
ગુજરાત હાઇકોર્ટે બાંગ્લાદેશી મહિલા અને તેની 8 મહિનાની દીકરીને સરકારી કસ્ટડીમાંથી મુક્ત કરવાની અરજી ફગાવી દીધી છે. મહિલાના પતિએ હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરીને પત્ની અને દીકરીને ગેરકાયદે રીતે અટકાયતમાં રાખવામાં આવ્યાં હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, હાઇકોર્ટે કહ્યું કે મહિલાને સરકારી આદેશના આધારે અટકાયતમાં રાખવામાં આવી છે. તેથી તેને ગેરકાયદે અટકાયત કહી શકાય નહીં.
આ મામલે જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયા અને જસ્ટિસ હેમંત એમ. પ્રચ્છકની ખંડપીઠે સુનાવણી કરી હતી.
શું છે સમગ્ર મામલો?
પ્રાપ્ત વિગતો અનુસાર આ કેસમાં એક ભારતીય નાગરિકે બાંગ્લાદેશી મહિલા સાથે નિકાહ કર્યા હતા અને તેને 7થી 8 મહિનાની એક દીકરી છે. સરકારી રેકોર્ડ્સમાં મહિલા સ્પષ્ટપણે બાંગ્લાદેશની નાગરિક હોવાનું નોંધાયેલું છે. ભારત સરકારના નિયમો અનુસાર તેને પરત ડિપોર્ટ કરવાની એટલે કે બાંગ્લાદેશ મોકલવાની કાયદેસરની પ્રક્રિયા ચાલી રહી છે, જેના ભાગરૂપે તે હાલ સરકારી કસ્ટડીમાં છે.
આ દરમિયાન પતિએ આ અટકાયતને ગેરકાયદે ગણાવીને બંનેને મુક્ત કરવાની માગ સાથે ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ અગાઉ 6 મે 2026ના રોજ હાઇકોર્ટે સુનાવણી દરમિયાન મહિલા અને બાળકીને કોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
તે સમયે કોર્ટની અન્ય એક ખંડપીઠે મહિલાને તાત્કાલિક પતિ સાથે મોકલવાને બદલે ભરૂચના નારી સંરક્ષણ ગૃહમાં રાખવાનો નિર્દેશ કર્યો હતો. ત્યારબાદ સરકારે આ મામલે પોતાનો વિગતવાર પક્ષ અને સોગંદનામું કોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું.
સરકારે રજૂ કર્યું હતું સોગંદનામું
સરકારે જણાવ્યું હતું કે મહિલા બાંગ્લાદેશની નાગરિક છે અને તેની અટકાયત સંપૂર્ણપણે કાયદાકીય પ્રક્રિયા મુજબ થઈ છે. ભરૂચના પોલીસ અધિક્ષક (SP) અને ફોરેનર્સ રજિસ્ટ્રેશન ઓફિસર (FRO) દ્વારા ગત 20 ડિસેમ્બર 2025ના રોજ આ આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ મુજબ ડિપોર્ટેશનની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને સુરક્ષિત રાખવામાં આવી રહી છે.
સરકારે કોર્ટને વધુમાં માહિતી આપી હતી કે આ કાયદેસરની કાર્યવાહી ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025 અને ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ ઓર્ડર, 2025 હેઠળ કરવામાં આવી છે. આ કાયદાની કલમો અન્વયે સત્તાવાળાઓને વિદેશી નાગરિકોની અવરજવર પર નિયંત્રણ મૂકવાની અને તેમને નિર્ધારિત સ્થળે રાખવાની સંપૂર્ણ સત્તા મળે છે.
જૂનો આદેશ અમલમાં હોવાથી કોર્ટે અરજી ફગાવી
સરકાર તરફથી એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે માત્ર આ મહિલા જ નહીં, પરંતુ બાંગ્લાદેશ મૂળના અન્ય 17 શખ્સોની પણ ઓળખ કરીને તેમની અટકાયતના આદેશો જારી કરવામાં આવ્યા છે. બીજી તરફ, પતિના વકીલે જવાબ રજૂ કરવા માટે સમય માંગ્યો હતો, પરંતુ કોર્ટે નોંધ્યું કે 20 ડિસેમ્બર 2025નો આદેશ હજી અમલમાં છે અને તેને યોગ્ય મંચ પર પડકારવામાં આવ્યો નથી.
આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બેન્ચે પતિની આ હેબિયસ કોર્પસ અરજી ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું કે સરકારી રેકોર્ડ અને કાયદાકીય જોગવાઈઓને જોતાં આ અટકાયતને ગેરકાયદે કહી શકાય નહીં તેમજ મહિલાની વ્યક્તિગત સ્વતંત્રતા પણ જોખમમાં નથી. કોર્ટે હાલ પૂરતી સરકારી કસ્ટડી અને કાયદેસરની અટકાયતને માન્ય રાખી છે અને ડિપોર્ટેશનની આખી પ્રક્રિયા કાયદાકીય નિયમો મુજબ જ આગળ વધશે તેવું સ્પષ્ટ કર્યું છે.

