હોમપેજદેશભારતની 267 મિલિયન ટન રિફાઇનિંગ ક્ષમતા, જામનગરની રિલાયન્સ રિફાઇનરી અને વૈશ્વિક ઊર્જા...

ભારતની 267 મિલિયન ટન રિફાઇનિંગ ક્ષમતા, જામનગરની રિલાયન્સ રિફાઇનરી અને વૈશ્વિક ઊર્જા સંકટમાં દેશની વધતી ભૂમિકા

ભારતની વાર્ષિક 26.71 કરોડ ટનની સ્થાપિત ક્ષમતા અને જામનગરમાં દરરોજ 14 લાખ બેરલ ક્રૂડ ઓઇલ પ્રોસેસ કરવાની શક્તિ આ વાતની સાબિતી છે. મધ્ય-પૂર્વના યુદ્ધ જેવી કટોકટી વખતે જામનગરનું વિશાળ કોમ્પ્લેક્સ અને વિવિધ પ્રકારના ક્રૂડને પ્રોસેસ કરવાની તેની ક્ષમતા દુનિયા માટે એક મજબૂત વૈકલ્પિક સપ્લાયર તરીકે ઊભરી આવે છે.

- Advertisement -

અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ ભારતને ‘રિફાઇનિંગ સુપરપાવર’ કહ્યું છે, જે વૈશ્વિક ઊર્જા બજારમાં દેશનું વધતું મહત્વ પણ દર્શાવે છે. હાલમાં મધ્ય-પૂર્વના યુદ્ધને કારણે તેલની સપ્લાય અને પેટ્રોલ-ડીઝલ જેવાં ઈંધણના ઉત્પાદન પર દબાણ વધી રહ્યું છે, ત્યારે ભારતની વિશાળ રિફાઇનિંગ ક્ષમતા દુનિયા માટે એક મજબૂત વિકલ્પ બની શકે છે. આ સમગ્ર ચર્ચાના કેન્દ્રમાં ખાસ કરીને ગુજરાતના જામનગરમાં આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વિશાળ રિફાઇનરી છે.

નોંધનીય છે કે ક્રૂડ ઓઇલ મેળવવું અને તેમાંથી વપરાશયોગ્ય ઈંધણ બનાવવું એ બંને અલગ બાબતો છે. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ ભલે વિદેશથી આયાત કરે છે. પરંતુ ભારત પાસે આ ઓઇલ પ્રોસેસ કરીને પેટ્રોલ, ડીઝલ અને અન્ય ઉત્પાદનો બનાવવાની ક્ષમતા ખૂબ જ વિશાળ છે. આથી ભારત માત્ર તેલ ખરીદનાર દેશ નથી, પરંતુ તેમાંથી ઉપયોગી ઉત્પાદનો બનાવીને અન્ય દેશોને પૂરા પાડતું ઔદ્યોગિક કેન્દ્ર છે.

મધ્ય-પૂર્વના યુદ્ધે દુનિયાને સમજાવ્યું રિફાઇનરીઓનું મહત્વ

નોંધનીય છે કે દુનિયામાં ક્રૂડ ઓઇલના પુરવઠા જેટલી જ મહત્વની બાબત છે તેને પેટ્રોલ, ડીઝલ અને અન્ય ઈંધણમાં ફેરવવાની ક્ષમતા. જમીનમાંથી નીકળતું ક્રૂડ ઓઇલ સીધું વાહનો કે ઉદ્યોગોમાં વાપરી શકાતું નથી. તેને રિફાઇનરીમાં પ્રોસેસ કર્યા પછી જ વિવિધ ઈંધણ અને કેમિકલ્સ માટેનો કાચો માલ મેળવી શકાય છે.

- Advertisement -

હાલમાં મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને ઊર્જા મથકો પરના હુમલાઓને કારણે આ સમગ્ર વ્યવસ્થા પર ગંભીર અસર પડી છે. અહેવાલો મુજબ, વિશ્વની મોટી મોટી 20 જેટલી રિફાઇનરીઓને નુકસાન પહોંચવાથી દરરોજ લાખો બેરલ જેટલી રિફાઇનિંગ ક્ષમતા ખોરવાઈ છે.

આ સમસ્યાની સીધી અસર સામાન્ય લોકોના રોજિંદા જીવન પર પડે છે. ડીઝલ મોંઘું થવાથી માલસામાનનું પરિવહન મોંઘું બને છે અને એવિયેશન ફ્યુઅલના ભાવ વધવાથી હવાઈ મુસાફરીનો ખર્ચ વધે છે, જેની અસર ખેતી અને ઉદ્યોગો પર પણ થાય છે. આવી કટોકટીના સમયે દુનિયાને ભારત જેવા દેશોની ખાસ જરૂર પડે છે, જે ક્રૂડ ઓઇલને ઝડપથી વાપરી શકાય તેવા ઈંધણમાં ફેરવીને વૈશ્વિક જરૂરિયાત પૂરી કરી શકે.

ભારતની 267.1 મિલિયન ટન ક્ષમતા

ભારતની રિફાઇનિંગ ક્ષમતાનો આંકડો સમજીએ તો તેની તાકાતનો ખ્યાલ આવે છે. ભારત સરકારના ‘પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ’ના (PPAC) 1 એપ્રિલ, 2026ના આંકડા અનુસાર ભારત પાસે દર વર્ષે આશરે 26.71 કરોડ ટન (267.116 મિલિયન મેટ્રિક ટન) ક્રૂડ ઓઇલ પ્રોસેસ કરવાની ક્ષમતા છે. જોકે, આ ક્ષમતા રિફાઇનરીઓની મહત્તમ ઉત્પાદન મર્યાદા દર્શાવે છે, જ્યારે વાસ્તવિક ઉત્પાદન તેલની ઉપલબ્ધતા, બજારની માગ અને મશીનરીની સ્થિતિ પર આધાર રાખે છે. દેશની આ વિશાળ રિફાઇનિંગ ક્ષમતા સરકારી અને ખાનગી ક્ષેત્રની વિવિધ રિફાઇનરીઓથી મળીને બનેલી છે.

આ વ્યવસ્થામાં ગુજરાતનું યોગદાન અત્યંત મહત્વનું છે. અહીં જામનગર ઉપરાંત કોયલી (વડોદરા) અને વાડીનારમાં (દેવભૂમિ દ્વારકા) મોટી રિફાઇનરીઓ આવેલી છે. જામનગરમાં રિલાયન્સની બે રિફાઇનરીઓની ક્ષમતા અનુક્રમે 33 અને 35.2 મિલિયન ટન છે, જ્યારે વાડીનારમાં ક્ષમતા 20 મિલિયન ટન છે.

જામનગરમાં એક જ સ્થળે રોજનું 14 લાખ બેરલ ક્રૂડ ઓઇલ પ્રોસેસ કરવાની ક્ષમતા

જામનગરમાં આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિફાઇનરી આ ચર્ચામાં સૌથી મહત્વપૂર્ણ ઉદાહરણ છે. આ રિફાઇનિંગ કોમ્પ્લેક્સની ક્રૂડ ઓઇલ પ્રોસેસ કરવાની ક્ષમતા પ્રતિદિન આશરે 14 લાખ બેરલ છે, જે તેને દુનિયાનું સૌથી મોટું એક જ સ્થળે આવેલું રિફાઇનિંગ કોમ્પ્લેક્સ બનાવે છે.

આ આંકડાને સરળ શબ્દોમાં સમજીએ તો એક બેરલમાં આશરે 159 લિટર પ્રવાહી હોય છે, એટલે કે દરરોજ 14 લાખ બેરલ એટલે એક દિવસમાં આશરે 22.3 કરોડ લિટર ક્રૂડ ઓઇલ પ્રોસેસ કરવાની ક્ષમતા. આ ક્રૂડમાંથી કેટલું પેટ્રોલ, ડીઝલ કે વિમાનનું ઈંધણ બનશે તે ક્રૂડના પ્રકાર અને રિફાઇનરીની પ્રક્રિયા પર નિર્ભર છે, કારણ કે બધુ જ ક્રૂડ ઓઇલ એક જ પ્રકારના ઈંધણમાં ફેરવાતું નથી.

જામનગરની રિફાઇનરીઓમાં ક્રૂડ ઓઇલની સાથે પેટ્રોકેમિકલ્સનું પણ મોટાપાયે ઉત્પાદન થાય છે. આ રસાયણો અને કાચા માલનો ઉપયોગ પ્લાસ્ટિક, પોલિમર અને કૃત્રિમ રેસા જેવાં અનેક ઔદ્યોગિક ઉત્પાદનો બનાવવા માટે થાય છે, જેથી જામનગર માત્ર ઈંધણ નહીં પરંતુ ઊર્જા અને રસાયણ ઉદ્યોગનું મોટું કેન્દ્ર બન્યું છે.

આટલા મોટા કોમ્પ્લેક્સને ચલાવવા માટે ક્રૂડ ઓઇલની સતત આવક, વિશાળ સંગ્રહ વ્યવસ્થા અને પરિવહન સુવિધાઓ ખૂબ જ જરૂરી છે. જામનગરમાં મોટા તેલવાહક જહાજો માટેની દરિયાઈ સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી, વિદેશમાંથી સરળતાથી ક્રૂડ લાવી શકાય છે અને તૈયાર થયેલા પેટ્રોલિયમ ઉત્પાદનોને પણ જહાજો દ્વારા આંતરરાષ્ટ્રીય બજારોમાં મોકલી શકાય છે.

ભારતની રિફાઇનરીઓની સૌથી મોટી તાકાત

નોંધનીય છે કે રિફાઇનરીઓની ક્ષમતા માત્ર પ્રતિદિન વધુમાં વધુ ક્રૂડ ઓઇલ રિફાઇન કરવા પૂરતી સીમિત નથી. રિફાઇનરીઓ કયા પ્રકારનું ક્રૂડ ઓઇલ પ્રોસેસ કરી શકે છે તે પણ ખૂબ મહત્વનું છે. દુનિયામાં મળતું બધું ક્રૂડ ઓઇલ એકસરખું નથી હોતું. કેટલાક પ્રકારનું ક્રૂડ હલકું અને ઓછું સલ્ફર ધરાવતું હોય છે તો કેટલુંક ભારે અને વધુ સલ્ફરવાળું હોય છે, જેને સાફ કરવાની પ્રક્રિયા અલગ-અલગ હોય છે.

ભારે ક્રૂડ ઓઇલમાંથી પેટ્રોલ, ડીઝલ જેવા ઉપયોગી ઈંધણ બનાવવા માટે વધુ જટિલ પ્રક્રિયાઓ અને અત્યાધુનિક મશીનરીની જરૂર પડે છે. આવી પ્રક્રિયાઓ કરી શકતી રિફાઇનરીને વધુ ‘કોમ્પ્લેકસ રિફાઇનરી’ ગણવામાં આવે છે. જામનગર રિફાઇનરીની મોટી વિશેષતા એ છે કે તેની પાસે આવી ટેક્નોલોજી છે અને રિલાયન્સ મુજબ તેમણે અત્યાર સુધીમાં દુનિયાના 216થી વધુ પ્રકારના ક્રૂડ ઓઇલ સફળતાપૂર્વક પ્રોસેસ કર્યા છે. આ રિફાઇનરીનો ‘રિફાઇનિંગ કોમ્પ્લેક્સિટી ઇન્ડેક્સ’ 21.1 છે.

આ પ્રકારની લવચીકતાનો સૌથી મોટો ફાયદો વૈશ્વિક ઊર્જા સંકટ કે યુદ્ધના સમયે થાય છે. જો કોઈ એક દેશમાંથી મળતું ક્રૂડ ઓઇલ મોંઘું થાય અથવા તેની સપ્લાય બંધ થઈ જાય તો આવી રિફાઇનરીઓ બીજા કોઈ પણ દેશમાંથી મળતા અલગ પ્રકારના ક્રૂડ ઓઇલનો ઉપયોગ કરીને ઉત્પાદન ચાલુ રાખી શકે છે.

ઉદાહરણ તરીકે, વેનેઝુએલા પાસે ભારે ક્રૂડ ઓઇલનો મોટો ભંડાર છે અને રિલાયન્સ આવા ભારે તેલને પ્રોસેસ કરવાની ખાસ ક્ષમતા ધરાવે છે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ પણ ભારતમાં વેનેઝુએલાના ક્રૂડને પ્રોસેસ કરવા અંગે ચર્ચા કરવાની વાત કરી હતી, જે દર્શાવે છે કે જામનગરની ટેક્નોલોજી આંતરરાષ્ટ્રીય ઊર્જા વેપારમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

ભારત વૈશ્વિક ઊર્જા બજારમાં શક્તિશાળી

નોંધનીય છે કે ભારત તેલ પર પ્રોસેસ કરીને તેને ગુણવત્તાવાળું ઈંધણ બનાવી, સમયસર બીજા દેશમાં પહોંચડવામાં મોખરે છે. IEAના અહેવાલ મુજબ, ભારત એશિયા અને એટલાન્ટિક ક્ષેત્રમાં ટ્રાન્સપોર્ટ ફ્યુઅલનો એક મહત્વપૂર્ણ નિકાસકાર દેશ છે. ભારત વિદેશથી ક્રૂડ ઓઇલ ખરીદીને તેને પ્રોસેસ કરે છે અને દેશની આંતરિક જરૂરિયાતો પૂરી કરવાની સાથે પેટ્રોલ, ડીઝલ અને વિમાનનું ઈંધણ વિદેશોમાં પણ વેચે છે. અગાઉ જોયું તેમ, ભારત માત્ર કાચો માલ ખરીદતો દેશ નથી, પરંતુ તેનું મૂલ્યવર્ધન કરીને તૈયાર ઉત્પાદનો પણ તૈયાર કરે છે.

આ સમગ્ર પ્રક્રિયામાં રિફાઇનરીઓની લવચીકતા અને ટેક્નોલોજી ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. વૈશ્વિક બજારમાં માંગ અને ભાવ અનુસાર પેટ્રોલ કે ડીઝલનું ઉત્પાદન વધારવા-ઘટાડવાની ક્ષમતા ભારતીય રિફાઇનરીઓ પાસે છે. ઉદાહરણ તરીકે, રિલાયન્સની જામનગર રિફાઇનરી પાસે બજારની જરૂરિયાત મુજબ ઉત્પાદનનું પ્રમાણ બદલવાની ખાસ સુવિધા છે.

જોકે, આ વિશાળ ક્ષમતાની એક મર્યાદા પણ છે. મોટી રિફાઇનિંગ ક્ષમતા હોવા છતાં ભારત ક્રૂડ ઓઇલની આયાત પર નિર્ભર છે. જો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડનો પુરવઠો ખોરવાય કે દરિયાઈ માર્ગો બંધ થાય તો ભારતીય રિફાઇનરીઓને પણ મુશ્કેલી પડી શકે છે. તેથી, ભારતની ખરી શક્તિ તેની પ્રોસેસિંગ ક્ષમતામાં છે, પરંતુ સાથે સાથે તેલના પુરવઠાના માર્ગો સુરક્ષિત રાખવા પણ એટલા જ જરૂરી છે.

મધ્ય-પૂર્વમાં પુરવઠો ખોરવાય તો?

જ્યારે મધ્ય-પૂર્વમાં યુદ્ધને કારણે રિફાઇનરીઓનું ઉત્પાદન ઘટ્યું ત્યારે વિશ્વએ વૈકલ્પિક સપ્લાયરો શોધવાની જરૂર પડી. આવી કટોકટી વખતે ભારતની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. જો ભારતીય રિફાઇનરીઓને પૂરતા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ મળે અને તેમની પાસે વધારાની પ્રોસેસિંગ ક્ષમતા ઉપલબ્ધ હોય તો તેઓ આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ ઉત્પાદનોનો પુરવઠો પૂરો પાડી શકે છે.

જોકે, વધારાના ઈંધણની નિકાસ કરવી કે નહીં તેનો નિર્ણય અનેક બાબતો પર આધાર રાખે છે. ભારતે સૌથી પહેલા પોતાની સ્થાનિક જરૂરિયાતો પૂરી કરવી પડે છે અને ત્યારબાદ જ વધારાનો જથ્થો નિકાસ કરી શકાય છે. આ ઉપરાંત ક્રૂડ ઓઇલની કિંમત, શિપિંગનો ખર્ચ, વીમાનો દર, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને અન્ય દેશોની માંગ જેવાં પરિબળો પણ આ પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે.

માર્કો રુબિયોના નિવેદન પાછળ જામનગરની ભૂમિકા

અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ ભારતને ‘રિફાઇનિંગ સુપરપાવર’ ગણાવ્યું, તે પાછળ ભારતની વિશાળ ઔદ્યોગિક ક્ષમતા અને વૈશ્વિક ઊર્જા બજારમાં તેની મોટી ભૂમિકા રહેલી છે. અમેરિકાએ રિલાયન્સને વેનેઝુએલાના વધુ ક્રૂડ ઓઇલને પ્રોસેસ કરવા પ્રોત્સાહિત કરવાની યોજના અંગે ચર્ચા કરી હતી. આ ચર્ચામાં જામનગર રિફાઇનરીની વિવિધ પ્રકારના ક્રૂડ ઓઇલને શુદ્ધ કરવાની ટેક્નોલોજી અને ક્ષમતા સૌથી મહત્વપૂર્ણ છે.

આ ઉપરાંત રૂબિયોનું નિવેદન ભારત અને અમેરિકા વચ્ચેના ઊર્જા સંબંધોને એક નવી ઔદ્યોગિક દિશા આપશે. અમેરિકા વૈશ્વિક બજારમાં તૈયાર ઈંધણનો પુરવઠો વધારવા માંગે છે, જ્યારે ભારતને પોતાની જરૂરિયાત માટે અલગ-અલગ દેશોમાંથી ક્રૂડ મેળવવાની નવી તકો મળશે. જોકે, આ ભાગીદારીનો સાચો લાભ વેપારી કરારો, ક્રૂડના ભાવ, દરિયાઈ પરિવહન, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને તેલની સહેલાઈથી ઉપલબ્ધતા જેવા પરિબળો પર આધાર રાખશે.

જામનગરનું આ ઉદાહરણ દર્શાવે છે કે ઊર્જા ક્ષેત્રમાં ખરી તાકાત માત્ર કુદરતી તેલના ભંડારો ધરાવવાથી નથી મળતી. તેના માટે આધુનિક ટેક્નોલોજી, મોટાપાયે ઉત્પાદન કરવાની ક્ષમતા, બંદર અને પરિવહનની સુવિધાઓ તેમજ વૈશ્વિક બજાર સુધી પહોંચ હોવી પણ એટલી જ જરૂરી છે. આ તમામ બાબતો ભેગી થાય ત્યારે જ કોઈ દેશ તૈયાર ઈંધણના આંતરરાષ્ટ્રીય વેપારમાં મહત્વનું સ્થાન મેળવી શકે છે.

ભારતની રિફાઇનિંગ ક્ષમતાની ચર્ચા દર્શાવે છે કે ક્રૂડ ઓઇલનો મોટો ઉત્પાદક ન હોવા છતાં કોઈ દેશ પોતાની પ્રક્રિયા અને ઔદ્યોગિક ક્ષમતાના બળે વૈશ્વિક ઊર્જા બજારમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ભારતની વાર્ષિક 26.71 કરોડ ટનની સ્થાપિત ક્ષમતા અને જામનગરમાં દરરોજ 14 લાખ બેરલ ક્રૂડ ઓઇલ પ્રોસેસ કરવાની શક્તિ આ વાતની સાબિતી છે. મધ્ય-પૂર્વના યુદ્ધ જેવી કટોકટી વખતે જામનગરનું વિશાળ કોમ્પ્લેક્સ અને વિવિધ પ્રકારના ક્રૂડને પ્રોસેસ કરવાની તેની ક્ષમતા દુનિયા માટે એક મજબૂત વૈકલ્પિક સપ્લાયર તરીકે ઊભરી આવે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં