 1984માં તેમનો લઘુતમ માસિક પગાર 627 ટકા હતો, જે વર્ષ 2013માં વધીને 5,300 ટકા અને વર્ષ 2023માં 12,500 ટકા સુધી પહોંચ્યો હતો. કાગળ પર જોવા જઈએ તો શરૂઆતની સરખામણીમાં આ પગારમાં આશરે 20 ગણો વધારો દેખાય છે.
પરંતુ વાસ્તવિક સમસ્યા એ છે કે આટલા વર્ષોમાં દેશમાં મોંઘવારી પણ ખૂબ જ ઝડપથી વધી છે. ખાવા-પીવાની ચીજવસ્તુઓ, ઘરનું ભાડું, ગેસ, મુસાફરી અને બાળકોના ભણતરનો ખર્ચ અત્યંત વધી ગયો છે. આ કારણોસર પગાર વધવા છતાં કામદારોની આર્થિક સ્થિતિમાં ખાસ સુધારો જોવા મળ્યો નથી.
વર્ષ 2026ના એક અહેવાલ મુજબ, એક મહિલા કામદારનું ઘરભાડું 6,000 ટકા અને ગેસનો ખર્ચ 2,300 ટકા જેટલો થાય છે, જ્યારે તેની કુલ આવક 13,500 ટકા છે. એટલે કે કમાણીનો મોટો હિસ્સો માત્ર આ બે જ જરૂરિયાતો પાછળ ખર્ચાઈ જાય છે, જેથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બને છે અને તેથી જ કામદારો 30,000 ટકા લઘુતમ પગારની માંગ કરી રહ્યા છે.
2024માં શેખ હસીનાની સરકાર પડી અને બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયું
આ સમગ્ર સ્થિતિમાં સૌથી મોટો વળાંક વર્ષ ઑગસ્ટ 2024માં આવ્યો. જુલાઈ 2024માં દેશમાં સરકારી નોકરીઓમાં અનામતની માંગ સાથે શરૂ થયેલ આંદોલન વ્યાપક હિંસામાં ફેરવાઈ ગયું. દરમિયાન ઇસ્લામી કટ્ટરપંથીઓએ શેખ હસીનાના રાજીનામાં સાથે સરકારી સંપત્તિની આગ ચંપી, હિંસા અને લૂંટફાટ કરી. પરિણામે દેશમાં ઘણા દિવસો સુધી કર્ફ્યૂ રહ્યો, ઘણા ઉદ્યોગો બંધ રહ્યા. છતાં હિંસા બંધ ન થઈ.
આખરે પરિસ્થિતિ વણસતા 5 ઑગસ્ટ 2024ના રોજ શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડી દીધો. ત્યારબાદ મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં એક વચગાળાની સરકારની રચના કરવામાં આવી. જોકે આ સત્તા પરિવર્તન પાછળ અમેરિકાનો મોટો હાથ હોવાના દાવા પણ થયા હતા.
શેખ હસીનાના સરકારના પતનની અસરો દેશની કાયદો-વ્યવસ્થા, ઔદ્યોગિક વાતાવરણ, વિદેશી રોકાણકારોના વિશ્વાસ અને સામાન્ય લોકોની રોજગારી પર પણ પડી. સત્તા બદલાવાથી દેશની તમામ આર્થિક કે સામાજિક સમસ્યાઓનો ઉકેલ આવી જતો નથી તે વાત ટૂંક સમયમાં જ સ્પષ્ટ થઈ ગઈ.
સત્તા પરિવર્તન પછી ફેક્ટરીઓ બંધ થવા લાગી, હજારો પરિવારોની રોજીરોટી પર સંકટ
શેખ હસીનાની સરકારના પતન પછી બાંગ્લાદેશના ઉદ્યોગજગતમાં ઊભી થયેલી ગંભીર મુશ્કેલીઓનું એક મોટું ઉદાહરણ સલમાન એફ. રહેમાન સાથે જોડાયેલું ઔદ્યોગિક જૂથ છે. સલમાન એફ. રહેમાન પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાના સલાહકાર રહી ચૂક્યા હતા.
ડિસેમ્બર 2024માં તેમના જૂથ સાથે જોડાયેલા ગાઝીપુર ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં આવેલી 16 કાપડ ફેક્ટરીઓમાંથી આશરે કુલ 400માંથી 300 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. કંપનીએ વિદેશી ઓર્ડરની અછત અને બેન્કો તરફથી નાણાકીય સહયોગ ન મળવાને છટણીનું મુખ્ય કારણ ગણાવ્યું હતું.
બીજી તરફ, ચટગાંવ ઔદ્યોગિક વિસ્તારના આંકડા પણ દેશની આર્થિક પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. ઑગસ્ટ 2024માં થયેલા સત્તા પરિવર્તન પછીના બે વર્ષમાં ત્યાં આશરે 187 ફેક્ટરીઓ કાયમી કે અસ્થાયી રૂપે બંધ થઈ ગઈ. આ બંધ પડેલી ઇમારતોમાંથી 68 રેડીમેડ ગારમેન્ટ યુનિટ્સ હતાં, જ્યારે બાકીની ફેક્ટરીઓ શણ, દવા, સિમેન્ટ અને સ્ટીલ જેવા અન્ય મહત્વના ઉદ્યોગો સાથે જોડાયેલી હતી.
આ તમામ ફેક્ટરીઓ બંધ થવાને કારણે આશરે 29,739થી વધુ કર્મચારીઓની રોજગારી પર સીધી અસર પડી હતી. ફેક્ટરીઓ બંધ થવા પાછળ વિદેશી ખરીદદારોના ઓર્ડરમાં ઘટાડો, બેન્કિંગ અને લોનની સમસ્યાઓ, માલિકો-મેનેજમેન્ટ વચ્ચેના વિવાદો તથા વીજળી-ગેસ જેવા ઊર્જા પુરવઠાની અછત જેવાં અનેક કારણો હતાં.
આ સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે સત્તા પરિવર્તન પછી જે રાજકીય અસ્થિરતા ઊભી થઈ, તેની મોટી કિંમત સામાન્ય કામદારોએ નોકરી ગુમાવીને ચૂકવવી પડી છે. વારંવાર થતા વિરોધ પ્રદર્શનો, હિંસા અને અશાંતિના કારણે આંતરરાષ્ટ્રીય ખરીદદારો હવે બાંગ્લાદેશ સિવાય અન્ય વિકલ્પો શોધી રહ્યા છે.
બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા પર શું અસર પડી?
નોંધનીય છે કે બાંગ્લાદેશની અર્થવ્યવસ્થામાં વિદેશી હૂંડિયામણ અને રેમિટન્સ એટલે કે વિદેશમાં કામ કરતા નાગરિકો દ્વારા મોકલવામાં આવતા પૈસાનું મોટું મહત્વ છે. જોકે, સત્તા પરિવર્તન બાદ દેશની આર્થિક વિકાસની ગતિ ઘણી નબળી પડી ગઈ. વર્લ્ડ બેન્કના અહેવાલ મુજબ, વર્ષ 2025માં દેશનો જીડીપી વૃદ્ધિદર આશરે 3.5 ટકા હતો અને મોંઘવારીનો દર વધીને 8.8 ટકા આસપાસ પહોંચી ગયો હતો.
આ આર્થિક મુશ્કેલીઓની સાથે ઉદ્યોગો સામે અનેક ગંભીર પડકારો પણ ઊભા થયા હતા. એક તરફ ફેક્ટરીઓમાં વીજળી અને ગેસની ભારે અછત સર્જાઈ તો બીજી તરફ બેન્કિંગ ક્ષેત્રની સમસ્યાઓ અને વૈશ્વિક બજારની કઠિન સ્પર્ધાને કારણે ગારમેન્ટ ઉદ્યોગ માટે પહેલાંની જેમ ઝડપથી પ્રગતિ કરવાનું મુશ્કેલ બની ગયું હતું.
આ બધી જ પરિસ્થિતિ વચ્ચે નવેમ્બર 2026માં કામદારોનું નવું આંદોલન ફાટી નીકળ્યું છે. સરકારે વેજ બોર્ડ રચવા છતાં વિરોધ અટક્યો નથી અને અસંખ્ય ફેક્ટરીઓ બંધ રહેવાથી લાખો કામદારોની રોજીરોટી જોખમાઈ છે. આમ, પગાર વધારાની માંગથી શરૂ થયેલો આ વિરોધ હવે બાંગ્લાદેશના સૌથી મોટા નિકાસ ઉદ્યોગના અસ્તિત્વ અને સ્થિરતા માટે એક મોટો પડકાર બની ગયો છે.
હવે બાંગ્લાદેશ સામે ત્રણ મોટા પડકાર
બાંગ્લાદેશ સામે અત્યારે ત્રણ મોટા પડકાર છે. પહેલો પડકાર આંતરરાષ્ટ્રીય બજારમાં વધતી સ્પર્ધાનો છે. અત્યાર સુધી બાંગ્લાદેશને ઓછા વિકસિત દેશ (LDC) તરીકે યુરોપિયન યુનિયન સહિતના કેટલાક મોટા બજારોમાં નિકાસ માટે વિશેષ વેપારલક્ષી છૂટ મળતી રહી છે. પરંતુ હવે તેને આ શ્રેણીમાંથી બહાર આવવાની તૈયારી કરવાની છે.
સંયુક્ત રાષ્ટ્રે ઑક્ટોબર 2026માં બાંગ્લાદેશને LDC શ્રેણીમાંથી બહાર આવવાની તારીખ ત્રણ વર્ષ આગળ વધારીને 24 નવેમ્બર 2029 કરી છે. આનો અર્થ એ છે કે દેશને પોતાની નિકાસ વ્યવસ્થા અને ઉદ્યોગોને તૈયાર કરવા માટે વધારાનો સમય મળ્યો છે. જોકે, ભવિષ્યમાં યુરોપિયન યુનિયનની ડ્યૂટી ફ્રી સુવિધા જાળવી રાખવા માટે તેને નવી વેપાર વ્યવસ્થાઓ અને જરૂરી શરતો પૂરી કરવી પડશે.
બીજો મોટો પડકાર ભારત, વિયેતનામ અને ચીન જેવા દેશો તરફથી મળી રહી સખત સ્પર્ધાનો છે. ભારત જેવા દેશો પાસે કાપડ અને યાર્નનું પોતાનું ઉત્પાદન છે અને સરકાર તરફથી પણ પ્રોત્સાહન મળે છે, જ્યારે બાંગ્લાદેશમાં વીજળી, ગેસ અને પરિવહનનો ખર્ચ વધવાને કારણે ઉદ્યોગપતિઓ માટે નફો જાળવવો મુશ્કેલ બન્યો છે.
ત્રીજો અને સૌથી મોટો પડકાર ફેક્ટરીઓમાં ઓટોમેશન એટલે કે મશીનોનો વધતો ઉપયોગ છે. આધુનિક મશીનો આવવાથી કામદારોની જરૂરિયાત ઘટી છે, જેનાથી ખાસ કરીને ગ્રામીણ મહિલાઓની નોકરીઓ અને રોજીરોટી સામે મોટું જોખમ ઊભું થયું છે.
હાલમાં બાંગ્લાદેશના ઢાકા અને મીરપુરના રસ્તાઓ પર હજારો ગારમેન્ટ કામદારો 30,000ના લઘુતમ પગારની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. એક સમય એવો હતો જ્યારે 1971માં આઝાદી પછી દેશ પાસે શણ સિવાય નિકાસ માટે ખાસ કંઈ નહોતું, પરંતુ કાપડ ઉદ્યોગે બાંગ્લાદેશને વૈશ્વિક ઓળખ અપાવી, વિદેશી હૂંડિયામણ કમાવી આપ્યું અને લાખો લોકોને રોજગારી આપી. પરંતુ આજે એ જ ઉદ્યોગના કામદારોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
હાલ ભલે સરકારે કમિટી રચી હોય અને ભવિષ્યમાં પગાર વધારો પણ થઈ શકે છે, પરંતુ જ્યાં સુધી ઉદ્યોગની મૂળભૂત સમસ્યાઓનો કાયમી ઉકેલ નહીં આવે, ત્યાં સુધી આવી જ માંગણીઓ ઉઠતી જ રહેશે. હાલની સ્થિતિમાં મોટો હાથ શેખ હસીના સરકારના પતનનો અને તે સમયે થયેલ હિંસાનો પણ છે.
કારણ કે આંદોલન અને હિંસા ખરીને ભલે કટ્ટરપંથીઓએ સરકાર બદલી નાખી હોય પણ આજે એ પરિવર્તનની કિંમત સામાન્ય કામદારો જ ચૂકવી રહ્યા છે. બાંગ્લાદેશની આ ઘટનાનો સૌથી મોટો સવાલ એ જ છે કે આ સત્તા પરિવર્તનનો વાસ્તવિક ફાયદો આખરે કોને મળ્યો?


