કચ્છના રણમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક એક એવી પુરાતત્વીય જગ્યા મળી આવી છે, જેણે સંશોધકોનું ધ્યાન ખેંચ્યું છે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી (KSKVK) અને યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડના સહયોગથી ચાલી રહેલી તપાસમાં અહીં 100થી વધુ માનવ હાડપિંજર ઉપરાંત માટલાં, દીવા, રમકડાં, તાંબાના સિક્કા અને અન્ય પ્રાચીન વસ્તુઓ મળી આવી છે. આ શોધ કચ્છના ભૂતકાળ અને રણ વિસ્તારમાં અગાઉ થયેલી માનવ વસાહતો અંગે નવી માહિતી આપી શકે છે.
આ સ્થળ સૌપ્રથમ 2023-24 દરમિયાન BSFની નિયમિત પેટ્રોલિંગ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું. સરહદના અત્યંત દૂરના અને રણપ્રદેશ જેવા વિસ્તારમાં BSFના જવાનોને જમીન પર મોટી સંખ્યામાં માનવ અવશેષો જોવા મળ્યા હતા. સ્થળની સ્થિતિને જોતા જવાનોએ અનૌપચારિક રીતે તેને ‘ઉજાડગાંવ’ નામ આપ્યું હતું, એટલે કે એવું ગામ જ્યાં હવે કોઈ વસવાટ નથી.
ત્યારબાદ સંશોધકો ત્યાં પહોંચ્યા
આ ઘટનાની જાણ થયા બાદ KSKVK યુનિવર્સિટીએ 2024માં BSF અને જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી સ્થળની તપાસ શરૂ કરી. સંશોધકોએ આસપાસના વિસ્તારમાં સરવે અને તપાસ કરતા માત્ર માનવ અવશેષો જ નહીં, પરંતુ પ્રાચીન માનવ વસાહત હોવાના સંકેતો આપતી અનેક વસ્તુઓ પણ શોધી કાઢી.
સ્થળ પરથી સંશોધકોને પુરુષો અને મહિલાઓના 100થી વધુ માનવ હાડપિંજરો મળી આવ્યા છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ અવશેષો ગમે તેમ વેરવિખેર પડ્યા નહોતા. કેટલાંક હાડપિંજરો અત્યંત ચોકસાઈ અને વિધિસર રીતે દફનાવવામાં આવ્યા હોવાના સ્પષ્ટ પુરાવા મળ્યા છે. આ ગોઠવણ દર્શાવે છે કે પ્રાચીન કાળમાં આ જગ્યા એક વ્યવસ્થિત દફનસ્થળ કે મોટા સ્મશાનભૂમિ તરીકે વપરાતી હશે.

શું અહીં આખું ગામ વસેલું હતું?
જેમ-જેમ ખોદકામ અને તપાસનો વ્યાપ વધતો ગયો, તેમ-તેમ આસપાસના વિસ્તારમાંથી ચારથી પાંચ અન્ય પુરાતત્વીય સ્થળો પણ મળી આવ્યા. માટીનાં વાસણો અને રમકડાંના ટુકડાઓથી સમૃદ્ધ આ સ્થળો એ વાત તરફ ઈશારો કરે છે કે આ માત્ર એક સ્મશાનભૂમિ નહોતી, પરંતુ તેની આસપાસ એક સમયે સમૃદ્ધ અને ધમધમતી માનવ વસાહત અસ્તિત્વ ધરાવતી હતી.
આ ઉજ્જડ ભૂમિમાંથી માત્ર હાડપિંજરો જ નથી મળ્યા, પરંતુ તે સમયના જીવનનો વૈવિધ્યસભર ચિતાર આપતી વસ્તુઓ પણ મળી આવી છે. ખોદકામ દરમિયાન ચોખાની ભૂકી, તેલના દીવા, માટીનાં ભાંડ-વાસણો, ટેરાકોટાનાં સુંદર રમકડાં અને તાંબાના સિક્કાઓ મળી આવ્યાં છે. આ નાની-નાની વસ્તુઓ તે જમાનાના લોકોની ખાનપાનની ટેવો, ઘરગથ્થુ જીવન, શિલ્પકળા અને વેપાર-વણજ પર પ્રકાશ પાડે છે.
આ શોધ કેટલી જૂની છે?
પ્રારંભિક તપાસના આધારે માનવ અવશેષો અને તેમની સાથે મળેલી કેટલીક વસ્તુઓની ઉંમર અંદાજે 1,100થી 1,500 વર્ષ જૂની હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, સંશોધકો આને આખરી તારણ ગણવાને બદલે શરુઆતની અટકળ જ માને છે. સાચી અને ચોક્કસ ઉંમર જાણવા માટે હવે કાર્બન ડેટિંગ અને આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
જો વૈજ્ઞાનિક તપાસમાં આ સમયગાળો સાચો સાબિત થશે તો તે કચ્છના મધ્યકાલીન ઇતિહાસના અનેક બંધ દરવાજા ખોલી નાખશે. આ શોધ એ સમજવામાં ખૂબ જ મદદરૂપ થશે કે સદીઓ પહેલાં ધગધગતા રણમાં લોકો કેવી રીતે રહેતા હતા, તેમનું જીવન કેવું હતું અને તેઓ કઈ રીતે દફનવિધિ કરતા હતા તે સમજવામાં આ પુરાવા મદદરૂપ બની શકે છે.
આ વિશિષ્ટ શોધનો સૌથી મોટો કોયડો કચ્છના ભૂગોળ સાથે જોડાયેલો છે. આજે જ્યાં આંખો અંજાઈ જાય તેવી સફેદ અને સૂકી રેતી પથરાયેલી છે, ત્યાં એક હજારથી દોઢ હજાર વર્ષ પહેલાં આટલી મોટી વસાહત કેવી રીતે પાંગરી? વિદ્વાનો હવે એ સમજવા મથી રહ્યા છે કે તે સમયે પાણીના સ્ત્રોત કેવા હશે, પર્યાવરણ કેવું હશે અને સમયાંતરે એવું તો શું બન્યું કે એક હર્યુંભર્યું ગામ રણમાં ફેરવાઈ ગયું.
તપાસમાં કઈ સંસ્થાઓ જોડાયેલી છે?
આ મહા-સંશોધનની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિશ્વસ્તરીય સંસ્થાઓ હાથ મિલાવી રહી છે. KSKVK યુનિવર્સિટી અને બ્રિટનની જાણીતી યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડની સાથે ISRO, BSF અને અન્ય અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓ પણ આ ગુપ્ત ઇતિહાસનો ભેદ ઉકેલવા માટે મેદાનમાં ઉતરી છે. ટેકનોલોજી અને પુરાતત્વીય વિજ્ઞાનનો સમન્વય કરીને રહસ્ય પરથી પડદો ઊંચકવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
હાલના તબક્કે આ શોધને અંતિમ નિષ્કર્ષ માનવાના બદલે એક આશાસ્પદ શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં સ્થળનું વિગતવાર ખોદકામ કરવામાં આવશે, હાડપિંજરોનું ડીએનએ અને એનાટોમિકલ વિશ્લેષણ થશે. આ તમામ વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ જ એ સ્પષ્ટ થશે કે અહીં રહેતા લોકો કોણ હતા, ક્યાંથી આવ્યા હતા અને તેમનો વિનાશ કેવી રીતે થયો.
કચ્છના સરહદી રણમાં મળી આવેલા આ 100થી વધુ હાડપિંજરો માત્ર પ્રાચીન અસ્થિઓ નથી, પરંતુ સમયના વહેણમાં ખોવાઈ ગયેલી એક આખી સભ્યતાની હાકલ છે. જો આગામી સંશોધનો સફળ રહેશે તો તે ભારતના ઇતિહાસનાં પાનાંઓમાં એક નવું સુવર્ણ પ્રકરણ ઉમેરશે. હાલ પૂરતો પ્રશ્ન એ છે કે રણ બનેલી આ ભોમકા પર સદીઓ પહેલાં રાજ કરનારા એ લોકો આખરે કોણ હતા?


