અભિષેક બેનર્જીના જન્મદિવસની ઉજવણી દરમ્યાન ધમાલ, નિવાસસ્થાન બહાર ભાજપ-ટીએમસીના કાર્યકરો બાખડ્યા

મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીના કોલકાતા સ્થિત આવાસ પર શુક્રવારે (6 નવેમ્બર) રાત્રે હોબાળો મચી ગયો હતો. ટીએમસીએ ભાજપ સમર્થકો પર અભિષેક બેનર્જીના ઘરની બહાર હંગામો મચાવવાનો આરોપ લગાવ્યો અને બેનર્જીએ પણ આવા જ આરોપો લગાવ્યા હતા. બીજી તરફ ભાજપે કહ્યું છે કે આ બીજું કશું નહીં પણ ડ્રામા છે.

વાસ્તવમાં છઠ્ઠી નવેમ્બરે અભિષેક બેનર્જીનો જન્મદિવસ હતો. ટીએમસીના કાર્યકરો જન્મદિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. દરમ્યાન ત્યાં અમુક ભાજપ કાર્યકરો પસાર થયા અને બંને પક્ષ વચ્ચે ધિંગાણું થયું હતું.

ટીએમસીએ આરોપ લગાવ્યો કે ભાજપના માણસોએ બેનર્જીના જન્મદિવસની ઉજવણી દરમ્યાન હુમલો કરી દીધો હતો. જ્યારે ભાજપે કહ્યું કે તેઓ કાલીઘાટ માતાજીની મૂર્તિ લેવા જઈ રહ્યા હતા ત્યારે તેમની ઉપર ટીએમસીના માણસોએ હુમલો કર્યો હતો. પછીથી પોલીસે વચ્ચે પડીને બંને પક્ષોને શાંત પાડ્યા હતા. ત્યારબાદ બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો અને અમુક લોકોની અટકાયત કરવામાં આવી હતી.

Screenshot

ઘટના અભિષેક બેનર્જીના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાનની બહાર બની હતી. પછીથી બેનર્જીએ એક X પોસ્ટમાં લખ્યું, ‘બે દિવસ સુધી સતત રેકી કર્યા બાદ ભાજપના ગુંડાઓએ 2 વાગ્યે મારા ઘર પર હુમલો કરી દીધો. સંસદના એક ચૂંટાયેલા સભ્ય સાથે આ થઈ રહ્યું છે તો બંગાળના સામાન્ય માણસની શું સ્થિતિ હશે.’

આગળ લખ્યું, ‘છ મહિનામાં મારી ઉપર હુમલો કરવાનો આ સાતમો પ્રયાસ છે. તેમ છતાં કોઈ પોલીસ કાર્યવાહી થઈ રહી નથી કે ન્યાયિક હસ્તક્ષેપ પણ થઈ રહ્યો નથી. રાજ્યભરમાં ગુંડાઓ રમખાણો કરી રહ્યા છે અને ન્યાયતંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.’

શુક્રવારે (6 નવેમ્બર) રાત્રે બેનર્જીએ મીડિયા સાથે વાતચીત કરતી વખતે પણ ભાજપ પર આરોપ લગાવી દીધો હતો અને તેમની હત્યાનો પ્રયાસ થયો હોવાની વાતો કહી હતી. સાથે પોલીસ પર મૂકપ્રેક્ષક બનવાના આરોપ લગાવ્યા.

બીજી તરફ ભાજપે આ આરોપો નકારી દીધા છે અને આ બધું નાટક ગણાવ્યું છે. બંગાળના ભાજપ સરકારના મંત્રી દિલીપ ઘોષે કહ્યું, “અભિષેક બેનર્જીને મારવાનો સમય કોની પાસે છે? તેમની પાસે હવે કશું બચ્યું નથી એટલે આવી વાતો કરીને લોકોને ભરમાવવાના પ્રયાસો કરતા રહે છે.”

ઘોષે આગળ કહ્યું કે પહેલી વખત આપણે જોઈ રહ્યા છીએ કે ફોટપાથ પર કોઈ નેતાનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે. જો કોઈ રાત્રિના સમયે જાહેર રસ્તા પર ઉત્પાત મચાવે તો તેનો વિરોધ થાય એ સ્વાભાવિક છે.