માંડવીના શિરવામાં 18 વર્ષ જૂનું દબાણ હટાવાયું: પત્રકારની ફરિયાદ બાદ જમીલશા સૈયદનું મકાન-દુકાનો તોડી 1,300 ચો.મી. જમીન મુક્ત કરાઈ

કચ્છના માંડવી તાલુકાના શિરવા ગામમાં સરકારી જમીન પર છેલ્લા 18 વર્ષથી રહેલું દબાણ તંત્ર દ્વારા હટાવવામાં આવ્યું છે. ટ્રાવર્સ નંબર 408 હેઠળની આશરે 1,300 ચોરસ મીટર સરકારી જમીન પર પાક્કું રહેણાક મકાન, બે વરંડા અને બે દુકાનો બનાવવામાં આવી હતી. વહીવટીતંત્ર અને પોલીસની ટીમે કાર્યવાહી કરીને આ તમામ બાંધકામો દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરાવી છે.

મળતી માહિતી મુજબ, જમીલશા કાદરશા સૈયદ દ્વારા આ સરકારી જમીન પર બાંધકામ કરવામાં આવ્યું હતું. તંત્રના જણાવ્યા અનુસાર દબાણવાળી જમીનની જંત્રી પ્રમાણે અંદાજિત કિંમત 6.50 લાખ છે. દબાણ દૂર કરવા માટે વહીવટીતંત્ર દ્વારા આશરે નવ મહિના સુધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જરૂરી મંજૂરી મળ્યા બાદ હવે સ્થળ પર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ સમગ્ર મામલો ‘મિશન માતૃભૂમિ ન્યૂઝ’ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા નકલી સોનાની છેતરપિંડીના સમાચાર બાદ શરૂ થયેલા ઘટનાક્રમ સાથે જોડાયેલો છે. આ સમાચારને લઈને મહિલા પોલીસ કર્મચારી ઉમેરા જમીલશા સૈયદે મિશન માતૃભૂમિ ન્યૂઝના પત્રકાર સાથે ફોન પર વાત કરી હતી અને સમાચાર અંગે વાંધો વ્યક્ત કર્યો હતો. આ વાતચીત દરમિયાન પત્રકારત્વની કામગીરીને લઈને ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ મિશન માતૃભૂમિ ન્યૂઝની કચ્છ, જામનગર, પોરબંદર, સુરત અને પાટણની ટીમોએ શિરવા ગામની સરકારી, ગૌચર અને જાહેર ઉપયોગની જમીન અંગે તપાસ શરૂ કરી હતી. ટીમે સ્થળ મુલાકાતો કરી ફોટોગ્રાફિક પુરાવા, સરકારી રેકોર્ડ, મહેસૂલી વિગતો અને અન્ય દસ્તાવેજો એકત્ર કર્યા હતા. આ આધારે સંબંધિત સત્તાધિકારીઓ તેમજ તત્કાલીન DGP વિકાસ સહાય સમક્ષ લેખિત ફરિયાદ અને ઈ-મેલ મારફતે રજૂઆત કરવામાં આવી હતી.

ફરિયાદ બાદ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને મહેસૂલ વિભાગે તપાસ હાથ ધરી હતી. સ્થળ નિરીક્ષણ અને સરકારી રેકોર્ડની ચકાસણી સાથે સરકારી પંચોની હાજરીમાં જમીનની માપણી પણ કરવામાં આવી હતી. આ દરમિયાન સરકારી કામગીરીમાં અવરોધ અને સરકારી પંચો પર હુમલો કર્યાની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.

તપાસ બાદ ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમની કલમ 202 હેઠળ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી હતી. કલેક્ટર અને મુન્દ્રા પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવા, સર્કલ ઑફિસર, માંડવી પોલીસ તથા વહીવટીતંત્રની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે શિરવા પહોંચી હતી. ટીમે મકાન, બે વરંડા અને બે દુકાનો સહિતનાં બાંધકામો દૂર કરી 1,300 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.

આ સમગ્ર મામલે મિશન માતૃભૂમિએ સરકારી અને ગૌચર જમીન જાહેર સંપત્તિ હોવાથી તેના પરના દબાણ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. હાલ શિરવા ગામમાં તંત્રની કાર્યવાહીથી 1,300 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણ સામે મહેસૂલ વિભાગ અને વહીવટી તંત્રની આ કાર્યવાહી હવે પૂર્ણ કરવામાં આવી છે.