નાસ્તામાં કાચનો ટુકડો, ધાર્મિક ભેદભાવ, મલાલાનું પુસ્તક વાંચવા દબાણ કરવાનો આરોપ: અમદાવાદની આનંદ નિકેતન શાળા અનેક વિવાદોમાં, DEOની નોટિસ

અમદાવાદના શિલજની આનંદનિકેતન શાળા વિવાદમાં સપડાઈ છે. અહીં વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો મળી આવ્યા બાદ વાલીઓએ વિરોધ કર્યો હતો. બીજી તરફ વાલીઓનો એવો પણ આરોપ છે કે શાળામાં ધાર્મિક ભેદભાવ કરવામાં આવે છે, અમુક વિવાદિત પુસ્તકો વાંચવા માટે કહેવામાં આવે છે અને સવારની પ્રાર્થના પણ બંધ કરી દેવામાં આવી છે.

સમગ્ર મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ બંને મામલામાં તપાસના આદેશ આપ્યા છે અને શાળા પાસેથી પણ ખુલાસો માગવામાં આવ્યો છે. શાળા સંતોષકારક જવાબ ન આપી શકે અને બેદરકારી સામે આવે તો પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે.

કોશા શાહ નામનાં એક વાલીએ મીડિયાને જણાવ્યું હતું કે વિદ્યાર્થીને પીરસવામાં આવેલા નાસ્તામાંથી કાચનો ટુકડો મળી આવ્યો હતો એ બાળકે જ શિક્ષકને બતાવ્યો હતો. આરોપ છે કે શિક્ષકે ટુકડો બાજુ પર મૂકીને ભોજન પૂરું કરવા માટે સૂચના આપી હતી. શાળા અને શિક્ષકોના આવા વર્તન સામે વાલીઓએ સવાલો ઉઠાવ્યા છે અને કાર્યવાહીની માંગ કરી છે.

વાલીઓની ફરિયાદ બાળા જિલ્લા શિક્ષણાધિકારીએ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને તાત્કાલિક શાળાની મુલાકાત લઈને તપાસ કરવાના અને વિગતવાર રિપોર્ટ રજૂ કરવાના આદેશ આપ્યા હતા. જેમાં નાસ્તો કઈ રીતે અને ક્યાંથી બનાવવામાં આવે છેથી માંડીને તેના સંગ્રહ, વિતરણ માટેની શું વ્યવસ્થા છે, તેની ગુણવત્તાની ચકાસણી થાય છે કે કેમ એ બાબતોની પણ તપાસ થશે. સાથે ફૂડ સેમ્પલ પણ મેળવવામાં આવશે.

શિક્ષણાધિકારી દ્વારા શાળાને એક શો કૉઝ નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં શાળામાં ફૂડ સેફ્ટીને લઈને શું વ્યવસ્થા છે તેની વિગતો માગવામાં આવી છે. જવાબ રજૂ કરવામાં આવ્યા બાદ અને રિપોર્ટ સામે આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે.

ધાર્મિક ભેદભાવનો આરોપ

વાલીઓ અને હિંદુ સંગઠનોની બીજી એક ફરિયાદ એ છે કે શાળામાં ધાર્મિક ભેદભાવ કરવામાં આવે છે. આરોપ છે કે શાળાએ એક મહિનાથી વધુ સમયથી સવારે થતી પ્રાર્થના બંધ કરી દીધી છે.

વિદ્યાર્થીઓને અન્ય ધાર્મિક-મજહબી પુસ્તકો વાંચવા માટે, ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હોવાના પણ આરોપ છે.

એક આરોપ એ પણ છે કે વિદ્યાર્થીઓને મલાલા યુસુફઝઈનું પુસ્તક ‘આઈ એમ મલાલા: ધ ગર્લ હૂ સ્ટૂડ અપ ફોર એજ્યુકેશન’ પણ આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને આ પુસ્તક ફરજિયાત ખરીદીને વાંચવા માટે દબાણ કરવામાં આવતું હોવાનો આરોપ છે. વાલીઓનું કહેવું છે કે અભ્યાસક્રમ બહારનાં આવાં પુસ્તકો વાંચવા બાળકોને દબાણ ન કરી શકાય.

એક આરોપ એ પણ છે કે શાળામાં રાષ્ટ્રગીત બંધ કરી દેવામાં આવ્યું હતું અને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે કોઈ સંતોષકારક જવાબ પણ અપાયો ન હતો.

ધાર્મિક બાબતોના આરોપો મામલે પણ જિલ્લા શિક્ષણાધિકારીએ જવાબ માગ્યો છે. શિક્ષણાધિકારીએ જણાવ્યું કે શાળાઓને પહેલેથી સૂચના આપવામાં આવી છે કે બાળકો અને વાલીઓની ધાર્મિક લાગણીઓ દુભાય તેવું કશું જ થવું ન જોઈએ અને તેનું ઉલ્લંઘન થતું હશે તો તપાસ અહેવાલના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.