હોમપેજરાજકારણપહેલાં ફોનમાં પેગાસસ હતું, હવે ફોનમાં મોદી વિરુદ્ધ પુરાવા છે: તપાસથી દૂર...

પહેલાં ફોનમાં પેગાસસ હતું, હવે ફોનમાં મોદી વિરુદ્ધ પુરાવા છે: તપાસથી દૂર ભાગેલા રાહુલ ગાંધી ફરી લઈને આવ્યા ફોન ટેપિંગનો બફાટ

દાવો મોટો, બફાટ મોટો અને પુરાવાના નામે હાથમાં પોતાનો ફોન. દેશને હવે રાહુલનાં આવાં નાટકોથી નહીં, પુરાવાથી મતલબ છે અને દેશ સારી રીતે જાણે છે કે રાહુલ પાસે પુરાવા નહીં પણ માત્ર ધ્યાન ખેંચવા માટેના બફાટ છે.

- Advertisement -

રાહુલ ગાંધીને ફરી એકવાર ઉટપટાંગ હરકત કરીને ધ્યાન ખેંચવાની ચળ જાગી છે. આ વખતે જૂનું પેગાસસનું ભૂત થોડું નવા રંગરૂપમાં પાછું આવ્યું છે. 13 નવેમ્બરે ઇન્સ્ટાગ્રામના ‘Ask Me’ સેશનમાં રાહુલ ગાંધી પોતાનો ફોન હાથમાં લઈને કહે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમનો ફોન ટેપ કરાવે છે અને તેમના તમામ આરોપોના પુરાવા આ જ ફોનમાં છે. વાત અહીં અટકતી નથી. તેમણે ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વન-ટુ-વન ડિબેટનો પડકાર આપ્યો છે!

વધુમાં પાછો એવો દાવો કર્યો છે કે બંને સામસામે બેસશે તો ખબર પડી જશે કે કોણ વિદેશી શક્તિઓના નિયંત્રણમાં છે, કોણ રાષ્ટ્રવિરોધી છે અને કોણ ક્યારથી આવી પ્રવૃત્તિઓમાં સામેલ છે. જાણે દેશનું રાજકારણ લોકસભા, રાજ્યસભા, ચૂંટણી અને જનતાના જનાદેશથી નહીં, પરંતુ રાહુલના ફોન અને તેની અંદર રહેલા કથિત પુરાવાથી ચાલવાનું હોય. સૌથી મજાની વાત એ છે કે જે ફોન આજે રાહુલ પીએમ મોદી વિરુદ્ધના પુરાવાનો ખજાનો ગણાવી રહ્યા છે, એ જ ફોનને લઈને થોડાં વર્ષ પહેલાં જ્યારે ખરેખર તપાસ કરાવવાનો મોકો આવ્યો હતો ત્યારે તેને તપાસના ટેબલ પર મૂક્યો જ નહોતો.

પેગાસસનું તૂત યાદ છે?

આપણે થોડું પાછળ જઈએ. વર્ષ હતું 2021. પેગાસસ નામનું એક સ્પાયવેર ભારતમાં જાસૂસી માટે વપરાયું હોવાના આરોપો સામે આવ્યા અને કોંગ્રેસ સહિત સમગ્ર લેફ્ટ-લિબરલ ઈકોસિસ્ટમને જાણે એક નવો મુદ્દો મળી ગયો. રાહુલ ગાંધી તો સીધા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર ગંભીર આરોપો લગાવવા સુધી પહોંચી ગયા હતા. તેમણે કહ્યું હતું કે તેમના ફોન ટેપ કરવામાં આવ્યા છે અને પેગાસસનો ઉપયોગ કરીને સરકાર વિપક્ષ તથા સંસ્થાઓ પર નજર રાખી રહી છે. તેમણે તો આને ‘ટ્રીઝન’ સુધી ગણાવી દીધું હતું અને વડા પ્રધાન તથા ગૃહમંત્રી સામે તપાસની માંગ કરી હતી.

- Advertisement -

કોંગ્રેસ માટે આ માત્ર કોઈ સામાન્ય રાજકીય આરોપ નહોતો. આના આધારે સંસદમાં હોબાળો થયો, સરકારને ઘેરવામાં આવી અને દેશ-વિદેશમાં એવો નેરેટિવ ચલાવવામાં આવ્યો કે મોદી સરકાર જાણે વિરોધીઓના ફોનમાં ઘૂસી રહી છે. રાહુલ ગાંધી માટે તો આ મુદ્દો એટલો મોટો હતો કે 2023માં કેમ્બ્રિજ જઈને પણ તેમણે કહ્યું કે તેમના ફોનમાં પેગાસસ હતું અને ઇન્ટેલિજન્સ અધિકારીઓ તેમને ફોન પર સાવધાન રહેવા કહેતા હતા.

પછી આવી સુપ્રીમ કોર્ટની કમિટી. પેગાસસના આરોપોની તપાસ માટે સુપ્રીમ કોર્ટે નિવૃત્ત ન્યાયાધીશ આર.વી. રવિન્દ્રનની દેખરેખ હેઠળ ટેક્નિકલ કમિટી બનાવી. હવે અહીંથી રાહુલના આખા પેગાસસ નેરેટિવની સૌથી મોટી મુશ્કેલી શરૂ થાય છે. સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થયેલી તપાસમાં જે ઉપકરણો તપાસવામાં આવ્યાં તેમાં પેગાસસથી જાસૂસી કરવામાં આવી હોવાના પુરાવા મળ્યા નહીં. 2022માં સુપ્રીમ કોર્ટ સમક્ષ આવેલા તારણોમાં તપાસવામાં આવેલા 29 ફોનમાંથી કોઈમાં પેગાસસ હોવાનો નિર્ણાયક પુરાવો મળ્યો નહોતો. એટલે જે મુદ્દાને લઈને મોદી સરકાર સામે દેશભરમાં તૂત મચાવવામાં આવ્યું હતું, તેમાં તપાસ પછી મોદી સરકારને ક્લીન ચિટ મળી ગઈ.

તપાસનો વારો આવ્યો ત્યારે રાહુલે ફોન ન આપ્યો!

અહીંથી વાત વધુ રસપ્રદ બને છે. રાહુલ ગાંધી કહેતા હતા કે તેમનો ફોન ટેપ થયો છે. કહેતા હતા કે પેગાસસ તેમના ફોનમાં હતું. કહેતા હતા કે સરકાર તેમની વાતો સાંભળે છે. કહેતા હતા કે આ લોકશાહી પર હુમલો છે. પરંતુ જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી કમિટી સામે પોતાના ફોનની તપાસ કરાવવાની તક આવી ત્યારે રાહુલ ગાંધીનો ફોન તપાસ માટે પહોંચ્યો નહીં. 2023માં પણ જ્યારે તેમણે કેમ્બ્રિજમાં ફરી દાવો કર્યો કે તેમના ફોનમાં પેગાસસ હતું, ત્યારે તત્કાલીન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સીધો સવાલ કર્યો હતો કે જો રાહુલ ગાંધીને પોતાના ફોનમાં પેગાસસ હોવાની આટલી જ ખાતરી હતી તો તેમણે સુપ્રીમ કોર્ટની કમિટી સમક્ષ પોતાનો ફોન તપાસ માટે કેમ ન આપ્યો.

આ સવાલ આજે પણ એટલો જ જીવંત છે. ભાઈ, જો ફોનમાં પેગાસસ હતું તો તપાસથી ડરવાનું શું હતું? જો મોદી સરકાર ખરેખર તમારો ફોન ટેપ કરાવતી હતી તો ફોન તપાસ માટે આપીને આખી દુનિયા સામે વાત સાબિત કરવાની સૌથી મોટી તક તો તમારી પાસે હતી. જો તમારા આરોપોમાં દમ હતો તો સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળની તપાસથી મોટું મંચ બીજું કયું જોઈએ? પરંતુ ત્યારે રાહુલનો ફોન તપાસના ટેબલ સુધી પહોંચ્યો નહીં અને આજે એ જ કોંગ્રેસી યુવરાજ કેમેરા સામે ફોન લહેરાવીને કહે છે કે ‘મારા ફોનમાં મોદી વિરુદ્ધના પુરાવા છે.’ આને શું કહેવું?

હવે ફોનમાં ‘પુરાવા’નો ખજાનો મળી ગયો!

આજના બફાટમાં રાહુલ ગાંધીનો આત્મવિશ્વાસ પણ જોવા જેવો હતો. ઇન્સ્ટાગ્રામના સવાલ-જવાબ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે તેઓ જે આરોપો લગાવી રહ્યા છે તેનો પુરાવો ક્યાં છે. મોજીલા યુવરાજે ફોન હાથમાં લીધો અને કહી દીધું કે પુરાવો આ ફોનમાં છે અને વડા પ્રધાન પોતે જાણે છે, કારણ કે તેઓ તેનો ફોન ટેપ કરાવે છે. એટલે ગણિતની નવી રીત આવી છે. પુરાવો જોઈએ તો ફોનમાં છે, ફોન કેમ ટેપ થાય છે તેનું કારણ પણ ફોનમાં છે અને મોદી ફોન ટેપ કરે છે તેનું જ્ઞાન પણ ફોન પાસે છે. બસ એક જ વસ્તુ ગાયબ છે, તે છે આ બધાને સાબિત કરતો પુરાવો.

આપણા માથે ફરી એકવાર એ જ જૂની વાર્તા મારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પેગાસસની કેસેટ હવે ફોન ટેપિંગના નવા પેકેજમાં રજૂ કરવામાં આવી રહી છે. ત્યારે પેગાસસ હતું, આજે ‘મોદી મારો ફોન ટેપ કરે છે’ છે. ત્યારે પણ આરોપ મોટો હતો, આજે પણ આરોપ મોટો છે. ત્યારે પણ દેશને કહેવામાં આવ્યું હતું કે લોકશાહી ખતરામાં છે, આજે પણ એ જ પ્રકારની ભાષા છે. ફરક એટલો છે કે ત્યારે સુપ્રીમ કોર્ટની કમિટી તપાસ સુધી પહોંચી હતી અને હવે રાહુલ ફરી પોતાના ફોનને જ પુરાવાની તિજોરી બનાવીને બેઠા છે.

ડિબેટના નામે પણ નવો ખેલ

અને આ બધાની વચ્ચે રાહુલ ગાંધી ફરી વન-ટુ-વન ડિબેટની રટ લગાવી રહ્યા છે. તેઓ કહે છે કે નરેન્દ્ર મોદી તેમની સાથે સામસામે બેસે અને પછી બધું સાબિત થઈ જશે. તેમણે તો એવું પણ કહી દીધું કે આવી ડિબેટ પછી મોદી વડા પ્રધાન નહીં રહે! પ્રશ્ન એ છે કે રાહુલને ખરેખર ચર્ચા કરવી છે કે કેમેરા સામે પોતાનું રાજકીય અસ્તિત્વ સાબિત કરવું છે? કારણ કે ચર્ચા માટે લોકસભા નામનું બંધારણીય મંચ પહેલેથી જ ઉપલબ્ધ છે. દેશની સંસદમાં સરકાર અને વિપક્ષ સામસામે હોય છે. ત્યાં મુદ્દા ઉઠાવી શકાય છે, સવાલો પૂછી શકાય છે અને સરકારને ઘેરી શકાય છે. છતાં આ ભાઈને ટેબલ ગોઠવીને, એક તરફ મોદી અને બીજી તરફ પોતે બેસીને ડિબેટ કરવી છે. જાણે ભારતનું લોકતંત્ર હવે તેમના ટીવી સ્ટુડિયોમાં ચાલવાનું હોય.

વાસ્તવમાં આ આખું પ્રકરણ રાહુલની જૂની રાજકીય ટેવનું વધુ એક ઉદાહરણ છે. કોઈ ગંભીર આરોપ લગાવો, તેને લઈને વાતાવરણ બનાવો, સોશિયલ મીડિયા અને રાજકીય ઈકોસિસ્ટમમાં તેને મોટો બનાવો, પછી પુરાવા વિશે સવાલ થાય તો બીજો આરોપ લઈને આવી જાઓ. પેગાસસના મામલે પણ આવું જ થયું હતું. વર્ષો સુધી નેરેટિવ ચલાવવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટની કમિટી બેઠી. તપાસ થઈ. મોદી સરકારને ક્લીન ચિટ મળી. છતાં દાવાનો અંત આવ્યો નહીં. હવે ફરી એ જ ભૂત ધૂણ્યું છે, ફક્ત આ વખતે હાથમાં પેગાસસનું નામ નહીં પરંતુ પોતાનો મોબાઈલ છે.

રાહુલ ગાંધી માટે સમસ્યા એ છે કે હવે માત્ર આરોપ ફેંકી દેવાથી દેશ માની લે એવો સમય રહ્યો નથી. ‘મોદીએ ફોન ટેપ કર્યો’ કહેવું સરળ છે. ‘મારા ફોનમાં પુરાવા છે’ કહેવું તેનાથી પણ સરળ છે. પરંતુ જ્યારે ખરેખર તપાસ માટે ફોન આપવાનો વારો આવે ત્યારે શું કર્યું હતું, એ સવાલ પણ દેશને યાદ છે. એટલે રાહુલ જેટલી વાર જૂની કેસેટ વગાડશે, એટલી વાર જૂના સવાલો પણ સામે આવશે અને આ વખતે સવાલ બહુ સીધો છે કે પેગાસસ વખતે તપાસ માટે પોતાનો ફોન ન આપનાર રાહુલ ગાંધીને અચાનક પોતાના ફોનમાં મોદી વિરુદ્ધના પુરાવાનો ખજાનો ક્યાંથી મળી ગયો?

આખરે વાત એટલી જ છે. રાહુલને ફરી ધ્યાન ખેંચવું છે, એટલે જૂનું ફોન ટેપિંગનું ભૂત ધૂણાવવું પડ્યું. પેગાસસનું તૂત જ્યારે તપાસની કસોટી પર ટકી ન શક્યું ત્યારે હવે ફોન ટેપિંગનું નવું તૂત લઈને મેદાનમાં ઉતર્યા છે. પરંતુ આ વખતે પણ વાત એ જ છે. દાવો મોટો, બફાટ મોટો અને પુરાવાના નામે હાથમાં પોતાનો ફોન. દેશને હવે રાહુલનાં આવાં નાટકોથી નહીં, પુરાવાથી મતલબ છે અને દેશ સારી રીતે જાણે છે કે રાહુલ પાસે પુરાવા નહીં પણ માત્ર ધ્યાન ખેંચવા માટેના બફાટ છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં