હોમપેજગુજરાત'મિલકતનું મૂળ મજહબી સ્વરૂપ તપાસી શકે વક્ફ બોર્ડ': પાટણની દરગાહને લઈને વ્હોરા-સુન્ની...

‘મિલકતનું મૂળ મજહબી સ્વરૂપ તપાસી શકે વક્ફ બોર્ડ’: પાટણની દરગાહને લઈને વ્હોરા-સુન્ની વચ્ચે થયેલા વિવાદમાં ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો, શું છે સમગ્ર મામલો?

કેસનો સૌથી મોટો કાયદાકીય અર્થ એ છે કે પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટની કલમ 3ને લઈને એક મહત્વપૂર્ણ ભેદ ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટ કર્યો છે. 1947ની સ્થિતિ જાળવવાનો કાયદાનો હેતુ એક બાબત છે, પરંતુ કોઈ મિલકત અથવા વક્ફની મૂળ ઓળખ શું હતી તેની તપાસ કરવી બીજી બાબત છે.

- Advertisement -

પાટણ જિલ્લાના અનાવાડા ગામમાં આવેલી એક દરગાહને લઈને ચાલતો દાયકાઓ જૂનો વિવાદ હવે ગુજરાત હાઇકોર્ટના 137 પાનાંના ચુકાદા સાથે એક મહત્વપૂર્ણ તબક્કે પહોંચ્યો છે. જસ્ટિસ જે.સી. દોશીની અદાલતે સુન્ની પક્ષના કુતુબુદ્દીન ફખરુદ્દીન ફરુકી અને અન્યની અપીલ ફગાવીને ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ તથા વક્ફ ટ્રિબ્યુનલના અગાઉના નિર્ણયો યથાવત રાખ્યા છે.

વિવાદિત સ્થળનું નામ ‘મૌલાના મેહબૂબ દરગાહ મસ્જિદ એન્ડ કબ્રસ્તાન’ છે કે ‘મૌલાના યાકૂબ સાહેબ દરગાહ એન્ડ દાઉદી વ્હોરા કબ્રસ્તાન’ છે તે પ્રશ્નની સાથે આખો મામલો મિલકતનું મૂળ સ્વરૂપ, જૂના મહેસૂલ રેકોર્ડ, પ્રાચીન શિલાલેખ, મુજાવર અને મુતવલ્લી વચ્ચેના કાયદાકીય તફાવત તથા પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ (Special Provisions) એક્ટ, 1991ની કલમ 3 સુધી પહોંચ્યો હતો.

14 સપ્ટેમ્બર 2026ના ચુકાદામાં હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે વક્ફ બોર્ડ કોઈ મિલકતનું મૂળ મજહબી સ્વરૂપ અને ઓળખ નક્કી કરવા તપાસ કરે, તે પોતે કોઈ હાલના એક ફિરકાના સ્થળને એક ફિરકામાંથી બીજા મજહબમાં રૂપાંતરિત કરવાની કાર્યવાહી નથી. આવી તપાસને પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટની કલમ 3 રોકતી નથી.

- Advertisement -

અનાવાડાની આ દરગાહનો વિવાદ છે શું?

આ વિવાદ પાટણ જિલ્લાના અનાવાડા ગામના સરવે નંબર 935ની આશરે એક એકર અને 21 ગુંઠા જમીન પર આવેલી જૂની દરગાહ અને કબ્રસ્તાનને લઈને છે. એક પક્ષ, એટલે કે ફરુકી પરિવારનો દાવો હતો કે આ સ્થળ ‘હઝરત મૌલાના મેહબૂબ દરગાહ, મસ્જિદ એન્ડ કબ્રસ્તાન’ છે. તેમના કહેવા પ્રમાણે અહીં મૌલાના મેહબૂબની કબર આવેલી છે, જેમનું અવસાન 1377 એડીમાં થયું હતું અને તેમના પરિવારના લોકો પેઢીઓથી આ સ્થળના મુજાવર એટલે કે દેખરેખ રાખનાર તરીકે સેવા આપતા આવ્યા છે.

બીજી તરફ દાઉદી વ્હોરા પક્ષનું કહેવું હતું કે આ સ્થળ મૌલાના યાકૂબ સાહેબની દરગાહ અને દાઉદી વ્હોરા કબ્રસ્તાન છે. વર્ષો દરમિયાન આ બંને દાવાઓ માત્ર સ્થળના નામ પૂરતા રહ્યા નહોતા. મેનેજમેન્ટ, વક્ફની નોંધણી અને મુતવલ્લી તરીકે કોનો અધિકાર છે તે મુદ્દે પણ વિવાદ ચાલતો રહ્યો.

આ વિવાદને સમજવા માટે એક બાબત શરૂઆતથી જ ધ્યાનમાં રાખવી જરૂરી છે. કેસ માત્ર ‘આ દરગાહ કોની છે?’ એટલો સીધો નહોતો. તેમાં બે અલગ પ્રશ્નો જોડાયેલા હતા. એક, ઐતિહાસિક રીતે આ સ્થળ કોના નામે અને કયા મજહબી સમુદાય સાથે જોડાયેલું હતું? અને બીજો, જે પરિવાર લાંબા સમયથી ત્યાં મુજાવર તરીકે સેવા આપતો હતો, તેને શું એ આધારે વક્ફ મિલકતના મુતવલ્લી તરીકે કાયમી અથવા વારસાગત અધિકાર મળી જાય? હાઇકોર્ટે બંને પ્રશ્નોની અલગ-અલગ તપાસ કરીને અંતે ફરુકી પરિવારના દાવાને કાયદાકીય આધાર વિનાનો ગણાવ્યો.

1953માં ટ્રસ્ટની નોંધણીથી શરૂ થયેલી એક લાંબી કાનૂની યાત્રા

ચુકાદામાં નોંધાયેલી વિગતો પ્રમાણે આ સ્થળ અંગેનો એક મહત્વપૂર્ણ તબક્કો 1952-53માં આવ્યો હતો. નાનીબી, જમાલુદ્દીન કુતુબુદ્દીનની વિધવાએ સ્થળને ‘મૌલાના મહબૂબ દરગાહ, મસ્જિદ એન્ડ કબ્રસ્તાન’ નામે પબ્લિક ટ્રસ્ટ તરીકે નોંધાવવા અરજી કરી હતી. પરંતુ નોંધણીની અરજીમાં જ તેમણે પોતાની ઓળખ ‘મુજાવર’ તરીકે દર્શાવી હતી. એટલું જ નહીં, ટ્રસ્ટની રચના, તેના મૂળ અથવા તેના સંચાલનની યોજના દર્શાવતો કોઈ વક્ફ ડીડ કે મૂળ દસ્તાવેજ ઉપલબ્ધ ન હોવાનું પણ રેકોર્ડમાંથી સામે આવ્યું. આ બાબત પાછળથી કેસમાં મહત્વની બની, કારણ કે ફરુકી પરિવારનો દાવો મુખ્યત્વે પેઢીદર પેઢી ચાલતી આવી રહેલી સેવા અને મેનેજમેન્ટ પર આધારિત હતો.

નાનીબીના અવસાન બાદ 1960માં તેમની પુત્રી બાદીબીએ મુજાવર તરીકે જવાબદારી સંભાળી અને ત્યારબાદ પરિવારના અન્ય સભ્યો પણ આ ભૂમિકામાં રહ્યા. વર્ષો પછી પરિવાર તરફથી મુજાવરથી આગળ વધીને મુતવલ્લી તરીકે પોતાનો અધિકાર સ્થાપિત કરવાનો પ્રયાસ થયો. અહીં જ હાઇકોર્ટે મુજાવર અને મુતવલ્લી વચ્ચેનો કાયદાકીય તફાવત સ્પષ્ટ કર્યો. કોર્ટના મતે મુજાવર મૂળભૂત રીતે દરગાહની દેખરેખ, દૈનિક વિધિ અને વ્યવસ્થા સંભાળતો કેરટેકર છે. લાંબા સમય સુધી આ સેવા પરિવાર દ્વારા કરવામાં આવી હોય એટલા માત્રથી વક્ફ મિલકત પર માલિકી કે વારસાગત મુતવલ્લીપદનો અધિકાર ઊભો થતો નથી.

2001માં દાઉદી વ્હોરા પક્ષ તરફથી વાંધો અને વિવાદનો નવો તબક્કો

વર્ષ 2001માં દાઉદી વ્હોરા સમુદાયના એક સભ્યે વક્ફ બોર્ડ અને પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. આ ફરિયાદથી સ્થળની ઓળખ અને તેના સંચાલન અંગેનો જૂનો વિવાદ ફરી સત્તાવાર સ્તરે આવ્યો. ત્યારબાદ વક્ફ બોર્ડમાં અલગ-અલગ દાવા, નોંધણી અને મેનેજમેન્ટને લઈને કાર્યવાહી ચાલતી રહી. 2003માં બોર્ડ તરફથી પરિવારનો ચેન્જ રિપોર્ટ અને સંબંધિત દસ્તાવેજો અંગે માહિતી માંગવામાં આવી હતી. આ પ્રક્રિયા દર્શાવે છે કે મુદ્દો એકાદ વર્ષનો નહોયો, સ્થળના વહીવટ અને તેની ઓળખ અંગેની ખેંચતાણ લાંબા સમયથી ચાલતી હતી.

આ જ સમયગાળામાં જમીનના અલગ સરવે નંબરો અને મિલકતની નોંધોને લઈને પણ સવાલો ઊભા થયા હતા. 2004ના એક સરકારી પત્રમાં સરવે નંબર 935 અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હોવાનું 2012ના હાઇકોર્ટના રેકોર્ડમાં નોંધાયું છે. જોકે તે સમયે ગુજરાત હાઇકોર્ટ સમક્ષનો મુખ્ય મુદ્દો દરગાહની ઐતિહાસિક ઓળખ નક્કી કરવાનો નહોતો, તે સમયે પડકાર વક્ફ બોર્ડ દ્વારા મેનેજમેન્ટ સામે કરવામાં આવેલી કાર્યવાહી અને સંચાલન કબજે લેવાની રીત અંગે હતો.

2011: વક્ફ બોર્ડે મેનેજમેન્ટ કબજે કર્યું, મામલો હાઇકોર્ટ પહોંચ્યો

2011માં વિવાદે વધુ ગંભીર કાનૂની વળાંક લીધો. વક્ફ બોર્ડે મેનેજમેન્ટમાં ગેરવ્યવસ્થા, હિસાબ-કિતાબ અને મિલકતના સંચાલન અંગેના મુદ્દાઓ ઉઠાવીને કાર્યવાહી કરી. બોર્ડે કલેક્ટર અને બાદમાં મામલતદારે વહીવટ સંભાળવાની દિશામાં પગલાં લીધાં અને સ્થળ પર તાળાં પણ લગાવવામાં આવ્યાં. ફરુકી પક્ષે આ કાર્યવાહી સામે ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો.

26 એપ્રિલ 2012ના એક આદેશમાં જસ્ટિસ એસ. આર. બ્રહ્મભટ્ટે પ્રથમ દ્રષ્ટિએ વક્ફ બોર્ડની તે સમયની કાર્યવાહી અંગે કાયદાકીય ખામીઓ દર્શાવી હતી. કોર્ટે નોંધ્યું કે બોર્ડે સેકશન 67 હેઠળ મેનેજમેન્ટ હટાવવા જરૂરી પ્રક્રિયા અનુસરી નહોતી અને કલેક્ટર અથવા મામલતદારને આ રીતે વક્ફના એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કરવાની સત્તા પણ બોર્ડ પાસે નહોતી. કોર્ટે તાત્કાલિક રાહત આપીને અગાઉની સ્થિતિ પુનઃસ્થાપિત કરવાની દિશામાં આદેશ કર્યો હતો.

પરંતુ 2012નો આ તબક્કો આજના 2026ના ચુકાદાનો અંતિમ નિર્ણય નહોતો. તે સમયે કોર્ટ મુખ્યત્વે વક્ફ બોર્ડે મેનેજમેન્ટ સામે જે પ્રક્રિયા અપનાવી હતી તેની કાયદેસરતા અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોની તપાસ કરી રહી હતી. આજનો વિવાદ જે મૂળ પ્રશ્ન પર આવ્યો, સ્થળનું મૂળ મજહબી સ્વરૂપ શું હતું અને તેને કયા સમુદાય સાથે જોડવું, તેનો અંતિમ નિર્ણય પછીની કાર્યવાહીમાંથી આવ્યો.

2015માં બોર્ડનો એક નિર્ણય અને પછી ફરી વિવાદ

2015માં વક્ફ બોર્ડે ફરુકી પરિવારના કેટલાક સભ્યોને મુતવલ્લી તરીકે દર્શાવતી કાર્યવાહી કરી હતી. પરંતુ પાછળથી આ નિર્ણય અને મેનેજમેન્ટની પ્રક્રિયા ફરી વિવાદમાં આવી. હાઇકોર્ટે 2026માં નોંધ્યું કે પરિવારના અંદરના ઠરાવથી મુજાવરનું સ્થાન મુતવલ્લીમાં બદલાઈ શકે નહીં. જો મુતવલ્લી તરીકેની નિમણૂક માટે વક્ફ ડીડમાં સ્પષ્ટ જોગવાઈ ન હોય અથવા કોઈ વ્યક્તિના અધિકાર અંગે વિવાદ હોય તો વક્ફ એક્ટમાં નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા અનુસરવી જરૂરી છે.

અહીંથી એક મહત્વપૂર્ણ કાનૂની બાબત સામે આવે છે. કોઈ સ્થળ પર લાંબા સમયથી સેવા આપવી અને તે મિલકતના કાયદેસર મેનેજર હોવું બે અલગ બાબતો છે. હાઇકોર્ટે કહ્યું કે મુજાવર બનવાથી વ્યક્તિને વક્ફ મિલકત પર માલિકી, વારસાગત હિત કે આપમેળે મુતવલ્લી બનવાનો અધિકાર મળતો નથી. ફરુકી પરિવારના સભ્યો પોતાને મુતવલ્લી ગણાવીને જે રીતે સંચાલન કરતા હતા તેને કોર્ટે કાયદેસર આધાર વગરનું ગણાવ્યું.

2011ની જૂની કાર્યવાહીથી અલગ, 2022માં મામલો ફરી આગળ વધ્યો

2022માં પણ અનાવાડાની આ જ દરગાહને લઈને વક્ફ ટ્રિબ્યુનલમાં વિવાદ ચાલી રહ્યો હતો. તે સમયે કેસમાં સુન્ની અને દાઉદી વ્હોરા પક્ષ વચ્ચેના દાવાઓને કારણે મજહબી ઓળખનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. ટ્રિબ્યુનલની સુનાવણી દરમિયાન વકીલો વચ્ચે થયેલા વિવાદને લઈને બાર કાઉન્સિલ સમક્ષ કાર્યવાહી કરવાની ભલામણ સુધી મામલો ગયો હતો. તે સમયે ફરુકી પક્ષ તરફથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે ટ્રસ્ટનું સંચાલન દાઉદી વ્હોરા સમુદાયના હાથમાં જતું રહ્યું છે અને તેને સુન્ની પક્ષને સોંપવું જોઈએ.

પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે 2022 પછી કેસનો એક તબક્કો ફરી હાઇકોર્ટમાં ગયો અને પક્ષકારોની સંમતિથી અગાઉની વક્ફ બોર્ડ તથા ટ્રિબ્યુનલ કાર્યવાહી રદ કરીને મામલો તાજી તપાસ માટે વક્ફ બોર્ડને પાછો મોકલવામાં આવ્યો. એટલે 2026ના ચુકાદાનો આધાર કોઈ જૂના નિર્ણયને આંખ બંધ કરીને યથાવત રાખવાનો નહોતો. વક્ફ બોર્ડને નવી રીતે પુરાવા તપાસવાની તક આપવામાં આવી અને ત્યારબાદ તેણે નવો નિર્ણય કર્યો.

2025: વક્ફ બોર્ડે ફરી તપાસ કરી અને નામ બદલ્યું

આ પુનઃતપાસ બાદ 24 એપ્રિલ 2025ના રોજ ગુજરાત વક્ફ બોર્ડે એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કર્યો. બોર્ડે સ્થળને ‘મૌલાના યાકૂબ સાહેબ દરગાહ એન્ડ દાઉદી વ્હોરા કબ્રસ્તાન’ તરીકે ઓળખ્યું અને અગાઉ ચાલતું ‘મૌલાના મેહબૂબ દરગાહ મસ્જિદ એન્ડ કબ્રસ્તાન’ નામ બદલવાની કાર્યવાહી કરી. 30 એપ્રિલ 2025ના રોજ બોર્ડના CEOએ તેના અનુસંધાનમાં આદેશ કર્યો. ફરુકી પરિવાર આ નિર્ણયથી અસંતુષ્ટ થયો અને મામલો વક્ફ ટ્રિબ્યુનલ સુધી પહોંચ્યો.

વક્ફ ટ્રિબ્યુમલે ફેબ્રુઆરી 2026માં બોર્ડનો નિર્ણય યથાવત રાખ્યો. ત્યારબાદ કુતુબુદ્દીન ફખરુદ્દીન ફરુકી અને અન્યોએ ગુજરાત હાઇકોર્ટમાં પ્રથમ અપીલ કરી. આ જ અપીલ પર જસ્ટિસ જે.સી. દોશીએ 14 સપ્ટેમ્બર 2026ના રોજ ચુકાદો આપ્યો. કોર્ટ સામે હવે મુખ્ય પ્રશ્ન હતો કે વક્ફ બોર્ડ અને ટ્રિબ્યુનલના તારણોમાં હસ્તક્ષેપ કરવાની જરૂર છે કે નહીં અને પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટના કારણે બોર્ડ આવી તપાસ કરી જ ન શકે એવી દલીલ કેટલી યોગ્ય છે.

આખા કેસનો સૌથી મોટો પુરાવો: જૂના સરકારી રેકોર્ડ

હાઇકોર્ટના ચુકાદામાં સૌથી વધુ ભાર ઐતિહાસિક દસ્તાવેજો પર મૂકવામાં આવ્યો. કોર્ટને 1916-17 પછીના મહેસૂલ રેકોર્ડમાં સ્થળ ‘મૌલાના યાકૂબ સાહેબ દરગાહ દાઉદી વ્હોરા કબ્રસ્તાન પીરની જગો’ તરીકે નોંધાયેલું મળ્યું. ત્યારબાદના કેટલાક રેકોર્ડમાં ‘મલણશા પીરની જગો’ નામ પણ જોવા મળ્યું. પરંતુ ‘મૌલાના મેહબૂબ દરગાહ’ નામ જૂના મહેસૂલ રેકોર્ડમાં જોવા મળતું નહોતું અને કોર્ટના જણાવ્યા પ્રમાણે આ નામ ટ્રસ્ટની નોંધણી બાદના રેકોર્ડમાં દેખાય છે.

ફરુકી પક્ષે આ મહેસૂલ રેકોર્ડમાં ફેરફાર અથવા ‘ઇન્ટરપોલેશન’ કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. પરંતુ કોર્ટને આ દાવાને સમર્થન આપતો પૂરતો આધાર મળ્યો નહીં. આ અંગે અગાઉની ફોજદારી તપાસ પણ થઈ હતી. માર્ચ 2022માં પાટણના જુડિશિયલ મેજિસ્ટ્રેટે કથિત રેકોર્ડ ચેડાં અંગેની કાર્યવાહી ફગાવી હતી અને મે 2025માં સેશન્સ કોર્ટે તેની સામેની રિવિઝન પણ ફગાવી હતી. આ પછી તે આદેશને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો નહોતો.

અર્થાત્, હાઇકોર્ટ સમક્ષ એક તરફ પેઢીઓ જૂનો મૌખિક અને પરિવાર આધારિત દાવો હતો અને બીજી તરફ દાયકાઓ જૂના સરકારી રેકોર્ડ હતા. કોર્ટએ પુરાવાની કસોટી પર બંનેને જોયા અને ઐતિહાસિક મહેસૂલ નોંધોને મહત્વ આપ્યું.

પ્રાચીન શિલાલેખે પણ યાકૂબ તરફ ઈશારો કર્યો

મહેસૂલ રેકોર્ડ ઉપરાંત દરગાહ પરનો એક પ્રાચીન શિલાલેખ પણ કેસમાં મહત્વપૂર્ણ પુરાવો બન્યો. તેનો ગુજરાતી અનુવાદ વક્ફ બોર્ડના રેકોર્ડમાં સામેલ હતો અને તેમાં ‘મૌલાના યાકૂબ’નો ઉલ્લેખ હતો. કોર્ટે નોંધ્યું કે શિલાલેખનું અસ્તિત્વ કોઈ પક્ષે ખંડિત કર્યું નહોતું. ફરુકી પક્ષના વકીલ પણ શિલાલેખમાં યાકૂબના ઉલ્લેખનું સંતોષકારક સ્પષ્ટીકરણ આપી શક્યા નહોતા.

ચુકાદામાં એક રસપ્રદ બાબત પણ નોંધાઈ છે. કોર્ટના જણાવ્યા પ્રમાણે શિલાલેખ અને સંબંધિત પુરાવામાં યાકૂબને સમુદાય દ્વારા ‘મેહબૂબ’ અને ‘માશૂક’ જેવા સન્માનસૂચક શબ્દોથી ઓળખવામાં આવતા હોવાનું જણાયું. એટલે ફરુકી પક્ષ જે ‘મેહબૂબ’ અને દાઉદી વ્હોરા પક્ષ જે ‘યાકૂબ’ની વાત કરી રહ્યા હતા, તેમાં નામને લઈને ઊભી થતી ગૂંચવણ પણ કોર્ટના ધ્યાનમાં આવી. પરંતુ શિલાલેખનું સીધું જોડાણ યાકૂબ સાથે હોવાનું કોર્ટને વધુ વિશ્વસનીય લાગ્યું.

પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટનો મુદ્દો અહીં કેમ આવ્યો?

આ કેસનો સૌથી ચર્ચિત કાનૂની મુદ્દો અહીંથી શરૂ થાય છે. ફરુકી પક્ષે દલીલ કરી હતી કે આ સ્થળ મૂળ સુન્ની-હનફી-બરેલવી મજહબી સ્થળ હતું અને 15 ઑગસ્ટ 1947ના રોજ તેની જે ઓળખ હતી તેને પ્લેસિસ ઑફ વર્શિપ (Special Provisions) એક્ટ, 1991 હેઠળ સુરક્ષા મળે છે. આ કાયદાની કલમ 3 કોઈ મજહબી સ્થળને એક મજહબના સ્થળમાંથી બીજા મજહબના સ્થળમાં રૂપાંતરિત કરવા પર પ્રતિબંધ મૂકે છે. ફરુકી પક્ષની દલીલ હતી કે જો વક્ફ બોર્ડ આજે કોઈ સ્થળની મજહબી ઓળખ બદલી શકે તો તે કાયદાની જોગવાઈને બાજુ પર મૂકવા જેવું થશે.

ગુજરાત હાઇકોર્ટે આ દલીલ સ્વીકારી નહીં. કારણ સરળ પણ કાયદાકીય રીતે મહત્વપૂર્ણ હતું. કોર્ટના મતે આ કેસમાં વક્ફ બોર્ડ કોઈ હાલની મસ્જિદ કે દરગાહને બીજા મજહબના સ્થળમાં રૂપાંતરિત કરી રહ્યું નહોતું. બોર્ડ તપાસ કરી રહ્યું હતું કે વિવાદિત મિલકતનું મૂળ સ્વરૂપ અને ઓળખ શું હતી. એટલે ‘મૂળે શું હતું?’ તે શોધવા માટે કરવામાં આવેલી તપાસ અને ‘હાલના સ્થળને બદલી નાખવું’, આ બંનેને એક જ બાબત ગણાવી શકાય નહીં.

હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વક્ફ બોર્ડે વક્ફ મિલકતની ‘મજહબી ઓળખ અને સ્વરૂપ’ નક્કી કરવા તપાસ કરી હતી અને આવી તપાસ પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટની જોગવાઈઓથી પ્રતિબંધિત નથી. કોર્ટએ એ પણ નોંધ્યું કે 15 ઑગસ્ટ 1947ના દિવસે આ સ્થળ સુન્ની-હનફી-બરેલવી મજહબી સ્થળ હતું તે સાબિત કરવા ફરુકી પક્ષ કોઈ વિશ્વસનીય દસ્તાવેજ રજૂ કરી શક્યો નહોતો.

કોર્ટએ કહ્યું- આ શિયા-સુન્ની વિવાદ નથી

કેસને બહારથી જોવામાં આવે તો તે સુન્ની અને દાઉદી વ્હોરા એટલે કે શિયા સમુદાય વચ્ચેનો વિવાદ લાગતો હતો. પરંતુ હાઇકોર્ટે કહ્યું કે કાયદાકીય રીતે આને વ્યાપક ‘શિયા-સુન્ની વિવાદ’ તરીકે જોવું યોગ્ય નથી. મૂળ પ્રશ્ન ફરુકી પરિવારના દાવા અને દાઉદી વ્હોરા સમુદાય સાથે સ્થળના ઐતિહાસિક જોડાણ વચ્ચેનો હતો. ફરુકી પરિવાર સ્થળને સુન્ની-હનફી-બરેલવી તરીકે દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે દાવાને સમર્થન આપતો ઐતિહાસિક પુરાવો કોર્ટને મળ્યો નહીં.

આ મુદ્દો એટલા માટે મહત્વપૂર્ણ છે કે પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટની દલીલ માત્ર ‘અમે 1947માં અહીં હતા’ જેવા દાવાથી આગળ જઈને ચોક્કસ ઐતિહાસિક પુરાવા માગતી હતી. કોર્ટને તે કડી મળી નહીં. બીજી તરફ 1916-17 પછીના સરકારી રેકોર્ડ અને પ્રાચીન શિલાલેખ બંને યાકૂબ તથા દાઉદી વ્હોરા જોડાણ તરફ ઈશારો કરતા હતા.

મુજાવર અને મુતવલ્લી વચ્ચેનો તફાવત પણ ચુકાદાનો મોટો ભાગ

આ કેસમાંથી બહાર આવતો બીજો મહત્વનો કાનૂની મુદ્દો મુજાવર અને મુતવલ્લીનો છે. મુજાવર એટલે દરગાહ અથવા સ્થળની દૈનિક દેખરેખ, સેવા અને વિધિઓ સાથે જોડાયેલો કેરટેકર. મુતવલ્લી વક્ફ મિલકતનો કાયદેસર મેનેજર હોય છે. બંને ભૂમિકાઓને એકબીજાની સમાન ગણાવી શકાય નહીં. હાઇકોર્ટે કહ્યું કે માત્ર લાંબા સમય સુધી મુજાવર તરીકે સેવા આપવાથી વ્યક્તિને વક્ફ મિલકતના મેનેજમેન્ટમાં વારસાગત અધિકાર મળી જતો નથી.

કોર્ટના જણાવ્યા પ્રમાણે નાનીબી અને બાદીબી પોતે લાંબા સમય સુધી મુજાવર તરીકે ઓળખાતાં હતાં. ત્યારબાદ ફરુકી પરિવારના સભ્યોએ પોતાને મુતવલ્લી તરીકે રજૂ કરવાનું શરૂ કર્યું. પરંતુ વક્ફ ડીડ અથવા કોઈ અધિકૃત દસ્તાવેજમાં વારસાગત રીતે મુતવલ્લી બનવાની પદ્ધતિ નક્કી થયેલી નહોતી. આવી સ્થિતિમાં વક્ફ એક્ટની કલમ 63 હેઠળ કાયદેસરની નિમણૂકની પ્રક્રિયા અનુસરવી જરૂરી હતી. પરિવારના પોતાની અંદરના ઠરાવથી આ અધિકાર ઊભો કરી શકાય નહીં.

કોર્ટે તો ત્યાં સુધી નોંધ્યું કે ફરુકી પરિવારની સમગ્ર કાર્યવાહી અંતે પોતાના પરિવારના હિતમાં જતી રહી અને તેમણે જાણે આ વક્ફ મિલકતને પોતાની વ્યક્તિગત અથવા પારિવારિક મિલકતની જેમ વર્તવાનો પ્રયાસ કર્યો. ચુકાદામાં આ સંદર્ભે ‘પાક દરગાહ સાથે છેતરપિંડી’ જેવા શબ્દોનો ઉપયોગ થયો છે.

2026માં આખરે હાઇકોર્ટે શું નક્કી કર્યું?

14 સપ્ટેમ્બર 2026ના 137 પાનાંના ચુકાદામાં જસ્ટિસ જે.સી. દોશીએ ફરુકી પરિવારની પ્રથમ અપીલ ફગાવી દીધી. હાઇકોર્ટે ફેબ્રુઆરી 2026માં વક્ફ ટ્રિબ્યુમલે આપેલા નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ આધાર જોયો નહીં. ટ્રિબ્યુમલે 24 એપ્રિલ 2025ના ગુજરાત વક્ફ બોર્ડના ઠરાવને યથાવત રાખ્યો હતો. આ ઠરાવમાં સ્થળને ‘મૌલાના યાકૂબ સાહેબ દરગાહ એન્ડ દાઉદી વ્હોરા કબ્રસ્તાન’ તરીકે ઓળખવામાં આવ્યું હતું.

કોર્ટનો નિર્ણય એક જ વાક્યમાં સમજવો હોય તો વાત એવી છે કે ઐતિહાસિક દસ્તાવેજો અને પુરાવાના આધારે વક્ફ બોર્ડે સ્થળનું મૂળ સ્વરૂપ અને તેની ઓળખ નક્કી કરવા જે તપાસ કરી હતી તે કાયદેસર હતી. ફરુકી પરિવાર પોતાની તરફેણમાં પૂરતો ઐતિહાસિક પુરાવો રજૂ કરી શક્યો નહોતો. મુજાવર તરીકેની લાંબી સેવા મુતવલ્લીપદનો વારસાગત અધિકાર ઊભો કરતી નથી અને પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટની કલમ 3 આવી ઐતિહાસિક તપાસને રોકતી નથી.

ચુકાદો એટલો મહત્વપૂર્ણ કેમ છે?

આ કેસનો સૌથી મોટો કાયદાકીય અર્થ એ છે કે પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટની કલમ 3ને લઈને એક મહત્વપૂર્ણ ભેદ ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટ કર્યો છે. 1947ની સ્થિતિ જાળવવાનો કાયદાનો હેતુ એક બાબત છે, પરંતુ કોઈ મિલકત અથવા વક્ફની મૂળ ઓળખ શું હતી તેની તપાસ કરવી બીજી બાબત છે. જો કોઈ સત્તાવાર સંસ્થા ઉપલબ્ધ ઐતિહાસિક રેકોર્ડ, મહેસૂલ નોંધો, શિલાલેખ અને અન્ય પુરાવાના આધારે મૂળ સ્વરૂપ નક્કી કરવા તપાસ કરે તો માત્ર પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટનું નામ લઈને એવી તપાસને અટકાવી શકાતી નથી, આ જ આ ચુકાદાનો નોંધપાત્ર સિદ્ધાંત છે.

સાથે જ ચુકાદો એ પણ બતાવે છે કે કોઈ મહજબી સ્થળનું મેનેજમેન્ટ પેઢીઓથી એક પરિવાર પાસે રહ્યું હોય તો એટલા માત્રથી તે પરિવારને કાયદેસર માલિકી અથવા વારસાગત વહીવટી અધિકાર મળી જતો નથી. અનાવાડા કેસમાં કોર્ટએ દસ્તાવેજી પુરાવાને કેન્દ્રમાં રાખીને તપાસ્યું કે સ્થળ જૂના રેકોર્ડમાં કયા નામે હતું, પ્રાચીન શિલાલેખ શું કહે છે, ટ્રસ્ટની નોંધણી વખતે મૂળ દસ્તાવેજો હતા કે નહીં અને મુજાવરથી મુતવલ્લી બનવાની કાયદેસરની પ્રક્રિયા અનુસરાઈ હતી કે નહીં.

અનાવાડાની દરગાહનો વિવાદ એટલે માત્ર એક દરગાહના નામનો વિવાદ નથી. 1953ની ટ્રસ્ટ નોંધણીથી લઈને 2001ની ફરિયાદ, 2003-04ની વક્ફ બોર્ડની કાર્યવાહી, 2011માં મેનેજમેન્ટ અંગેનો હાઇકોર્ટ વિવાદ, 2012ની કોર્ટની રાહત, ત્યારબાદના વક્ફ ટ્રિબ્યુનલના તબક્કા, 2022માં ફરી થયેલી કાનૂની ખેંચતાણ, 2025માં વક્ફ બોર્ડની નવી તપાસ અને ઠરાવ, 2026ના ટ્રિબ્યુનલના નિર્ણય અને અંતે ગુજરાત હાઇકોર્ટના 137 પાનાંના ચુકાદા સુધી ફેલાયેલી આ લાંબી કાનૂની યાત્રા છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં