પરીક્ષામાં ચેટજીપીટીની મદદ લેતાં પકડાઈ ગયા બાદ IIT બૉમ્બેના વિદ્યાર્થીનો આપઘાત, કૅમ્પસમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન

IIT બૉમ્બેના એક 19 વર્ષીય વિદ્યાર્થીએ આપઘાત કર્યાનો બનાવ બન્યો છે. ઘટના શુક્રવારે (18 સપ્ટેમ્બર) બની. ત્યારબાદ કૅમ્પસમાં વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું હતું, જેના કારણે ચાલતી મધ્ય-સત્ર પરીક્ષા પણ મોકૂફ રાખવાની ફરજ પડી.

વિદ્યાર્થી ડિપાર્ટમેન્ટ ઑફ એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગનો દ્વિતીય વર્ષનો વિદ્યાર્થી હતો. યુનિવર્સિટી પ્રશાસનના જણાવ્યા અનુસાર પરીક્ષા દરમ્યાન તે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતો પકડાઈ ગયો હતો. મોબાઈલમાં એઆઈ ચેટબોટ ચેટજીપીટીની મદદથી જવાબો લખી રહ્યો હતો.

કોલેજ અનુસાર, વિદ્યાર્થી વિરુદ્ધ કોઈ શિક્ષાત્મક પગલાં હજુ સુધી લેવામાં આવ્યાં ન હતાં અને હેડ ઑફ ડિપાર્ટમેન્ટે તેને બોલાવીને કાઉન્સેલિંગ કર્યું હતું, સાથે એ પણ જણાવ્યું હતું કે આ એક બનાવના કારણે તેના અભ્યાસ પર કોઈ અસર પડવા દેવામાં નહીં આવે. પરંતુ ત્યારબાદ તે હોસ્ટેલ ગયો અને ત્યાં ગળેફાંસો ખાઈ લીધો આતો.

ઘટના બાદ વિદ્યાર્થીઓ કૅમ્પસમાં એકઠા થઈ ગયા અને પ્રશાસન પાસેથી જવાબદેહી અને પારદર્શિતાની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું. પછીથી પોલીસને પણ જાણ કરવામાં આવી અને વધારાનું બળ પણ કૅમ્પસમાં તહેનાત કરી દેવામાં આવ્યું હતું. પોલીસે વિદ્યાર્થીના મૃત્યુ મામલે તપાસ શરૂ કરી છે.

વિદ્યાર્થીઓના પ્રદર્શન મુદ્દે પોલીસ અધિકારીઓએ કહ્યું કે આ પ્રશાસનિક બાબત છે અને વિદ્યાર્થીઓ અને કોલેજ પ્રશાસન વચ્ચે વાતચીત ચાલી રહી છે અને પ્રશાસને જણાવ્યું છે કે તેઓ વિદ્યાર્થીઓને સાંભળીને તેમની સમસ્યાઓનું સમાધાન લાવવા માટે તૈયાર છે. અમુક વિદ્યાર્થીઓ હજુ પ્રદર્શન કરી રહ્યા છે જેમની સાથે પણ સતત વાતચીત ચાલી રહી છે.

પ્રદર્શનકારીઓનું કહેવું છે કે IIT બૉમ્બેમાં વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સાઓ અગાઉ પણ બની ચૂક્યા છે. જેના કારણે હવે તેઓ પ્રશાસન પાસેથી જવાબ માંગી રહ્યા છે. આ જ વર્ષે આવા ચાર કિસ્સાઓ બની ચૂક્યા હોવાનું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. ઉપરાંત તેમનું કહેવું છે કે આવા ગંભીર બનાવ બન્યા બાદ પણ પ્રશાસન જાણે કંઈ ન બન્યું હોય એ રીતે વર્તવાનું ચાલુ રાખે છે. આવી ફરિયાદો બાદ મધ્ય-સત્ર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી.

IIT બૉમ્બેએ એક સત્તાવાર નિવેદન આપીને કહ્યું કે, “વિદ્યાર્થીના મૃત્યુથી અમે વ્યથિત છીએ અને સંસ્થા મૃતકના મિત્રો, સહપાઠીઓ, ફેકલ્ટી અને સ્વજનોને સાંત્વના પાઠવે છે. મૃત્યુ પાછળનાં કારણોની યોગ્ય તપાસ કરવામાં આવી રહી છે.”

પોલીસે પણ પોતાની રીતે તપાસ શરૂ કરી છે અને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. જે રૂમમાં ઘટના બની ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે.