દ્વારકાના ભાણવડમાં વાહનની માથાકૂટમાં હિંદુ યુવકની ઘાતકી હત્યા, ફરિયાદ પરત ખેંચવા પીડિત પરિવારને ધમકી અપાતાં વધુ એક FIR: ઈનાજ, હુસૈન અને અસલમની ધરપકડ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં 18 ઑક્ટોબર 2026ના રોજ એક હિંદુ યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે. વાહન કાઢવા તથા સાઇડમાં રાખવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં આ ઘટના બની હતી. ભાણવડ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીની કલાકોમાં જ ઇનાજ ઇસ્માઇલભાઈ ધુંધા સહિત તમામ આરોપીઓને દબોચી લીધા છે. બીજી તરફ હિંદુ પરિવારને ફરિયાદ પાછી ખેંચવા ધમકીઓ આપવામાં આવતાં પોલીસે વધુ એક FIR દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

શું છે સમગ્ર મામલો

પોલીસ રેકોર્ડ અને સત્તાવાર પ્રેસ નોટમાં જણાવ્યા અનુસાર, 18 ઑક્ટોબર 2026ના રોજ રાત્રે વિજયભાઈ રાજુભાઈ પરમાર પોતાનો છકડો લઈને ઘરથી નીકળ્યા હતા. દરમ્યાન રામેશ્વર પ્લોટ વિસ્તારમાં સબ-સ્ટેશન પાસે પહોંચતાં જ આરોપી ઇનાજ ઇસ્માઇલભાઈ ધુંધા પોતાની ફોરવ્હીલ કાર લઈને સામે આવ્યો હતો. રસ્તામાં વાહન સાઇડમાં રાખવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બોલાચાલી એટલી વધી ગઈ કે આરોપી ઇનાજ ઉશ્કેરાઈને પોતાની કારમાંથી નીચે ઉતરી આવ્યો અને વિજયભાઈને માર મારવા લાગ્યો હતો.

ઝઘડાનો અવાજ અને બૂમાબૂમ સાંભળીને વિજયભાઈના માતા-પિતા પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં, પરંતુ આરોપીઓએ તેમને પણ પકડી રાખ્યા હતા. આ દરમિયાન અન્ય સહ-આરોપીઓ– હુસૈન ઉર્ફે ભુટીયો જુમાભાઈ મામદભાઈ ઘુંધા અને અસલમ ઇશાકભાઈ હીંગોરા પણ ત્યાં આવી પહોંચ્યા હતા. આ મારામારી દરમ્યાન આરોપી ઇનાજે વિજયભાઈને છરીના ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને ભારે લોહી વહી ગયું હતું.

ત્યારબાદ એમ્બ્યુલન્સ બોલાવીને તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મામલાની ફરિયાદ મેળવીને પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ગણતરીની કલાકોમાં જ ત્રણેય મુખ્ય આરોપીઓ ઇનાજભાઈ ઇસ્માઇલભાઈ ધુંધા (25), હુસેન ઉર્ફે ભુટીયો જુમાભાઈ મામદભાઈ ધુંધા (33) અને અસલમભાઈ ઇશાકભાઈ હીંગોરાને (38) ઝડપી પાડ્યા હતા.

ફરિયાદ નોંધાવવા જતાં આપી ધમકી

ઘટના બાદ 18 ઑક્ટોબર 2026ના રોજ સવારે આશરે દસેક વાગ્યે મૃતકનાં માતા શોભના પરમાર ન્યાય મેળવવા અને પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા માટે જઈ રહ્યાં હતાં તે દરમિયાન રસ્તામાં મુખ્ય આરોપી ઇનાજનો કાકા મામદ હાસમભાઈ ઘુંધા તેમને મળ્યો હતો. તેણે શોભનાબેનને રોકીને ધમકી આપી હતી કે, તમે ફરિયાદ પાછી ખેંચી લ્યો નહીંતર તમારા એક દીકરા વિજયને તો પતાવી દીધો છે અને હવે તમારા બીજા દીકરા રાહુલને પણ પતાવી દઈશું.

આ ધમકી બાદ મૃતક યુવકનાં માતાએ ભાણવડ પોલીસ સ્ટેશનમાં બીજી એક ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.