આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધો અને તણાવને કારણે વૈશ્વિક સ્તરે ડીઝલની અછત સર્જાઈ છે. પશ્ચિમ એશિયાનો સંઘર્ષ અને રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયાની ઓઇલ રિફાઇનરીઓ પર થયેલા હુમલાથી વિશ્વના ઘણા દેશોની ડીઝલ નિકાસ ઘટી છે. નિકાસ ભલે ઘટી હોય પણ વિશ્વના કોઈ દેશમાં માંગ ઘટી નથી તેથી એક મોટી અછત ઊભી થઈ છે. આવી સ્થિતિમાં ભારત પોતાની ઓઇલ રિફાઇનિંગ ક્ષમતાનો મજબૂત ઉપયોગ કરી રહ્યું છે.
આ જ કારણસર ઑક્ટોબર 2026માં ભારતની ડીઝલ નિકાસ દરરોજ સરેરાશ 7.1 લાખ બેરલ સુધી પહોંચી ગઈ હતી, જે છેલ્લા 13 મહિનામાં સૌથી વધુ છે. આ સિવાય આ આંકડાઓમાં સપ્ટેમ્બર મહિનાની સરખામણીએ લગભગ 19.6 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે. ભારતે વિશ્વમાં ચાલી રહેલ તણાવ અને અન્ય દેશોની નિકાસ ઘટવાની તકનો લાભ લઈને આંતરરાષ્ટ્રીય ઊર્જા બજારમાં પોતાનું વ્યૂહાત્મક સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે.
રશિયાની નિકાસ ઘટી અને વૈશ્વિક બજારમાં ઊભી થઈ ડીઝલની અછત
નોંધનીય છે કે રશિયા હંમેશાથી દુનિયાના ડીઝલ વેચનારા સૌથી મોટા દેશોમાંનું એક હતું. યુરોપ સહિત વિશ્વના ઘણા બધા દેશો પોતાની જરૂરિયાતનું ડીઝલ રશિયા પાસેથી જ ખરીદતા હતા. પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ પછી આ આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
યુક્રેને રશિયાને આર્થિક રીતે નબળું પાડવા માટે તેની ઓઇલ રિફાઇનરીઓ અને પેટ્રોલિયમ ફેક્ટરીઓ પર ડ્રોનથી સતત હુમલા કર્યા હતા. સતત થયેલા હુમલાઓના કારણે રશિયાની રિફાઇનરીઓને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું અને ત્યાં ડીઝલનું રિફાઇનિંગ ઉત્પાદન 38 લાખ બેરલ પ્રતિ દિવસ થઈ ગયું. જે છેલ્લા 20 વર્ષનું સૌથી નીચલું સ્તર છે.
ઉત્પાદનમાં આવેલા અચાનક ઘટાડાના કારણે રશિયામાં પેટ્રોલ અને ડીઝલની અછત ઊભી થવા લાગી. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રશિયાએ જુલાઈ 2026માં બીજા દેશોમાં ડીઝલ નિકાસ કરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો, જેથી પોતાના નાગરિકોને પૂરતું ઈંધણ મળી શકે.
વિશ્વમાં સૌથી વધુ ડીઝલ વેચતો દેશ અચાનક પાછળ હટી જતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ડીઝલની મોટી અછત સર્જાઈ. આ સ્થિતિમાં જે દેશો અગાઉ રશિયા પાસેથી ડીઝલ ખરીદતા હતા, તેમણે નવા વિકલ્પો શોધવાના શરૂ કર્યા. પરિણામે, ભારત માટે આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનું ડીઝલ વેચવાની અને મજબૂત સ્થાન બનાવવાની મોટી તક ઊભી થઈ.
પશ્ચિમ એશિયાનો સંઘર્ષ અને વૈશ્વિક ડીઝલ સપ્લાય પર તેની અસર
રશિયા-યુક્રેન યુદ્ધ સિવાય પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવ પણ વિશ્વમાં ડીઝલના પુરવઠાને અસર કરનાર મહત્વના પરિબળો છે. આ વિસ્તારમાંથી યુરોપ અને એશિયાના ઘણા દેશોને તેલ અને ડીઝલ મોકલવામાં આવે છે, પરંતુ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ જેવા દરિયાઈ રસ્તાઓ બંધ થવાના કારણે સપ્લાય ચેન ખોરવાઈ ગઈ.
આ સ્થિતિના કારણે ખાસ કરીને યુરોપના દેશો માટે ડીઝલ મેળવવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. યુરોપ પોતાના વપરાશ માટે મોટેભાગે બીજા દેશો પર નિર્ભર બની ગયું છે. IEAના આંકડા અનુસાર 2026ના પ્રથમ આઠ મહિનામાં વૈશ્વિક દરિયાઈ માર્ગે થતી ડીઝલ અને ગેસઓઇલની નિકાસમાં ગયા વર્ષની સરખામણીએ 10 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
અમેરિકાએ પોતાની નિકાસ વધારી હોવા છતાં આ અછત પૂરી થઈ શકી નહોતી. બજારમાં ડીઝલની અછત સર્જાતા તેના આંતરરાષ્ટ્રીય ભાવ અને રિફાઇનિંગ માર્જિન ખૂબ વધી ગયા છે. રિફાઇનિંગ માર્જિન એટલે કે ક્રૂડ ઓઇલ ખરીદીને તેમાંથી ડીઝલ જેવા ઉત્પાદનો બનાવ્યા પછી મળતો નફો. રિફાઇનિંગમાં માર્જિન વધતાં ડીઝલ મોકલવું વધારે ફાયદાકારક બન્યું જેનો ભારતીય તેલ કંપનીઓએ મોટો લાભ ઉઠાવ્યો છે.
ભારતની રિફાઇનિંગ ક્ષમતાઓ
હવે આપણને પ્રશ્ન થાય કે ભારત પાસે એવી કઈ ક્ષમતાઓ છે જેના કારણે ભારત આ સ્થિતિનો લાભ લઈ રહ્યું છે? તેનો જવાબ છે ભારતની વિશાળ અને આધુનિક ‘ઓઇલ રિફાઇનિંગ’ ક્ષમતા. સામાન્ય રીતે ક્રૂડ ઓઇલ જમીનમાંથી નીકળે છે, જેને રિફાઇનરીમાં પ્રોસેસ કરીને પેટ્રોલ, ડીઝલ અને ગેસ જેવાં ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે.
જોકે ડીઝલનો મોટો સપ્લાયર બનવા માટે માત્ર કાચું તેલ હોવું પૂરતું નથી, તેના માટે મોટી રિફાઇનરીઓ, અત્યાધુનિક ટેક્નોલોજી અને મજબૂત માળખાની જરૂર પડે છે. ભારતે આ તમામ ક્ષેત્રોમાં અદ્ભુત પ્રગતિ કરી છે અને આજે તે દુનિયાનો ચોથો સૌથી મોટો ઓઇલ રિફાઇનર દેશ બની ગયો છે.
ભારતની ખાસિયત એ છે કે તેની રિફાઇનિંગ ક્ષમતા દેશની પોતાની જરૂરિયાત કરતા ઘણી વધારે છે. એટલે કે દેશના વપરાશ પછી જે વધારાનું ડીઝલ બચે છે, તેને ભારત દુનિયાના અન્ય દેશોમાં સરળતાથી વેચી શકે છે. આ ઉપરાંત, ભારતીય રિફાઇનરીઓ એટલી હાઈ-ટેક છે કે તેઓ અલગ-અલગ પ્રકારના કાચા તેલને પ્રોસેસ કરીને બજારની માંગ મુજબ શ્રેષ્ઠ ગુણવત્તાનું ડીઝલ તૈયાર કરી શકે છે.
આ જ કારણ છે કે ભારતીય રિફાઇનરીઓ આજે પોતાની 100 ટકાથી વધુ ક્ષમતા સાથે કામ કરી રહી છે. આ રિફાઇનરીઓમાંની એક રિલાયન્સની જામનગર રિફાઇનરીએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે અને પાછલા ઘણા સમયથી ચર્ચામાં છે.
જામનગર રિફાઇનરી
ભારતની રિફાઇનિંગ ક્ષમતાની વાત આવે ત્યારે ગુજરાતના જામનગરનું નામ સૌથી પહેલા આવે છે. અહીં આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિફાઇનરી દુનિયાની એક જ જગ્યાએ આવેલી સૌથી મોટી રિફાઇનિંગ સુવિધા છે, જેની વાર્ષિક ક્ષમતા 6.82 કરોડ ટન છે.
આ જામનગર કોમ્પ્લેક્સની ખાસિયત એ છે કે તેની 3.52 કરોડ ટન ક્ષમતા ખાસ કરીને વિદેશોમાં નિકાસ કરવા માટે જ બનાવવામાં આવી છે. એટલે કે આ રિફાઇનરી માત્ર ભારતના ઉપયોગ માટે નહીં, પણ આંતરરાષ્ટ્રીય બજારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ છે.
ઑક્ટોબર 2026ના આંકડા મુજબ, ભારતની કુલ ડીઝલ નિકાસમાંથી લગભગ 78 ટકા હિસ્સો એકલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો રહ્યો છે. કંપનીએ આ સમયગાળા દરમિયાન દરરોજ સરેરાશ 5.5 લાખ બેરલ ડીઝલ વિદેશ મોકલ્યું છે, જેના કારણે ગયા વર્ષની સરખામણીએ 32.5 ટકાનો મોટો વધારો થયો છે.
જ્યારે રશિયા અને પશ્ચિમ એશિયામાંથી તેલનો પુરવઠો ઘટી ગયો ત્યારે જામનગર જેવી વિશાળ રિફાઇનરીઓએ તાત્કાલિક ઉત્પાદન વધારીને દુનિયાની મોટી અછતને પૂરી કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. આ જ કારણે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પોતાની ભારત મુલાકાત દરમિયાન જામનગર રિફાઇનિંગ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી અને ભારતને ‘રિફાઇનિંગ સુપરપાવર’ ગણાવ્યું હતું.
માત્ર ખાનગી કંપનીઓ જ નહીં, પણ સરકારી રિફાઇનરીઓએ પણ આ તકનો પૂરો લાભ લીધો છે. ઑક્ટોબરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની ડીઝલ નિકાસ સપ્ટેમ્બરની સરખામણીએ 464 ટકા વધીને લગભગ 53,000 બેરલ પ્રતિ દિવસ થઈ હતી. મેંગલોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડની નિકાસ પણ લગભગ 1,000 બેરલ પ્રતિ દિવસથી વધીને 38,000 બેરલ પ્રતિ દિવસ થઈ હતી. જે દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચા ભાવનો લાભ લેવા માટે દેશની વિવિધ રિફાઇનરીઓ સક્રિય થઈ છે.
ભારતે વિશ્વમાં મજબૂત કર્યું પોતાનું સ્થાન
ભારતની સફળતા પાછળ માત્ર તેની રિફાઇનરીઓ જ નહીં, પરંતુ તેની ભૌગોલિક સ્થિતિ પણ એટલી જ જવાબદાર છે. ભારત હિંદ મહાસાગરના મધ્યવર્તી વિસ્તારમાં આવેલું છે. આ ઉપરાંત ભારતના પશ્ચિમ કિનારે જામનગર, કંડલા અને મુંદ્રા જેવાં મહત્વના બંદરો આવેલાં છે, જ્યાંથી અરબી સમુદ્ર થઈને યુરોપ અને આફ્રિકા સુધી તેલ પહોંચાડવું સરળ બને છે. એવી જ રીતે, પૂર્વ કિનારાના બંદરોથી એશિયાના અન્ય દેશોના બજારો સુધી ડીઝલ પહોંચાડી શકાય છે.
ખાસ કરીને યુરોપ સુધી ડીઝલ પહોંચાડવામાં ભારતે મોટું લક્ષ્યાંક પ્રાપ્ત કર્યું છે. ઑગસ્ટ મહિનામાં બાબ અલ-મંદેબથી યુરોપ તરફ જતા કુલ ડીઝલમાંથી લગભગ 60 ટકા હિસ્સો એકલા ભારતનો હતો. આ દર્શાવે છે કે ભારત હવે યુરોપ જેવા દૂરના દેશો માટે પણ એક મહત્વપૂર્ણ સપ્લાયર બની ગયું છે.
નોંધનીય છે કે ભારતની આ નિકાસ કોઈ ટૂંકાગાળા માટે કે અચાનક થયેલો વધારો નથી. ભારત લાંબા સમયથી અન્ય દેશોમાં પેટ્રોલિયમ ઉત્પાદનો વેચવામાં મોખરે છે. 2025-26 દરમિયાન ભારતે કુલ 6.15 કરોડ ટન પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ કરી હતી. આટલું જ નહીં, ભારત ભવિષ્યમાં પોતાની આ તાકાતને વધુ વધારવા જઈ રહ્યું છે.
સરકારની યોજના મુજબ, સરકારી રિફાઇનરીઓ આગામી વર્ષોમાં ડીઝલ ઉત્પાદનની ક્ષમતામાં વધુ 1.5 કરોડ ટનનો મોટો વધારો કરવા જઈ રહી છે. ઇન્ડિયન ઓઇલ (IOCL), HPCLની રાજસ્થાન રિફાઇનરી અને નુમાલીગઢ રિફાઇનરી પોતાના પ્લાન્ટ મોટા કરી રહી છે. આ તમામ વિસ્તરણ પૂર્ણ થયા પછી વૈશ્વિક ડીઝલ બજારમાં ભારતનો દબદબો અને સપ્લાય કરવાની ક્ષમતા પહેલા કરતા પણ વધુ મજબૂત બની જશે.
ભારતની વધતી જતી નિકાસ વચ્ચે એક મહત્વપૂર્ણ બાબત સમજવી જરૂરી છે. ભારત પોતાની જરૂરિયાતનું 88 ટકાથી વધુ કાચું તેલ વિદેશથી મંગાવે છે. એટલે કે ભારત રિફાઇનિંગ કરનાર મોટો દેશ છે, પણ ક્રૂડ ઓઇલ માટે તે દુનિયા પર નિર્ભર છે. આ સાથે જ આપણા દેશમાં પણ ટ્રક, ખેતી, ઉદ્યોગો અને વીજળી માટે ડીઝલની માંગ સતત વધતી રહે છે, જેથી સૌથી પહેલી પ્રાથમિકતા દેશના નાગરિકોની આવશ્યક્તાઓ હોય છે.
આ જ કારણ છે કે સરકારી રિફાઇનરીઓ મોટેભાગે દેશની અંદર ઈંધણ પૂરું પાડવા પર ધ્યાન આપે છે, જ્યારે રિલાયન્સ જેવી ખાનગી કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ કરે છે. જો દેશમાં ડીઝલની માંગ અચાનક વધી જાય કે કાચા તેલની આયાતમાં કોઈ મુશ્કેલી આવે તો ડીઝલની સપ્લાય ઓછી પણ થઈ શકે છે.
અંતે ભારતની નિકાસમાં થયેલો આ વધારો દર્શાવે છે કે રશિયા અને પશ્ચિમ એશિયાના યુદ્ધોને કારણે ઊભી થયેલી વૈશ્વિક અછત વચ્ચે ભારતની વિશાળ રિફાઇનિંગ ક્ષમતા કામ આવી છે. આજે ભારત માત્ર તેલ ખરીદનાર દેશ નથી રહ્યો, પણ દુનિયાને સંકટના સમયમાં ઈંધણ પૂરું પાડનાર એક મહત્વપૂર્ણ અને શક્તિશાળી સપ્લાયર તરીકે ઉભરી આવ્યો છે.


