મહારાષ્ટ્રમાં ધર્માંતરણ વિરોધી કાયદો અમલમાં આવ્યા બાદ બ્રિટિશ નાગરિક સામે FIR: ચર્ચમાં યોજાયેલા કાર્યક્રમમાં હિંદુ દેવતાઓ વિરુદ્ધ ભડકાવવાનો આરોપ

મહારાષ્ટ્રમાં નવા ‘મહારાષ્ટ્ર ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, 2026’ના અમલ બાદ આ એક્ટ હેઠળ પહેલો કેસ દાખલ થયો છે. પુણેના ખડક પોલીસ સ્ટેશનમાં બ્રિટનના માન્ચેસ્ટરમાં રહેતા એક UKના નાગરિક અને OCI (Overseas Citizen of India) કાર્ડધારક સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ એક મરાઠી ચર્ચમાં યોજાયેલા કાર્યક્રમમાં લોકોને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે 9 ઑગસ્ટે FIR નોંધાઈ હતી.

તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીએ કાર્યક્રમ દરમ્યાન પોતાના પ્રવચનથી હિંદુ મંદિરો અને દેવતાઓ અંગે ગેરસમજ ઊભી કરવાનો તથા બીમારી મટાડવાના દાવા કરીને લોકોને ધર્મ બદલવા માટે આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, OCI કાર્ડધારકોને પ્રાર્થના સભા અને ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપવાની મંજૂરી હોય છે, પરંતુ જરૂરી પરવાનગી વિના પ્રવચન, કીર્તન અથવા સાંપ્રદાયિક ઉપદેશ આપવાની મંજૂરી નથી. આ જ સંદર્ભમાં પોલીસે UKના OCI કાર્ડધારક સામે કાર્યવાહી કરી છે. ખડક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં નવા ધર્મ સ્વાતંત્ર્ય કાયદાની જોગવાઈઓ સાથે ઈમિગ્રેશન એન્ડ ફોરેન એક્ટ, 2025ની કલમ 23(b)નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શું છે આ કાયદો

મહારાષ્ટ્ર ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, 2026ને મહારાષ્ટ્ર વિધાનસભા અને વિધાન પરિષદમાંથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી. રાજ્ય સરકારે તેને 31 જુલાઈ 2026ના રોજ નોટિફાય કર્યો હતો અને 1 ઑગસ્ટ 2026થી તેનો અમલ શરૂ થયો હતો. આ કાયદાનો મુખ્ય હેતુ બળજબરી, છેતરપિંડી, લાલચ, ખોટી રજૂઆત, ધમકી, બળ અથવા અયોગ્ય પ્રભાવ જેવા માધ્યમોથી થતા ગેરકાયદેસર ધર્માંતરણને રોકવાનો છે.

નવા કાયદાની કલમ 3 હેઠળ કોઈ વ્યક્તિને બળજબરી, છેતરપિંડી, લાલચ, ખોટી રજૂઆત, બળ, ધમકી અથવા અયોગ્ય પ્રભાવથી ધર્મ બદલવા માટે પ્રેરિત કરવું, ધર્માંતરણ કરવાનો પ્રયાસ કરવો અથવા તેમાં મદદ કરવી પ્રતિબંધિત છે. કાયદામાં સગીર, મહિલા, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો તેમજ અન્ય સંવેદનશીલ વર્ગોના ધર્માંતરણના કેસમાં વધુ કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. કાયદામાં લગ્ન અથવા લગ્નના વચન સાથે જોડાયેલાં ગેરકાયદેસર ધર્માંતરણને લઈને પણ જોગવાઈઓ કરવામાં આવી છે.

કાયદા હેઠળ ધર્મ પરિવર્તન કરવા ઈચ્છતી વ્યક્તિ માટે પણ કેટલીક પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. પોતાની મરજીથી ધર્મ બદલવા માંગતી વ્યક્તિએ અગાઉથી જિલ્લા મેજિસ્ટ્રેટને નોટિસ આપવાની જોગવાઈ છે. આ ઉપરાંત કાયદામાં ધર્માંતરણ સ્વૈચ્છિક હતું કે નહીં તે સાબિત કરવાની જવાબદારી ધર્માંતરણ કરાવનાર વ્યક્તિ પર મૂકવામાં આવી છે. સગીરો સાથે જોડાયેલા કિસ્સામાં 7 વર્ષ સુધીની જેલ અને ₹5 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

નોંધનીય છે કે મહારાષ્ટ્ર ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 1 ઑગસ્ટથી અમલમાં આવ્યા બાદ તેની હેઠળની પ્રથમ FIR 5 ઑગસ્ટ 2026ના રોજ પુણેમાં નોંધાઈ હતી. આ કેસમાં ઉત્તર પ્રદેશના 22 વર્ષીય યુવક સામે તેની સાથે સંબંધમાં રહેલી સગીર યુવતીને પોતાનો ધર્મ બદલવા માટે કહેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પોલીસે નવા કાયદાની કલમ 3 અને કલમ 9(2) હેઠળ કેસ નોંધ્યો હતો અને સગીર હોવાથી POCSO કાયદાની જોગવાઈઓ પણ લાગુ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની ધરપકડ થઈ ચૂકી છે અને તે હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.