
સાઉદી અરબ રહીને કામ કરતા શ્રીલંકાના એક નાગરિકને સાઉદીની કોર્ટે મૃત્યુદંડ ફટકાર્યો છે. કારણ એક સોશિયલ મીડિયા પોસ્ટ છે, જેમાં તેણે ઇસ્લામ અને પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી કરીને અપમાન કર્યાનો આરોપ લાગ્યો હતો. શ્રીલંકામાં વ્યક્તિના પરિવાર, એક્ટિવિસ્ટો અને રાજકારણીઓ તરફથી રાજદ્વારી હસ્તક્ષેપ માટે દબાણ કરવામાં આવ્યા બાદ સરકારે સાઉદી સાથે સંપર્ક કરીને મુદ્દો ઉઠાવવા માટે તૈયારી શરૂ કરી છે.
મામલો એક ફેસબુક પોસ્ટથી શરૂ થયો હતો. જેમાં શ્રીલંકન નાગરિક સિવારાસા અનોજને ઇસ્લામ પર ટિપ્પણી કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. વિરોધ બાદ સાઉદીમાં તેની સામે કેસ શરૂ થયો અને કોર્ટે તેને પાંચ વર્ષની સજા અને ત્રીસ લાખ સાઉદી રિયાલનો દંડ ફટકાર્યો હતો. આ આદેશને પછીથી અનોજનના વકીલોએ ઉપલી કોર્ટમાં પડકાર્યો હતો.
સજાનો આદેશ ઉપરની કોર્ટમાં પડકારવામાં આવ્યો તો પરિણામ વિપરીત આવ્યું. ઉપલી કોર્ટે તાજેતરમાં સજાને મૃત્યુદંડમાં ફેરવી દીધી છે. જોકે સત્તાવાર રીતે સાઉદીએ હજુ સુધી આ બાબતની જાણ શ્રીલંકાને કરી નથી અને હજુ વિસ્તૃત આદેશની પણ રાહ જોવામાં આવી રહી છે પરંતુ મીડિયા અહેવાલો અનુસાર વકીલોએ સાઉદીના શ્રીલંકા દૂતાવાસને આ બાબતની જાણ કરી હતી. ત્યારબાદ શ્રીલંકામાં અનોજનના પરિવારને પણ જાણ કરવામાં આવી.
શ્રીલંકાના વિદેશ મંત્રાલયે આ બાબતે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તેઓ સતત મામલા પર નજર રાખી રહ્યા છે અને કોલંબોના સાઉદી દૂતાવાસના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. બીજી તરફ આ આદેશને સાઉદી સુપ્રીમ કોર્ટમાં પડકારવાની પણ વાત ચાલી રહી છે.
શ્રીલંકન સરકારે કહ્યું કે દૂતાવાસ વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે અને યોગ્ય સમયમર્યાદામાં અને પરિવાર સાથે ચર્ચા કરીને ઉપલી કોર્ટમાં આદેશને પડકારવા માટે પગલાં લેવામાં આવી રહ્યાં છે. બીજી તરફ રાજદ્વારી રીતે પણ જે કંઈ શક્ય બને એ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું અને કોન્સ્યુલર એક્સેસ માટે સાઉદી પ્રશાસન સાથે વાત કરવાનું પણ આશ્વાસન આપવામાં આવ્યું છે.
કઈ રીતે શરૂ થયો હતો કેસ
શ્રીલંકાના પૂર્વ વિસ્તારમાં આવેલા કલમુનાઈમાં હિંદુઓએ એક પદયાત્રા યોજી હતી. દરમ્યાન યાત્રીઓ સાથે ‘સુબ્રમણ્યમ’ નામનો એક શ્વાન પણ ચાલતો જતો હતો. એક ઠેકાણેથી યાત્રા પસાર થતી હતી ત્યારે અમુક મુસ્લિમ યુવાનોએ આ શ્વાનને માર્યો હતો. જેના કારણે સોશિયલ મીડિયા પર આક્રોશ ફેલાયો અને મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
દરમ્યાન સાઉદી રહેતા શ્રીલંકા નાગરિકે આવી જ સોશિયલ મીડિયા પરની એકાદ ચર્ચા દરમ્યાન અમુક કૉમેન્ટ અને પોસ્ટ કરી હતી. જેની ઉપર પછીથી મુસ્લિમ યુઝરોએ વાંધો ઉઠાવ્યો અને સાઉદી પ્રશાસનને ફરિયાદ પહોંચાડવામાં આવી. ટિપ્પણીઓ અને પોસ્ટમાં શ્રીલંકન નાગરિકે પયગંબર મોહમ્મદ અને ઇસ્લામનું અપમાન કર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો.
જોકે પછીથી તેણે પોસ્ટ-કૉમેન્ટ ડિલીટ કરી દીધી હતી અને જાહેરમાં માફી પણ માગી લીધી હતી. તેણે સ્પષ્ટતા કરી હતી કે સોશિયલ મીડિયા પર ઉગ્ર ચર્ચા દરમ્યાન તેણે અમુક ટિપ્પણીઓ કરી હતી અને એ અગાઉ બનેલી ઘટનાની પ્રતિક્રિયાસ્વરૂપ હતી. પરંતુ મૂળ પોસ્ટના સ્ક્રીનશૉટ ફરતા થઈ ગયા હોવાનું કહીને સાઉદીમાં કેસ ચલાવવામાં આવ્યો અને ત્યારબાદ તેની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી.
કેસ લગભગ પાંચેક વર્ષથી ચાલતો હોવાનું કહેવાય છે અને ત્યારથી અનોજન જેલમાં બંધ છે. અગાઉ તેને નીચલી કોર્ટે ત્રીસ લાખ સાઉદી રિયાલનો દંડ ફટકાર્યો ત્યારે પણ પરિવારે પૈસા ચૂકવવામાં અસમર્થતા દર્શાવીને શ્રીલંકન સરકાર અને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગની મદદ માંગી હતી. હવે તેની સજા પાંચ વર્ષથી વધારીને મૃત્યુદંડમાં ફેરવી દેવામાં આવી છે. પરિવાર ન્યાય માંગી રહ્યો છે અને શ્રીલંકન સરકારે પણ હવે પ્રયાસો શરૂ કર્યા છે.

