બાંગ્લાદેશની જેલમાં બંધ હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસનાં માતાનું નિધન, અંતિમ સંસ્કાર માટે પ્રશાસને આપ્યા માત્ર પાંચ કલાકના પેરોલ

બાંગ્લાદેશમાં શેખ હસીનાનું શાસન ઉથલાવ્યા બાદ હિંદુ લઘુમતીઓ પર થતા અત્યાચારો બાદ ઇસ્કોન બાંગ્લાદેશના પૂર્વ સંત અને ‘સંમિલિત સનાતની જાગરણ જ્યોત’ના પ્રવક્તા ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારી સામે ત્યાંની નવી યુનુસ સરકારે અનેક કેસ દાખલ કરીને તેમને જેલભેગા કરી દીધા હતા. તેમનાં માતાનું તાજેતરમાં નિધન થઈ ગયું. જેના અંતિમસંસ્કાર માટે બાંગ્લાદેશની પ્રશાસને ચિન્મય કૃષ્ણદાસને માત્ર પાંચ કલાકના પેરોલ આપ્યા હતા. તેમનો આ દરમ્યાનનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ચિન્મય કૃષ્ણ દાસના માતા સંધ્યા રાની ધર કેન્સરથી પીડિત હતાં અને ચટગાંવની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. પુત્રને ખોટા કેસોમાં જેલમાં પૂરી રાખવા, વારંવાર જામીન રદ કરવા અને જેલમાં તેની તબિયત લથડવાના સમાચારોથી તેઓ માનસિક રીતે સંપૂર્ણ ભાંગી પડ્યાં હતાં. હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેવાને બદલે તેમણે પોતાના પુત્રના આશ્રમ ‘શ્રી શ્રી પુંડરીક ધામ’ ખાતે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જ્યાં 10 સપ્ટેમ્બરની સવારે વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

માતાના અવસાન બાદ ચિન્મય કૃષ્ણ દાસના પરિવારે તેમને અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે જેલમાંથી પેરોલની અરજી કરી હતી. પરંતુ બાંગ્લાદેશી પ્રશાસને માત્ર 5 કલાકના પેરોલ મંજૂર કર્યા હતા. કડક પોલીસ સુરક્ષા વચ્ચે તેમને હાથઝારી સ્થિત આશ્રમે લઈ જવામાં આવ્યા હતા અને માતાની અગ્નિદાહ વિધિ પૂર્ણ થતાં જ તેમને ફરી જેલમાં મોકલી દેવાયા હતા.

રાષ્ટ્રધ્વજના અપમાનના ખોટા બહાને 2024માં કરાઈ હતી ધરપકડ

ઉલ્લેખનીય છે કે, ઑક્ટોબર 2024માં ચટગાંવના કોતવાલી પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાના પાયાવિહોણા આક્ષેપો સાથે 19 હિંદુઓ સામે FIR નોંધવામાં આવી હતી. આ જ કેસમાં 25 નવેમ્બર 2024ના રોજ ઢાકા એરપોર્ટ પરથી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તેમને કોર્ટમાં રજૂ કરાયા ત્યારે જામીન ફગાવી દેવાયા અને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

ચિન્મય દાસની ધરપકડ બાદ થયેલાં વિરોધ પ્રદર્શન દરમિયાન કોર્ટ પરિસરમાં વકીલ સૈફુલ ઈસ્લામ અલીફની હત્યા થઈ હતી. આ ઘટનામાં ચિન્મય દાસનો કોઈ હાથ ન હોવા છતાં બાંગ્લાદેશી પોલીસે હિંદુ નેતાને આ હત્યા કેસમાં પણ આરોપી બનાવી દીધા હતા. આ ઉપરાંત તેમની સામે અદાલતો પર હુમલા, સરકારી કામમાં અડચણ અને બૉમ્બ વિસ્ફોટ જેવા અનેક તથ્યહીન કેસો પણ ઠોકી દીધા છે.

હાઇકોર્ટે બે કેસમાં જામીન આપ્યા, પણ જેલમાંથી બહાર આવવા ન દીધા

બાંગ્લાદેશ હાઇકોર્ટે તાજેતરમાં ચિન્મય કૃષ્ણ દાસને તોડફોડ અને સરકારી કર્મચારીઓને રોકવાના બે કેસોમાં જામીન આપ્યા હતા. પરંતુ તેમની સામે રાજદ્રોહ અને હત્યા જેવા અન્ય 4 ગંભીર કેસો ચાલુ હોવાથી તંત્રે તેઓ જેલની બહાર આવી શક્યા નથી. તેમની કાયદાકીય ટીમે વારંવાર તબિયતની દલીલ કરવા છતાં તેમના જામીન અટકાવી રાખ્યા છે.

ISKCON સાથે જોડાયેલા ચિન્મય કૃષ્ણ દાસે ઑગસ્ટ 2024માં શેખ હસીનાના પતન બાદ હિંદુઓ પર થયેલા હુમલાઓ સામે બાંગ્લાદેશમાં વિશાળ રેલીઓ યોજી હતી. તેઓ સનાતની હિંદુઓની સુરક્ષા અને અધિકારો માટે અવાજ ઉઠાવી રહ્યા હતા, જેને દબાવવા માટે બાંગ્લાદેશી સત્તા તેમની પાછળ પડી ગઈ છે.

ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ ભારત સરકારે પણ સત્તાવાર નિવેદન જારી કરીને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારને હિંદુઓ તથા તમામ અલ્પસંખ્યકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા આહ્વાન કર્યું હતું.