
અદાણી જૂથ વિરુદ્ધ પ્રોપગેન્ડા લેખો લખીને કાયદાકીય કેસો અને વિવાદોમાં સપડાયેલા ‘પત્રકાર’ રવિ નાયરને હવે ગુજરાતની કોર્ટે જેલભેગો કરી દીધો છે. વારંવાર સમન્સ પાઠવવા છતાં કોર્ટમાં સતત ગેરહાજર રહેવાના કારણે કોર્ટે 17 સપ્ટેમ્બરના રોજ નાયરની અરજી ફગાવીને તેને જેલ મોકલી આપવાનો આદેશ આપ્યો. જેની સામે નાયરે હાઇકોર્ટમાં અપીલ કરી છે. હાઇકોર્ટે આ મામલે રાજ્ય સરકાર અને અદાણી એન્ટરપ્રાઇઝને નોટિસ પાઠવીને સુનાવણી સોમવારે (21 સપ્ટેમ્બર) મુકરર કરી છે.
સમગ્ર વિવાદની શરૂઆત 3 સપ્ટેમ્બરે થઈ હતી. મામલો અદાણી જૂથ દ્વારા નાયર સામે દાખલ કરવામાં આવેલા એક માનહાનિ કેસનો છે. માણસા કોર્ટે નાયરને દોષી ઠેરવ્યા બાદ તેણે ઉપલી કોર્ટમાં અપીલ કરી છે, જેની ઉપર સુનાવણી ચાલી રહી છે. 3 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર કોર્ટમાં નાયરની અપીલની સુનાવણી હતી પરંતુ તે પોતે કોર્ટમાં હાજર ન રહ્યો અને પોતાના વકીલ મારફતે વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ માંગતી અરજી કરી હતી. જોકે સેશન્સ કોર્ટે આ બહાનાબાજીને ફગાવીને નાયર સામે બિનજામીન પાત્ર વૉરન્ટ (NBW) ઇસ્યુ કર્યું હતું.
બિન-જામીનપાત્ર વૉરન્ટ નીકળતાં જ રવિ નાયર 17 સપ્ટેમ્બરે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં હાજર થયો હતો. દરમ્યાન તેણે વૉરન્ટ રદ કરવા માટે અરજી કરી હતી. પરંતુ અદાલતે અગાઉના વર્તનને ધ્યાનમાં રાખીને આ અરજી પણ નામંજૂર કરી દીધી હતી અને નાયરને તુરંત કસ્ટડીમાં લેવાનો આદેશ આપ્યો હતો.
હવે હાઇકોર્ટના શરણે
સેશન્સ કોર્ટમાંથી ઝાટકો મળ્યા બાદ નાયરે તુરંત ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને સેશન્સ કોર્ટના આદેશને પડકાર્યો છે. 19 સપ્ટેમ્બરે જસ્ટિસ એમ. કે. ઠક્કરની બેન્ચે આ મામલે અદાણી એન્ટરપ્રાઇઝિસ અને ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે. હાઇકોર્ટે કેસની આગામી સુનાવણી 21 સપ્ટેમ્બરના રોજ રાખી છે.
હાઇકોર્ટમાં નાયરના વકીલોએ દલીલ કરી છે કે સેશન્સ કોર્ટે સીધું નોન-બેલેબલ વૉરન્ટ જારી કરીને ‘યોગ્ય કાયદાકીય પ્રક્રિયા’નું પાલન કર્યું નથી. બચાવ પક્ષનો દાવો છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સ મુજબ પહેલાં સમન્સ કે બેલેબલ વૉરન્ટ જારી થવું જોઈતું હતું, જેથી સીધા જેલમાં મોકલવાનો નિર્ણય ગેરકાયદેસર છે.
શું છે સમગ્ર મામલો
રવિ નાયરે પોતાના સોશિયલ મીડિયા અને ‘અદાણી વૉચ’ નામની એક વેબસાઈટ પર અમુક લેખો પોસ્ટ કર્યા હતા, જેની સામે અદાણી જૂથે 2021માં ફરિયાદ કરી હતી. આરોપ હતો કે નાયરે કોઈ પણ આધાર-પુરાવા વગર ઉદ્યોગસમૂહ સામે ભ્રામક, તથ્યહીન અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતી સામગ્રી પ્રકાશિત કરી હતી.
ફેબ્રુઆરી 2026માં ગાંધીનગરની માણસા તાલુકા મેજિસ્ટ્રેટ કોર્ટે રવિ નાયરને IPCની કલમ 500 હેઠળ દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે તેને 1 વર્ષની સાદી કેદ અને ₹5,000નો દંડ ફટકાર્યો હતો.
તાલુકા અદાલતની સજા સામે નાયરે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી, જ્યાં તેને શરતી જામીન મળ્યા હતા. આ જામીનની મુખ્ય શરત એ હતી કે તેણે કોર્ટની સુનાવણી વખતે હાજર રહેવું પડશે. પરંતુ આ શરતનો અનાદર કરીને 3 સપ્ટેમ્બરે તે કોર્ટમાં ગેરહાજર રહ્યો તેથી કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું.
રવિ નાયર અને અદાણી જૂથ વચ્ચેનો વિવાદ આ કેસથી પણ આગળ પહોંચ્યો છે. મે 2026માં અમદાવાદમાં નાયર સામે વધુ એક FIR દાખલ થઈ હતી. જેમાં તેની સામે LIC અને નાણાં મંત્રાલય સંબંધિત ફર્જી દસ્તાવેજોના આધારે અદાણી જૂથ વિરુદ્ધ માનહાનિ કરતી સામગ્રી પ્રકાશિત કરવાનો આરોપ છે. આ FIRને નાયરે હાઇકોર્ટમાં પડકારી હતી પરંતુ તાજેતરમાં હાઇકોર્ટે FIR રદ કરવાની ના પાડી દીધી અને તપાસ આગળ વધારવા માટે આદેશ આપ્યો હતો. .

