₹2000થી વધુના મર્ચન્ટ UPI ટ્રાન્ઝેક્શન પર MDR લાગુ કરવાના સરકારના નિર્ણય પર રોક લાગવાની સુપ્રીમની ના, પણ એફિડેવિટ દાખલ કરવા આદેશ

કેન્દ્ર સરકારે 2000થી વધુના પર્સન ટૂ મર્ચન્ટ UPI પેમેન્ટ પર લાગુ કરેલા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે નિર્ણય પર રોક લગાવવાની ના પાડી દીધી છે. પરંતુ કોર્ટે આ સાથે સરકારને નોટિસ પાઠવીને આ આખું માળખું શું છે એ સમજાવવા માટે જણાવ્યું છે.

સરકારના નોટિફિકેશન બાદ વિવાદ સર્જાયા પછી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ જાહેરહિતની અરજી ઉપર મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી.

સુનાવણી દરમ્યાન કેન્દ્ર સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ એન. વેંકટરામને કોર્ટને કહ્યું હતું કે પર્સન ટૂ પર્સન UPI ટ્રાન્સફર સંપૂર્ણ ફ્રી જ છે અને મર્ચન્ટ ટ્રાન્ઝેક્શનમાં પણ લગભગ 96% ટ્રાન્ઝેક્શન ફ્રી જ રહેશે. આ માળખાં હેઠળ માત્ર મર્ચન્ટને આપવામાં આવતા પૈસા પર ₹2000ની મર્યાદા પછી MDR લાગશે અને એ પણ ગ્રાહક પાસેથી વસૂલ કરવામાં નહીં આવે.

સરકારે જણાવ્યું કે પર્સન ટૂ મર્ચન્ટ પેમેન્ટમાં ₹2000 પછી 0.4% MDR લાગશે અને ₹75,000 પછીનાં ટ્રાન્ઝેક્શન પછી ₹300નો ફ્લેટ ચાર્જ લાગશે. ઉપરાંત અમુક સેક્ટરો માટે ફ્લેટ ₹5નો ડર રાખવામાં આવ્યો છે. જે વેપારીઓ મહિને ₹1 લાખ સુધીનું પેમેન્ટ મેળવતા હોય તેમને બાકાત રાખવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દલીલ એ કરવામાં આવી છે કે સરકાર ભલે આશ્વાસન આપતી હોય પરંતુ અંતે તો આ ભારણ ગ્રાહકો પર જ આવશે અને સામાન-સેવાઓના મૂલ્યમાં વધારો થશે. સાથે ₹2000 પર કોઈ ચાર્જ નહીં પણ ₹2001થી ચાર્જ લાગુ થાય તો માર્કેટમાં અવ્યવસ્થા સર્જાશે એવી પણ દલીલો કરવામાં આવી છે.

અરજીમાં કહેવામાં આવ્યું કે એક રાષ્ટ્રવ્યાપી પેમેન્ટ બર્ડન નાખી દેવામાં આવ્યું પરંતુ કોસ્ટ સ્ટડીઝ, મેથડોલોજી કે એન્ટી-પાસ-થ્રુ સેફગાર્ડ વગેરે વિશે પૂરતી જાણકારી નથી આપવામાં આવી.

સુપ્રીમ કોર્ટે આ દલીલો સાંભળી હતી પરંતુ તાત્કાલિક કોઈ નિર્ણય આપ્યો નથી. કોર્ટે કહ્યું કે તેઓ સરકાર પાસેથી આ વિશે વધુ જાણકારી માગશે. સરકાર હવે એક એફિડેવિટ દાખલ કરીને જાણકારી આપશે.

સરકારે ગત 15 સપ્ટેમ્બરના રોજ એક નોટિફિકેશન બહાર પાડીને MDR લાગુ કરવાની ઘોષણા કરી હતી, જે 15 ઑક્ટોબરથી લાગુ થશે. હાલ પૂરતી આ યોજનામાં કોઈ રોક નથી.