આંતરરાષ્ટ્રીય વેપારમાં દેશો વચ્ચે માલ અને સેવાઓની ખરીદી-વેચાણ જેટલી મહત્વની છે, એટલી જ મહત્વની તેની પાછળ ચાલતી નાણાંની વ્યવસ્થા છે. એક દેશનો વેપારી બીજા દેશના વેપારીને પેમેન્ટ કરે ત્યારે વચ્ચે અલગ કરન્સી, અલગ બેન્કિંગ સિસ્ટમ, નિયમનકારી પ્રક્રિયા અને સેટલમેન્ટની વ્યવસ્થા આવે છે. ખાસ કરીને જ્યારે પેમેન્ટ એક દેશમાંથી બીજા દેશમાં જાય ત્યારે અનેક મધ્યસ્થી બેન્કો સામેલ થતી હોવાથી સમય અને ખર્ચ બંને વધી શકે છે.
હવે BRICSમાં આ વ્યવસ્થાને સરળ બનાવવાની દિશામાં ચર્ચા ચાલી રહી છે. 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાયેલી BRICS સમિટમાં સભ્ય દેશો વચ્ચે નેશનલ કરન્સીમાં વેપાર અને સેટલમેન્ટ વધારવા, ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ્સને જોડવા અને CBDC (સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી) વચ્ચે કનેક્ટિવિટી ઊભી કરવાની શક્યતાઓ પર ચર્ચા થઈ રહી છે. આ મુદ્દે ભારત તરફથી પ્રસ્તાવ લાવવાની શક્યતા પણ છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ પણ કહ્યું છે કે ક્રોસ-બોર્ડર પેમેન્ટ્સમાં ખર્ચ ઘટાડવાની ઘણી શક્યતા છે અને CBDC તથા ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ્સની લિન્કેજ સહિતના વિકલ્પો હજુ ચર્ચાના તબક્કામાં છે.
આ ચર્ચામાં ભારત માટે ખાસ મહત્વનું શું છે? ભારત પાસે UPI છે, જેનાથી દેશની અંદર ડિજિટલ પેમેન્ટનું આખું ચિત્ર બદલાઈ ગયું છે. હવે એ જ અનુભવને આંતરરાષ્ટ્રીય પેમેન્ટ સાથે કેવી રીતે જોડવો અને રૂપિયાનો ઉપયોગ સરહદ પારના વેપારમાં કેવી રીતે વધારવો, એ દિશામાં પણ કામ થઈ રહ્યું છે. એટલે BRICSની પેમેન્ટ ચર્ચા ભારત માટે માત્ર બેન્કિંગ ક્ષેત્રનો મુદ્દો નથી. તેની સાથે રૂપિયા, UPI અને ભારતની ડિજિટલ પેમેન્ટ ક્ષમતાનો આંતરરાષ્ટ્રીય વિસ્તાર પણ જોડાયેલો છે.
અહીંથી ડૉલરનો મુદ્દો પણ આવે છે. વર્ષોથી આંતરરાષ્ટ્રીય વેપાર અને નાણાકીય વ્યવસ્થામાં ડૉલરની ભૂમિકા મોટી રહી છે. BRICSમાં નેશનલ કરન્સીના વધુ ઉપયોગની ચર્ચા આગળ વધે તો વેપારના કેટલાક સોદામાં ડૉલર મારફતે કરન્સી કન્વર્ઝન કરવાની જરૂરિયાત ઘટી શકે છે. ભારત માટે તેનો સીધો અર્થ રૂપિયા માટે વધુ આંતરરાષ્ટ્રીય ઉપયોગની શક્યતા છે.
ડૉલરનું વર્ચસ્વ અહીંથી કેવી રીતે ઘટી શકે?
આજે આંતરરાષ્ટ્રીય વેપારમાં ડૉલરની સૌથી મોટી તાકાત માત્ર તેની કરન્સી તરીકેની કિંમતમાં નથી. વેપારના સેટલમેન્ટથી લઈને વૈશ્વિક નાણાકીય વ્યવસ્થા સુધી ડૉલર અને પશ્ચિમી નાણાકીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મોટું નેટવર્ક ઊભું થઈ ચૂક્યું છે. તેથી જ્યારે બે દેશો પોતાની વચ્ચે વેપાર કરે છે ત્યારે પણ ડૉલર ઘણી વખત વચ્ચેની કરન્સી તરીકે આવે છે.
હવે કલ્પના કરો કે ભારત અને રશિયા વચ્ચેના વેપારનો મોટો હિસ્સો રૂપિયા અને રૂબલમાં સેટલ થઈ શકે, ભારત અને અન્ય BRICS દેશો વચ્ચે પણ નેશનલ કરન્સીમાં સીધું સેટલમેન્ટ વધે અને આ વ્યવહારો માટે અલગથી ડૉલર આધારિત પેમેન્ટ ચેનલ પર નિર્ભર રહેવાની જરૂરિયાત ઓછી થાય. દરેક એક ટ્રાન્ઝેક્શનથી ડૉલરની વૈશ્વિક ભૂમિકા ખતમ થઈ જતી નથી, પરંતુ આવા વ્યવહારોનું પ્રમાણ વધતું જાય તો આંતરરાષ્ટ્રીય વેપારમાં ડૉલરની જરૂરિયાતનો એક ભાગ ચોક્કસપણે ઘટી શકે છે.
અહીં પેમેન્ટ સિસ્ટમ્સની કનેક્ટિવિટી પણ મહત્વની બની જાય છે. જો દેશો પોતાની ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ્સને જોડે અને નેશનલ કરન્સીમાં પેમેન્ટ તથા સેટલમેન્ટ માટે વ્યવસ્થા ઊભી કરે તો ડૉલર આધારિત પરંપરાગત માર્ગની બહાર પણ વેપાર કરવાની ક્ષમતા ઊભી થાય.
ભારત માટે આમાં રૂપિયો મહત્વનો છે. જો BRICSના દેશો સાથે વેપારમાં રૂપિયાનો ઉપયોગ વધે અને વિદેશી વેપારીઓ માટે રૂપિયા રાખવા, સ્વીકારવા અને સેટલમેન્ટ કરવા માટે સરળ વ્યવસ્થા બને તો રૂપિયાની આંતરરાષ્ટ્રીય ઉપયોગિતા વધશે. એ સાથે ભારતીય પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધુ દેશો સુધી પહોંચશે. આ બંને પ્રક્રિયા સાથે ચાલે તો ભારત વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરી શકે છે.
બ્રિક્સમાં પેમેન્ટ વ્યવસ્થાને લઈને શું બદલાવની ચર્ચા છે?
હાલની ક્રોસ-બોર્ડર પેમેન્ટ વ્યવસ્થામાં એક પેમેન્ટને તેના અંતિમ ગંતવ્ય સુધી પહોંચાડવા માટે ઘણી વખત કરસ્પોન્ડન્ટ બેન્ક્સની ચેઇનમાંથી પસાર થવું પડે છે. અલગ દેશોની કરન્સી, અલગ નિયમો અને અલગ સેટલમેન્ટ સિસ્ટમને કારણે પ્રક્રિયા વધુ જટિલ બને છે. ભારતીય કંપની કોઈ વિદેશી સપ્લાયરને પેમેન્ટ કરે ત્યારે કરન્સી કન્વર્ઝન ચાર્જ, મધ્યસ્થી બેન્કની ફી અને સેટલમેન્ટમાં લાગતો સમય, આ બધું ખર્ચમાં ઉમેરાય છે.
BRICSમાં જે મોડલની ચર્ચા છે તેમાં સભ્ય દેશોની પોતાની ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ્સને એકબીજા સાથે જોડવાની શક્યતા છે. ભારતની UPI અને બ્રાઝિલની Pix જેવી સિસ્ટમ્સ વચ્ચે ઇન્ટરઑપરેબિલિટી ઊભી થાય તો અલગ દેશોના પેમેન્ટ નેટવર્ક વચ્ચે સીધી કનેક્ટિવિટી શક્ય બની શકે છે. આ આખી પ્રક્રિયાનો હેતુ પેમેન્ટને ઝડપી બનાવવાનો અને તેમાં લાગતો ખર્ચ ઘટાડવાનો છે. હાલમાં આ બાબતો ચર્ચા અને વિકલ્પોના તબક્કામાં છે.
આ સાથે નેશનલ કરન્સીમાં ટ્રેડ સેટલમેન્ટ વધારવાનો મુદ્દો પણ છે. ઉદાહરણ તરીકે ભારત અને કોઈ બીજો દેશ પરસ્પર વેપારમાં વધુ સોદા રૂપિયા અને તે દેશની પોતાની કરન્સીમાં સેટલ કરી શકે. દરેક સોદાને પહેલા ડૉલરમાં ફેરવીને પછી બીજી કરન્સીમાં રૂપાંતર કરવાની જરૂરિયાત કેટલીક પરિસ્થિતિઓમાં ઘટી શકે છે. આ વ્યવસ્થા કેટલી સરળ બને અને કેટલો ખર્ચ ઘટે, તે આખરે દેશો વચ્ચેની ટેકનિકલ અને નિયમનકારી વ્યવસ્થા પર આધાર રાખશે. પરંતુ વિચારનો મૂળ હેતુ સ્પષ્ટ છે કે વેપાર માટે વધુ સીધા અને ઓછા ખર્ચાળ પેમેન્ટ માર્ગ ઊભા કરવા.
ભારત માટે UPI કેમ મહત્વનું બની શકે?
અહીં ભારતની સૌથી મોટી તાકાત UPI છે. છેલ્લા દસ વર્ષમાં UPI માત્ર ભારતમાં સૌથી વધુ વપરાતી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ્સમાંની એક બની નથી, પરંતુ તેની કામગીરીને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઓળખ મળી છે. PIB અનુસાર નાણાકીય વર્ષ 2025-26માં UPI પર 24,162 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા અને તેનો કુલ મૂલ્ય આશરે ₹314 લાખ કરોડ હતું. IMFએ પણ ટ્રાન્ઝેક્શન વોલ્યુમની દૃષ્ટિએ UPIને વિશ્વની સૌથી મોટી રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખાવી છે.
આ પેમેન્ટ સિસ્ટમ હવે ભારતની સરહદની બહાર પણ પહોંચી રહી છે. PIBના અનુસાર UPI હાલમાં 11 દેશોમાં કાર્યરત છે, જેમાં UAE, ફ્રાન્સ, ભૂટાન, શ્રીલંકા, નેપાળ, સિંગાપોર, મોરિશિયસ, કતર, કંબોડિયા, ગ્રીસ અને માલદીવનો સમાવેશ થાય છે. આ અનુભવ BRICSની ચર્ચામાં ભારતને સ્વાભાવિક રીતે મહત્વની સ્થિતિ આપે છે. જો અલગ દેશોની ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ્સને એકબીજા સાથે જોડવાની વ્યવસ્થા બને તો ભારત પાસે પહેલેથી જ મોટાપાયે ચાલતું અને ઇન્ટરઑપરેબલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં UPIને વધુ દેશોની પેમેન્ટ સિસ્ટમ્સ સાથે જોડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
અહીંથી ભારત માટે એક મોટો વ્યાપક ફાયદો ઊભો થઈ શકે છે. UPIનું આંતરરાષ્ટ્રીય વિસ્તરણ માત્ર ભારતીય પ્રવાસીઓ માટે પેમેન્ટ સરળ બનાવવાનો મુદ્દો નથી. ભવિષ્યમાં વેપાર, સેવાઓ અને અન્ય પ્રકારની સરહદ પારની નાણાકીય લેવડદેવડમાં પણ આવી પેમેન્ટ કનેક્ટિવિટી ઉપયોગી બની શકે છે.
BRICS ડૉલરને હટાવવાની તૈયારી કરી રહ્યું છે?
BRICSની આ ચર્ચાને લઈને સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ડૉલર છે. કારણ કે જો દેશો પોતાની કરન્સીમાં વધુ વેપાર કરવા લાગે અને એકબીજાની પેમેન્ટ સિસ્ટમ્સ સાથે જોડાય તો સ્વાભાવિક રીતે ડૉલર મારફતે થતી કેટલીક લેવડદેવડ ઘટી શકે છે. પરંતુ ભારતે અત્યાર સુધી આ મુદ્દે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. વિદેશમંત્રી એસ. જયશંકરે 2025માં સ્પષ્ટ કર્યું હતું કે ડૉલરને વિશ્વની રિઝર્વ કરન્સી તરીકે બદલવાની ભારતની કોઈ નીતિ નથી. તેમણે એ પણ કહ્યું હતું કે BRICSમાં ડૉલરથી દૂર જવા અંગે કોઈ એકસમાન સ્થિતિ નથી, કારણ કે સભ્ય દેશોના આર્થિક હિતો અલગ-અલગ છે.
એટલે BRICSમાં ચાલી રહેલી ચર્ચા નવી BRICS કરન્સીની શરૂઆત તરીકે નથી. હાલનું ધ્યાન નેશનલ કરન્સીમાં વેપાર વધારવા અને પેમેન્ટના વિકલ્પો ઊભા કરવા પર છે. નવી દિલ્હીની સમિટ પહેલાં પણ ભારત તરફથી એ જ વાત સામે આવી છે કે ક્રોસ-બોર્ડર ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમ પર ભાર છે, જ્યારે BRICSની એક અલગ કરન્સી બનાવવી અથવા ડૉલરને હટાવવો હાલ ભારતના મુખ્ય એજન્ડામાં નથી.

તેમ છતાં લાંબાગાળે તેની અસર ડૉલરના પ્રભુત્વ પર પડી શકે છે. જો ભારત, રશિયા, બ્રાઝિલ અને અન્ય BRICS દેશો વચ્ચે વેપારનો એક મોટો હિસ્સો પોતાની કરન્સીમાં સેટલ થવા લાગે અને તેના માટે પોતાની પેમેન્ટ સિસ્ટમ્સનો ઉપયોગ વધે તો આંતરરાષ્ટ્રીય વેપારમાં ડૉલર માટેના કેટલાક વ્યવહારોના વિકલ્પ ઊભા થશે. એટલે અહીં મુખ્ય વાત ડૉલરને એક જ ઝાટકે હટાવવાની નહીં, પરંતુ દેશો પાસે વધુ રસ્તા હોવાની છે.
ભારત-રશિયા વ્યવસ્થાથી શું સંકેત મળે છે?
ભારત અને રશિયા વચ્ચેની હાલની પેમેન્ટ વ્યવસ્થા આ ચર્ચાને સમજવા માટે ઉપયોગી ઉદાહરણ છે. રશિયાએ સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે ભારત સાથે તેની પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થાથી બંને દેશો વચ્ચેના 96 ટકા દ્વિપક્ષીય વેપારનું સેટલમેન્ટ રૂપિયા અને રૂબલમાં થઈ રહ્યું છે. Sberbank Indiaના વડા ઇવાન નોસોવના જણાવ્યા અનુસાર લગભગ 90 ટકા ટ્રાન્ઝેક્શન 10 મિનિટની અંદર પૂર્ણ થાય છે અને અડધાથી વધુ ટ્રાન્ઝેક્શન એક મિનિટથી પણ ઓછા સમયમાં થઈ જાય છે.
રશિયન તેલની ભારતની ખરીદી અને પશ્ચિમી પ્રતિબંધોને કારણે પરંપરાગત નાણાકીય માર્ગોમાં આવેલી મુશ્કેલીઓ વચ્ચે આ પ્રકારની સ્થાનિક કરન્સી વ્યવસ્થાનું મહત્વ વધ્યું છે. જો આવી વ્યવસ્થા માત્ર બે દેશ પૂરતી મર્યાદિત ન રહે અને BRICSના વધુ દેશો વચ્ચે સરળતાથી કામ કરી શકે તો સ્થાનિક કરન્સીમાં વેપાર કરવાની વ્યવહારિકતા વધી શકે છે.
આ જ કારણસર BRICSની પેમેન્ટ કનેક્ટિવિટી અંગેની ચર્ચા માત્ર સિદ્ધાંતની બાબત નથી. ભારત-રશિયા વચ્ચે જે પ્રકારની વ્યવસ્થા વિકસિત થઈ છે, તેને વધુ દેશો સુધી લઈ જવાની શક્યતા હોય તો તેના માટે ટેકનિકલ માળખું, નિયમનકારી સંકલન અને પેમેન્ટ સિસ્ટમ્સ વચ્ચે ઇન્ટરઑપરેબિલિટી જરૂરી બનશે.
ભારતને રૂપિયા માટે શું ફાયદો થઈ શકે?
સૌથી સીધો ફાયદો રૂપિયા માટે છે. જો ભારતીય કંપનીઓ વધુ દેશો સાથે સીધા રૂપિયામાં વેપાર સેટલ કરી શકે તો આંતરરાષ્ટ્રીય વેપારમાં રૂપિયાની માંગ વધી શકે છે. ભારતીય આયાતકારો અને નિકાસકારો માટે દરેક વ્યવહારને ડૉલર મારફતે રૂટ કરવાની જરૂરિયાત પણ કેટલીક પરિસ્થિતિઓમાં ઘટી શકે છે.
તેની સાથે કરન્સી કન્વર્ઝનનો ખર્ચ ઘટવાની શક્યતા છે. ડૉલર મારફતે સેટલમેન્ટ કરતી વખતે ડૉલર અને રૂપિયા વચ્ચેના વિનિમય દરમાં થતો ફેરફાર પણ વેપારી માટે જોખમ ઊભું કરે છે. બે દેશો પોતાની કરન્સીમાં સીધું સેટલમેન્ટ કરી શકે તો આ પ્રકારનું એક સ્તર ઓછું થઈ શકે છે. જોકે અંતિમ લાભ કેટલો થશે તે સેટલમેન્ટની ચોક્કસ પદ્ધતિ, વિનિમય દર અને બંને દેશોની નાણાકીય વ્યવસ્થા પર આધાર રાખશે.
નાના નિકાસકારો માટે પણ આ મહત્વનું બની શકે છે. મોટી કંપનીઓ આંતરરાષ્ટ્રીય બેન્કિંગના ખર્ચ અને જટિલ પ્રક્રિયાઓને સહન કરી શકે છે, પરંતુ નાના વેપારીઓ માટે દરેક વધારાનો ચાર્જ મહત્વનો હોય છે. ઝડપી અને સસ્તું ક્રોસ-બોર્ડર સેટલમેન્ટ ઉપલબ્ધ થાય તો નિકાસ, પ્રવાસન અને સેવાઓના ક્ષેત્રને તેનો લાભ મળી શકે છે.
આ સાથે એક વ્યૂહાત્મક લાભ પણ છે. વૈશ્વિક નાણાકીય વ્યવસ્થા આજે પણ ડૉલર અને પશ્ચિમી નાણાકીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટા પ્રમાણમાં આધારિત છે. ભૂરાજકીય તણાવ, પ્રતિબંધો અથવા અન્ય કોઈ વિક્ષેપને કારણે પરંપરાગત પેમેન્ટ ચેનલમાં મુશ્કેલી આવે ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ હોવી દેશ માટે મહત્વપૂર્ણ બની શકે છે.
CBDC આમાં ક્યાં કામ આવી શકે?
આ આખી ચર્ચામાં CBDCનો ભાગ થોડો વધુ રસપ્રદ છે. ભારતનો ડિજિટલ રૂપિયો, ચીનનું ડિજિટલ યુઆન અને અન્ય દેશોની સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીને પરસ્પર જોડવાની વ્યવસ્થા બને તો એક દેશમાંથી શરૂ થયેલું પેમેન્ટ બીજા દેશ સુધી ડિજિટલ રીતે સેટલ થઈ શકે છે. પરંપરાગત ક્રોસ-બોર્ડર પેમેન્ટમાં જેટલા મધ્યસ્થી તબક્કા હોય છે, તેમાંના કેટલાકને ઘટાડવાની શક્યતા અહીં ઊભી થાય છે.
RBIએ અગાઉ BRICS દેશોની ડિજિટલ કરન્સીને જોડવાની દરખાસ્ત કરી હતી, જેથી વેપાર અને પ્રવાસન સંબંધિત પેમેન્ટ્સને સરળ બનાવી શકાય. ઝડપ અને કાર્યક્ષમતા તેનો મોટો ફાયદો બની શકે છે. પરંતુ બે દેશોની પેમેન્ટ એપ્સને એકબીજા સાથે જોડવા જેટલું સરળ CBDCનું આંતરરાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું નથી.
અલગ દેશોના નિયમો અલગ છે. ક્યાંક કેપિટલ કંટ્રોલ્સ છે, ક્યાંક ડેટા પ્રાઇવસીના કડક નિયમો છે તો ક્યાંક સાયબર સિક્યોરિટી માટે અલગ માપદંડ છે. મોનેટરી પોલિસી પણ દરેક દેશની પોતાની હોય છે. આ ઉપરાંત કરન્સીનો વિનિમય દર કેવી રીતે નક્કી થશે, આખી સિસ્ટમનું સંચાલન કોણ કરશે, કોઈ ટ્રાન્ઝેક્શનમાં છેતરપિંડી થાય તો જવાબદારી કોની રહેશે અને બે દેશો વચ્ચે વિવાદ ઊભો થાય તો તેનું નિરાકરણ કેવી રીતે આવશે, આ બધા પ્રશ્નોના જવાબ જરૂરી બનશે.
ભારત આ બાબતમાં સાવધ કેમ છે?
ભારત માટે પેમેન્ટ કનેક્ટિવિટી વધારવી મહત્વની છે, પરંતુ નાણાકીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા ડેટા અને સુરક્ષાના પ્રશ્નોને અવગણી શકાય નહીં. ભારતનું અર્થતંત્ર હજુ પણ ડૉલર આધારિત વૈશ્વિક નાણાકીય વ્યવસ્થા સાથે જોડાયેલું છે અને અમેરિકા ભારતના મહત્વના વેપાર તથા રોકાણ ભાગીદારોમાંનું એક છે. તેથી અચાનક આખી વ્યવસ્થાથી અલગ થઈ જવાનું ભારત માટે વ્યવહારુ પણ નથી અને તેની કોઈ જરૂરિયાત પણ દેખાતી નથી.
તાજેતરમાં UPI અને Alipay+ વચ્ચેની કનેક્ટિવિટીનો મુદ્દો પણ આ સમજવામાં મદદ કરે છે. અહેવાલ અનુસાર ભારતે આ પ્રસ્તાવને રાષ્ટ્રીય સુરક્ષા, ડેટા પ્રાઇવસી, મની લોન્ડરિંગ અને સાયબર ફ્રોડ સંબંધિત ચિંતાઓને કારણે અટકાવ્યો છે. આથી એક વાત સ્પષ્ટ થાય છે કે ભારત આંતરરાષ્ટ્રીય પેમેન્ટ કનેક્ટિવિટી વધારવા માગે છે, પરંતુ સંવેદનશીલ નાણાકીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેટા પરનું નિયંત્રણ છોડીને નહીં.
એટલે ભારતની સમગ્ર દિશાને ડૉલરથી ડિ-ડૉલરાઇઝેશન તરફના વળાંક કરતાં ડાયવર્સિફિકેશન તરીકે સમજવી વધુ યોગ્ય છે. રૂપિયાનો ઉપયોગ વધારવો, સ્થાનિક કરન્સીમાં વેપાર વધારવો, UPIને વધુ દેશો સુધી લઈ જવું અને CBDC જેવી ટેકનોલોજી માટે આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી શોધવી, આ બધાં પગલાં એક જ વ્યાપક દિશાનો ભાગ છે.
સમિટમાં શું જોવાનું રહેશે?
હવે નજર નવી દિલ્હી પર છે. ભારત 12 અને 13 સપ્ટેમ્બરે 18મી BRICS સમિટની યજમાની કરી રહ્યું છે અને નેશનલ કરન્સીમાં ક્રોસ-બોર્ડર પેમેન્ટ્સ તથા ફાઇનાન્શિયલ કનેક્ટિવિટી આ સમયના મહત્વના એજન્ડામાં છે. 9 અને 10 સપ્ટેમ્બરે BRICSના નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેન્ક ગવર્નર્સની બેઠકોમાં પણ સ્થાનિક કરન્સીમાં સેટલમેન્ટ અને પેમેન્ટ વ્યવસ્થાને લઈને ચર્ચા થઈ રહી છે.
આ સમિટમાં કોઈ નવી BRICS કરન્સીની જાહેરાત થશે એવું નથી. હાલમાં જે ચર્ચા છે તે વધુ વ્યવહારુ છે, કઈ રીતે સભ્ય દેશો વચ્ચે વેપાર માટે નેશનલ કરન્સીનો ઉપયોગ વધારી શકાય, કઈ રીતે પેમેન્ટ સિસ્ટમ્સ એકબીજા સાથે જોડાઈ શકે અને CBDC જેવી ટેકનોલોજીનો ઉપયોગ ક્યાં સુધી થઈ શકે. જો આ દિશામાં કોઈ ચોક્કસ રોડમૅપ, પાયલટ પ્રોજેક્ટ અથવા પેમેન્ટ સિસ્ટમ્સ વચ્ચેની કનેક્ટિવિટી અંગે સહમતી બને તો તે આગળના તબક્કા માટે મહત્વપૂર્ણ હશે. કારણ કે આજની તારીખે ચર્ચા થઈ રહી છે, વિકલ્પો તપાસાઈ રહ્યા છે અને દેશો પોતાની સ્થિતિ નક્કી કરી રહ્યા છે.
ભારત માટે આ આખી પ્રક્રિયાનો સૌથી મોટો અર્થ કદાચ એ છે કે દેશમાં સફળ થયેલી ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થાને આંતરરાષ્ટ્રીય નાણાકીય કનેક્ટિવિટીમાં કેટલી રૂપાંતરિત કરી શકાય. UPI પહેલેથી જ 11 દેશોમાં પહોંચી ચૂક્યું છે, રૂપિયા માટે આંતરરાષ્ટ્રીય ઉપયોગ વધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને CBDCના ક્ષેત્રમાં પણ ભારત આગળ વધી રહ્યું છે.
આગળ જઈને જો BRICSના દેશો વચ્ચે નેશનલ કરન્સીમાં વેપાર વધે, ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ્સ જોડાય અને CBDC માટે પણ ઇન્ટરઑપરેબિલિટી ઊભી થાય તો આંતરરાષ્ટ્રીય વેપારમાં ડૉલર સિવાયના રસ્તાઓનું મહત્વ વધશે. ભારત માટે આનો અર્થ માત્ર ડૉલરથી અંતર બનાવવાનો નહીં, પરંતુ પોતાના રૂપિયા અને પોતાના પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ ઉપયોગી બનાવવાનો હશે.
છેલ્લે મુદ્દો એટલો જ છે કે વૈશ્વિક નાણાકીય વ્યવસ્થા એક જ દિવસમાં બદલાવાની નથી. ડૉલરનું સ્થાન આજે પણ મોટું છે, એને નકારી શકાય એમ નથી અને ભારત પોતે પણ તે વ્યવસ્થાનો મહત્વનો ભાગ છે. પરંતુ દેશો જેટલા વધુ પેમેન્ટ માર્ગ ઊભા કરે, તેટલી તેમની નાણાકીય સ્થિતિસ્થાપકતા વધે. BRICSની હાલની ચર્ચા આ જ દિશામાં આગળ વધી રહી છે.
અને જો ભારત આ પ્રક્રિયામાં UPIની ટેકનોલોજી, રૂપિયાના વધતા આંતરરાષ્ટ્રીય ઉપયોગ અને CBDCની સંભાવનાને એકસાથે આગળ લઈ જઈ શકે તો BRICSની આ ચર્ચા ભારત માટે માત્ર ડૉલરના વિકલ્પની શોધ નહીં રહે. તે ભારતના પોતાના ડિજિટલ પેમેન્ટ મોડલને વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં વધુ મોટી ભૂમિકા અપાવવાની તક પણ બની શકે છે.


