ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાજેતરમાં જ પોતાની અમેરિકા યાત્રા દરમિયાન વ્હાઇટ હાઉસથી એક મોટી જાહેરાત કરી કે તેઓ ‘ઝૂ એટલાન્ટા’ માટે ‘પિંગ પિંગ’ અને ‘ફુ શુઆંગ’ નામના બે નવા જાયન્ટ પાંડા મોકલશે. આખી દુનિયા આને ચીનની ‘પાંડા ડિપ્લોમસી’ તરીકે ઓળખે છે. ચીનીઓ પાંડાનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પોતાની છબી સુધારવા માટે કરે છે.
અહીં આપણને પ્રશ્ન થાય કે ચીન પાંડાને જ કેમ બીજા દેશમાં મોકલે છે? પાંડા સિવાય અન્ય કોઈ પ્રાણી કેમ નહીં? તેનો જવાબ છે કે પાંડા ચીનનું રાષ્ટ્રીય પ્રાણી છે અને દુનિયાભરમાં ક્યૂટનેસ માટે જાણીતું છે. તેથી ચીન આ ક્યૂટ જાયન્ટ પાંડાઓને અન્ય દેશોને ભેટ કે ભાડા (લીઝ) પર આપે છે. આ કોઈ માત્ર પશુ-પ્રેમ કે મનોરંજન નથી, પરંતુ ચીનની ‘સોફ્ટ પાવર’ વધારવાની અને વૈશ્વિક સ્તરે સંબંધો સુધારવાની એક માસ્ટર સ્ટ્રોક નીતિ છે.
વિશ્વના દેશોમાં ચીનની ઇમેજ એક સરખી નથી. અમેરિકા, ભારત, જાપાન, યુરોપ સહિત ઘણા દેશો સાથે ચીનના સબંધો પાકિસ્તાન અને રશિયા જેવા દેશોની સરખામણીમાં ઘણા નકારાત્મક છે. તેથી ચીન પોતાની નકારાત્મક ઇમેજને ફ્રેન્ડલી બનાવવા માટે આ ક્યૂટ પ્રાણીઓનો ઉપયોગ કરે છે. જે દેશ સાથે ચીનને રાજદ્વારી સંબંધો સુધારવા હોય કે મોટા આર્થિક સોદા કરવા હોય, ત્યાં પાંડા મોકલીને દોસ્તીનો હાથ લંબાવે છે.
પાંડા મોકલવાનો ઇતિહાસ
ઘણા લોકોને લાગે છે કે ચીનની ‘પાંડા ડિપ્લોમસી’ 20મી સદીમાં શરૂ થઈ હતી. જોકે, કેટલાક ઐતિહાસિક અભ્યાસો તેના મૂળને 7મી સદીના તાંગ વંશ (Tang Dynasty) સુધી લઈ જાય છે. માન્યતા મુજબ, એમ્પ્રેસ વૂ ઝેતિયાનના સમયમાં જાપાનમાં 2 પ્રાણીઓ મોકલવામાં આવ્યા હતા, જેને કેટલાક વિદ્વાનો જાયન્ટ પાંડા તરીકે ઓળખાવે છે, તો કેટલાક રીંછ માને છે.
આધુનિક યુગમાં 1949માં પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇનાની સ્થાપના પછી ચીને પાંડાને ફરી એકવાર પોતાની વિદેશનીતિના પ્રતીક તરીકે ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું. ચીનના તત્કાલીન નેતા માઓ ઝેદોંગે 1957માં સોવિયેત યુનિયનને ‘પિંગ પિંગ’ નામનો પાંડા ગિફ્ટ કર્યો હતો. ત્યારબાદ 1959માં ‘એન એન’ નામનો બીજો પાંડા પણ સોવિયેત યુનિયનને આપવામાં આવ્યો હતો.
ત્યારબાદ 1965થી 1980ની વચ્ચે ચીને તેના અન્ય કમ્યુનિસ્ટ સાથી દેશોને પણ પાંડા ગિફ્ટ આપ્યા. અહેવાલ અનુસાર આ સમયગાળા દરમિયાન ઉત્તર કોરિયાને કુલ પાંચ પાંડા આપવામાં આવ્યા. આ સમયગાળામાં પાંડાએ ચીન અને ઉત્તર કોરિયા વચ્ચેના રાજકીય સબંધોના પ્રતીક તરીકે કામ કર્યું.
અમેરિકાને પાંડાની ભેટ
પાંડા ડિપ્લોમસીનો સૌથી મોટો વળાંક 1972માં આવ્યો. 1972 પહેલાં ચીને માત્ર કમ્યુનિસ્ટ દેશોને જ પાંડા ગિફ્ટ આપ્યા હતા પરંતુ 1972માં અમેરિકી પ્રમુખ રિચર્ડ નિક્સને ચીનની ઐતિહાસિક મુલાકાત લીધી. આ દરમિયાન ચીને બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો પર બરફ ઓગાળવા માટે અમેરિકાને ‘લિંગ-લિંગ’ અને ‘હસિંગ-હસિંગ’ નામના બે પાંડા ગિફ્ટ કર્યા. આ ઘટનાથી આખી દુનિયામાં પાંડા પોપ્યુલર થઈ ગયા.
1984 સુધી ચીન પાંડાઓને મફતમાં ગિફ્ટ તરીકે આપતું હતું. પણ પછી ચીનને સમજાયું કે આ નીતિથી પાંડાઓની વસ્તી ઘટી રહી છે અને આ મોંઘું પણ પડી રહ્યું છે. એટલે તેમણે નીતિ બદલી. બદલાવ બાદ હવે ચીન કોઈ દેશને પાંડા મફતમાં નહીં પરંતુ 10 વર્ષના ભાડા પર આપવા લાગ્યું.
કોઈ વિદેશી ઝૂ જો ચીન પાસેથી પાંડા રાખવા માંગતું હોય તો તેણે ચીનને દર વર્ષે અંદાજે $1 મિલિયન (આશરે 8.3 કરોડ રૂપિયા) લીઝ ફી પેટે ચૂકવવા પડે છે. આ કરોડો રૂપિયાનો ઉપયોગ ચીન પોતાના દેશમાં પાંડા સંરક્ષણ અને બ્રીડિંગ સેન્ટર્સ માટે કરે છે.
આમાં એક નવાઈની વાત એ છે કે જો કોઈ વિદેશી ઝૂમાં રહેતા પાંડાને નવું બચ્ચું જન્મે તો પણ એ બચ્ચું તે દેશનું નથી કહેવાતું! નીતિ મુજબ, વિદેશની ધરતી પર જન્મેલું પાંડાનું બચ્ચું પણ ચીનની જ મિલકત ગણાય છે. તે બચ્ચું 2થી 4 વર્ષનું થાય એટલે તેને ચીનના બ્રીડિંગ પ્રોગ્રામ માટે પરત મોકલી દેવું પડે છે.

વ્યાપારી સોદા અને પાંડાનું કનેક્શન
ઓક્સફર્ડ યુનિવર્સિટીના 2013ના એક અભ્યાસ મુજબ, ચીને ઑસ્ટ્રેલિયા, કેનેડા અને ફ્રાન્સ જેવા દેશોને જ્યારે પાંડા લીઝ પર આપ્યા ત્યારે જ તે દેશો સાથે યુરેનિયમ સપ્લાય અને મુક્ત વ્યાપાર કરારો સાઇન થયા હતા. આ ઘટનાઓ બાદ એવું કહેવાવા લાગ્યું કે જ્યારે પણ ચીનના કોઈ દેશ સાથે મોટા વેપારી કરારો થવાના હોય ત્યારે ચીન તે દેશને પાંડા આપે છે.
જોકે ચીન આ પાંડાઓને પાછા પણ બોલાવી લે છે. જેમ દેશો વચ્ચે વિવાદ થાય ત્યારે રાજદૂતોને (Diplomats) પરત બોલાવી લેવાય છે, તેમ ચીન નારાજ થાય ત્યારે પોતાના પાંડા પરત બોલાવી લે છે! 2010માં બરાક ઓબામાએ દલાઈ લામા સાથે મુલાકાત કરી, ત્યારે ચીને વિરોધમાં અમેરિકાથી બે પાંડા તુરંત પરત બોલાવી લીધા હતા.
હમણાં જ જાપાન અને ચીન વચ્ચેના સંબંધોમાં ખટાશ આવતા, 2023થી 2025 વચ્ચે એક પછી એક પાંડા ચીન પરત બોલાવતું રહ્યું. અંતે 2025માં છેલ્લા 4 પાંડા પણ ચીને પરત બોલાવી લીધા. 1972થી લઈને 2025 સુધી લગભગ 53 વર્ષ સુધી બંને દેશો વચ્ચે આ પાંડા ડિપ્લોમસી ચાલુ રહી.
આ સિવાય 2023 અને 2024 દરમિયાન અમેરિકા અને ચીન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો ત્યારે ચીને પાંડાના કોઈપણ લીઝ એગ્રીમેન્ટ રિન્યૂ ન કર્યા. પરિણામે વોશિંગ્ટન, મેમ્ફિસ અને એટલાન્ટાના ઝૂમાંથી પાંડા ચીન ભેગા થઈ ગયા. એક સમયે આખું અમેરિકા પાંડા-વિહીન થઈ ગયું હતું.
હવે જ્યારે બંને દેશો સંબંધો સામાન્ય કરવા માંગે છે ત્યારે જિનપિંગે જાહેરાત કરી કે ‘પિંગ પિંગ’ અને ‘ફુ શુઆંગ’ બહુ જલ્દી અમેરિકાના ‘ઝૂ એટલાન્ટા’ પહોંચશે. આ બતાવે છે કે ગ્લોબલ પોલિટિક્સમાં સંબંધો સુધારવા માટે પાંડા ફરી મેદાનમાં આવ્યા છે.
ઝૂ માટે પાંડા એટલે કમાણીનું સાધન
ભલે પાંડાનું ભાડું અને સંભાળનો ખર્ચ કરોડો રૂપિયામાં હોય, પણ વિદેશી ઝૂ માટે તે કમાણીનું અક્ષય પાત્ર છે. પાંડા આવતા જ ઝૂની ટિકિટોનું વેચાણ, સોવેનિયરનું વેચાણ અને વિઝિટર્સની સંખ્યા અનેકગણી વધ જાય છે. જોકે એ પણ સત્ય છે કે પાંડા રાખવા સસ્તા નથી. તેમનો મુખ્ય ખોરાક વાંસ (Bamboo) છે. એક પાંડા દિવસમાં 12થી 38 કિલો તાજો વાંસ આરોગી જાય છે. આ ઉપરાંત તેમના માટે એર કન્ડિશન્ડ એનક્લોઝર બનાવવાનો ખર્ચ પણ અબજો રૂપિયામાં થાય છે.
આ નીતિનું સૌથી મોટું સકારાત્મક પાસું એ છે કે લીઝ ફીમાંથી મળતા કરોડો ડૉલરના કારણે ચીને પાંડાના સંરક્ષણ માટે ઘણું કામ કર્યું. 1980ના દાયકામાં જે પાંડા વિલુપ્ત થવાના આરે હતા, તે 2016માં ‘વલ્નરેબલ’ (ઓછા જોખમી) કેટેગરીમાં આવી ગયા. હાલમાં ચીનના જંગલોમાં 1,900 જેટલા પાંડા સુરક્ષિત જીવી રહ્યા છે.
આ બધી ચર્ચામાં એક બાબત એ પણ મહત્વપૂર્ણ છે કે ચીને દુનિયાના 20થી વધુ દેશોને પાંડા આપ્યા છે, પણ ભારતને હજુ સુધી એકપણ પાંડા આપ્યો નથી. જોકે તેનું કારણ પણ છે કે લગભગ ભારત સ્વતંત્ર થયું ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધો સારા રહ્યા નથી. સરહદી વિવાદો અને રાજકીય ખેંચતાણના કારણે ભારત-ચીન સંબંધોમાં એટલી ‘સોફ્ટનેસ’ ક્યારેય નથી આવી કે ચીન આપણને પોતાનો આ ‘ક્યૂટ રાજદૂત’ મોકલે.
પાંડા ચીનનો સોફ્ટ પાવર
ચીન પોતાની નકારાત્મક ઈમેજને બદલવા માટે પાંડાનો સોફ્ટ પાવર તરીકે ઉપયોગ કરે છે. મુત્સદ્દીગીરીની ભાષામાં આને ‘નેશન બ્રાન્ડિંગ’ કહેવાય છે, જ્યાં એક પ્રાણી આખા દેશની વૈશ્વિક છબીને સુધારે છે. આજના સમયમાં ચીન પાંડાને માત્ર રાજદ્વારી ભેટ તરીકે નહીં, પરંતુ ‘આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સંશોધન અને સંરક્ષણ સહયોગ’ના માળખા હેઠળ વિદેશ મોકલે છે.
આવા કરારોમાં પાંડાના બ્રીડિંગ ઉપરાંત હેબિટેટ રિસ્ટોરેશન, વાઇલ્ડલાઇફ ડિસીઝ, રિપ્રોડક્શન અને કન્ઝર્વેશન રિસર્ચ જેવા મુદ્દાઓ પર ચીન અને વિદેશી સંસ્થાઓ સાથે મળીને કામ કરે છે. એટલે આજની પાંડા ડિપ્લોમસીમાં કૂટનીતિની સાથે કન્ઝર્વેશન કોઓપરેશનને પણ સત્તાવાર રીતે મહત્વ આપવામાં આવે છે.
ટૂંકમાં કહીએ તો પાંડા ડિપ્લોમસી એ ચીનની એક એવી ચાલ છે જેમાં ગ્લોબલ પોલિટિક્સ, અબજો રૂપિયાનો વેપાર અને ક્યૂટનેસ- ત્રણેયનું જબરદસ્ત મિશ્રણ છે. હવે જોવાનું એ રહેશે કે એટલાન્ટા પહોંચી રહેલા આ નવા પાંડા અમેરિકા-ચીનના તણાવપૂર્ણ સંબંધોમાં કેટલી મીઠાશ લાવી શકે છે.


