દાહોદમાં આદિવાસી દિવસની રેલી દરમ્યાન AAP કાર્યકરોનો પોલીસ પર પથ્થરમારો: ‘આઈ સપોર્ટ ચૈતર વસાવા’નાં બેનરો સાથે રસ્તો બ્લૉક કર્યો, પોલીસે સમજાવતાં હોબાળો મચાવ્યો

9 ઑગસ્ટે ‘વિશ્વ આદિવાસી દિવસ’ પર દાહોદમાં આયોજિત એક રેલી દરમ્યાન આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ હોબાળો મચાવીને પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાની ઘટના બની છે.

દાહોદમાં આદિવાસી દિવસની રેલી દરમ્યાન AAP નેતાઓએ ‘આઈ સપોર્ટ ચૈતર વસાવા’નાં બેનરો અને ડીજે લઈને રસ્તો બ્લૉક કરી દીધો હતો. જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો અને તેમાં એક એમ્બ્યુલન્સ ફસાઈ હતી. પોલીસે AAP નેતાઓને રસ્તો ખાલી કરવાનું કહેતાં ઉશ્કેરાઈ ગયા હતા અને ટોળા પાસે પથ્થરમારો કરાવ્યો હતો. જેના કારણે પોલીસે બળપ્રયોગ કરીને સ્થિતિ પર કાબૂ મેળવવો પડ્યો હતો.

DySP જે. પી ભંડારીએ મીડિયાને જણાવ્યું કે આદિવાસી દિવસે દાહોદ શહેરમાં બે રૂટ પર રેલીની પરવાનગી મેળવવામાં આવી હતી. બપોરે 12 વાગ્યે બંને રૂટ પર રેલીઓ રવાના થઈ હતી અને શાંતિપૂર્ણ માહોલમાં ચાલતી હતી.

તેમણે આગળ કહ્યું કે એક રેલી અડધો રૂટ પસાર કરીને દાહોદ-ગોધરા રોડના મુવાલીયા ક્રોસિંગ વિસ્તારમાં પહોંચી ત્યારે ત્યાં આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ અને કાર્યકર્તાઓ ત્યાં આવી પહોંચ્યા અને ડીજે અને વાહનો દ્વારા રસ્તો બ્લૉક કરી દીધો હતો. જેના કારણે ટ્રાફિક જામ થઈ જતાં એક એમ્બ્યુલન્સ અને સરકારી બસ વગેરે વાહનો ફસાઈ ગયાં હતાં.

પોલીસ અનુસાર AAP નેતાઓને સમજાવવામાં આવ્યા કે રસ્તો ખુલ્લો કરીને એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોને જવા દેવામાં આવે પરંતુ તેઓ સમજ્યા ન હતા. પરિણામે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.

અધિકારીનું કહેવું છે કે પોલીસ અધિકારીઓએ વારંવાર શાંતિથી સમજાવવા છતાં AAP નેતાઓ માન્યા ન હતા અને તેમણે પછીથી લોકોને ઉશ્કેરવાના શરૂ કરી દીધા. ત્યારબાદ ધક્કામુક્કી કરીને હોબાળો મચાવી દીધો હતો. જેના કારણે પછીથી પોલીસે કાર્યવાહી કરવી પડી અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. પછીથી પોલીસે તરત સ્થિતિ પર કાબૂ મેળવીને રેલીને આગળ રવાના કરી હતી.

પોલીસ અધિકારીઓ અનુસાર સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ અને બોડી વૉર્ન કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવશે અને જે કોઈ પોલીસ પર પથ્થરમારો કરતું, જાહેર સંપત્તિને નુકસાન કરતું જોવા મળે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં કાંકરીચાળા દરમ્યાન કોઈને ઈજા થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું નથી, આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

અહીં ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વન વિભાગના કર્મચારીઓને માર મારવાના અને બળજબરીથી પૈસા ઉઘરાવવાના કેસમાં સાત વર્ષની જેલની સજા કાપી રહ્યા છે.