અમેરિકી મેથ્યૂ વૈનડાઇકને દિલ્હીની કોર્ટે આપ્યા જામીન, પણ દિલ્હી નહીં છોડી શકે

ઉત્તર પૂર્વ સરહદે મ્યાનમારમાં સશસ્ત્ર જૂથોને તાલીમ આપવાના આરોપસર ભારતમાંથી પકડાયેલા અમેરિકી નાગરિક મેથ્યૂ વૈનડાઇકને દિલ્હીની NIA સ્પેશિયલ કોર્ટે જામીન આપ્યા છે. જોકે શરત એ છે કે તેણે દિલ્હીમાં જ રહેવું પડશે.

તાજેતરમાં NIAએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ વૈનડાઇકે દિલ્હીની NIA કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી હતી. કોર્ટે બંને પક્ષને સાંભળ્યા બાદ શુક્રવારે (18 સપ્ટેમ્બર) આદેશ આપ્યો.

કોર્ટના આદેશ અનુસાર જામીન પર રહેવા દરમ્યાન વૈનડાઇકે દિલ્હીમાં જ રહેવું પડશે અને તપાસ કે પૂછપરછ માટે જ્યારે NIA દ્વારા બોલાવવામાં આવે ત્યારે હાજર રહેવું પડશે.

કોર્ટે કહ્યું કે બાકીના 6 યુક્રેની નાગરિકો જેમની વૈનડાઇક સાથે ધરપકડ કરવામાં આવી હતી તેઓ પણ જામીન માટે અરજી કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે આ તમામ વિરુદ્ધ NIAએ તાજેતરમાં જ ચાર્જશીટ દાખલ કરી હતી, પરંતુ તેમાં UAPAની કલમ હજુ લગાડવામાં આવી નથી. એજન્સીએ કહ્યું છે કે નિયત સમયગાળો પૂર્ણ થઈ ગયો હોવાથી એજન્સીએ પાસપોર્ટ અને ઇમિગ્રેશન એક્ટ હેઠળ આરોપો લગાવ્યા હતા, UAPA એન્ગલથી હજુ તપાસ ચાલી રહી છે અને જો કશું મળે તો અલગથી પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.

ચાર્જશીટમાં UAPA હેઠળ આરોપો ન લગાવાતાં વૈનડાઇકનો જામીન મેળવવાનો માર્ગ ખુલ્યો હતો. ત્યારબાદ તેણે એક અરજી દાખલ કરી. કોર્ટે આ અરજી મંજૂર રાખી છે.

વૈનડાઇકને કોર્ટે ડિફોલ્ટ જામીન આપ્યા છે. જે સામાન્યતઃ ચાર્જશીટ દાખલ થઈ ગયા બાદ આપવામાં આવે છે.

માર્ચ 2026માં વૈનડાઇક અને છ યુક્રેની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ઉપર આરોપ હતો કે તેઓ ભારતની ધરતીનો ઉપયોગ કરીને મ્યાનમારમાં ઘૂસ્યા હતા અને ત્યારબાદ ત્યાં વિદ્રોહી અને સશસ્ત્ર જૂથોને તાલીમ પૂરી પાડતા હતા. વૈનડાઇકને કોલકાતા એરપોર્ટથી પકડવામાં આવ્યો હતો, જ્યારે યુક્રેની નાગરિકો દિલ્હી અને લખનૌથી પકડાયા હતા.

તેમની ઉપર જરૂરી પરવાનગી વગર મિઝોરમમાં પ્રવેશ કરવાનો અને ત્યાંથી ગેરકાયદેસર મ્યાનમારમાં પ્રવેશ કરવાનો આરોપ છે. ચાર્જશીટમાં તમામ પર મ્યાનમારના એક વિમાન પર ડ્રોન હુમલામાં સામેલ હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે.

વૈનડાઇક અમેરિકી નાગરિક હોવાથી તેના પરિવારે પણ અમેરિકી પ્રશાસન પર હસ્તક્ષેપ માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ અમેરિકી રાજદૂતોએ કોન્સ્યુલર એક્સેસ વગેરે માટે ભારત સરકાર અને એજન્સીઓને વિનંતી કરી હતી. જોકે ભારત સરકારે જણાવ્યું હતું કે આ એક સામાન્ય પ્રક્રિયા હતી અને કોઈ પણ સરકાર તેનો કોઈ નાગરિક વિદેશી ધરતી પર પકડાય ત્યારે આ પ્રક્રિયા કરતી હોય છે.

કોણ છે વૈનડાઇક?

વૈનડાઇકની વાત કરવામાં આવે તો તે ઈન્ટરનેટની દુનિયામાં થોડો જાણીતો છે. મૂળ અમેરિકી નાગરિક એવો વૈનડાઇક પહેલાં આરબ અને આફ્રિકન દેશોમાં ફર્યો અને 2011ના લિબિયાના સિવિલ વૉર વખતે તે ત્યાં જ હતો અને આખું ગૃહ યુદ્ધ ફિલ્માવ્યું હતું અને જાણીતો બન્યો હતો. પછીથી તે ગદ્દાફીના શાસન સામે લડતાં જૂથો સાથે કામ કરવા માંડ્યો હતો અને પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી થઈ ત્યારે જેલભેગો પણ થયો હતો.

ત્યારબાદ તેણે સન્સ ઑફ લિબર્ટી ઇન્ટરનેશનલ નામનું એક સંગઠન સ્થાપ્યું, જે સિક્યુરિટી અને મિલિટરી ટ્રેનિંગ પૂરી પાડવાનો દાવો કરે છે. પછીથી આ સંગઠને ઇરાકમાં જઈને ત્યાં પણ લશ્કરી તાલીમ આપી હતી.

2022માં રશિયા અને યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારે વૈનડાઇક અને તેનું સંગઠન ત્યાં પહોંચ્યાં અને યુક્રેનીઓની મદદ કરી હતી.

મ્યાનમાર અને રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે શું લિન્ક છે અને યુક્રેનીઓ મ્યાનમારનાં જૂથોને કેમ તાલીમ આપી રહ્યાં હતાં એ વિશે વિગતવાર અહીંથી વાંચી શકાશે.