SBIના 3,897 ગ્રાહકોનો પર્સનલ ડેટા ડાર્ક વેબ પર લીક, 3.75 લાખ રેકોર્ડ્સની તપાસમાં ઘટસ્ફોટ: અત્યાર સુધી શું સામે આવ્યું?

ભારતની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાના (SBI) હજારો ગ્રાહકોની વ્યક્તિગત માહિતી ડાર્ક વેબ પર સામે આવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. બેન્કના પ્રાથમિક વિશ્લેષણમાં ડાર્ક વેબ પર ઉપલબ્ધ આશરે 3.75 લાખ રેકોર્ડ્સમાંથી 3,897 ગ્રાહકોની વ્યક્તિગત ઓળખ સંબંધિત માહિતી મળી આવી છે.

આ માહિતીમાં ગ્રાહકોનાં નામ, મોબાઇલ નંબર, જન્મતારીખ, ઈમેઇલ અને રહેઠાણનાં સરનામાં સહિતની વિગતો સામેલ હોવાનું સામે આવ્યું છે. SBIએ આ મામલે તપાસ શરૂ કરી છે અને ડેટા લીકનું મૂળ તથા તેની વ્યાપકતા જાણવા સ્વતંત્ર સાયબર સુરક્ષા એજન્સીની મદદ લીધી છે.

16 ઑક્ટોબરે મળ્યું હતું એલર્ટ

SBIએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતી અનુસાર 16 ઑક્ટોબર, 2026ના રોજ બેન્કને સંભવિત ડેટા લીક અંગે એલર્ટ મળ્યું હતું. બેન્કના થ્રેટ ઇન્ટેલિજન્સ સેવા પ્રદાતા, ડિફેન્સ સાયબર એજન્સી અને ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) તરફથી આ મામલે માહિતી મળી હતી. ત્યારબાદ બેન્કે સાયબર ઇન્સિડન્ટ રિસ્પોન્સ અને કન્ટેનમેન્ટ પ્રોટોકોલ સક્રિય કર્યા હતા. હવે CERT-In દ્વારા અધિકૃત સ્વતંત્ર સાયબર સુરક્ષા એજન્સી લીક થયેલા ડેટાની અધિકૃતતા, સંભવિત સ્ત્રોત અને તેની અસરનું મૂલ્યાંકન કરી રહી છે.

કઈ-કઈ માહિતી લીક થઈ હોવાની આશંકા?

પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર લીક થયેલા રેકોર્ડ્સમાં ગ્રાહકોનાં નામ, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર, જન્મતારીખ, લિંગ, ઈમેઇલ સરનામું અને રહેઠાણનું સરનામું સામેલ છે. આ ઉપરાંત, બેન્કની શાખા સાથે સંકળાયેલા ઓળખસૂચકો, કસ્ટમર ઇન્ફોર્મેશન ફાઇલ (CIF) આઇડેન્ટિફાયર, લીડ આઈડી તથા લોન અને લીડ રેકોર્ડ્સ સાથે જોડાયેલો મેટાડેટા પણ ઉપલબ્ધ હોવાની માહિતી છે.

જોકે, આશરે 3.75 લાખ રેકોર્ડ્સમાંથી બાકીના રેકોર્ડ્સમાં કઈ માહિતી છે અને તે તમામ SBIના ગ્રાહકો સાથે સંબંધિત છે કે નહીં, તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ ડેટા લીકનો વાસ્તવિક વ્યાપ જાણી શકાશે.

SBIએ શું કહ્યું?

બેન્કે જણાવ્યું છે કે આ ઘટનાથી તેની મુખ્ય કામગીરી, નાણાકીય કામગીરી કે વ્યવસાયની સાતત્યતા પર કોઈ નોંધપાત્ર અસર પડી નથી. SBIએ ગ્રાહકોના ખાતામાં રહેલી રકમ સુરક્ષિત હોવાનું પણ જણાવ્યું છે. જોકે, બેન્કે હજુ સુધી ડેટા કઈ રીતે બહાર આવ્યો અને તેના માટે કોણ જવાબદાર છે તે અંગે અંતિમ નિષ્કર્ષ જાહેર કર્યો નથી.

હાલમાં તપાસનો મુખ્ય હેતુ લીક થયેલા ડેટાની સત્યતા ચકાસવાનો, તેના સંભવિત સ્ત્રોતને ઓળખવાનો અને ગ્રાહકો તથા બેન્ક માટે ઊભા થઈ શકે તેવા જોખમોનું મૂલ્યાંકન કરવાનો છે.